બી.જે.પી.ને સ્પષ્ટ બહુમતી મળી ત્યારથી એક પ્રશ્ન સતત પુછાઈ રહ્યો છે કે નરેન્દ્ર મોદીની બીજી મુદ્દત પહેલી મુદ્દત જેવી જ હશે કે એમાં કોઈ ફરક હશે? પ્રશ્ન પૂછનારા બન્ને પ્રકારના લોકો છે. જે લોકો સેક્યુલર-સર્વસમાવેશક-લોકતાંત્રિક ભારતના પક્ષધર છે એમને ચિંતા છે કે શું ફરી વાર વીતેલી મુદ્દતમાં બન્યું હતું એમ ચોક્કસ કોમને અન્યાય કરનારું ધોલ-ધપાટવાળું શાસન જારી રહેશે કે પછી હજુ વધુ વકરશે કે પછી તેમાં સુધારો થશે? તેમની ચિંતા દેશનું સહિયારું પોત જળવાઈ રહેશે કે કેમ તેની છે. બીજા પ્રકારના લોકો નરેન્દ્ર મોદીના સમર્થક છે અને તેઓ ઇચ્છે છે કે તેમના લાડીલા નરેન્દ્ર મોદી સફળ નીવડે અને દેશના અત્યાર સુધીના અને હવે પછી થનારા મહાન વડા પ્રધાનોની યાદીમાં સ્થાન મેળવે, એટલું જ નહીં જગતમાં આદર મેળવે. તેઓ જ્યારે આવો પ્રશ્ન પૂછી રહ્યા છે ત્યારે તેનો અર્થ એટલો જ થાય કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી મુદ્દતથી તેઓ જેટલા સંતુષ્ટ હોવા જોઈએ એટલા નથી. કાંઈક ખૂટતું હતું અને હજુ વધુ થઈ શક્યું હોત એવું તેમને લાગે છે.
પ્રશ્નકર્તાઓનો એક ત્રીજો વર્ગ પણ છે જે નથી સેક્યુલર કે નથી હિંદુ કોમવાદી, તેમની નિસ્બત અર્થતંત્ર સાથે છે. તેઓ પણ પ્રશ્ન પૂછી રહ્યા છે કે નરેન્દ્ર મોદીના શાસનમાં કોઈ ફરક પડશે કે એવું જ શાસન હશે જેવું પહેલી મુદ્દતમાં હતું ? નરેન્દ્ર મોદીની સરકારે કમસેકમ અર્થતંત્ર પર ધ્યાન આપવું જોઈએ. તમને પણ આવા પ્રશ્ન પૂછનારા મળ્યા હશે અને તમે પોતે પણ આ પ્રશ્ન પોતાની જાતને અને લોકોને પૂછ્યો હશે.
નજીકના ભૂતકાળમાં ડૉ. મનમોહન સિંહ બીજી મુદ્દત માટે વડા પ્રધાન બન્યા ત્યારે તમે આવો પ્રશ્ન પોતાની જાતને, બીજાને કે બીજા કોઈએ તમને પૂછ્યો હતો? નહીં પૂછ્યો હોય એની મને ખાતરી છે. એનાથી ઊલટું ૧૯૭૯માં ઇન્દિરા ગાંધીનાં નેતૃત્વમાં કૉન્ગ્રેસને બે-તૃતીયાંશ બહુમતી મળી અને ઇન્દિરા ગાંધી પાછાં વડાં પ્રધાન બન્યાં ત્યારે આવા પ્રશ્નો પુછાયા હતા. ‘શું ઇન્દિરા ગાંધીનું શાસન ૧૯૭૧-૧૯૭૭નાં વર્ષોમાં હતું એવું જ હશે કે એમાં ફરક પડશે?’ ‘શું ઇન્દિરા ગાંધી ફરી વાર દેશ પર આપખુદશાહી લાદશે?’ ‘શું આગલે કે પાછલે બારણેથી ઈમરજન્સી પાછી આવશે?’ લોકો પોતાની જાતને આ પ્રશ્ન પૂછતા હતા અને એકબીજાને પણ પૂછતા હતા. પરંતુ એ જ લોકો એ જ ઇન્દિરા ગાંધી ૧૯૭૧માં બીજી મુદ્દત માટે વડાં બન્યા ત્યારે આવા પ્રશ્નો નહોતા પૂછતા જે રીતે જવાહરલાલ નેહરુ અને ડૉ. મનમોહન સિંહ બીજી મુદ્દત માટે વડા પ્રધાન બન્યા ત્યારે નહોતા પૂછતા.
