સર્વોચ્ચ અદાલતના અપમાનના મામલે પ્રશાંત ભૂષણના નહીં ઝુકવાના વલણને લીધે તેમને ઉમળકાથી વધાવવામાં આવ્યા. ક્યાંક તો તેમની સરખામણી ગાંધીજી ને મેન્ડેલા સાથે પણ થઈ. અલબત્ત, ખુદ પ્રશાંત ભૂષણે તેને અસ્થાને ગણાવીને એવી સરખામણીઓથી બચવા કહ્યું. લોકમાનસની આ એક મુશ્કેલી છે. તે થોડું સારું જુએ ત્યાં સર્વાંગસંપૂર્ણ નાયકત્વનું આરોપણ કરવા તત્પર હોય છે. સામેનું પાત્ર સભાન ન હોય તો તેને પણ ધીમે ધીમે આવી ટેવ પડવા માંડે છે અને ‘હોઉં તો હોઉં પણ ખરો’ એવું લાગે છે. પ્રશાંત ભૂષણ અત્યાર લગી તેનાથી બચેલા રહ્યા છે તે રાહતની વાત છે.
પરંતુ બીજી સમસ્યા વધુ મોટી છે. એ સમસ્યા એટલે પ્રશાંત ભૂષણ જેવા કોઈક ચોક્કસ મુદ્દે વધાવવાલાયક વલણ અપનાવે, ત્યારે તેમના અભાવો શોધવા બેસી જવું અને તેમની મર્યાદાઓમાં રાચીને તટસ્થતા કે સ્થિરતાનો પરચો આપવા કોશિશ કરવી. વીરપૂજામાં સરી ન પડાય તે જેટલું જરૂરી છે, એટલું જ જરૂરી લડાઈ ઓળખવામાં ગોથું ન ખવાય તે પણ છે.
કેટલાક લોકોએ પ્રશાંત ભૂષણના વ્યક્તિત્વ અને તેમની જાહેર કામગીરીની કડક તપાસ આદરીને જાહેર કર્યું કે પ્રશાંત ભૂષણની વર્તણૂંકના ને તેમના જાહેર ઉચ્ચારણોના ઘણા પ્રશ્નો છે. આવું કરનારા સરકારપ્રેમી હોય તો એ સમજી શકાય, પણ તે સરકારના ટીકાકાર હોવા છતાં આવું વલણ અપનાવે ત્યારે તે ભીંત ભૂલે છે.
મુદ્દો એ નથી કે પ્રશાંત ભૂષણની તપાસ કે ટીકા ન થાય. જરૂર થાય. પરંતુ તેમની સામેના કેસનો નીવેડો આવ્યો ન હોય અને આ કેસમાં તેમણે લીધેલું વલણ બેશક બિરદાવવા જેવું હોય — અને એવું તો તેમની કડક તપાસ કરનાર પણ માનતા હોય — ત્યારે પુરાણી પારાયણ માંડવી એ ફક્ત ખોટા ટાઇમિંગનો પ્રશ્ન નથી રહેતો. તે દર્શાવે છે કે આવું કરનારે વ્યાપક લડાઈને સમજવામાં થાપ ખાધી છે અથવા કંઈક પુરવાર કરવાના માસૂમ કે હોંશીલા ઉત્સાહમાં એકંદર ચિત્રને નજરઅંદાજ કર્યું છે. હા, પ્રશાંત ભૂષણે મૂળભૂત મૂલ્યોની બાબતમાં શરમજનક કે ગુનાઈત વ્યવહાર કર્યો હોય અને તેના માઠાં પરિણામ ન ભોગવ્યાં હોય તો તે ચિંતાજનક ગણાય અને તેની ચર્ચા થવી જોઈએ.
બાકી, નાગરિક તરીકે કોઈને સર્વાંગસંપૂર્ણ ગણવાના ન હોય — ગાંધીજીને કે ડૉ. આંબેડકરને પણ નહીં — તો પ્રશાંત ભૂષણની ક્યાં વાત રહી? પરંતુ કેટલીક વાર એક માણસના વ્યક્તિત્વમાં રહેલા સાત ગુણ સામે ત્રણ અવગુણ જોવા-તપાસવાની લ્હાયમાં અજાણતાં દસમાંથી સાત અવગુણ ધરાવનારાના પક્ષે ક્યારે ભરતી થઈ જવાય છે તેનો ખ્યાલ રહેતો નથી. સર્વાંગી મૂલ્યાંકનની જેમ કેટલાંક મૂલ્યાંકન ચોક્કસ લડાઈ પૂરતાં પણ કરવાનાં હોય છે. એ વખતે તટસ્થતાના બહાને સ્ટેન્ડ ન લેવામાં નાગરિકધર્મ ચૂકાઈ જાય છે અને અભાનપણે નાગરિકધર્મના વિરોધીઓની છાવણીમાં કે તેમના પાયદળમાં પહોંચી જવાય છે. પછી તેનો અહેસાસ થાય ત્યારે મોડું થઈ ચૂક્યું હોય છે.
e.mail : uakothari@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 31 ઑગસ્ટ 2020; પૃ. 01