Opinion Magazine
Number of visits: 9447398
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘નાટક ભજવ્યા કરવાની, જુદી જુદી સૃષ્ટિ સર્જ્યા કરવાની તક વારંવાર કેટલાને મળે છે ?’ : નિમેષ દેસાઈ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|19 November 2017

બહુમુખી પ્રતિભા ધરાવતાં રોમે રોમ રંગકર્મી  નિમેષ દેસાઈનું એકસઠ વર્ષની ઉંમરે અવસાન

પૂરાં કદનાં, એટલે કે બે-અઢી કલાક ચાલનારાં એક-બે નહીં, પૂરાં એકસો પાંચ નાટકોનું દિગ્દર્શન કરનારા અલબેલા રંગકર્મી નિમેષ દેસાઈના જીવનનાટક પર ચૌદમી નવેમ્બરે મળસ્કે પડદો પડી ગયો.

નિમેષ તખ્તા ખાતર ખુવાર થઈ જનાર નાટકકાર હતા એમ કહેવાય છે એમાં ભાગ્યે જ અતિશયોક્તિ છે. તખ્તાને પાત્રો, દૃશ્યરચના, નૃત્ય, સન્નિવેશ, રંગરૂપથી; તેમ જ નાટ્યગૃહને સૂરાવલિ, પ્રકાશરચના અને  સૌંદર્યપૂર્ણ આનંદથી છલકાવી દેતાં, નિમેષનાં મોટાં વૃંદ સાથેનાં યાદગાર નાટકોની યાદી બહુ લાંબી છે. તેમાં ઓગણીસમી સદીના ડાહ્યાભાઈ ધોળશાજીથી લઈને સમકાલીન ચીનુ મોદી સુધીના, કે શેક્સપિયરથી અત્યારના ટૉમ ટોપોર સુધીના વિશ્વરંગભૂમિના નાટ્યકારોની કૃતિઓ આવે છે. રવીન્દ્રનાથ, ધર્મવીર ભારતી, મહેશ એલકુંચવાર, મોહન રાકેશ, અસગર વજાહત જેવા નાટ્યકારો પણ ખરા. તદુપરાંત ‘સરસ્વતીચંદ્ર’, ‘ભારેલો અગ્નિ’, ‘મળેલાં જીવ’ જેવી નવલકથાઓ પરનાં નાટકો પણ આપ્યાં છે. ‘ઢોલીડો’, ‘કહો મકનજી ક્યાં ચાલ્યા’ અને ‘સગપણ એક ઉખાણું’ તો નિમેષના નામ સાથે અત્યારે ય જોડાયેલાં છે.

નાટ્યવિવેચનમાં જેને ‘ગુડ થિએટર’ અને ‘ગ્રેટ થિએટર’ કહેવાય છે તેનો નિમેષ એક પર્યાય હતા. મુંબઈમાં આઇ.એન.ટી. અને પૃથ્વી જેવી નાટ્યસંસ્થાઓ દ્વારા તેમનાં નાટકોનાં ઉત્સવો, એન.સી.પી.એ., નહેરુ સેન્ટર અને દિલ્હીની એન.એસ.ડી.માં નાટકો માટે નિમંત્રણ, ગૌરવ પુરસ્કાર જેવાં અનેક સન્માનો તેમને મળ્યાં છે. નિમેષને રંગભૂમિનાં ગીતો ગાતા સાંભળવા-જોવા એક અલગ અનુભવ બની રહેતો. તેઓ મંચ પર બેસીને ગીતોને જાણે પરફૉર્મ  કરતા. તે જ રીતે તેમની નાટ્યતાલીમ શિબિરો ઊગતા કલાકારો માટે સંભારણું બની રહેતી.

‘રંગભૂમિ સાથેનો આડત્રીસ વર્ષનો ઘરોબો-નાતો … સમગ્ર જિંદગી જીવીએ અને જેટલા માણસોને મળી શકીએ તેનાથી કેટલાં ય વધુ પાત્રોનો હું મારી રંગયાત્રા દરમિયાન મળ્યો’, એમ કહેતા નિમેષ ખુદ એક પાત્ર કહેતાં ‘કૅરેક્ટર’ હતા. બીજા કોઈ પણ નાટકવાળા કરતાં વધુ આખ્યાયિકાઓ તેમની સાથે જોડાયેલી છે. જેમ કે ડાયાબિટીસ માટે હૉસ્પિટલમાં સારવાર લઈને બહાર નીકળીને તે સીધા જ લારી પર ફાફડા-જલેબી ખાવા બેઠા હતા. બાય ધ વે,  ડાયબિટીસ માટે પંકાયેલા નિમેષનું અવસાન વિશ્વ ડાયાબિટીસ દિવસની પરોઢે થાય એમાં ય એક નાટ્યાત્મક વક્રતા રહેલી છે. નિમેષ દેવાને કારણે પાગલ થઈ ગયા એવી વાતો ચાલી હતી. એક વખત બે મહિલાઓ તેમના ઘરમાં ડોકિયું કરીને જોતી હતી કેમ કે સવારમાં તેમણે સાંભળ્યું હતું કે નિમેષે પૈસાની ખેંચને કારણે આપઘાત કર્યો !

