Opinion Magazine
Number of visits: 9449800
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નગીનદાસ સંઘવી : ત્રણ અંજલિ

ડંકેશ ઓઝા / જયંતી પટેલ / ચિનુભાઈ બબલદાસ શાહ|Opinion - Opinion|15 August 2020

– 1 –

નગીનદાસ સંઘવી : થોડી અંતરંગ વાતો / ડંકેશ ઓઝા

નગીનદાસમાં દંભ ઓછામાં ઓછો હતો. સાચુકલી નિખાલસતા, મિત્રતા અને નમ્રતા જોવાં મળતાં. એમની સાથે વાત કરનાર અને એમને મળનાર એમનાથી પ્રભાવિત થઈને જતો.

નગીનદાસ અને પ્રભાબહેનનું દામ્પત્ય અમે જોયું છે. અમારાથી આગળની પેઢીના અને છતાં એકબીજાંને બહુ સહજતાથી ‘તું’કારે બોલાવી શકે. ભારતીય સમાજના સંદર્ભમાં આ નાનીસૂની વાત નથી! હું એવાં દંપતીઓને ઓળખું છું, જેમનાં પ્રેમલગ્ન હોય. ‘તું’કાર તો ઠીક, લગ્ન પછી એકબીજાંને નામ દઈને પણ બોલાવાની હિંમત ન હોય. સમાજનો આવો રૂઢિચુસ્ત પ્રભાવ આ દંપતીએ કદાચ મંજૂર નહિ રાખ્યો હોય.

પ્રભાબહેન લાંબો સમય માંદગીમાં રહ્યાં. મોરારિબાપુને ત્યાં અમે ચારેય જણ એક રૂમમાં હોઈએ. નગીનદાસની પત્નીસેવા અમે નજરો-નજર નિહાળી છે. પ્રભાબહેન અધિકારપૂર્વક તે ભોગવતાં.

આ પ્રભાબહેન કૈલાસધામ ગુરુકુળમાં જ અવસાન પામ્યાં. તે પછી, સ્વાભાવિકપણે જ અનેક લોકો નગીનદાસ પાસે ખરખરો કરવા જાય. અમે પણ ગયેલાં. આ આખો પ્રસંગ દંભથી ભરપૂર હોવાનું નગીનદાસનું આકલન રહ્યું હશે તેથી તેઓ એવા તો મૂંગામંતર થઈને બેસી રહેતા કે ખરખરે આવેલા જણ હારી-કંટાળીને જલદીથી ઊભાં થઈ જતાં. એ સમયે થોડું બેહૂદું લાગે એવું એમનું વર્તન હતું. પણ મને સમજાય છે કે તેમણે તે સભાનપણે આચરવાનું નક્કી કર્યું હશે.

મોરારિબાપુ સાથેનો સંબંધ બંધાયો અને છેક સુધી ટક્યો એનો જશ બન્નેને જાય છે. પરસ્પર બન્નેને ઊંડા આદરનો ભાવ હતો. કોઈને કાંઈ મેળવવાનું ન હતું. બન્ને ‘સંગમાં રાજીરાજી’ હતા. વિદેશમાં કથા હોય અને બીજે દિવસે નગીનદાસ આગલા દિવસની કથાનો સાર અંગ્રેજીમાં (ત્યાંની મૂળ પ્રજા માટે) રજૂ કરતા. અંગ્રેજી ભાષા પર તેમનો કાબૂ અસાધારણ કહી શકાય તેવો હતો. એમણે મહાત્મા ગાંધી અને નરેન્દ્ર મોદી બન્ને વિશેનાં અલગ-અલગ પુસ્તક અંગ્રેજીમાં લખીને પ્રગટ કર્યાં છે. ગાંધી પુસ્તકની પ્રસ્તાવના તો લૉર્ડ ભીખુ પારેખે લખી છે. અંગ્રેજી દૈનિકોમાં કેમ નહિ લખ્યું હોય એવો સ્વાભાવિક પ્રશ્ન ઊભો થાય છે. જો કે અંગ્રેજી પુસ્તકો માટે પ્રકાશકો મેળવવામાં એમની મૂંઝવણનો હું કંઈક સાક્ષી રહ્યો છું.

