પુસ્તક પરિચય
ધરમપુરના કર્મશીલ ભીખુભાઈ વ્યાસની આજીવન સમાજસેવાને સમયોચિત અંજલિ આપતું પુસ્તક
ભેખધારી સમાજસેવક ભીખુભાઈ વ્યાસ (1930-2022) અને તેમના પત્ની કોકિલાબહેને ત્રીસેક વર્ષની અવિરત કર્મશીલતાથી દક્ષિણ ગુજરાતના ખૂબ અવિકસિત ધરમપુર વિસ્તારની કાયાપલટ કરી.
ભીખુભાઈના પ્રથમ સ્મૃતિદિન, પાંચમી જૂનને અનુલક્ષીને ‘નિ:શેષ સમર્પણની યાત્રા : ભીખુભાઈ વ્યાસ સ્મરણગ્રંથ’ પુસ્તક પ્રસિદ્ધ થયું છે. તેનું પ્રકાશન વલસાડ જિલ્લાના બિલપુડી મુકામે આવેલી સંસ્થા ‘વનપથ ટ્રસ્ટે’ કર્યું છે.
શિક્ષણના અભ્યાસી અને લેખક મનસુખ સલ્લાના સંપાદનમાં અર્થપૂર્ણ મુખપૃષ્ઠ અને અનેક તસવીરો સાથેનું દોઢસો પાનાંનું આ પુસ્તક સુઘડ અને સુરુચિપૂર્ણ બન્યું છે.
અંજલિ આપનાર સાડત્રીસ વ્યક્તિઓમાં કોકિલાબહેન ,‘વનપથ’ના કાર્યકરો, ભીખુભાઈની તાલીમમાં તૈયાર થઈને અનેક સંસ્થાઓમાં સક્રિય કાર્યકર્તાઓ અને શિક્ષકો; ઉપરાંત સમાજશાસ્ત્ર, માધ્યમો, જાહેરજીવનના અગ્રણીઓ તેમ જ પરિવારજનોનો સમાવેશ થાય છે. ‘હૃદયભાવ’ વિભાગના તેર પાનાંમાં ભીખુભાઈના અવસાન પછીના દિવસોના આવેલા પત્રો છે.
લેખોમાં દેખાતાં કેટલાંક પુનરાવર્તનનો ઉલ્લેખ કરીને સંપાદક લખે છે : ‘ભીખુભાઈની પારદર્શકતા, સમતા, સમર્પણ અને વ્યવહારની સરળતા અને નિર્મળતાએ લગભગ તમામ લખનારની કલમને આકર્ષી છે. વળી ભીખુભાઈ અને કોકિલાબહેનની સાથેના સંબંધને સૌએ પોતપોતાની રીતે વ્યક્ત કર્યો છે તે પણ રસપ્રદ છે.’
કોકિલાબહેન, મનસુખભાઈ અને સમાજશાસ્ત્રી સત્યકામ જોષી ઉપરાંત મોહન મઢીકર અને ઉર્વીન શાહના લેખોમાંથી ભીખુભાઈના જીવનકાર્યનો આલેખ મળે છે, જ્યારે તામછડીના કાર્યકર્તા જમસુ બોચલનો લેખ ધરમપુરના કામની વિગતો માટે નોંધપાત્ર છે.
દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના વાલોડ ગામમાં ગોરપદું કરનાર પિતાને ત્યાં જન્મેલા ભીખુભાઈએ પચાસ કિલોમીટર પર આવેલા સુરતથી બી.એસ.સી. થયા બાદ સારા પગારની નોકરી જતી કરીને ગરીબોના ઉત્થાન અને ગ્રામવિકાસના કામોમાં ઝંપલાવ્યું.
પ્રગતિશીલ ક્રાંતિકારી વિચારધારા ધરાવતા સમવિચારી યુવાસાથીઓએ મળીને સમાજવાદી સમાજરચનાના ધ્યેય સાથે ‘જુગાન્તર જૂથ’ની સ્થાપના કરી. ગામના સ્થાપિત વર્ગ સાથે સંઘર્ષ પણ થયો.
નવરચનાનો સાચો રાહ મળ્યો તે પડોશના જ ગામ વેડછીના જુગતરામ દાદા થકી. ભીખુભાઈ વેડછી આશ્રમમાં જોડાયા અને આશ્રમની ગાંધીવિચાર પર આધારિત રચનાત્મક પ્રવૃત્તિમાં ઓતપ્રોત થયા.
અધ્યાપન મંદિરમાંથી પી.ટી.સી.ની તાલીમ લઈને ત્યાં જ શિક્ષક બન્યા. તેમાં કર્મનિષ્ઠ શિક્ષકો તૈયાર કરવા ઉપરાંત 1955ના અરસામાં આજુબાજુના વિસ્તારમાં શોષિત-વંચિત આદિવાસીઓ માટે ગ્રામસેવાના કાર્યક્રમોનો આરંભ કર્યો.
ત્રીસેક વર્ષ દરમિયાન ભીખુભાઈએ અલ્લુભાઈ અને બાબુભાઈ શાહ તેમ જ અન્ય કર્મશીલો સાથે સઘન ક્ષેત્ર વિકાસ યોજના હેઠળ વિવિધ કાર્યક્રમો દ્વારા ચાળીસ ગામોને બેઠાં કર્યાં. તેમાં હળપતિઓના આવાસો, શિક્ષણ સંસ્થાઓ, બાયોગૅસ પ્લાન્ટ તેમ જ ગ્રામોદ્યોગો માટેના તાલીમકેન્દ્રોનો સમાવેશ થાય છે.
ભીખુભાઈ-કોકિલાબહેનનાં કામનો અન્ય તબક્કો તે ગરીબ બાળકો માટેનો. દક્ષિણ ગુજરાતમાં ખાંડના કારખાનામાં ‘કોયતા’ તરીકે ઓળખાતા શેરડી કાપનારા સ્થળાંતરિત મજૂરોને કારખાનાના માલિકો દોજખભરી દશામાં રાખતા. એમનાં બાળકોની હાલત ‘ભૂંડનાં બચ્ચાં કરતાં બદતર’.
કોકિલાબહેન – ભીખુભાઈએ તેમનાં માટે વીસ-પચીસ યુવા કાર્યકર્તાઓને તાલીમ આપીને માટે 40-50 બાળવાડીઓમાં શિક્ષણ અને પોષક નાસ્તો મળે તેવી વ્યવસ્થા કરી.
સ્વીડનની ‘ટફ’ સંસ્થાની સહાયથી બારેક વર્ષ સુધી ચલાવેલા આ કામનો સંતોષ ભીખુભાઈના શબ્દોમાં ‘સ્માઇલ ફૉર અ વ્હાઇલ’ એટલે બાળકોના ચહેરા પર – ભલે કાયમ માટેનો નહીં – પણ પળવારનો ય મલકાટ લાવવાનો હતો.
આઈ.આઈ.એમ. સંસ્થાના 1985ના અરસાના એક અહેવાલ મુજબ ધરમપુર દેશનો સહુથી ગરીબ તાલુકો સાબિત થયો હતો. એટલે 1986-87ની આસપાસ વ્યાસ દંપતી ધરમપુરમાં ધૂણી ધખાવીને બેઠાં, ઝીણાભાઈ દરજીનો વર્ષોનો સંગાથ પણ ચાલુ રહ્યો.
ધરમપુરની સંઘર્ષ અને નવરચનાની યાત્રા ભીખુભાઈ પાસે તૈયાર થયેલા ચોખરપાડાના કર્મશીલ સંતુભાઈ વર્ણવે છે :
‘ભીખુભાઈ આજથી 40 વર્ષ પહેલાં ધરમપુરમાં આવ્યા ત્યારે અમારા લોકોની પરિસ્થિતિ ખૂબ જ દયનીય હતી. અઠવાડિયામાં એકાદ દિવસ અમને ભાત ખાવાનો મળતો. બાકીના દિવસો જંગલમાંથી ભાજી-પાન-કંદમૂળ વગેરે પર જીવતાં.