તો એવું શું છે કે જે પ્રશ્નો ૧૯૭૯માં પૂછવામાં આવતા હતા એ આજે ચાલીસ વર્ષ પછી પાછા પુછાઈ રહ્યા છે અને એવું શું કે નેહરુ, ડૉ. મનમોહન સિંહ અને ઇન્દિરા ગાંધીની ઈમરજન્સી પહેલાંની બીજી મુદ્દત માટે પૂછવાની જરૂર નહોતી પડી? એનું કારણ એ છે કે ૧૯૭૧-૧૯૭૭નાં વર્ષોમાં ઇન્દિરા ગાંધીએ અને ૨૦૧૪-૨૦૧૯નાં વર્ષોમાં નરેન્દ્ર મોદીએ ધોરણસરના શાસનમાં ચીલો ચાતર્યો હતો. જે લોકો બંધારણીય લોકતાંત્રિક ભારતની ખેવના રાખે છે તેવા લોકોને તેમનું બન્નેનું શાસન માફક નહોતું આવ્યું. શાસન સારું હોય તો ઉત્તમ, નબળું હોય તો પણ ચિંતા નહીં, ઇવન ભ્રષ્ટ હોય તો પણ વાંધો નહીં; પરંતુ શાસન બંધારણીય મર્યાદાની અંદરનું ધોરણસરનું હોવું જોઈએ. બાકીનું બધું નુકસાન સુધારી શકાય, પરંતુ બંધારણ સાથે ચેડાં કરવામાં આવે અને લોકતાંત્રિક સંસ્થાઓને તોડવામાં આવે તો તેવું નુકસાન સુધારવું એ બહુ અઘરું હોય છે. આમ લોકતાંત્રિક ભારતની ખેવના કરનારાઓ ૧૯૭૯માં ચિંતિત હતા અને સેક્યુલર લોકતાંત્રિક ભારતની ખેવના કરનારાઓ ૨૦૧૯માં ચિંતિત છે. ૧૯૭૯ની તુલનામાં ૨૦૧૯માં ચિંતામાં વધારો થયો છે. ત્યારે લોકતંત્ર ખતરમાં લાગતું હતું, અત્યારે લોકતંત્ર અને સેકયુલરિઝમ બન્ને સામે ખતરો નજરે પડી રહ્યો છે.
આ તો એક તુલના થઈ. બીજી પણ એક સમાનતા હતી. જેમ અત્યારે નરેન્દ્ર મોદીના ચાહકો મોટી સંખ્યામાં છે તેમ ત્યારે ઇન્દિરા ગાંધીના ચાહકો પણ મોટી સંખ્યામાં હતા. ઇન્દિરા ગાંધીને દુર્ગા તરીકે ઓળખાવનારાઓને એમ લાગતું હતું કે તેમનાં લાડીલાં નેતા આખું જગત જોતું રહે એવા સફળ સાબિત થઈ શકે એમ છે અને થવા જોઈએ. તેમનામાં એવી શક્તિ છે જ. પાકિસ્તાનનાં બે ફાડિયાં કરી નાખનારી આ બાઈ ધારે તો દેશને ક્યાંનો ક્યાં ય પહોંચાડી શકે એમ છે. એમ છતાં તેમને ચિંતા હતી કે રખે ઇન્દિરા ગાંધી ૧૯૭૧-૧૯૭૭નાં વર્ષોનો માર્ગ તો નહીં અપનાવે? જેમ ઇન્દિરા ગાંધીના ટેકેદારો એક જ સમયે શ્રદ્ધા, મહેચ્છા અને ભય અનુભવતા હતા એમ અત્યારે નરેન્દ્ર મોદીના ટેકેદારો પણ શ્રદ્ધા, મહેછા અને ભય અનુભવી રહ્યા છે. અને જેમ ઇન્દિરા ગાંધીના ટીકાકારો ભય અને આગલી મુદ્દતનું પુનરાવર્તન ન થાય એવી અપેક્ષા ધરાવતા હતા એમ અત્યારે નરેન્દ્ર મોદીના ટીકાકારો પણ ભય અને પુનરાવર્તન ન થાય એવી અપેક્ષા સેવી રહ્યા છે.
