પંડિત જવાહરલાલ નેહરુએ તેમના દોઢ દસકા જેટલા લાંબા શાસનકાળ દરમિયાન દેશના વિકાસ માટે જે નીતિઓ અપનાવી, તે આજે ટીકાપાત્ર બની છે, પણ એ નીતિઓને તેના તત્કાલીન સંદર્ભમાં તપાસીને નીતિઓનું તેમ જ પંડિતજીનું મૂલ્યાંકન કરવું જોઈએ. આ લેખનો ઉદ્દેશ પંડિતજી દ્વારા અપનાવવામાં આવેલી આર્થિક નીતિઓના એ ઐતિહાસિક સંદર્ભને રજૂ કરવાનો છે. તે પહેલાં નેહરુની આર્થિક નીતિઓની રૂપરેખા જોઈ લઈએ.
આર્થિક નીતિઓનો ઉદ્દેશ દેશમાં ‘સમાજવાદી ઢબની સમાજરચના’ કરવાનો હતો. દેશમાં ગરીબી અને બેકારી દૂર કરવા, આવકની અસમાનતા ઘટાડવી, આર્થિક સમાનતા માટે કેન્દ્રીકરણને ખાળવું, કામદારોના હક્કો જાળવવા, તેમને નોકરીની વાજબી સલામતી આપવી વગેરે સમાજવાદી આદર્શો હતા. દેશમાંથી ગરીબી અને બેકારી દૂર કરવા માટે દેશનો ઝડપી ઔદ્યોગિક વિકાસ સાધવો, તેમાં પાયાના, ભારે અને મૂડીસર્જક ઉદ્યોગોને અગ્રતા આપવી, અને તેની જવાબદારી મહદંશે રાજ્યે ઉપાડવી. દેશમાં ખાનગી સાહસનો અલ્પ વિકાસ થયો હોવાથી તથા ખાનગી હાથોમાં આર્થિક સત્તાના કેન્દ્રીકરણને રોકવાના ઉદ્દેશથી મોટા ઉદ્યોગોના વિકાસની જવાબદારી રાજ્યે ઉપાડી હતી. આ ઉપરાંત પરિવહન, સંદેશાવ્યવહાર, વીજળી, બંદરો વગેરે પાયાની સગવડોના વિકાસની જવાબદારી પણ રાજ્યે પોતાની પાસે રાખી હતી. દેશને આઝાદી મળી એ પહેલાં જ દેશનો ઝડપી વિકાસ આયોજનપૂર્વક થઈ શકશે એ વિશે દેશમાં સર્વસંમતિ પ્રવર્તતી હતી. તેથી તો ઉદ્યોગપતિઓ, ગાંધીવાદીઓ અને કૉંગ્રેસે પોતપોતાની યોજના રજૂ કરી હતી.
દેશના વિકાસમાં રાજ્ય મોટી ભૂમિકા ભજવવાનું હતું, તેનો અર્થ એવો નહોતો કે ખાનગી ક્ષેત્રની ભૂમિકા સાવ ગૌણ હતી. અર્થતંત્રનાં ઘણાં મહત્ત્વનાં ક્ષેત્રો ખાનગી સાહસ પાસે હતાં : ખેતી, વેપાર, નાના પાયાના ઉદ્યોગો, વપરાશની ચીજોનું ઉત્પાદન કરતા મોટા ઉદ્યોગો, બૅંકો, ભૂમિપરિવહન વગેરે. પણ ખાનગી સાહસનો વિકાસ સમાજવાદના આદર્શો સાથે સુસંગત રહીને તથા આયોજનના માળખામાં રહીને કરવાનો હતો. તેથી ખાનગી સાહસ પર વિવિધ નિયંત્રણો લાદવામાં આવ્યાં, જે આગળ જતાં ‘પરવાના રાજ’ તરીકે ઓળખાયાં.