૧૯૮૦ની આસપાસ ગાંધીનગરના સેક્ટર-૧૩માં મારા સરકારી મકાનમાં તેઓ આચાર્ય રસેન્દ્ર પંડ્યાને લઈને મારું ઘર શોધતાં આવેલા. એ પૂર્વે ચોક્કસ થોડો પત્રવ્યવહાર થયો હશે. પછી તો જ્યારે પણ ગાંધીનગર આવે ત્યારે મારા ઘરે મિત્રો સાથેની ગોષ્ઠીનો કાર્યક્રમ નક્કી. અમે માંડ ૫-૬ મિત્રો હોઈએ, પણ એ મહેફિલો અવિસ્મરણીય છે. પછી ક્યારેક પૂર્વધારાસભ્ય સુનીલ ઓઝાને ત્યાં રોકાય, રેસ્ટહાઉસમાં રોકાય, એવું પણ બનતું. હરિ દેસાઈ ગુજરાત સરકાર સાથે હતા, ત્યારે એમને ત્યાં પણ મળવાનું થયું. છેલ્લે દેશના રાજ્યપાલો વિશે લખવાનું એમના મનમાં હતું. માહિતી-વિગતો એક્ઠી કરતા હતા.

અમદાવાદનાં બે પ્રમુખ દૈનિકોમાં કેમ તમે લખ્યું નહિ, એવું મેં એક વાર પૂછેલું, ત્યારે કહેતા કે ઑફર તો આવે છે પણ મારા લેખોમાં અલ્પવિરામ પણ કોઈ કાપે તો તે મને પોષાય નહિ. એટલે એમનાથી દૂર રહેવું સારું.

મોટા કૉલમિસ્ટો લોકપ્રિયતાથી ધરાતા હોતા નથી. વાટકીવ્યવહારની વાત કરતા હોય છે. એવી અંગત-ખાનગી વાત એમણે મને કરેલી. પણ એ વાતને તેઓ તાબે પણ થયેલા એનો પુરાવો એમની કૉલમમાં મેં જોયેલો ! એટલું જ નહિ, એમણે એ લોકપ્રિય લેખકના પુસ્તકની પ્રસ્તાવના પણ લખી આપેલી.

દૂધસાગર ડેરીના ઉપક્રમે જાહેર સેવા આયોગની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે દૂધ – ઉત્પાદકોના યુવાનોને તૈયાર કરવાના કાર્યક્રમમાં હું એમને આગ્રહપૂર્વક મહેસાણા લઈ ગયેલો. વર્ગમાં ચાલતાં-ફરતાં ભણાવવાની તેમની કાયમી આદતનો ત્યારે ખ્યાલ આવેલો. બોલતાં-બોલતાં એવા ઊંડા ઊતરી જાય કે કોઈ સ્પર્ધક પ્રશ્ન કરે, ત્યારે ડૂબકીમાંથી એકાએક બહાર નીકળતા હોય એવું લાગે.

મને કહેવા દો કે ગુજરાતના બૌદ્ધિકો વિશે એમને કદી ઊંચો અભિપ્રાય ન હતો, પણ જાહેરમાં એવું ભાગ્યે જ બોલતા. નહિ રહી શક્યા હોય તેથી ‘વિશ્વકોશ’માં મિત્ર યશવંત દોશી વિશે બોલતાં તેમણે બે નામ દઈને કહેલું કે એમણે ‘ગ્રંથ’ આંચકી લઈને, અમદાવાદ લઈ જવામાં, યશવંત દોશીને કેવો અન્યાય કરેલો અને કેવા પીડેલા. ગુજરાતના બૌદ્ધિકોનો પણ એમના પ્રત્યેનો ભાવ લગભગ ઉપેક્ષાનો જ રહ્યો એમ નોંધવું જોઈએ. સારું થયું કે તેઓ મુંબઈસ્થિત હતા.

શતાયુ થવું અને એ ઉંમરે પણ સક્રિય રહેવું એ અઘરું મનાતું કામ તેઓ સહજપણે કરીને વિદાય થયા. એનો જશ ખાટવાનો તેમણે કદી પ્રયાસ નહિ કરેલો. અલગ-અલગ વયના સાથે સમાન મૈત્રીભાવ અનુભવવો એ કદાચ એમની વિશેષતા હતી. તેથી જ ઘણાં બધાંને મારી જેમ, એ પોતાનાં જ મિત્ર હોવાનું લાગે છે. સેક્ટર-૨૭ના ઘરે એ અચાનક આવ્યા ત્યારે હું પાછળ કપડાં સૂકવતો હતો. પહેલા રૂમમાં બેસવાને બદલે એ સીધા પાછળ આવી ગયા અને ભારતીને કહે કે ‘અમારી વાત તો કપડાં સૂકવતાં-સૂકવતાં પણ ચાલશે’. આમ કહીને એ પણ બીજું કપડું સૂકવવા લાગેલા. આટલી સહજતા ન ભૂતો ન ભવિષ્યતિ.

મેઘાણીની ટીકા એમણે એવું લખીને કરી છે કે લોકોને રંજાડનારા બહાવટિયાઓને તેમણે શૂરા કહીને પૂજ્યા. એ એમનું મંતવ્ય હતું, પણ એમની અંગત મૈત્રી જયંત મેઘાણી સાથેની બરકરાર હતી. બન્નેને મન આવી કોઈ વાત મૈત્રીની આડે આવતી ન હતી. એ જ રીતે વડોદરામાં જાય ત્યારે અચૂક મિત્ર ડૉ. બંદૂકવાલાને મળવાનો સમય રાખે જ. ભવન્સના હોમી દસ્તૂર પણ આવા જ એમના અંગત મિત્ર, જે ઘણા જાણતા હશે.

નગીનદાસના લેખનની વાત કરતી વખતે એમનાં ‘રામાયણની અંતર્યાત્રા’, ‘મહામાનવ શ્રીકૃષ્ણ’ અને એમની તડફડ શ્રેણીની વાત બધા કરે છે. પરિચય પુસ્તિકાઓની વાત કરે છે. અનુવાદક તરીકે સરદાર પટેલના જીવનચરિત્રની વાત થાય છે, પરંતુ એમના પ્રગટ સ્વભાવથી વિપરીત એવી બે નાનકડી પુસ્તિકાઓની વાત ભાગ્યે જ થાય છે. એ છે : ‘આગિયાનો ઉજાસ’ અને ‘અંતરના દીવા’. આ પુસ્તિકાઓમાં એમણે જીવન જીવવામાં ખપ લાગે તેવી ઇતિહાસ, મહાકાવ્યો અને પુરાણોમાંથી નાની-નાની ટચૂકડી ઘટના-કથાઓ બહુ રસપ્રદ રીતે આલેખી છે.

આવા મિત્રવર્ય વિશે લખવું અને એ નિમિત્તે એમના પ્રત્યે જાહેર ઋણભાવ વ્યક્ત કરવો એ ગમતું કામ છે. સુષ્ઠુ સુષ્ઠુ લખનારા ગુજરાતે એમની તડફડ શૈલીમાંથી વિવેકપૂર્વક પણ ઘણું અંકે કરવા જેવું તો છે જ.

 •••••

– 2 –

નગીનભાઈ નિમિત્તે / જયંતી પટેલ

નગીનભાઈ સો વર્ષનું સ્વાસ્થ્ય અને સક્રિય આયુષ્ય માણી વિદાય થયા. તેમને અપાયેલી અનેક અંજલીઓ વાંચી. તેમના આચાર-વિચાર અંગેના પ્રતિભાવો અંગે આપલે થઈ. સામાન્યપણે, અવસાન પામેલી વ્યક્તિ વિષે ટીકા-ટીપ્પણ કરવાનું ટાળું છું. કારણ કે વ્યક્તિ પોતાના વિચાર-વર્તન અંગેનો બચાવ, ખુલાસો કે જવાબ આપી શકતી નથી. મારા આવા સંકોચ સામે માનનીય મિત્રોની દલીલ હતી કે જાહેર જીવનમાં પડેલી વ્યક્તિના આચારવિચારનું મૂલ્યાંકન થાય તે જરૂરી છે. આવું મૂલ્યાંકન મૂલ્યોના પ્રતિપાદન તથા જાહેર જીવનનાં ધોરણો વિષેનું વિવેચન થાય તે ભૂલસુધાર માટે માર્ગદર્શક બની શકે. આ બંને મંતવ્યો વચ્ચેની ગડમથલના અંતે, આ નિમિત્તે કેટલીક બાબતો વિષેનાં મારા વિચારો વ્યક્ત કરવાની તક લીધી છે.

નગીનભાઈને બેએક વખત મળવાનું થયું હતું. રાજ્યશાસ્ત્રના અધ્યાપકના નાતે કોઈ મુદ્દા ઉપર તેમની સાથે ચર્ચાવિચારણા તથા વિવાદ પણ થયો હશે. સાદા, સરળ, નિખાલસ અને સદા હસતા નગીનભાઈ ગમી જાય તેવી વ્યક્તિ હતા. તેમની કૉલમમાં રાજકારણ તથા જાહેર નિસબતની બાબતો વિષેના વિવેચનને કારણે તેમના પ્રત્યે આદર છે. આમ છતાં, કેટલીક બાબતો મને ખટકે છે તે વિષે પણ અહીં રજૂઆત કરી છે.

નગીનભાઈ કટાર લેખક હતા. નિયમિતપણે કટાર લખનારા કેટલાક લેખકોને ઘણીવાર યોગ્ય વિષય હાથ ના લાગે ત્યારે પણ લખવું તો પડતું હોય છે. પરિણામે, પૂરતા અભ્યાસ કે સંશોધનના અભાવે લખાણનાં સ્તરમાં ચઢાવ-ઉતાર આવી જતો હોય છે. ક્યારેક તેમાં સર્વજ્ઞતાની છાંટ, એકાંગી રજૂઆત, ઉપદેશાત્મક અભિગમ, અગાઉના લખાણ સાથેનો વિરોધાભાસ, લોકરંજકતા પણ આવી જાય. વળી કેટલાકને પ્રસિદ્ધિનો મોહ, માન-અકરામ કે સન્માન મેળવવાની લાલસા તેમના તાટસ્થ્ય, સમતોલ વિવેચન કે વિવેકભાનને ખોડાં કરી દે તેવું પણ બને છે.

નગીનભાઈનાં આચારવિચાર અને લખાણોનાં સંદર્ભમાં પણ આ વિષે નુક્તેચીની કરવી રહી. તેઓ લોકશાહી, સેક્યુલર અને રેશનલ અભિગમ, રાષ્ટ્રીય ઐક્ય, જેવાં પ્રગતિશીલ મૂલ્યોના હિમાયતી હોવાનું કહેતા હતા. આમ છતાં, તેમણે ઇન્દિરાઈ કટોકટીને આવકારી હતી. મહુવાવાળા સાથે નાતો બાંધ્યો હતો (આ માટે, શક્ય છે કે તેમની કેટલીક કૌટુંબિક તકલીફોનાં નિવારણ માટે તેમને મળેલી આર્થિક સહાયના ભારણથી તે ઓશિંગણ બન્યા હોય), બિનલોકશાહી-કોમવાદી-રાષ્ટ્રીય ઐક્ય માટે જોખમકારક વગેરે અનેક ક્ષતિઓ ધરાવતા વર્તમાન શાસનની ક્યારેક પ્રશંસા અને ક્યારેક ટીકા જેવો બેવડો અભિગમ અને (કદાચ તેથી) તેમના દ્વારા ૨૦૨૦માં અપાયેલા પદ્મશ્રીના ખિતાબનો સ્વીકાર તેમના વ્યક્તિત્વને ઝાંખપ લગાડે છે. આ પ્રકારનું આચારવિચાર વચ્ચે વિરોધાભાસ ધરાવતું વર્તન મૂલ્યનિષ્ઠા અને જાહેરજીવનનાં ધોરણો સાથે સુસંગત લાગતું નથી, અલબત્ત, આ મારો મત છે તે વિષે મતભેદ હોઈ શકે.

•••••

– 3 –

અલવિદા નગીનબાપા / ચિનુભાઈ બબલદાસ શાહ

કોઈ પણ સામયિકમાં તંત્રીલેખ પ્રથમ હોઈ ત્યાંથી વાંચવાની શરૂઆત કરાય છે. ૧૬-૭ના અંકમાં ‘અલવિદા નગીનબાપા’ના શીર્ષક હેઠળ સરસ વાતો કહી છે. (નવનિર્માણ આંદોલનને હું કેમ ભૂલું ? ભૂલતો ન હોઉં તો ઉમતાવાળા રિખવચંદભાઈ વગેરે ગામેગામ નીકળ્યા ત્યારે મારા વતન બાલવામાં સર્વે મારા ઘેર મેડી પર રાતવાસો કરી સવારે ચા-નાસ્તો લઈ આગળ વધેલા.)

મુ. નગીનબાપા ‘જેવા માથાના તેવા પગના આખા. તડફડી સ્વભાવ. આપણી રાજવટ લોકશાહી હશે, પણ સમાજ લોકશાહી નથી એ એમની પાકી સમજ.’

આપે ટાંક્યું તેમ એ કહેતા કે ‘ધર્મ બેધારી તલવાર છે.’ માણસ મરી જાય તો પણ તેનાં હાડપિંજરો સદીઓ સુધી ટકે છે. પયગંબરોેએ સરજેલા ધર્મોને આપણે હાડપિંજર બનાવ્યા, એમ પણ એમણે લખ્યું છે. ધર્મ ધર્મ વચ્ચે સંવાદ માટે મોરારિબાપુએ જે કહ્યું એ ચર્ચા એમના ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ જેવા નગીનબાપાએ વિવેકાનંદ અને ગાંધીના સગડ કાઢી તે રસ્તે લઈ જવા જેવું હતું.

૧૦, વિક્રમ ફ્લૅટ, રેલવે ક્રોસિંગ પાસે, નારણપુરા, અમદાવાદ-૩૮૦ ૦૧૩

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2020; પૃ. 11-12

Loading

15 August 2020 admin
← અન્નકૂટ
રાજસ્થાનમાં સત્તાની રાજરમતમાં લંગડાતી આપણી લોકશાહી →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved