કોરોનાકાળમાં આપદ્ધર્મ તરીકે ૨ એપ્રિલ, ૨૦૨૦થી ‘નિરીક્ષક’નો દૈનિક ડિજિટલ અવતાર શરૂ થયો, ત્યારે પાનાંની સંખ્યાથી માંડીને સ્વરૂપ-માળખા વિશે લાંબો વિચાર કર્યો ન હતો અને એ વિશે ઝાઝી ચિંતા કરવાની જરૂર પણ લાગી ન હતી. કેમ કે, એ ઉપક્રમ કશું સાબિત કરવા માટે નહીં, પણ જે કરવા જેવું અને ન થતું લાગે, તે કરવા માટેનો હતો. વ્યાવસાયિક પ્રકાશનોની જેમ તેમાં ‘ટાર્ગેટ ઑડિયન્સ’ની ચિંતા સેવવાની ન હતી, તો ‘આ બધું કેવળ નિજાનંદ માટે છે’ — એવો કોઈ સર્જકભ્રમ પણ ન હતો. આશય સ્પષ્ટ હતો કે ‘નિરીક્ષક’ની પખવાડિક પ્રિન્ટ આવૃત્તિ જે રીતે નાગરિકઘડતર અને વિચારવિમર્શ માટે મથે છે, તે જ કામ આ દૈનિકે કરવાનું છે.
ખરું પૂછો તો, ડિજિટલ ‘નિરીક્ષક’નો પહેલો અંક નીકળ્યો ત્યારે તે દૈનિક ધોરણે નિયમિત રીતે કાઢી શકાશે, એવો નિશ્ચય કે દાવો પણ ન હતાં. પરંતુ ટૂંક સમયમાં ડિજિટલ આવૃત્તિનું મહત્ત્વ અને જરૂરિયાત અંકે થવા લાગ્યાં. ના, તેમાં આપવડાઈનો કે આશ્વાસનનો સવાલ ન હતો. ચાલુ ફેશનની આત્મમુગ્ધતામાં ગયા વિના ડિજિટલ ‘નિરીક્ષક’ વિશે બે બાબતો સમજાવા લાગીઃ
(૧) ડિજિટલ આવૃત્તિને વોટ્સએપ જેવા માધ્યમનો લાભ મળવાથી પરંપરાતગત ઉપરાંતના બહોળા વાચકવર્ગ સુધી ‘નિરીક્ષક’ પહોંચવા લાગ્યું.
(૨) આ પ્રકારના વાચનની જરૂરિયાત પહેલાં જેટલી જ અથવા અધકચરી માહિતીના ઘોડાપૂરના જમાનામાં તો કદાચ એથી પણ વધારે છે.
એક પણ રજા કે ખાડા વિના નીકળેલા દૈનિક ‘નિરીક્ષક’ના સળંગ ૬૫ અંક પછી તેની આવશ્યકતા અને અસર એ બંને વિશેની અમારી પ્રતીતિ દૃઢ બની. અમદાવાદમાં પ્રિન્ટિંગ પ્રેસ શરૂ થતાં પખવાડિક પ્રિન્ટ ‘નિરીક્ષક’નું કામ રાબેતા મુજબ શરૂ થયું. એટલે પ જૂન,૨૦૨૦ના રોજ છેલ્લો અંક કાઢીને દૈનિક ‘નિરીક્ષક’ આટોપાયું. પરંતુ તે નિમિત્તે જે અહેસાસ અને પ્રતીતિ થયાં હતાં, તેના ધક્કે – એ મૂડી સાથે, આજથી ‘નિરીક્ષક’ તેનો પખવાડિક પ્રિન્ટ અવતાર ચાલુ રાખીને, અઠવાડિક ડિજિટલ અવતારે હાજર થયું છે.
દૈનિક ‘નિરીક્ષક’માં કોરોનાને લગતાં લખાણો જ સમાવવાનું રાખ્યું હતું. પરંતુ ડિજિટલ સાપ્તાહિક તરીકેના આ અવતારમાં એવી કોઈ મર્યાદા બાંધી નથી. તેમાં નાગરિકહિત, નાગરિકવિમર્શ, નાગરિકહસ્તક્ષેપને લગતા તમામ વિષયો અંગેનાં લખાણ સામેલ કરવાનો ખ્યાલ છે. આ ઉપરાંત અવારનવાર પુસ્તક-પરિચયો અને એવી બીજી સામગ્રી પણ ખરી. ઉપરાંત, ડિજિટલ માધ્યમની બીજી શક્યતાઓનો મહત્તમ કસ કેવી રીતે કાઢી શકાય, તેનો પણ વિચાર અને અમલ યથાસમયે થતાં રહેશે. પ્રકાશિત વાચનસામગ્રી વિશેનાં સૂચનો અને પ્રતિભાવો આવકાર્ય છે.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 06 જુલાઈ 2020; પૃ. 01