Opinion Magazine
Number of visits: 9504434
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એનડીએ શાસનનાં ત્રણ વર્ષ દરમિયાન ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સ્વાયત્તતા ગુમાવી, સત્તાવાદનો પગપેસારો થયો

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|26 May 2017

ઉચ્ચ શિક્ષણમાં અલગ મંતવ્ય-માગણી ધરાનારાને તોડી પાડવા એ એન.ડી.એ. સરકારની ખાસિયત રહી છે

નરેન્દ્ર મોદીના વડાપ્રધાનપદ હેઠળનાં ત્રણ વર્ષનાં શાસન દરમિયાન ઉચ્ચ શિક્ષણમાં  સત્તાવાદ અને રાષ્ટ્રવાદના પ્રવેશતો રહ્યો. તેમાં કેન્દ્રના માનવ સંસાધન વિકાસ મંત્રાલય,  ભારતીય જનતા પક્ષ(ભાજપ)ની રાજ્ય સરકારો, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (અ.ભા.વિ.પ.), જમણેરી જૂથો અને અલબત્ત સોશ્યલ મીડિયાના ઉપયોગની ભૂમિકા મહત્ત્વની રહી. આ પરિબળોએ પ્રતીકાત્મક ઝનૂની રાષ્ટ્રવાદથી અલગ દૃષ્ટિકોણ ધરાવનાર, સમાજવાદી કે સામ્યવાદી વિચારધારામાં માનનારા વિદ્યાર્થીઓ,અધ્યાપકો અને યુનિવર્સિટીઓની સામે મોરચો માંડ્યો.

યુનિવર્સિટીઓ પર ભા.જ.પ. સરકારે પોતાની નીતિઓ લાદવાની શરૂઆત કરી. ગુજરાતને તેનો અનુભવ ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષણ પરિષદની રચનામાં  થયો. આ પરિષદને નામે ઉચ્ચ શિક્ષણના સાંપ્રત માળખાની ઉપર એક નવું પ્રચંડ સત્તામાળખું ગોઠવવામાં આવ્યું છે, જેને તળિયે યુનિવર્સિટીઓની મૂળભૂત સ્વાયત્તતા દટાઈ જવાની છે. પરિષદને લગતાં વિધેયકને  વિધાનસભાના છેલ્લા દિવસે કોઈ ચર્ચા વિના કેવળ બહુમતિના જોરે પસાર કરવામાં આવ્યું. ત્યાર બાદ અધ્યાપકોએ તેનો  સખત વિરોધ કર્યો, રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરી પણ સરકારે મચક આપી નહીં. યુ.પી.એ. સરકારે દાખલ કરેલી આ પરિષદને એન.ડી.એ. સરકારે ચાલુ એટલા માટે રાખી કે એમાં સત્તાનું કેન્દ્રીકરણ હતું. એ જ રીતે અનુદાનિત ઉચ્ચ શિક્ષણ માટે હાનિકારક સાબિત થયેલી  સેમિસ્ટર સિસ્ટમ કપિલ સિબ્બલના કાર્યકાળમાં લાદવામાં આવી. તે  સ્મૃિત ઇરાનીએ ચાલુ રાખી, કારણ કે તેનાથી ખાનગી શિક્ષણ ક્ષેત્રને અને સરકારને ફાયદો થયો છે. સેમિસ્ટર હઠાવવા માટેની માગણી ગુજરાતમાં હવે રહી રહીને અ.ભા.વિ.પ.એ ઉપાડી છે. ખરેખર તો ડેમૉક્રેટિક સ્ટુડન્ટસ ઑર્ગનાઇઝેશન અને શિક્ષણ બચાઓ સમિતિએ સેમિસ્ટર સિસ્ટમ સામે પાંચ વર્ષથી યથાશક્તિ સાતત્યથી લડત ચલાવી છે. સદ્દભાગ્યે આ વિરોધી સંગઠનોને જુલમ જબરદસ્તીનો સામનો કરવો પડ્યો નથી.

અન્યથા, ઉચ્ચ શિક્ષણમાં અલગ મંતવ્ય અને માગણી ધરાવનારા વિદ્યાર્થીઓને પોલીસ અને કાનૂનની મદદથી તોડી પાડવા એ એન.ડી.એ. સરકારની ખાસિયત રહી છે. પૂનાની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં બહુ સાધારણ પણ ભા.જ.પ.ના માનીતા નટની વડા તરીકેની નિમણૂંકની સામે  11 જૂન 2015થી 139 દિવસ લડનારા વિદ્યાર્થીઓ પર સરકારે ભારે દમન કર્યું હતું, જે જાણીતી વાત  છે. તે પછી તરત ખાસ કરીને દિલ્હીમાં ચાલેલી ‘ઑક્યુપાય યુ.જી.સી.’ ચળવળ બહુ ધ્યાનમાં આવી નથી. ઉચ્ચ શિક્ષણને ખાનગી ક્ષેત્રના હાથમાં ધકેલવાના પેંતરાના ભાગ રૂપે  યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(યુ.જી.સી.)ને એમ.ફિલ. અને પીએચ.ડી.ના સંશોધકો માટેની ફેલોશીપની નીતિ સાથે કરેલાં ચેડાં વિરુદ્ધ આ ચળવળ ચાલી. તેમાં વિદ્યાર્થીઓ પર વૉટર કૅનન અને લાઠીઓનો મારો ચલાવવામાં આવ્યો. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જે.એન.યુ.)ના વિદ્યાર્થી આગેવાન કન્હૈયા કુમાર અને તેના સાથીદારો સામે સરકારે દેશદ્રોહના આરોપ હેઠળ ધરપકડ સહિત કડક કાર્યવાહી કરી. એટલા માટે કે તેઓ અફઝલ ગુરુને ફાંસીની સજા, કાશ્મીર સમસ્યા અને દેશભક્તિ સહિત કેટલીક બાબતોમાં શાસક પક્ષથી અલગ વિવાદાસ્પદ મત ધરાવે છે. એ મત લોકોના મોટા વર્ગને કઠે એવા છેડાના છે. પણ  લોકશાહીમાં ભિન્ન મતનું સ્થાન, દેશના બંધારણમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, રાજકીય બાબતોમાં અરુઢ યુવા મત, ચર્ચા-વાટાઘાટો-સમજાવટની પ્રક્રિયા, જે.એન.યુ.ની દેશ-દુનિયાના બૌદ્ધિક જગતમાં ખ્યાતિ જેવી અનેક બાબતોનો વિચાર કર્યા  વિના કેવળ રાષ્ટ્રવાદનો ઝંડો પકડીને કેન્દ્ર સરકારે યુનિવર્સિટીને રાષ્ટ્રવિરોધીઓના અડ્ડા તરીકે ચિતરવાની ઝુંબેશ ચલાવી. તેનો સામનો જે.એન.યુ.ના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને ટેકેદારોએ  કેવી વિચારપ્રેરક ક્રિયાશીલતા દ્વારા કર્યો તે ‘વૉટ ધ નેશન રિઅલિ નીડસ ટુ નો : ધ જે.એન.યુ. નૅશનાલિઝમ લેક્ચર્સ’ (હાર્પર કૉલિન્સ પબ્લિશર્સ, 2016) પુસ્તકમાંથી જાણવા મળે છે. જે.એન.યુ.ના રાજ્યશાસ્ત્ર વિષયના નારીવાદી અધ્યાપક નિવેદિતા મેનન પર ‘રાષ્ટ્રદ્રોહી’ તરીકે એક કરતાં વધુ વખત પસ્તાળ પાડવામાં આવી છે. તેની પાછળનું કારણ કાશ્મીર અને ભારતીય લશ્કર વિશેના તેમના વિચારો છે. લશ્કરના જવાનોનું વિવાદાસ્પદ રીતે ચિત્રણ કરતાં મહાશ્વેતા દેવીની વાર્તા નાટક ‘દ્રૌપદી’ને પણ અ.ભા.વિ.પ. અને સ્થાનિક જૂથોએ રાષ્ટ્રવિરોધી ગણીને અટકાવી દેવાનો બનાવ હરિયાણાની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં બન્યો.        

હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના ગરીબ દલિત આશાસ્પદ વિદ્યાર્થી રોહિત વેમુલાએ  આત્મહત્યા કરી. અ.ભા.વિ.પ.ના વિરોધી સંગઠન આંબેડકર સ્ટુડન્ટસ યુનિયનના કાર્યકર્તા રોહિતને યુનિવર્સિટીના વાઇસ-ચાન્સલર અપ્પા રાવે ભા.જ.પ.ના એક મંત્રી અને સ્મૃિત ઇરાનીના દબાણ હેઠળ નિલંબિત કરીને તેની  સ્કૉલરશીપ અટકાવી હતી. રોહિતના કમોતનો વિરોધ કરનાર અધ્યાપકો અને વિદ્યાર્થીઓની સત્તાવાળાઓએ કરેલી દુર્દશાની વાત ઓછી જાણીતી છે. ટૂંકા ગાળાના નિલંબન પછી અપ્પા રાવને ફરીથી હોદ્દા પર બેસાડવામાં આવ્યા કારણ કે તેઓ ભા.જ.પ.ના કહ્યાગરા હતા. આ જ રીતે કેન્દ્ર સરકારની પ્રતિષ્ઠિત સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટૉરિકલ રિસર્ચના પ્રમુખપદે પક્ષને ગમતા અને જ્ઞાતિવાદના પ્રખર સમર્થક વાય.એસ. સુદર્શન રાવની નિમણુંક કરવામાં આવી. વેદકાળના અભ્યાસી  અને નરેન્દ્ર મોદીને ભગવાનનો અવતાર માનનાર લોકેશ ચન્દ્રને ઇન્ડિયન કાઉન્સિલ ઑફ કલ્ચરલ રિલેશન્સના વડા તરીકે ગોઠવવામાં આવ્યા. ઝફર સરેશવાલાની મૌલાના આઝાદ ઉર્દૂ નૅશનલ યુનિવર્સિટીના, એમ. જગદેશ કુમારની જે.એન.યુ.ના વાઇસ-ચાન્સલર તરીકે તેમ જ બલદેવ શર્માની નૅશનલ બુક ટ્રસ્ટના પ્રમુખ તરીકેની નિમણૂકો તેમના જમણેરી જોડાણોને કારણે થઈ હોવાનું ઠીક નોંધાયું છે.

વહાલાંનો સરવાળા સામે દવલાંની બાદબાકી થાય એવો માહોલ ઊભો કરવામાં આવતો રહ્યો. નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગના નિયામક પ્રવીણ સિન્કલેર તેમ જ વિશ્વભારતી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર સુશાન્તા ગુપ્તા પર આર્થિક ગેરવ્યવહારોના આરોપો હેઠળ હોદ્દા છોડવાની ફરજ પાડવામાં આવી. જાણીતા અણુવિજ્ઞાની અનિલ કાકોડકરે સરકારી દખલઅંદાજીના વિરોધમાં આઇ.આઈ.ટી.ના બોર્ડ ઑફ ગવર્નર્સમાંથી રાજીનામું આપ્યું. નોબેલ સન્માનિત અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને 2015માં નાલંદા યુનિવર્સિટીના વાઇસ-ચાન્સલર પદેથી રાજીનામું આપ્યું તેનું કારણ સરકારી હસ્તક્ષેપ.

યુનિવર્સિટીના સરકારી ઉપયોગનું હમણાંનું ઉદાહરણ વિમુદ્રાકરણની આપખુદ અને આપત્તિજનક પ્રક્રિયામાં જોવા મળ્યું . સરકારે ચાર પાનાંના આદેશાત્મક પત્ર થકી  તમામ  કેન્દ્ર, રાજ્ય તેમ જ ખાનગી યુનિવર્સિટીઓને વિત્તિય સાક્ષરતા આભિયાનમાં જોતરી હતી ! જો કે આના પહેલાની સરકારો આદર્શ હતી એવો દાવો થઈ શકે તેમ નથી જ. પણ ઑથોરિટેરિયન- સત્તાવાદી અભિગમ ઠીક ઓછો હતો. ખરેખર તો શાસનતંત્રનું કામ શિક્ષણના સંચાલનમાં સહાયભૂત થવાનું છે, નહીં કે શિક્ષણને પોતાના તાબા હેઠળ રાખવાનું. યુનિવર્સિટી સરકારનું એક ખાતું નહીં સ્વાયત્ત જ્ઞાનમાર્ગી સંસ્થા હોવી ઘટે.

આવી એક સંસ્થા તે ઑક્સફર્ડ યુનિવર્સિટી. પહેલા વિશ્વયુદ્ધ પછી એકાદ દાયકા બાદ યુરોપમાં ફરીથી ડહોળાઈ રહેલી શાંતિના સંજોગોમાં બ્રિટને શસ્ત્રસજ્જતાની શરૂઆત કરી હતી. યુનિવર્સિટીના એક મોટા હિસ્સાની આ લાગણી તેની વિરુદ્ધ હતી. એટલે ઑક્સફર્ડના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના યુનિયને નવમી ફેબ્રુઆરી 1933ના રોજ એક પેસિફિસ્ટ એટલે કે શાંતિવાદી ઠરાવ પસાર કર્યો. તેનું કેન્દ્રવર્તી વિધાન હતું :  ‘આ ગૃહ કોઈ પણ સંજોગોમાં રાજા માટે અને દેશ માટે લડશે નહીં.’ અલબત્ત બ્રિટનમાં આ ઠરાવનો  ચર્ચિલ અને  સમાજના અનેક વર્ગોમાં   વ્યાપક  વિરોધ  હતો. વળી, બીજું વિશ્વયુદ્ધ થયું ત્યારે ત્રણેક હજાર કૉલેજના યુવકો યુદ્ધમાં સ્વેચ્છાએ જોડાયા પણ હતા. પણ ગયા ત્રણ વર્ષમાં ઉચ્ચ શિક્ષણ જે રીતે તેની સ્વાયત્તતા ગુમાવી રહ્યું છે ત્યારે  આ કિસ્સો  મહત્ત્વનો  છે.

++++++++

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 26 મે 2017

Loading

26 May 2017 admin
← ગાય, ભારત અને હિન્દુત્વ
RSS Controlled Garbh Vigyan Sanskar in pursuit for “Master Race” →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved