અમેરિકન ભારતીયો ટ્રમ્પની ઇમિગ્રન્ટ્સ પોલિસીઝથી નારાજ છે પણ મોદી સરકારનાં બધાં જ નિર્ણયો તેમને બહુ જ ગમે છે, જેની સાથે તેમને ખરેખર કંઇ જ લેવાદેવા નથી કારણ કે તેઓ ભારતમાં રહેતા નથી.
અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતની આસપાસ ઢગલો વાતો અને વાર્તાઓ થઈ. વ્યાપારી સોદાથી માંડીને આતંકવાદને નાથવાની વાતો પણ કરાઈ. ટ્રમ્પે જ્યારે મોટેરા સ્ટેડિયમમાં ભાષણ આપ્યું ત્યારે તેણે કહ્યું કે ચાર મિલિયન ભારતીયો જે અમેરિકામાં વસે છે તેમણે અમેરિકાના વિકાસમાં બહુ મોટો ફાળો આપ્યો છે. ટ્રમ્પે ખાસ કરીને ગુજરાતી ડાયસ્પોરાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ચાર એન.આર.આઇ.માંથી એકનાં મૂળિયાં ગુજરાતમાં હોય છે. એન.આ.રજી.ઝ એટલે કે નોન રેસિડન્ટ ગુજરાતીઓને વાત કરીએ તો અમેરિકામાં વસતા આ ગુજરાતીઓનો ઝુકાવ મોટે ભાગે ડેમોક્રેટ્સ તરફ હોય છે. પરંતુ ટ્રમ્પે જે રીતે ભારત તરફી વલણનું પ્રદર્શન કર્યું છે, તે જોતાં આ વર્ગનું મતદાન દિશા બદલે તેવું પ્રતીત થાય છે. ટ્રમ્પનો ભારત પ્રવાસ આમ તો બહુમુખી હેતુ ધરાવતો હતો, પરંતુ તેમાં અમેરિકામાં વસતા ગુજરાતીઓને ટ્રમ્પની તરફેણમાં મત આપવામાં રસ પડે તે એક બહુ મોટો ઉદ્દેશ હતો.
નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજર રહેલા એન.આર.જી.ઝને માટે આ આખી કસરત અમેરિકાના ટેક્સાસમાં થયેલા કાર્યક્રમ હાઉડી મોદીનાં પ્રતિભાવ તરીકે કરવામાં આવી હતી. અમેરિકામાં ‘રિપબ્લિક હિંદુ કોએલિશન’ જેવા જૂથ છે જેમાં જોડાયેલા ગુજરાતીઓના મતે અમેરિકન પ્રેસિડન્ટનું પોતાને ભારતના વડાપ્રધાનનાં મિત્ર કહેવડાવવું એ અમેરિકામાં વસતા ગુજરાતીઓ પર ઘેરો પ્રભાવ પાડશે. વળી લગભગ પ૦ જેટલા એન.આર.જી.ઝ તો માત્ર આ કાર્યક્રમને ખાતર ભારત આવ્યા હતા, જે બતાડે છે કે અમેરિકામાં વસતા ગુજરાતીઓને ટ્રમ્પ અને મોદીનાં સમીકરણ સમજવામાં બહુ રસ છે.
ભારતીય અમેરિકન્સ એ અમેરિકાની સૌથી વધુ ધનવાન, વધુ ભણેલી લઘુમતી છે. અમેરિકામાં ભારતીયોની હાજરી બહુ મહત્ત્વનાં અને ટોચનાં સ્થાન પર છે. જેમ કે તાજેતરમાં જ અરવિંદ ક્રિષ્ણા ઇન્ટરનેશનલ બિઝનેસ મશિન્સ કોર્પનાં ચિફ એક્ઝિક્યુટીવ તરીકે નિમાયા તો આ પછીના સમાચાર અનુસાર વીવર્કે નવા ચિફ એક્ઝિક્યુટીવની પદવી પર સંદીપ મથરાનીને નિમ્યા. ઇન્ડિયન અમેરિકન્સ મોકાની પદવીએ છે, જેમ કે માઇક્રોસોફ્ટમાં સત્યા નડેલા, ગુગલમાં સુંદર પિછાઇ, અડોબમાં શાંતનુ નારાયેણ, ડેલોઇટમાં પુનિત રેન્જન તો પાલો આલ્ટો નેટવર્ક્સમાં નિકેશ અરોરા. અમેરિકન કોર્પોરેશન્સમાં ઉચ્ચ પદવીએ સ્થાપિત દરેક ભારતીય એ વાતની સાબિતી છે કે અમેરિકાને ભારતીય ડાયાસ્પોરાથી સારો એવો લાભ થાય છે અને ભારતીયોની સોફ્ટ સ્કિલ તેમનો સોફ્ટ પાવર સાબિત થાય છે. પોતાના દેશમાં નાણાં મોકલવાને મામલે ભારતીયો અવ્વલ છે. તાજેતરમાં જ જાહેર થયેલા એક રિપોર્ટ અનુસાર ભારત એ વિશ્વનો ટોચનો દેશ છે જ્યાં તેનો ડાયસ્પોરા નાણાં મોકલે છે. વિદેશી ભારતીયોએ પોતાના વતનમાં ૨૦૧૮ની સાલમાં ૭૯ બિલિયન ડૉલર્સ મોકલ્યા છે, જેમાંથી ૪.૪ મિલિયન અમેરિકાથી ભારત પહોંચ્યા છે તો બાકી ૪ મિલિયન સાઉદી અરેબિયાથી, ૧.૮૨ મિલિયન યુનાઇટેડ કિંગ્ડમથી અને ૧.૫૪ મિલિયન કેનેડાથી આવ્યા છે. ગ્લોબલ ડાયસ્પોરાના આ પોતાના વતનમાં નાણા મોકલવાને મામલે ભારત પહેલા ક્રમાંકે ત્યાર બાદ ચીન અને પછી મેક્સિકોનો ક્રમાંક છે. વળી અમેરિકામાં જે રીતે મહત્ત્વની પદવીઓ પર ભારતીયો છે તે દર્શાવે છે કે અમેરિકાનાં જાહેર જીવનમાં, રાજકારણમાં તથા કોર્પોરેટ વિશ્વમાં ભારતીયોનો સિક્કો બહુ ચાલે છે. ટ્રમ્પે જ્યારે અમદાવાદ આવીને મોટેરામાં ભાષણ કરવાનું નક્કી કર્યું હશે, ત્યારે તેને પણ ભારતીયોની આ તાકાત જે તેના જ દેશમાં છે એ વિષે પાક્કી ખબર હશે. વળી અમેરિકન યુનિવર્સિટીઝમાં ઓછામાં ઓછાં બે લાખ ભારતીય વિદ્યાર્થીઓ ભણી રહ્યાં છે અને તે અમેરિકાના અર્થતંત્રમાં મોટો ફાળો આપે છે. ૨૦૧૮-૧૯ના આંકડા અનુસાર ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા ગયેલા ભારતીયોએ યુ.એસ.એ.ના અર્થતંત્રમાં ૮ બિલિયન ડોલર્સથી પણ વધુ નાણાંનું યોગદાન આપ્યું છે.
ભારતીય અમેરિકન તુલસી ગબ્બાર્ડ તો અમેરિકામાં પ્રેસિડેન્શિયલ ઇલેક્શન માટેનાં એક મહત્ત્વાકાંક્ષી દાવેદાર છે તો મનીષા સિંઘ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં સેક્રેટરી ઑફ સ્ટેટ ફોર ઇકોનોમિક અને બિઝનેસ અફેર્સ સંભાળવા માટે નિમાયાં, નીલ ચેટર્જી ફેડરલ એનર્જી રેગ્યુલેટરી કમિશનનાં ચેરમેન તરીકે પસંદગી પામ્યા તો સીમા વર્મા સેન્ટર ફોર મેડિકેર અને મેડિકેઇડ સર્વિસનાં એડમિનિસ્ટ્રેટર તરીકે પસંદ કરાયાં. આવા તો ઘણાં ભારતીયો અગત્યની પદવીઓ પર છે પણ ગુજરાતીઓ કંઇ અમેરિકામાં જઇને માત્ર મોટેલ બિઝનેસ નથી સંભાળતા કે નથી માત્ર ખાખરા કે ટીફિન સર્વિસ ચલાવતા. ઘણાં ગુજરાતીઓ ટ્રમ્પ સરકારમાં અગત્યની પોઝિશન્સ પર કામ કરી રહ્યા છે. જેમ કે ઇન્ડિયન અમેરિકન વકીલ કશ્યપ પ્રમોદ પટેલ જે ટ્રમ્પના ટેકેદાર છે તેઓ વ્હાઇટ હાઉસમાં કાઉન્ટર ટેરરિઝમ ડિરેક્ટોરેટના સિનિયર ડિરેક્ટરની પોઝિશન પર કામ કરી ચૂક્યા છે. રાજ શાહ નામના ગુજરાતી ટ્રમ્પ સરકારમાં પ્રિન્સિપલ ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી બનાવાયા તો વિશાલ અમીન નામના ગુજરાતી ટ્રમ્પના ઇન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી એનફોર્સમેન્ટ કો-ઓર્ડિનેટર રહ્યા છે. રો ખન્ના, પ્રમીલા જયપાલ, રાજા કૃષ્ણમૂર્તિ અને કમલા હરિસ ૨૦૧૬ની ચૂંટણીમાં યુ.એસ. કોંગ્રેસમાં ચૂંટાયાં અને પાંચમા પ્રતિનિધિ તરીકે અમી બેરા રિ-ઇલેક્શનમાં ત્રીજી વાર ચૂંટાયા. યુ.એસ. કોંગ્રેસની હિસ્ટ્રીમાં આટલાં ભારતીયોનું ચૂંટાવું પહેલીવાર બન્યું છે. જોવાનું તો એ છે કે ટ્રમ્પનાં કોન્ઝર્વેટિવ એજન્ડાનો પ્રચાર કરવામાં ઘણાં ભારતીય અમેરિકન્સ હોવા છતાં પણ મોટેભાગે આ સમુદાયનો ઝુકાવ ડાબેરી રહ્યો છે.
ટ્રમ્પે એક રીતે તો ભારતની આ મુલાકાત યુ.એસ.એ. તરફી હતી તેવું સ્પષ્ટ કરી જ દીધું. તેણે કઇ રીતે રશિયા સેનેટર બર્ની સેન્ડર્સનાં ટેકાને મામલે ચંચુપાત કરે છે તેની વાત કરીને પોતે નવેમ્બરમાં ફરી ચૂંટાશે તો માર્કેટ્સ પણ બહેતર થશે તેવું વિધાન પણ કર્યું. દિલ્હીમાં તે ભાષણ આપતા હતા ત્યારે ત્યાં ચાલી રહેલા રમખાણોમાં નવ જણા મોતને ભેટ્યા પણ તેમની વાતમાં માત્ર અમેરિકાલક્ષી સંબોધનો હતા.
ટ્રમ્પનો ભારત પ્રવાસ તેને ફળશે કે કેમ એ અત્યારે તો અસ્પષ્ટ છે. જે રીતે હાઉડી મોદીમાં રાજકીય રંગ હતો બિલકુલ તે જ રીતે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પણ રાજકીય રંગમાં જ ઝબોળાયેલો હતો. આ આખી ઘટનાને વિદેશમાં વસતા ભારતીયો અને ગુજરાતીઓ એ રીતે નથી જોઇ રહ્યા કે મોદી ટ્રમ્પને અમદાવાદ લાવ્યા, પરંતુ ટ્રમ્પનું ગુજરાતમાં આવવું જ તેમને માટે મહત્ત્વનું છે. જે રીતે આખા કાર્યક્રમને ગજવવામાં આવ્યો બહુ જ સ્પષ્ટ હતું કે આ ગુંજ માત્ર ભારત પૂરતી નહીં પણ અમેરિકામાં વસતા એકેએક ગુજરાતી સુધી પહોંચે તે રીતે પ્લાન કરવામાં આવી હતી. ઘણાં ધનિક ભારતીય અમેરિકો ટ્રમ્પ તરફી છે છતાં પણ એન્ટી ઇમિગ્રન્ટ્સ પોલિસીને કારણે યુ.એસ.માં રહેતા સાઉથ એશિયન કુટુંબો પર બહુ અસર પડી છે. ટ્રમ્પે ભારતીય મુસલમાનોને પણ જુદા તારવ્યા છે જે રીતે તેણે પોતાના દેશની બીજી લઘુમતીઓને અલગ ટાંકી છે. ટ્રમ્પ ભારતનાં મંચ પરથી દેશ માટે પોતાનો પ્રેમ જાહેર કરે તેનો અર્થ એમ નથી કે બધા જ ભારતીય અમેરિકનો તેને ચાહવા માંડશે.
બાય ધી વેઃ
વિચિત્ર તો એ છે કે ત્યાં વસનારા અમેરિકન ભારતીયો ટ્રમ્પની ઇમિગ્રન્ટ્સ પોલિસીઝથી નારાજ છે પણ મોદી સરકારનાં બધાં જ નિર્ણયો તેમને બહુ જ ગમે છે. આ વલણ તેમની વર્તમાન પેઢી, યુવાનોને ગળે નથી ઊતરતું. પોતે વડાપ્રધાન બન્યા તે પછી ૨૦૧૪થી લઇને અત્યાર સુધીમાં મોદીએ અમેરિકામાં વસતા ભારતીય ડાયસ્પોરા સાથે ન્યુયોર્કનાં મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં, સાન હોઝેનાં SAP સેન્ટરમાં અને હ્યુસ્ટન ટેક્સાસમાં હાઉડી મોદી કાર્યક્રમ દ્વારા સંપર્ક ગજવ્યો. આમાં મૂળ તો અમેરિકન ભારતીયો તરફથી મળતું ભંડોળ મોદી અને પક્ષ માટે મહત્ત્વનું છે. ટ્રમ્પને મામલે તો એવો કેસ પણ નથી. ભલે અહીંથી જાતભાતનાં બણગા ફુંકાય અંતે ત્યાં વસતા ભારતીયો અમેરિકન સિટીઝન્સ છે, તેમને તો ટ્રમ્પ ત્યાં શું ઉકાળે છે જેમાં જ રસ હોય છે નહીં કે ભારતમાં તેનો શો કેટલો હિટ રહ્યો છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 માર્ચ 2020