આજે સમાજવાદી નીતિઓ ટીકાપાત્ર અને અસ્વીકાર્ય બની છે, તેની ભૂમિકા ટૂંકમાં નોંધીએ. ૧૯૯૧માં રશિયાનું વિઘટન થયું અને સમાજવાદી વ્યવસ્થા તૂટી પડી, એ પછી જેને રશિયન પ્રકારની સમાજવાદી આર્થિક નીતિઓ કહી શકાય તે બેઆબરૂ થઈ છે. હકીકતમાં એ પ્રકારની નીતિઓએ તે પૂર્વે ઇંગ્લૅન્ડમાં તત્કાલીન વડાપ્રધાન માર્ગારેટ થેચરના શાસનકાળમાં (૧૯૭૯થી ૧૯૯૦) વિદાય લીધી હતી. બીજા વિશ્વયુદ્ધ પછી ઇંગ્લૅન્ડમાં સત્તા પર આવેલી મજૂર પક્ષની સરકારે સમાજવાદના પ્રભાવ હેઠળ લોખંડ-પોલાદ, કોલસાની ખાણો વગેરેનું રાષ્ટ્રીયકરણ કરેલું, તે બધાનું થેચર-શાસનમાં ખાનગીકરણ કરીને સમાજવાદી આર્થિક નીતિનો ત્યાગ કરવામાં આવેલો. એ પૂર્વે ચીને ૧૯૭૮માં આર્થિક ક્ષેત્રે સમાજવાદની નીતિનો ત્યાગ કરીને બજારવાદી નીતિ અપનાવવાનો પ્રારંભ કરી દીધો હતો. મુદ્દો એ છે કે ૨૦મી સદીના છેલ્લા બે દસકા સમાજવાદના અસ્ત તથા બજારવાદના ઉદય અને વિસ્તારના બની રહ્યા હતા. આમાં એ અભિપ્રેત છે કે તે પહેલાંના વીસમી સદીના દસકાઓ સમાજવાદના પ્રભાવ હેઠળ હતા. પંડિતજીના વિચારો સમાજવાદના પ્રભાવ હેઠળ યુગમાં ઘડાયા હતા.
વીસમી સદીના પૂર્વાર્ધમાં દુનિયાના ઘણા દેશોમાં સમાજવાદી વિચારો ધરાવવા એ શિક્ષિત યુવાનોની એક લાક્ષણિકતા હતી. ભારતમાં જયપ્રકાશ નારાયણ, રામમનોહર લોહિયા, આચાર્ય નરેન્દ્ર દેવ વગેરે અનેક સમાજવાદીઓ વીસમી સદીના પૂર્વાર્ધમાં સક્રિય હતા. ક્રાંતિકારી ભગતસિંહ સામ્યવાદી વિચારધારા ધરાવતા હતા, એ તેનું એક વધુ ઉદાહરણ છે. કૉંગ્રેસ સમાજવાદી નીતિઓનો પુરસ્કાર કરે તે માટે કૉંગ્રેસમાં રહીને જ એક જૂથ કાર્ય કરી રહ્યું હતું. માત્ર ભારતમાં જ નહીં, લોકશાહી ધરાવતા યુરોપના દેશોમાં પણ સમાજવાદની વિચારધારા ધરાવતા રાજકીય પક્ષો રાજકારણમાં પ્રવેશ્યા હતા. ટૂંકમાં, સમાજવાદ ૨૦મી સદીના પ્રથમ સાતેક દસકા દરમિયાન વૈશ્વિક સ્તરે એક પ્રભાવક યુગવિચાર હતો, જેમ ૨૦મી સદીના છેલ્લા બે દસકાથી બજારવાદ એક પ્રભાવક વિચાર બન્યો છે તેમ.
પ્રશ્ન એ છે કે ૧૯મી સદીના છેલ્લા બે-એક દસકા અને વીસમી સદીના પૂર્વાર્ધમાં સમાજવાદના વિચારો લોકપ્રિય કેમ થયા હતા અને મૂડીવાદી વ્યવસ્થા અળખામણી કેમ થઈ હતી ? આ પ્રશ્નોના ઉત્તર સુવિદિત હોવાથી તેની ટૂંકમાં જ ચર્ચા કરીશું.
દુનિયામાં જે અસમાનતા અને ગરીબી જોવા મળે છે, તે મૂડીવાદી વ્યવસ્થાનું પરિણામ છે તે સમાજવાદી નિદાન અંગે એ વર્ષોમાં વ્યાપક સંમતિ પ્રવર્તતી હતી. મૂડીવાદી પ્રથા શોષણ ઉપર રચાયેલી છે : તેમાં કામદારો તથા ગ્રાહકોનું શોષણ કરવામાં આવે છે. તેથી લોકો ગરીબ રહે છે અને ઉદ્યોગપતિઓ તથા વેપારીઓ ખૂબ શ્રીમંત થાય છે. આમ, દેશમાં જોવા મળતાં ગરીબી અને આર્થિક અસમાનતાના મૂળમાં શોષણ રહેલું છે. આ સમાજવાદી વિશ્લેષણ પ્રમાણે શોષણના મૂળમાં જમીન સહિતનાં ઉત્પાદનનાં ભૌતિક સાધનો પરની ખાનગી માલિકી છે. ખાનગી માલિકી મૂડીવાદી પ્રથાનું હાર્દ છે, તેથી ગરીબી અને અસમાનતા દૂર કરવા માટે મૂડીવાદી પ્રથાને નાબૂદ કરીને સમાજવાદી વ્યવસ્થા રચવી જોઈએ.
૧૯૨૯માં શરૂ થયેલી મહા મંદીએ મૂડીવાદી વ્યવસ્થા સામે એક પ્રબળ કેસ પૂરો પાડ્યો હતો. અમેરિકામાં એ મંદી ૧૯૩૩માં એની ટોચ પર પહોંચી, ત્યારે ત્યાં ૨૫ ટકા કામદારો બેકાર હતા. અન્ય ઔદ્યોગિક દેશોમાં પણ આવા મોટા પ્રમાણમાં બેકારી સર્જાઈ હતી. એવું નહોતું કે મૂડીવાદી દેશોમાં આ પ્રકારની મંદી પ્રથમ વાર આવી હતી. તેજીમંદીની ઘટમાળ મૂડીવાદી દેશોમાં ચાલ્યા જ કરતી હતી, પણ આવી તીવ્ર અને લાંબો સમય ચાલેલી મંદી મૂડીવાદી દેશોમાં પ્રથમ વખત આવી હતી. એ સમયે ઘણા વિચારકો એવા તારણ પર પહોંચ્યા હતા કે હવે મૂડીવાદનો અંત આવી રહ્યો છે અને તેનો વિકલ્પ સમાજવાદ જ છે.
બીજી બાજુ, રશિયામાં સ્થપાયેલી સામ્યવાદી વ્યવસ્થા ખૂબ સફળ નીવડી છે. રશિયામાં બેકારી અને ગરીબી દૂર થયાં છે, એવા રશિયાના સફળ પ્રચારથી દુનિયાના લોકો, ખાસ કરીને સમાજવાદ તરફ ઢળેલા લોકો પ્રભાવિત થયા હતા. રશિયાની માની લેવામાં આવેલી સિદ્ધિઓથી કેવળ નેહરુ જ પ્રભાવિત થયા નહોતા, યુરોપના અનેક પ્રસિદ્ધ વિચારકો પણ પ્રભાવિત થયા હતા. રશિયાના આ દાખલા પરથી એક તારણ નીકળતું હતુંઃ બજારતંત્ર પર આધારિત મૂડીવાદનો વિકલ્પ છે અને તે વધુ સારાં પરિણામો આપી શકે તેમ છે.
આમ, દેશના વિચારક વર્ગમાં વીસમી સદીના પૂર્વાર્ધમાં મૂડીવાદી પ્રથા અને ખાનગી માલિકી સામે સૂગનો ભાવ કેળવાયો હતો.
ભારતમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુદ્ધને કારણે વપરાશની અનેક ચીજોની તીવ્ર તંગી સર્જાઈ હતી અને તેના ભાવોમાં તીવ્ર વધારો થયો હતો. એને પરિણામે વપરાશની ચીજોના ભાવો બાંધવામાં આવ્યા હતા તેમ જ સંખ્યાબંધ ચીજોની માપબંધી કરવામાં આવી હતી. આ વર્ષોમાં વિવિધ ચીજોની જે તંગી સર્જાઈ અને જે કાળાંબજાર થયાં તેને વેપારીઓ અને ઉદ્યોગપતિઓનાં કરતૂત તરીકે જોવામાં આવ્યાં હતાં, એટલે કે તેમના દ્વારા કરવામાં આવતી સંઘરાખોરીનાં આ પરિણામો છે, એમ માનવામાં આવતું હતું. એને પરિણામે દેશમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓની સામે નફરતનો ભાવ દૃઢ બન્યો હતો. દેશમાં આ પૂર્વે શાહુકારો તો તેમની વ્યાજખોરી માટે વગોવાયેલા હતા જ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વેપારીઓ અને ઉદ્યોગપતિઓ તેમની નફાખોરી માટે વગોવાયા, તેથી દેશમાં સમાજવાદ માટેનું સમર્થન સહજ રીતે ઊભું થયું હતું. અલબત્ત, સમાજવાદના સ્વરૂપ વિશે સ્પષ્ટતા કે એકમતી પ્રવર્તતી ન હતી. ૧૯૫૦માં પછી પંડિતજીએ સમાજવાદી ઢબની સમાજરચનાનો ખ્યાલ પ્રસ્થાપિત કર્યો, જેનો ટૂંકો પરિચય આરંભમાં આપવામાં આવ્યો છે.
આયોજનકાળ દરમિયાન ખાનગી સાહસ પર જે નિયંત્રણો મૂકવામાં આવેલાં તેના સંદર્ભમાં ઇતિહાસની એક હકીકતની નોંધ લેવી જોઈએ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન દેશના આંતરરાષ્ટ્રીય વેપાર તથા વિદેશી હૂંડિયામણના ઉપયોગ પર વ્યાપક નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં, તેથી ભારતના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સરકારના અંકુશથી ટેવાઈ ગયા હતા. સરકારનું વહીવટીતંત્ર પણ અંકુશોના અમલીકરણથી અને તેનાથી તેને મળતા લાભોથી ટેવાઈ ગયું હતું. આમ, સરકારના વટીવટીતંત્રમાં અંકુશો માટેનું એક હિત ઊભું થયું હતું.
દેશમાં અપનાવવામાં આવેલી સમાજવાદી ઢબની સમાજરચનાના સંદર્ભમાં ખાનગી ઉદ્યોગપતિઓ અંગેના એક વિધાયક વલણની નોંધ લેવી જોઈએ. દેશમાં ખાનગી સાહસ પર નિયંત્રણો લાદવામાં આવ્યાં તેની સાથે ખાનગી સાહસને પ્રોત્સાહન આપવા માટે પણ અનેક પગલાં ભરવામાં આવ્યાં હતાં. દા.ત. ઉદ્યોગોને મધ્યમ અને લાંબા ગાળા માટેની મૂડી પૂરી પાડવા માટે નાણાકીય સંસ્થાઓ સ્થાપવામાં આવી હતી, ઔદ્યોગિક વસાહતો રચવામાં આવી હતી, કરવેરામાં રાહત અને સબસિડી જેવાં પ્રોત્સાહક પગલાં ભરવામાં આવ્યાં હતાં. આયાત થતી ચીજો પર ઊંચા દરે આયાત જકાત નાખીને કે આયાતોનો ક્વૉટા બાંધીને દેશના ઉદ્યોગપતિઓને વિદેશી સ્પર્ધા સામે રક્ષણ આપવામાં આવ્યું હતું. આ બધાં પગલાંને પરિણામે દેશમાં નાનામોટા ઉદ્યોગસાહસિકોનો એક મોટો વર્ગ ઊભો થયો. ૧૯૫૦માં દેશમાં નાના અને મોટા ઉદ્યોગપતિઓનો વર્ગ ખૂબ સીમિત હતો. લગભગ ચાર દાયકાની પ્રોત્સાહક નીતિના કારણે દેશમાં ઉદ્યોગપતિઓનો જે વર્ગ ઊભો થયો, તેને પરિણામે ૧૯૯૧માં અપનાવવામાં આવેલી નવી આર્થિક નીતિની સફળતા માટેની ભૂમિકા તૈયાર થઈ હતી.
