આપણા ગુજરાતના એક પાઠયપુસ્તકમાં હરિહર ભટ્ટની એક બહુ જાણીતી કવિતા ભણવામાં આવતી હતી – “એક જ દે ચિનગારી". કવિતા બહુ સારી છે, પણ નવી પેઢીનાં વિદ્યાર્થીઓ આ કવિતાનું પોતાની દૃષ્ટિએ મૂલ્યાંકન કરતાં કહે છે : કવિ લખે છે કે "ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી”. સાહેબ, ચાંદો નથી સળગ્યો. ચાંદો જો સળગતો હોત તો નીલ આર્મસ્ટ્રોંગ સલામત પાછા કેમ આવ્યા ? બીજું સાહેબ, આ કવિતામાં કવિ ફરિયાદ કરે છે કે "ના સળગી એક સગડી મારી. વાત વિપતની ભારી”. સર, સગડી એટલે શું ? અમે "સગડી" જોઈ જ નથી. કવિ પાસે માચીસ નથી?
પાઠ્યપુસ્તકની કવિતા સામે નવી પેઢીનો આવો પ્રતિભાવ છે. આપણા કરતાં નવી પેઢીનાં વિદ્યાર્થીઓ ખૂબ હોશિયાર છે, એ સત્ય વડીલો સ્વીકારવા તૈયાર થતા નથી, એ હકીકત છે. દવાઓની જેમ કેટલીક કવિતાઓને પણ એક્સપાયરી ડેટ આવતી હોય છે. મારે અહીં વિખ્યાત સર્જક ગુલઝારની વાત કરવી છે. ગુલઝારે એની દીકરી માટે પોતે જ એક પાઠ્યપુસ્તક તૈયાર કર્યું હતું. "કિતાબ" નામે એક ફિલ્મ પણ બનાવી હતી એ બહુ જાણીતી વાત છે. હમણાં હું મરાઠીભાષાનું દસમાં ધોરણનું પાઠ્યપુસ્તક વાંચતો હતો, એમાં ગુલઝારે "ફેમિલી ટ્રી" શીર્ષક નીચે સુંદર પાઠ લખ્યો છે. મને આશ્ચર્ય એ વાતનું થયું કે મરાઠીઓ પોતાની ભાષા વિષે ખૂબ જ સંવેદનશીલ છે છતાં ગુલઝાર જેવા બીજી ભાષાના સર્જકને પાઠ્યપુસ્તકમાં સ્થાન આપે છે એ મરાઠીઓનું ખુલ્લાપણું દર્શાવે છે. હવે ગુલઝારનાં જ શબ્દોમાં તમે આ "ફેમિલી ટ્રી" પાઠના કેટલાક અંશો એન્જોય કરો ……
"મારા બગીચામાં મેં એક વૃક્ષ વાવ્યું હતું. આ વૃક્ષ મને રાખીએ આપ્યું હતું. એ વૃક્ષની મેં ખૂબ માવજત કરી. રોજ પાણી પાઉં. ખાતર નાખું. પણ વૃક્ષ મોટું થતું જ નહોતું. મને થતું આ વાવેલું વૃક્ષ કેમ ઊગતું નથી ? મારી આ મૂંઝવણ જોઇને રાખી બોલી, "વૃક્ષ એમ મોટું નહિ થાય. વૃક્ષ સાથે બોલવું જોઈએ. વાતો કરવી જોઈએ. અમારે બંગાળમાં વૃક્ષો સાથે વાત કરવાની પરંપરા છે. વૃક્ષ એક નાના બાળક જેવું હોય છે. કોઈ એની સાથે વાત જ નહિ કરે તો કેવી રીતે ઊગશે ?" પછી તો હું વૃક્ષ સાથે વાતો કરવા લાગ્યો. દિવસો પસાર થવા લાગ્યા. વાવેલા વૃક્ષ સાથે મારી ગુફ્તગુ ચાલુ રહી. પછી મારા આશ્ચર્ય વચ્ચે વૃક્ષ વધવા લાગ્યું. મોટું થઇ ગયું .. આજે તે વિશાળ વૃક્ષ બની ગયું છે. રાખી ક્યારેક ક્યારેક આવે છે ત્યારે તે વૃક્ષ સાથે બહુ વાતો કરે છે. વૃક્ષ પાસે બેસે છે. આ વૃક્ષ મને ખૂબ પ્રિય છે કારણ કે તે રાખીએ આપેલું છે."