ઇન્દિરા ગાંધી લોકસભામાં સંખ્યાની દૃષ્ટિએ પૂરેપૂરી અનુકૂળતા ધરાવતા હોવા છતાં સફળ નહોતાં થયાં, કારણ કે રાજકીય સંસ્કૃતિ બદલાઈ ગઈ હતી. જે સંસ્કૃતિ પેદા કરવામાં આવી હતી તેની કિંમત ઇન્દિરા ગાંધીએ અને એ પછી રાજીવ ગાંધીની સરકારે ચૂકવવી પડી હતી. બહુમતી હોવા છતાં નિરર્થક સાબિત થઈ હતી. રાજીવ ગાંધી પાસે તો લોકસભાની ૭૫ ટકા કરતાં વધુ બેઠકો હતી અને છતાં ખાસ કાંઈ ઉકાળી નહોતા શક્યા. કૉન્ગ્રેસ હજુ આજે એટલાં વર્ષ પછી બદલાયેલી સંસ્કૃતિની કિંમત ચૂકવી રહી છે. એટલે તો આપણા શાસ્ત્રોમાં મર્યાદાનો મહિમા કરવામાં આવ્યો છે.
તો મહત્ત્વ છે ધોરણસરના શાસનનું. ધોરણસરના શાસનની લક્ષ્મણ-રેખાઓ ઓળંગવામાં આવે તો એમાંથી નવી રાજકીય સંસ્કૃતિઓ પેદા થતી હોય છે જે શાસનની ગુણવત્તાને નુકસાન પહોંચાડે છે. ઇન્દિરા ગાંધીને તો આવો અનુભવ થયો હતો. નરેન્દ્ર મોદીને કેવો અનુભવ થાય છે એ હવે ખબર પડશે, પરંતુ એ પહેલાં લાખ રૂપિયાનો સવાલ એ છે કે શું નરેન્દ્ર મોદી તેમના શાસનની દિશા બદલવા માગે છે? દરમિયાન નરેન્દ્ર મોદીના શુભેચ્છકોને એક જ વાત જણાવવાની કે અમર શાસક બનવાનો એક જ રસ્તો છે જે માર્ગે અશોક, અકબર, જવાહરલાલ નેહરુ, રુઝવેલ્ટ, વેક્લાવ હાવેલ, થોમસ જેફરસન, અબ્રાહમ લીન્કન, નેલ્સન મંડેલા વગેરે ચાલ્યા હતા. બધાને બાથમાં લઈને ચાલે એ પરિવારમાં મોભી તરીકે પૂજાય છે, દેશમાં પ્રજાની પ્રીતિ મેળવે છે અને જગતમાં મુત્સદી તરીકે આદર મેળવે છે. જગતમાં જેટલા પ્રતિષ્ઠિત નેતાઓ થયા છે એ બધા ભેદભાવ વગર બધાને બાથ લેનારા હતા.
નરેન્દ્ર મોદીને શુભેછા. આપણે ઇચ્છીએ કે તેઓ નહેરુ કરતાં પણ આગળ નીકળી જાય, પણ એમાં રસ્તો તો નેહરુનો જ અપનાવવો પડે એમ છે. બીજો કોઈ રસ્તો જ નથી. બીજા માર્ગો કુખ્યાતિ છે.
31 મે 2019
સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 જૂન 2019