આવી જનાન્તિકે ઉક્તિઓ સાથેનાં નિમેષનાં જીવનનાટ્યમાં સુંદર દૃશ્યો ભરપૂર છે. જેમ કે, સદાબહાર ગીત ‘સાવરિયો રે મારો સાવરિયો’ રમેશ પારેખ પાસેથી નિમેષે અમદાવાદના એસ.ટી. સ્ટૅન્ડ પર એક મળસ્કે બસની ટિકિટોની પાછળ લખાવ્યું હતું. એ ગીત તેમણે પોતાના દિગ્દર્શન હેઠળની એક માત્ર ગુજરાતી ફીચર ફિલ્મ ‘નસીબની બલિહારી’માં ગૌરાંગ વ્યાસના સંગીતમાં આશા ભોસલેના અવાજમાં મૂક્યું હતું. ત્રેવીસ વર્ષના નિમેષની આ ફિલ્મને  રાજ્યના આઠ પુરસ્કાર મળ્યા હતા. તેમાં ભૂમિકા ભજવનાર નસિરુદ્દિન શાહ અને ઓમ પુરી નિમેષે કરેલાં ‘વેઇટિંગ ફૉર ગોદો’ના ગુજરાતી પ્રયોગ પર એટલા ખુશ હતા કે તેમણે બે દિવસ એક ટંક ભોજનનો ખર્ચો બચાવીને આ કલાકારને મુંબઈની મોંઘી હૉટલમાં જમાડ્યા હતા. એ નાટકે તેમને ‘ઉત્સવ’ ફિલ્મમાં સ્થાન અપાવ્યું હતું. અમદાવાદના ‘ઇસરો’એ 1975માં, નિમેષની ઓછી ઉંમરે પણ પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકેની ભરતી માટે દિલ્હીથી ખાસ મંજૂરી મેળવી હતી. પછી તેમને પ્રોડ્યૂસર તરીકે બઢતી અને પૂનાની એફ.ટી.આઇ.આઇ.માં ફિલ્મકળાની તાલીમ પણ મળી હતી. ‘ઇસરો’માં શૈક્ષણિક અને સામાજિક ઉપયોગિતાવાળા બારસો  કાર્યક્રમો પણ બનાવ્યા. સમાંતરે એચ.કે. આર્ટ્સ કૉલેજમાં શિક્ષણ સાથે ‘કોરસ’ નાટ્યજૂથ શરૂ કરીને અવનવાં નાટકો કર્યાં. પૂરો સમય નાટક કરવા માટે ‘ઇસરો’ની કેન્દ્ર સરકારની સલામત નોકરી છોડી.

આવા મનસ્વી નિમેષને પૈસાની સલામતી પિતા નિરંજનભાઈએ બૅન્કની પોતાની નોકરીનાં પગાર-પેન્શનથી આપી. આમ પણ તેમણે જ એના નાટ્યપ્રેમને, મુંબઈના ગોરેગાંવની ચાલીમાં રહીને પણ, પ્રોત્સાહન આપ્યું હતું. એટલે નિમેષે બાળપણ અને કુમાર વયમાં દસેક વર્ષ મુંબઈમાં અનેક ભાષાઓ અને પ્રકારનાં નાટક તેમ જ ગીતસંગીત માણ્યાં હતાં. સોળ-સત્તરની ઉંમરે નિમેષના પિતાની અમદાવાદ બદલી થતાં, આ રસિયો અમદાવાદના નાટક અને સાહિત્યવાળામાં ભળ્યો. નાટક, સિનેમા અને ટેલિવિઝનને જ વ્યવસાય બનાવ્યો. ચડતી-પડતી હંમેશાં આવતી રહી. એક તબક્કે  નાટક અને  સિરિયલ્સમાં નિમેષના પાસા સાવ અવળા પડતા પિતાએ વારસાગત જમીન અને બંગલો વેચીને એને ટેકો કર્યો. મધ્યમ આર્થિક સ્થિતિમાં પણ પોતાની રસિકતાનો આવિષ્કાર પુત્રના કલાજીવનમાં જોનારા પિતાનો ઉલ્લેખ નિમેષની વાતમાં વારંવાર ન આવે તો જ નવાઈ. એમની સ્મૃિતમાં નિમેષે ૨૦૧૩માં પોતાનાં નાટકો અને ગીતોનાં ઉત્સવો  કર્યા. તે પહેલાં નિમેષે મરાઠી, અંગ્રેજી અને  ભારતીય ભાષાઓનાં નાટકોના અલગ ઉત્સવો, તેમ જ સળંગ પિસ્તાળીસ દિવસની નાટ્યવ્યાખ્યાનમાળા જેવાં ભાગ્યે જ કોઈએ કર્યા હોય તેવાં તોતિંગ કાર્યક્રમો વ્યક્તિગત રીતે ગાંઠને ખર્ચે યોજ્યા. તેનાથી કમાનાર કરતાં ગુમાવનાર તરીકે તેમની નામનામાં ઉમેરો થયો. તેમને વધુ એક સ્થાન મળ્યું તે ન્યુસન્સ વૅલ્યૂ તરીકેનું. તેના મૂળ હતાં કલાજગતમાં સરકાર દ્વારા ચાલતાં અન્યાય, શોષણ અને ભ્રષ્ટાચાર સામે તેમણે અવારનવાર કાનૂની રાહે આપેલી લડતમાં.

બે વર્ષ પહેલાં ફેબ્રુઆરીમાં નિમેષે મેઘાણીએ ‘સોરઠી સંતો’ પુસ્તકમાં આલેખેલા વેલા બાવા પર એકપાત્રી પ્રયોગ કર્યો, જેમાં તેમણે પ્રત્યક્ષ સંગીત સાથે છએક ભજનો પણ ગાયાં. અઠ્ઠાવન વર્ષના નિમેષને  લાકડીના ટેકે સ્ટેજ પર ચાલતાં અને મુશ્કેલીથી અભિનય કરતાં જોયા છે. એ પરિસ્થિતિ કરુણતા સાથે કર્તૃત્વ, મજબૂરી સાથે મનોબળનું પ્રતીક હતી. ‘કાચી નિંદર, કાચાં સપનાં’ નાટક વખતે તેમનો પગ ભાંગ્યો. નાટકની આખી પ્રોસેસ નિમેષે ફ્રૅક્ચરવાળા પગે વૉકરની મદદથી કરી. વળી, પ્રયોગના આગળની રાત્રે પણ તે પડી ગયા અને ભારે મૂઢ માર વાગ્યો, પણ સવારે ઠાકોરભાઈ હૉલના શોમાં હાજર રહ્યા. આ એ નિમેષ છે કે જેણે સાડા આઠ વર્ષ પહેલાં બાયપાસ સર્જરી થયાના વીસમા દિવસે નાટ્યસંગીતનો સોલો કાર્યક્રમ ટાગોર હૉલમાં કર્યો હતો.

નિમેષને કલાસર્જનની તલપ રહેતી, એટલે તે પડકાર-પ્રતિભાવ, નફા-નુકસાનની કે વ્યાધિગ્રસ્ત શરીરની પણ ખાસ પરવા વિના કંઈને કંઈ કરતા રહેતા. ઘણો સમય દસ્તાવેજી ફિલ્મો એ આવકનું સાધન રહ્યું. આનંદનું સાધન પત્રકારત્વ અને નાટ્યવિદ્યાની સંસ્થાઓમાં શીખવવા જવાનું. બરાબર સવા મહિના પહેલાં તેમણે દિગ્દર્શિત કરેલાં ‘પરણું તો એને પરણું’ નાટકનો પહેલો પ્રયોગ થયો હતો, ૨૭ ઑક્ટોબર સુધી તેઓ એક થિયેટર વર્કશૉપમાં વ્યસ્ત હતા. નિમેષનો એક લાંબો જઝબાતી જમાનો હતો. એ જમાનામાં તાળીઓ એમને પ્રેરણા આપતી, પછી એ ઘટતી ગઈ. છતાં નિમેષ નાટકો કરતા રહ્યા. શા માટે? તો તેમણે લખ્યું છે : ‘બે કે અઢી કલાક મારો પ્રેક્ષક કેટલી નિષ્ઠાથી અને કેટલી સરળતાથી હું કહું એ સૃષ્ટિને સ્વીકારી લે છે. મને કેફ જ એ વાતનો છે … નાટક ભજવવાની, ભજવ્યા કરવાની,એમાં રમમાણ રહેવાની, સતત જુદી જુદી સૃષ્ટિ સર્જ્યા કરવાની તક વારંવાર કેટલાને મળે છે ?’

+++++

૧૬ નવેમ્બર ૨૦૧૭

e.mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 17 નવેમ્બર 2017

Loading

19 November 2017 admin
← મારી સિનેમાની સફર – કમલ સ્વરૂપ
નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવું એ જ સાચા શાસકનો રાજધર્મ છે →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved