દેશને ૩૪ વર્ષ પછી નવી શિક્ષણનીતિ પ્રાપ્ત થઈ છે. આ અગાઉ ૧૯૮૬માં રાજીવ ગાંધીના શાસનમાં દેશને નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ સાંપડી હતી. તેમં નરસિંહ રાવના શાસનમાં કેટલાક સુધારા કરવામાં આવ્યા હતા, પણ ત્યાર પછી નરેન્દ્ર મોદીના શાસનમાં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ દેશને મળી.
મોદી સરકારે છ વર્ષના ચિંતન પછી દેશને, તેમના એક પ્રધાને દાવો કર્યો તેમ ‘ભારતના શિક્ષણના ઇતિહાસમાં અપૂર્વ શિક્ષણનીતિ’ આપી છે. વડા પ્રધાને પોતે દાવો કર્યો છે તેમ આ નીતિ ‘ભારતને વિજ્ઞાનનું કેન્દ્ર બનાવીને દેશના કરોડો નાગરિકોની જિંદગી બદલી નાખશે.’ આમ દેશને હવે ક્રાંતિકારી શિક્ષણની નીતિની નવાજેશ મોદી સરકારે કરી છે. અલબત્ત, મોદી સરકાર આઝાદી પછીના સાત દાયકામાં ન થયા હોય એવા મોટા સુધારા જ કરતી આવી છે!
જે નવી શિક્ષણનીતિ સરકારે વિધિવત્ સ્વીકારી છે તે પૂર્વ પ્રાથમિકથી માંડીને પીએચ.ડી. સુધીના સર્વ સ્તરના શિક્ષણને આવરી લે છે. એ તમામ પાસાંની વિગતવાર ચર્ચા આ નોંધમાં થઈ શકે નહીં. તેથી એના કેટલાક મુદ્દાઓ ઉદાહરણરૂપે નોંધીએ.
***
• આજે શાલેય શિક્ષણમાં ૧૦ + ૨નું માળખું ચાલે છે. તેની જગાએ ૫ + ૩ + ૩ + ૪નું માળખું રચાશે. આમ શાલેય શિક્ષણમાં જે ત્રણ વર્ષનો વધારો થયો છે તે પૂર્વ પ્રાથમિકનાં ત્રણ વર્ષ ઉમેરી દેવાથી થયો છે. અત્યારે બાળક તેની ત્રણ વર્ષની વયથી છ વર્ષની વય સુધી જે શૈક્ષણિક પ્રવૃત્તિ કરે છે તેનો સમાવેશ દેશના ઔપચારિક શિક્ષણ માળખામાં થતો નથી. તે ત્રણ વર્ષને નવી નીતિમાં ઔપચારિક શિક્ષણના માળખામાં સમાવી લેવામાં આવશે. એમ કરીને સરકાર કઈ કેટલી જવાબદારી સ્વીકારશે તે અનુભવે જાણી શકાશે.
• આજે ભણાવવામાં આવતા વિષયોને વિવિધ શાખાઓમાં વહેંચી દેવામાં આવ્યા છે : આર્ટ્સ, વિજ્ઞાન, કૉમર્સ, વ્યાવસાયિક (વૉકેશન) વગેરે. આ પ્રથામાં જે વિદ્યાર્થી વિજ્ઞાનશાખા પસંદ કરે તે આર્ટ્સ કે કૉમર્સના કોઈ તેને ગમતા વિષયનો અભ્યાસ કરી શકતો નથી. તેમ આર્ટ્સ શાખા પસંદ કરતો વિદ્યાર્થી તેને પસંદ કૉમર્સનો વિષય રાખી શકતો નથી. સૂચિત નવી વ્યવસ્થામાં વિદ્યાર્થીઓને વિષયપસંદગીનું ભરપૂર સ્વાતંત્ર્ય રહેશે. વિષયોની શાખાઓ જ રદ્દ કરી નાખવામાં આવશે.
આ નીતિના સૂચિતાર્થને ધ્યાનમાં લેવા જેવો છે. આજે આપણી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ ઘણી ઓછી સંખ્યામાં છે. નવી નીતિનો અમલ કરવા દરેક શાળામાં વિજ્ઞાનના શિક્ષકો અને પ્રયોગશાળાઓ હોવાં જોઈએ. એ ઉપરાંત દરેક શાળામાં વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમનો પ્રબંધ હોવો જોઈએ. આ વૈભવ ભોગવી શકીએ તેવી આર્થિક ગુંજાશ આજે તો આપણે ધરાવતા નથી. એ ગુંજાશ આપણે ક્યારે ધરાવતા થઈશું તે આપણે જાણતા નથી.
• દસમા અને બારમા ધોરણના અંતે બોર્ડની પરીક્ષા ચાલુ રહેશે, પણ વિદ્યાર્થીઓ પરનો બોજ ઘટાડવા માટે વિદ્યાર્થીઓએ હાંસલ કરેલી હાર્દરૂપ ક્ષમતાઓ જ પરીક્ષામાં ચકાસવામાં આવશે. બારમાના બોર્ડની પરીક્ષાનું આજનું મહત્ત્વ ઘટાડી નાખવામાં આવશે. કૉલેજમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય ધોરણે પ્રવેશ-પરીક્ષા લેવામાં આવશે. આમ છતાં બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીને પોતાનો સ્કોર સુધારવા માટે બીજી વાર પરીક્ષા આપવાની છૂટ આપવામાં આવશે. આ છૂટનો લાભ લેનાર કેટલા વિદ્યાર્થીઓ નીકળશે? આજે બારમાની પરીક્ષામાં મેળવેલા માર્કનું કૉલેજ-પ્રવેશ માટે મહત્ત્વ હોવાથી વિદ્યાર્થીઓ તેમને મળેલા માર્કની બાબતમાં આગ્રહી હોય છે. એ મહત્ત્વ ન રહેવા છતાં કેવળ એકેડેમિક પ્રયોજનથી કેટલા વિદ્યાર્થીઓ બીજી વાર પરીક્ષા માટે મહેનત કરવાનું પસંદ કરે ?
• વિદ્યાર્થીઓને ઇચ્છે તેટલાં વર્ષ કૉલેજમાં ભણવાની તક નવી નીતિમાં આપવામાં આવશે. કોઈ વિદ્યાર્થી એક વર્ષ પછી કૉલેજ છોડી દે તો તેને સર્ટિફિકિટ આપવામાં આવશે. બે વર્ષ પૂરાં કરીને કૉલેજ પૂરી કરનારને ડિપ્લોમા આપવામાં આવશે અને ત્રણ વર્ષ પૂરાં કરનારને ડિગ્રી આપવામાં આવશે. આ વ્યવસ્થા વ્યવહારમાં કઈ રીતે કામ કરશે તે સ્પષ્ટ નથી. વિદ્યાર્થી પ્રથમથી એક કે બે વર્ષની કૉલેજ કરવાનું નક્કી કરીને એ પોતાના અભ્યાસક્રમ પસંદ કરશે કે ત્રણ વર્ષના ડિગ્રી અભ્યાસક્રમ માટે દાખલ થઈને પાછળથી એક-બે વર્ષની કૉલેજ કરીને સર્ટિફિકેટ કે ડિપ્લોમા લઈને કૉલેજ છોડી શકશે?
આ બીજો દાખલો નવી શિક્ષણનીતિમાં અભિપ્રેત છે. આ પ્રકારના દરેક વર્ષ માટે સ્વતંત્ર અને છતાં ત્રણ વર્ષના ડિગ્રી અભ્યાસક્રમના સંદર્ભમાં સુસંકલિત અભ્યાસક્રમનું આયોજન કેવી રીતે કરાશે તે સમજવું મુશ્કેલ છે.
• નવી શિક્ષણનીતિના ઘડવૈયાઓ બહુવિદ્યાશાખાકીય (multidisciplinary) અભિગમથી અત્યંત પ્રભાવિત થયેલા છે. તેથી ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે પણ વિષય પસંદગીનું ભરપૂર સ્વાતંત્ર્ય આપવા માટે તેમણે સંલગ્ન કૉલેજપ્રથા રદ્દ કરીને તેની જગાએ પોતાની ડિગ્રી આપતી સ્વાયત્ત કૉલેજોની સ્થાપના કરવાનું ઠરાવ્યું છે. આ સ્વાયત્ત કૉલેજોના કૅમ્પસ પર વિવિધ વિદ્યાશાખાઓનું શિક્ષણ આપતી સંસ્થાઓ હોવી જોઈએ. આ માટે આજની સંલગ્ન કૉલેજોને ૨૦ વર્ષ આપવામાં આવ્યાં છે. ૨૦૪૦ સુધીમાં તેમણે બહુ વિદ્યાશાખા ધરાવતા કૅમ્પ્સ સર્જવાનાં છે.
નવું સર્જન કરવું હોય તો જૂનાનો નાશ કરવો પડે. આ તર્ક પ્રમાણે યુ.જી.સી. અને ટૅક્નિકલ શિક્ષણ માટેની કાઉન્સિલને દૂર કરવામાં આવશે અને તેની જગાએ એક નવું માળખું રચવામાં આવશે. તેના ઉદાહરણરૂપે કેટલાંક નામો નોંધીએ : હાયર એજ્યુકેશન કમિશન, નેશનલ એક્રેડિટેશન કાઉન્સિલ, હાયર એજ્યુકેશન ગ્રાન્ટ કાઉન્સિલ, નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન વગેરે.
• ભાષાનો પ્રશ્ન આપણા દેશમાં શિક્ષણનીતિનો એક મહત્ત્વનો મુદ્દો હોય છે. નવી શિક્ષણનીતિમાં શાળાકક્ષાએ ત્રણ ભાષાના શિક્ષણને વળગી રહેવામાં આવ્યું છે. ત્રણમાંથી બે ભાષાઓ દેશની હોવી જોઈએ અને ત્રીજી ભાષા વિદેશી હોવી જોઈએ. ભાષાઓની પસંદગી રાજ્યો પર છોડવામાં આવી છે. નવી નીતિમાં પાંચ ધોરણ સુધી શિક્ષણનું માધ્યમ માતૃભાષા કે પ્રાદેશિક ભાષા હોવી જોઈએ એવો આદર્શ રજૂ કરવામાં આવ્યો છે, પણ તેનો અર્થ એવો નથી કે પહેલા ધોરણથી અંગ્રેજી માધ્યમમાં ભણાવતી શાળાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
• વિદ્યાર્થીઓ ટીકાત્મક રીતે વિચારતા થાય, તેમનામાં સર્જનાત્મકતા કેળવાય, તેઓમાં પ્રત્યાયનની કુશળતા કેળવાય એ બાબતો પર શિક્ષણનીતિમાં ભાર મૂકવામાં આવ્યો છે. તેની ઇચ્છનીયતા નિર્વિવાદ છે પણ આપણું શિક્ષણ ભણતરથી વિમુખ, પરીક્ષાલક્ષી થઈ ગયું છે. તેથી તેમાં વિદ્યાર્થીની કેવળ ગોખવાની શક્તિ કેળવાય છે. શિક્ષણપ્રથાના આરંભથી તેની આ ગંભીર મર્યાદાથી આપણે વાકેફ છીએ. પણ તેમાંથી બહાર આવીને તેને સાચા અર્થમાં શિક્ષણ બનાવવાની દિશામાં કંઈ કરી શક્યા નથી. આપણા આ અનુભવના સંદર્ભમાં નવી શિક્ષણનીતિની સમીક્ષા કરીએ, તે આદર્શ શિક્ષણપ્રથાનો નકશો રજૂ કરે છે, પણ એ પ્રથાના અવતરણ માટેનું કોઈ આયોજન તેમાં નથી. તેથી તેનો કેટલો અને કેવો અમલ થશે સમય જ કહેશે. અત્યારે તો આદર્શોના આધાર પર મોટા દાવા શાસકો કરી રહ્યા છે.
(સૌજન્યઃ ‘બુદ્ધિપ્રકાશ’)
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 31 ઑગસ્ટ 2020; પૃ. 02-03