નેવું થયાં
હા, નેવું થયાં છે.
અને
જીવનસેતુ તળેથી
વહી ગયાં છે પુષ્કળ પાણી !
ઊછળતાં પાણી
કિનારા ફલંગતાં પાણી !
પાણીને મેં જાણ્યાં છે
ચાલ્યાં છે, માણ્યાં છે
પાણી શક્તિ
લૌકિક, અલૌકિક દૃષ્ટિ !
પાણી બગીચા,
મખમલિયા ગાલીચા.
પાણી રંગ-સુગંધ
પાણી અંતરનો મોરચંગ
પાણી મોતી
અદ્દભુત જ્યોતિ !
પાણી બુંદ, પાણી સમદર
પાણી સૌ પ્રશ્નોનો ઉત્તર
પાણીના સહયોગે માણસ
બની જતો ઝળહળતું ફાનસ !
ચઢે હિમાલય, ખેડે સાહસ
બની જતો એ દરિયાલાલ
ખોલે નવ્ય જગતનાં દ્વાર
પાણીનો સહયોગ હતો કે
આ બંદાએ કરી કવિતા
છલકાવી છે શબ્દસરિતા
ઊથલપાથલ પણ કરી છે
સિંહો-શી આફતની સાથે બાથ ભરી છે !
પણ હવે થયાં છે નેવું
ને કહ્યું છે આવું કોકે
કે નેવામાં પાણી ચડે નહીં મોભે
તો વળી ભીતર
બોલે છે કોઈક આમ
હામ પકડ, હામ
કે પાણી તો ઊડે
આકાશે ચઢે, પડે, સયલાબ બને !
પાતાળેય પૂગે !
પાણી રોકાતાં નથી
પાણી ખોવાતાં નથી
પછી ભલે ને −
એ નેવું થાય કે નવ્વાણું !
પડઘે છે પાણીનું ગાણું
હું તો બસ આટલું જાણું !