નેહરુના જમાનામાં દેશના અર્થશાસ્ત્રીઓ અને બૌદ્ધિકો તેમ જ દેશના મોટા ભાગના રાજકારણીઓ સમાજવાદના પ્રભાવ નીચે આવેલા હતા. ડૉ. આઈ.જી. પટેલે પુસ્તક ‘ગ્લિમ્પસીઝ ઑફ ઇન્ડિયન ઇકોનૉમિક પૉલિસી’માં ભારતના આ વર્ગો પર સમાજવાદનો પ્રભાવ કેટલો મોટો હતો, તે દર્શાવતી બે વિગતો નોંધી છે. કોલકાતાના ઇન્ડિયન સ્ટેિટસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આયોજનના પ્રથમ દસકા દરમિયાન વૈશ્વિક ખ્યાતિ ધરાવતા જે અર્થશાસ્ત્રીઓને નિમંત્રવામાં આવેલા એમાં મોટા ભાગના ડાબેરી અર્થશાસ્ત્રીઓ હતા. ભારતમાં ડાબેરી પ્રભાવને ખાળવા માટે અમેરિકાએ પોતાના અર્થશાસ્ત્રીઓને બોલાવવાનો આગ્રહ રાખ્યો હતો. એ આગ્રહ નીચે પ્રસિદ્ધ અર્થશાસ્ત્રીઓ મિલ્ટન ફ્રિડમેન અને નેઇલ જેકોબીને ભારતમાં બોલાવવામાં આવ્યા હતા. ફ્રિડમેને ભારતના રાજકારણીઓને ખાનગી મુક્ત સાહસના લાભો સમજાવવા પ્રયત્ન કરેલો, પરંતુ તેઓ તરત જ એ સમજી ગયા કે તેમની વાત બહેરા કાને અથડાઈ રહી છે. એ બંને અર્થશાસ્ત્રીઓ ‘ભારતદર્શન’ કરીને સ્વદેશ પાછા ફર્યા હતા. મુદ્દો એ છે કે ૧૯૫૦ પછી સમાજવાદના નામે જે રાજ્યવાદી નીતિઓ અપનાવવામાં આવેલી, તે એક શ્રદ્ધાનો વિષય બની ચૂકી હતી. એની વિરુદ્ધની કોઈ વાત એ વખતે કોઈ સાંભળવા પણ તૈયાર ન હતું. દેશમાં ખાનગી સાહસનો વિરોધ કરવામાં કેવળ સમાજવાદીઓ જ ન હતા, ગાંધીવાદીઓ પણ ખાનગી સાહસ વિરોધી મત જ ધરાવતા હતા.
*
દેશમાં અપનાવવામાં આવેલી સમાજવાદી નીતિઓ માટે જેમ વિચારધારા-આઇડિયોલૉજીની ભૂમિકા હતી, તેમ આયોજનના પ્રથમ દોઢ દસકા દરમિયાન દેશમાં અપનાવવામાં આવેલી ઔદ્યોગિક નીતિઓ અને તેમાં રાજ્યની ભૂમિકા માટે પણ તત્કાલીન અર્થશાસ્ત્રીય વિચારણાની એક ભૂમિકા હતી. એ આખા ઇતિહાસમાં અહીં નહીં જઈ શકાય. તેનાં બે ઉદાહરણો મુદ્દાને સ્પષ્ટ કરવા માટે ટાંકીશું.
તત્કાલીન અર્થશાસ્ત્રીય વિચારણા પ્રમાણે દેશના ઝડપી વિકાસ માટે દેશમાં વિવિધ સ્વરૂપે થતાં મૂડીરોકાણોમાં મોટો વધારો થવો જોઈએ અને તે માટે દેશની બચતોમાં વધારો થવો જોઈએ. પણ દેશ ગરીબ હોવાથી બચતોમાં વધારો બજારનાં પરિબળો દ્વારા થઈ શકે નહીં. તે માટે રાજ્યે પ્રયાસો કરવા પડે. રાજ્ય કરવેરાનો ઉપયોગ કરીને તેમ જ જરૂર પડ્યે ખાધપૂરક નાણાંનો ઉપયોગ કરીને લોકોને બચત કરવાની ફરજ પાડી શકે. આ માર્ગે રાજ્યના હાથમાં જે બચત આવે, તેનો ઉપયોગ રાજ્ય કરે અને એ પ્રક્રિયામાં રાજ્યનું કાર્યક્ષેત્ર વિસ્તરે તે સહજ હતું.
દેશમાં પાયાના ભારે ઉદ્યોગો તથા મૂડીસર્જક ઉદ્યોગોના વિકાસને અગ્રતા આપીને તેમને રાજ્ય દ્વારા વિકસાવવાની નીતિ અપનાવવામાં આવી તથા દક્ષિણ કોરિયા, તાઇવાન જેવા કેટલાક દેશોની જેમ નિકાસો માટેના ઉદ્યોગોના વિકાસને અગ્રતાને ધોરણે વિકસાવવાને બદલે મુખ્યત્વે દેશના જ બજારમાં પોતાની પેદાશ વેચતા ઉદ્યોગો વિકસાવવાની નીતિ અપનાવવામાં આવી, તેને તત્કાલીન અર્થશાસ્ત્રીય વિચારણા અને વિશ્લેષણનું પીઠબળ હતું. અર્થશાસ્ત્રીની પરિભાષામાં તેને ટૂંકમાં, ‘મૂલ્યસાપેક્ષતાનો નિરાશાવાદ’ (‘elasticity pessimism’) કહેવામાં આવે છે. આ શાસ્ત્રીય સ્વરૂપની ચર્ચાને સરળ શબ્દોમાં તેના ઐતિહાસિક સંદર્ભમાં સમજીએ.
૧૯૨૯ની મહા મંદીનો ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ મંદીના સમગ્ર દસકા દરમિયાન ગરીબ દેશોની નિકાસની ખેત અને ખનીજપેદાશોના આંતરરાષ્ટ્રીય ભાવોમાં અને તેમની નિકાસકમાણીમાં મોટો ઘટાડો થયો હતો. આ પેદાશોના ભાવો ઘટતાં ગરીબ દેશોની નિકાસકમાણીમાં ઘટાડો થતો હતો, જો કે નિકાસો જથ્થાની રીતે વધતી હતી. આ વિરોધાભાસી ઘટનાની સમજૂતી અર્થશાસ્ત્રના એક ખ્યાલમાંગની મૂલ્યસાપેક્ષતાના આધારે આપવામાં આવી હતી. અનુભવમૂલક અભ્યાસોના આધારે એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે આ દેશો જે ખેત અને ખનીજપેદાશોની નિકાસ કરે છે, તેના માટેની મૂલ્યસાપેક્ષતા ખૂબ નીચી હોઈ કિંમતમાં ઘટાડા દ્વારા તેઓ તેમની નિકાસકમાણીમાં વધારો કરી શકે તેમ નથી. દા.ત. કોઈ ખેતપેદાશની કિંમતમાં ૧૦ ટકાનો વધારો થાય, પણ કિંમત વિશેષ ઘટી હોવાથી (૧૦ ટકા) નિકાસકમાણીમાં ઘડાટો થાય. ગરીબ દેશો જે ચીજોની નિકાસો કરે છે, તેમની મૂલ્યસાપેક્ષતા કેમ ઓછી છે, તેનાં પ્રતીતિકર કારણો પણ રજૂ કરવામાં આવ્યાં હતાં.
આ અર્થશાસ્ત્રીય વિચારણાનું એ સમયના ખ્યાતનામ અર્થશાસ્ત્રી નુકર્સે પોતાના અભ્યાસ દ્વારા સમર્થન કર્યું હતું. ૧૯મી સદીના ઉત્તરાર્ધ અને વીસમી સદીના પૂર્વાર્ધમાં વિવિધ દેશોના વિકાસ અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો સંબંધ તપાસીને તેઓ એવા નિષ્કર્ષ પર પહોંચ્યા હતા કે ૧૯મી સદીમાં આંતરરાષ્ટ્રીય વેપાર, વિકાસનું એન્જિન બન્યો હતો પણ ૨૦મી સદીમાં તે વિકાસના એન્જિન તરીકે કાર્ય કરી શકે તેમ નથી, તેથી અલ્પવિકસિત દેશો તેમના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ માટે નિકાસો પર આધાર રાખી શકશે નહીં.
બીજી બાજુ, દેશના ઝડપી ઔદ્યોગિક વિકાસ માટે યંત્રો અને અન્ય ભૌતિક સાધનોની આયાતો કરવી પડે, કેમ કે દેશમાં એવા ભારે મૂડીસર્જક ઉદ્યોગો વિકસ્યા જ નહોતા. પણ આયાતો દ્વારા એ ચીજોની જરૂરિયાત સંતોષવામાં નિકાસકમાણીની મર્યાદા રહેલી હતી. દેશની નિકાસકમાણી સીમિત અને અનિશ્ચિત હતી. તેથી દેશના ઔદ્યોગિક વિકાસને જો આયાતો પર આધારિત રાખવામાં આવે, તો તે અનિશ્ચિત અને મર્યાદિત બની જાય. આ અવરોધો નિવારવા માટે દેશે પાયાના ભારે અને મૂડીસર્જક ઉદ્યોગોને ઘરઆંગણે વિકસાવીને મૂડી માલસામાનની બાબતમાં સ્વનિર્ભર બનવાની નીતિ અપનાવી. આમ, આ બાબતમાં આપણે સોવિયેટ રશિયાનું અનુકરણ કર્યું. રશિયા મૂડીવાદી દેશોની શત્રુવટને કારણે પોતાના ઔદ્યોગિક વિકાસને નિકાસો પર આધારિત રાખી શકે તેમ નહોતું. આપણે તત્કાલીન વિચારણા પ્રમાણે બજારનાં પરિબળોને કારણે નિકાસો પર આધાર રાખવાનું પસંદ કર્યું નહીં. અલબત્ત, અર્થશાસ્ત્રની બધી વિચારણાની જેમ આંતરરાષ્ટ્રીય વેપાર અંગેના નિરાશાવાદ વિશે પણ મતભેદ પ્રવર્તતો હતો. પણ એ વર્ષોમાં આંતરરાષ્ટ્રીય વેપાર અંગેનો નિરાશાવાદ એક પ્રભાવક મત હતો અને ભારતની અર્થનીતિ તો સમાજવાદી કે ડાબેરી અર્થશાસ્ત્રીઓના પ્રભાવ હેઠળ જ હતી.
સમાપન કરીએ. પંડિતજી સમાજવાદના પ્રભાવ હેઠળના યુગમાં જીવ્યા હતા. દેશની આઝાદી માટેની લડતમાં સામેલ મોટા ભાગના નેતાઓ ક્યાં તો સમાજવાદી હતા અથવા ગાંધીવાદી હતા. પણ દેશમાંથી ગરીબી અને બેકારી દૂર કરવા માટે આધુનિક ઉદ્યોગો વિકસાવવા પડશે, એ વિશે વ્યાપક સંમતિ પ્રવર્તતી હતી. ઉદ્યોગોના વિકાસની જવાબદારી ઘણે અંશે રાજ્યે લેવી પડશે અને તે માટે આયોજન કરવું પડશે, એ વિશે પણ વ્યાપક સંમતિ પ્રવર્તતી હતી. પંડિત નેહરુએ એ વ્યાપક સંમતિને અમલમાં મૂકી હતી.
૧૯૫૦માં વિકાસનું અર્થશાસ્ત્ર હજી પ્રારંભિક તબક્કામાં હતું. જે અર્થશાસ્ત્રીઓ અર્થશાસ્ત્રની આ નવી વિકસી રહેલી શાખામાં પ્રદાન કરી રહ્યા હતા, તેમાંના મોટા ભાગના અર્થશાસ્ત્રીઓના વિશ્લેષણમાંથી અલ્પવિકસિત દેશોના વિકાસ માટે રાજ્યે વિસ્તૃત ભૂમિકા ભજવવી પડશે એવો મત ઊપસી આવતો હતો. નેહરુના જમાનામાં રાજ્યે જે વિસ્તૃત ભૂમિકા ભજવી તે તત્કાલીન અર્થશાસ્ત્રીય વિચારણાના મુખ્ય પ્રવાહ સાથે સુસંગત હતી.
૧૯૮૦ પછી સમાજવાદનો અસ્ત થયો છે. જેમને ‘નીઓ લિબરલ’ તરીકે ઓળખવામાં આવે છે, તે બજારવાદના પ્રખર હિમાયતી અર્થશાસ્ત્રીઓના પ્રભાવ હેઠળ આજે મોટા ભાગના દેશોની આર્થિક નીતિઓ ઘડાઈ રહી છે. આ બજારવાદી વિચારધારામાં રાજ્યને હાંસિયામાં ધકેલી દઈને બધી જ ઉત્પાદનપ્રવૃત્તિઓ બજારને હવાલે કરી દેવાની હિમાયત કરવામાં આવે છે. નેહરુના જમાનામાં ડાબેરી અર્થશાસ્ત્રીઓના પ્રભાવ હેઠળ દેશની આર્થિક નીતિઓ ઘડાઈ હતી. એકવીસમી સદીમાં હવે બજારવાદી અર્થશાસ્ત્રીઓના પ્રભાવ હેઠળ દેશની રાજકીય નીતિઓ ઘડાઈ રહી છે. મુદ્દો એ છે કે જે દેશે રાજકીય આઝાદીની લડત માટે પોતાનો આગવો માર્ગ શોધી કાઢ્યો હતો, એ દેશ તેના વિકાસ માટે પોતાનો આગવો માર્ગ શોધી શક્યો નથી.
પાલડી, અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2016; પૃ. 07-09