‘કેરીની સિઝનમાં કુટુંબના દસ-બાર જણના વચ્ચે એકાદ આખી રાજપુરી કેરી ખાવા મળતી. ચોમાસા બાદ પાણી અદૃશ્ય થઈ જતું. પીવાનું પાણી મેળવવા ઓછામાં ઓછું ચાર-પાંચ કિલોમીટર ચાલવું પડતું.
‘ઘરોનાં છાપરાં ઘાસથી ઢાંકતાં. ચોમાસામાં ઘરમાં સર્વત્ર પાણી રહેતું. રસ્તા તો હતા જ નહીં. એક ગામથી બીજા ગામે જવું હોય તો 20-30 કિલોમીટર ચાલીને જવું પડતું.
‘ભીખુભાઈ-કોકિલાબહેન આવ્યાં બાદ આજે ચાલીસ વર્ષ પછી અમારાં ખેતરમાં ભાત અને કેરીઓ પકવીએ છીએ અને ભરપૂર ખાઈને વેચીએ છીએ. ઘરે ઘરે પાણી આવ્યું છે. કૂવા અને ચેકડૅમોને કારણે ધરમપુર હરિયાળું બન્યું છે. પાકા રસ્તાઓને કારણે ઊંડાણના ગામોમાં પહોંચી શકાય છે.
‘દરેક ગામમાં મોટરસાઇકલો આવી છે. અમારું ધરમપુર આજે રળિયાતું બન્યું છે એનો શ્રેય કોકિલાબહેન અને ભીખુભાઈને આપવો જ રહ્યો.’
કર્મશીલના આ શબ્દો ટાંકીને સત્યકામ જોશી ભીખુભાઈના પ્રચંડ કામની આંકડા સહિત માહિતી આપે છે, જેમાં પહેલાં ક્રમે શિક્ષણ છે.
અંજલિ વત્તા દસ્તાવેજ તરીકે તૈયાર થયેલાં આ પ્રકારના પુસ્તકમાં સંપાદક પાસે, પરિશિષ્ટ તરીકે નાયકના પદ્ધતિસર આલેખાયેલા જીવનક્રમની અનિવાર્યતા રહે. ભીખુભાઈ જેવા કાર્યક્ષમ સંસ્થાસંચાલકના કિસ્સામાં મોટે ભાગે સુલભ જ હોય ,અન્યથા તે તૈયાર કરવી ઘટે.
જો કે અહીં ભીખુભાઈના વ્યક્તિત્વનાં અનેક પાસાં ઉજાગર થાય છે. સાઠેક વર્ષની ઉંમરે ધરમપુરનું મિશન શરૂ કર્યું. તેના પછી જાતે કામ્પ્યુટર શીખીને તેનો સંસ્થાના કામ માટે ભરપૂર ઉપયોગ કરતા.
હિંચકા પર બેસીને મીઠા કંઠે ભજન ગાતા, કિસ્સા અને ટૂચકા સંભળાવતા. અઠ્યાશીમાં વર્ષ સુધી બસમાં પ્રવાસ કરતા. ક્યારે ય ગુસ્સે ન થતા, ધીરજ ન ગુમાવતા.
વિદ્યાર્થીઓ-કાર્યકર્તાના પરિવારના સ્વજન બનતા. પત્નીનાં સપનાં વ્યક્તિગત જીવનમાં જ નહીં પણ જાહેર જીવનમાં પણ પૂરાં કરવા લાગી જતા.
ભીખુભાઈને મળેલા સન્માનોનો ઉલ્લેખ કરીને સંપાદક લખે છે : ‘પણ એવૉર્ડની બાબતમાં એ નિ:સ્પૃહ. નહીં તો એમનું કામ જે કક્ષાનું હતું તેમાં ઘણી મોટી કદર થવી જોઈતી હતી.’
[‘દિવ્ય ભાસ્કર’ માં આજે આવેલો મારો લેખ થોડાં ઉમેરણ સાથે]
પુસ્તકનું પ્રકાશન અને પ્રાપ્તિસ્થાન : વનપથ ટ્રસ્ટ, બિલપુડી, તા. ધરમપુર, જિ. વલસાડ. કિંમત : જણાવેલ નથી
02 જુલાઈ 2023
[લેખના શબ્દો 715]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર