ખૂલતું ચિત્ર
“ધર્મ’ને નામે થતા હાકોટા અને છીંકોટાનું અગર તો દાખડા અને દેખાડાનું રાજકારણ નથી તો તંદુરસ્ત કે નથી તો મંદુરસ્ત : એન.ડી.એ. અને ‘ઇન્ડિયા’ બેઉ સારુ આ કસોટીનું ટાણું છે
નેતા પ્રતિપક્ષ તરીકે વિધિવત પ્રતિષ્ઠ થયા પછી રાહુલ ગાંધી સતત સક્રિયતાના એક દોરમાં માલૂમ પડે છે. હાથરસ, અમદાવાદ, રેલગ્રસ્ત, આસામ, હિંસાગ્રસ્ત મણિપુર, રાયબરેલી, પગે જાણે પૈડું હોય એવું એમનું આ ભ્રમણ સંસદ અને જનસાધારણ વચ્ચેનું અંતર કેટલે અંશે ભાંગી શકશે તે આ ક્ષણે સ્વાભાવિક જ આપણે જાણતા નથી. પણ એટલું ખરું કે આજકાલ રાહુલ ગાંધી 24×7 પ્રકારના મિજાજમાં જણાય છે.

રાહુલ ગાંધી
લાંબે ગાળે કાઁગ્રેસને પણ જાણે જીવમાં જીવ આવ્યો હોય એમ લાગે છે. લોકસભાના નોંધપાત્ર પરિણામ પછી, એન.ડી.એ. અને ‘ઇન્ડિયા’ વચ્ચે પ્રમાણમાં ઓછા અંતર પછી કાઁગ્રેસ સહિત એકંદર વિપક્ષ કંઈક જુસ્સામાં જણાય છે. વિપક્ષે આજે અયોધ્યા હાંસલ કર્યું, કાલે અમદાવાદ હાંસલ થશે …. એ તરત જ પર રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ ચાલતા હોય તો એ જેમ અકારણ નથી તેમ આવી મનોવૈજ્ઞાનિક ક્ષણો વાસ્તવમાં પરિણમશે કે કેમ એ પ્રશ્ન પણ અકારણ નથી.
કાઁગ્રેસ પોતાને વાજિકૃત અનુભવી તો શકે, પણ એની સામે પોતાનું સંગઠન ગોઠવવા સહિતના વાસ્તવિક પડકારો પડેલા છે એનો એને પૂરો અંદાજ હોવો જોઈશે. 2004-2014નો દસકો આખો જનસંધાનપૂર્વક સંગઠન બાંધવાની બાબતમાં બેહદ ઊણો પડ્યો તે સૌ જાણે છે. માહિતી અધિકાર ને ‘મનરેગા’ સહિતનાં વિધાયક અર્પણ કાલવી શકાય એવી સંગઠના ત્યારે નહોતી. સોનિયા ગાંધીએ સ્વૈચ્છિક કર્મશીલો અને જનઆંદોલન સમિતિનો જે અભિગમ વિકસાવ્યો એનું પણ મૂળગામી રચનાત્મક અર્પણ રહ્યું. પણ તૃણમૂળ સંગઠન પૂરતા પ્રમાણમાં સજીવ-સપ્રાણ નહીં એટલે ધારી ભોં ભાંગી શકી નહીં.
સોનિયા-મનમોહન દસકો નાગરિકોને માહિતી અધિકાર પ્રકારની જોગવાઈઓથી સંપન્ન કરવાની કોશિશનો રહ્યો. રાહુલ ગાંધીનાં હમણેનાં વર્ષો ‘ન્યાય’ (આર્થિક – સામાજિક ન્યાય) ભલે અર્ધપરિભાષિત રૂપે પણ લોકગમ્ય કરવાની કોશિશનાં રહ્યાં. હવે, કેમ કે તે નેતા પ્રતિપક્ષ છે, એમણે અને કાઁગ્રેસ સંગઠને તેમ જ અન્ય વિપક્ષે આ દોર જારી રાખી આગે બઢાવવાનો છે.
નેતા પ્રતિપક્ષ તરીકે લોકસભાના પ્રથમ વક્તવ્યમાં (રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચામાં) રાહુલ ગાંધીએ હિંદુત્વ રાજનીતિએ પેદા કરેલ હિંદુ અને સહજ હિંદુધર્મી વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ કરવાની જે કોશિશ કરી તે વિપળવાર પણ વહેલી નથી. જ્યોતિર્મઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે આખું વક્તવ્ય સળંગ જોઈ સાંભળી કહ્યું જ છે તેમ રાહુલ ગાંધીના નિશાન પર આ કહેતી વખતે સમગ્ર હિંદુ સમાજ હતો એવા સત્તાપક્ષી હાકોટા છીંકોટા સારુ વાસ્તવમાં કોઈ કારણ જ નથી.
વાત નીકળી જ છે તો અહીં એક બે વાનાં વેળાસર સ્પષ્ટ કરી જ લઈએ. હિંદુ ધર્મ અને હિંદુત્વ નામની રાજકીય વિચારધારા બે એક નથી, એ મુદ્દે લોકસભામાં ખાસ કરીને શંકરની છબી આગળ કરીને રાહુલ ગાંધીએ છાકો તો પાડી જ દીધો. સોવિયેત રાજ્ય જેમ સરકાર ધર્મવિરોધી નથી એવું સ્પષ્ટ કરતી સર્વધર્મ સમભાવી ભૂમિકા પણ એમણે પ્રકારાન્તરે ઉપસાવવાની કોશિશ કરી. જેમ માતા સોનિયા ગાંધી કરતાં તેમ રાયબરેલીમાં પ્રવેશતા હનુમાન મંદિરમાં પૂજનઅર્ચન કરી એમણે પોતાની ધાર્મિકતા પણ પ્રગટ કરી.
ગમે તેમ પણ, આ બધાં ઘટતાં ઇંગિત કર્યાં પછી રાહુલ ગાંધી સહિત રાજકીય અગ્રવર્ગ સમસ્ત પરત્વે અપેક્ષિત એક ચરી સૌના લક્ષમાં રહેવી જોઈએ કે સત્તાપક્ષે કે વિપક્ષે ‘ધર્મ’ રૂપે દાખડા ને દેખાડાથી બિલકુલ બચવાપણું છે. અમે હિંદુ છીએ પણ હિંદુત્વવાળા નથી, એ સ્પષ્ટ કોર તે ઠીક જ છે. પણ ‘હિંદુ છીએ’ વાસ્તે દાખડા દેખાડા કે સામે પક્ષે હાકોટાછીંકોટા નથી તંદુરસ્ત, નથી મંદુરસ્ત. અમદાવાદમાં રાજીવ ભવન પરનો હુમલો લોકસભામાં રાહુલ ગાંધીએ જે કહ્યું તેના વિરોધમાં હતો કે તેમણે જે ટીકા કરી તેને સમર્થન આપતો હતો, એ પ્રશ્ન ભા.જ.પ. શ્રેષ્ઠીઓને ઊઠ્યો તો હોવો જોઈએ. હિંદુ હોવું એટલું સહેલું નથી.
જુલાઈનું ચોથું અઠવાડિયું બેસતાં લોકસભા મળશે ત્યારે એન.ડી.એ. – ‘ઇન્ડિયા’ હાલના વૉર્મિંગ અપ પછી ધોરણસર આગળ વધશે? જોઈએ.
Edito: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 10 જુલાઈ 2024