"મારા બગીચામાં એક ચંપાનું વૃક્ષ છે. ચંપાનું વૃક્ષ મોટું થયું ત્યારે એની કોઇ પણ ડાળીએથી પાન તોડતો ત્યારે એમાંથી દૂધ જેવું સફેદ પ્રવાહી નીકળતું એટલે હું ચંપાના વૃક્ષને "બડી મા" (મોટી બા) કહેતો. એ વૃક્ષનું નામ જ બડીમા પડી ગયું છે. ચંપાનાં વૃક્ષની મજા એ છે કે એને ફૂલો આવે કે પાન ગાયબ થઇ જાય અને જેવા પાન આવે કે ફૂલો ગાયબ થઇ જાય. પાન અને ફૂલની સંતાકૂકડી જોવાની મને ખૂબ મજા આવતી જાણે કે મોટી બાના ખભા ઉપર પાન અને ફૂલો કૂદાકૂદ કરતાં હોય …"
આ શબ્દો ગુલઝારના છે. અહીં તમે જુઓ કે વિદ્યાર્થીઓ આ પાઠ દસમાં ધોરણમાં ભણે છે.ખૂબ રસપૂર્વક વાંચે છે. વિદ્યાર્થીઓમાં પર્યાવરણ અને વૃક્ષપ્રેમ આપોઆપ જન્મે છે. આપણા ગુજરાતી પાઠ્યપુસ્તકો તદ્દન નિરસ લાગવાનું કારણ એ છે કે તે બંધિયાર થઇ ગયા છે. બીજી ભાષાની કોઈ ઉત્તમ કૃતિ હોય તો એને ગુજરાતી પાઠ્યપુસ્તકમાં સ્થાન શા માટે નહિ ? હું ગુજરાતી સાહિત્યના ઉત્તમ સર્જકોની તૌહીન નથી કરતો. સહુ આદરણીય છે પણ આ ઈશ્યુ ઓપનનેસ(ખુલ્લાપણું)નો છે.
દસમાં ધોરણના આ પુસ્તકમાં જનાબાઈ કચરું ગિન્હેંએ લખેલો એક પાઠ છે. તમને જાણીને બહુ નવાઈ લાગશે કે જનાબાઈ કોઈ સાહિત્યકાર નથી. કવિ નથી. મરાઠી સાહિત્યમાં એનું કોઈ સ્થાન નથી છતાં જનાબાઈએ એક સુંદર પિસ લખ્યો કે તરત એને દસમાં ધોરણની ટેકસબુકમાં સ્થાન મળી ગયું. પાઠનું શીર્ષક છે : "હિક્ડ આડ તિકડે વિહીર" (એક બાજુ કૂવો અને બીજી બાજુ દરિયો) જનાબાઈને બી.એડ. થઈને શિક્ષિકા બનવું હતું .ભણવાની લગન હતી પણ એનો બાપ કચરો વીણનાર ગરીબ હતો. છતાં જનાબાઈ કેવી રીતે ભણી એનું હૃદયસ્પર્શી બયાન છે. જનાબાઈ લખે છે : "નિશાળમાં પી.ટી.નો પિરિયડ આવતો. શાજનાબાઈના છે .. જુરીરિક શિક્ષણના આ પિરિયડ માટે મને પેન્ટ અને શર્ટના યુનિફોર્મની જરૂર હતી. આખા યુનિફોર્મ અને બૂટ-મોજાં માટે 86 રૂપિયા ભરવાના હતા. મારા બાપ પાસે 86 પૈસા પણ નહોતા એ 86 રૂપિયા ક્યાંથી કાઢે ? પી.ટી. ટીચરે મને યુનિફોર્મ નહોતો એટલે બહાર કાઢી મૂકી. હું હોસ્ટેલના રૂમમાં રડતી બેસી રહી. પણ મારી ભણવાની જિદ ઉપર હું મક્કમ હતી.” આ શબ્દો બાળકોને પ્રેરે છે.
દોષનો બધો જ ટોપલો શિક્ષકો ઉપર ઢોળી દેવો એ બરાબર નથી. શિક્ષક દિન દરરોજ હોય છે. બાકી નિશાળો તો ચાલે છે, બાળકો ચાલતાં નથી.
સૌજન્ય : અનિલભાઈ જોશીની ફેઇસબૂક દિવાલેથી સાદર, 20 નવેમ્બર 2021