ઘણીવાર વધારે પડતા મોટા દાવા કરવામાં આવે ત્યારે ઇતિહાસ વેર વાળતો હોય છે. જપાની મૂળના અમેરિકન અર્થશાસ્ત્રી યૉશિહીરો ફ્રાન્સીસ ફૂકુયામા સાથે આવું જ બન્યું છે. તેઓ પણ રઘુરામ રાજનની માફક વિશ્વપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી છે અને તેઓ પણ રાજનની માફક મૂડીવાદ અને માર્કેટ ઉપર ભરોસો રાખતા હતા. ૧૯૮૯-૯૦માં પૂર્વ યુરોપના સામ્યવાદી દેશોમાં સામ્યવાદી વ્યવસ્થા પડી ભાંગી. ૧૯૯૧માં સોવિયેત રશિયામાં સામ્યવાદનો અંત આવ્યો અને એમ લાગવા માંડ્યું હતું કે ચીન અને ક્યુબામાં પણ નજીકના ભવિષ્યમાં સામ્યવાદનો અસ્ત થઈ જશે. ફ્રાન્સીસ ફૂકુયામાએ એ ઘટનાઓનો અર્થ સમજાવતું એક પુસ્તક લખ્યું હતું જેનું શીર્ષક હતું; ‘ધ એન્ડ ઓફ હિસ્ટરી એન્ડ ધ લાસ્ટ મેન.’
એ પુસ્તકમાં ફૂકુયામાએ દાવો કર્યો હતો કે અત્યાર સુધી માનવીય ઇતિહાસમાં બે સામસામે છેડાના વિકલ્પો વચ્ચે દ્વન્દ્વ રચાતા અને તેની વચ્ચે સંઘર્ષ થતા જોવા મળ્યા છે. માનવીય ઇતિહાસની સાઈકલ આ રીતે જ ચાલતી આવી છે, પણ હવે ઇતિહાસનો અંત આવી રહ્યો છે કારણ કે ભવિષ્યમાં સુખાકારીના વિકલ્પો વચ્ચે દ્વન્દ્વ રચાવાની કોઈ શક્યતા જ રહી નથી. હાજારો વરસ દરમ્યાન વિકલ્પો વચ્ચેના દ્વન્દ્વો અને સંઘર્ષો પછી આખરે માનવીએ સમજી લીધું છે કે સ્થાયી સુખ મુક્ત અર્થતંત્ર અને મુક્ત સમાજ જ આપી શકે, નિયંત્રિત નહીં. બીજા શબ્દોમાં કહીએ તો માનવસમાજે મૂડીવાદી લોકશાહીને અથવા મૂડીવાદ અને લોકતંત્રના સમન્વયને માનવીય સુખ માટેના આખરી અને અકસીર ઈલાજ તરીકે સ્વીકારી લીધો છે. ‘ધ એન્ડ ઓફ હિસ્ટરી’ એ વાક્યપ્રયોગ દ્વારા તેઓ શું કહેવા માગતા હતા એ હવે સમજાઈ ગયું હશે.
મુક્ત બજાર અને મુક્ત સમાજ એ બન્ને જ્યાં સાથે હોય ત્યાં માનવીય સુખનું હોવું અવશ્યંભાવી છે એવું હિંમતભર્યું નિવેદન ત્યારે તેમણે કર્યું હતું. તેઓ આવા તારણ ઉપર એમ સમજીને પહોંચ્યા હતા કે સુખની શોધ અને સુખની પ્રાપ્તિ મૂળભૂત માનવીય વૃત્તિ છે. સુખ મેળવવા માનવી ઉદ્યમ કરે છે અને ઉદ્યમ કરવામાં જેટલાં ઓછાં નિયંત્રણો એટલો વધુ ઉત્સાહ અને જેટલો વધુ ઉત્સાહ એટલો વધુ લાભ એ સંસારનો નિયમ પણ છે અને અનુભવ પણ છે. બીજું સુખ મેળવ્યા પછી તેને બને એટલો લાંબો સમય ટકાવી રાખવાની ઈચ્છા એ પણ મૂળભૂત માનવીય વૃત્તિ છે. બંધિયાર નિયંત્રિત સમાજ સંપન્ન હોય તો પણ સુખી ન હોઈ શકે એ પણ સંસારનો નિયમ છે અને અનુભવ પણ છે. જો મુક્ત રીતે ઉદ્યમ કરવા મળતો હોય, મુક્ત રીતે સુખ રળી શકાતું હોય, મુક્ત રીતે તેમાં વધારો થઈ શકતો હોય અને જો મુક્ત રીતે તેને ભોગવી શકાતું હોય તો તેને ગુમાવી દેવાનો ખોટનો સોદો કયો મૂરખ કરવાનો એમ માનીને તેમણે ધ એન્ડ ઓફ હિસ્ટરીની જાહેરાત કરી દીધી હતી.
બરાબર ૨૬ વરસ પછી, ૨૦૧૮માં પ્રકાશિત થયેલાં તેમનાં પુસ્તક, ‘આઇડેન્ટિટી: ધ ડીમાન્ડ ફોર ડિગ્નિટી એન્ડ ધ પોલિટીક્સ ઓફ આઇડેન્ટિટી’માં તેઓ કહે છે કે સંપત્તિની થઈ રહેલી લૂટના વિકલ્પ તરીકે સમાજવાદ પાછો આવી શકે છે. બીજા શબ્દોમાં તેમણે પોતાની ભૂલ સુધારતા કહ્યું છે કે નિયંત્રણરહિત બજાર અને નિયંત્રણરહિત સમાજ માનવીય સમાજની અંતિમ અને કાયમી મંઝીલ છે એવો તેમણે જે અભિપ્રાય આપ્યો હતો એ ઉતાવળિયો હતો.
તેઓ ખોટા પડ્યા એ ચર્ચાનો મુદ્દો નથી, ચર્ચાનો મુદ્દો એ છે કે આવું કેમ બન્યું? તેમની વાત બિલકુલ સાચી હતી કે, જો મુક્ત રીતે ઉદ્યમ કરવા મળતો હોય, મુક્ત રીતે સુખ રળી શકાતું હોય, મુક્ત રીતે તેમાં વધારો થઈ શકતો હોય અને જો મુક્ત રીતે તેને ભોગવી શકાતું હોય તો તેને ગુમાવી દેવાનો ખોટનો સોદો કયો મૂરખ કરવાનો? પણ આવું બની રહ્યું છે એ આપણી સામે છે. કેમ? કેમ કેટલાક લોકો હોંશભેર પોતાની અંગત જિંદગીની મોકળાશ, પોતાની જમાપૂંજી, પોતાની સંપત્તિ, પોતાની પુત્રીની સ્વતંત્રતા અને પોતાનાં સંતાનોનું ભવિષ્ય ’કોઈક’ની વેદી ઉપર હોમી દે છે.
એ કોઈક કોણ છે? એ કોઈક શું કહે છે? એ કોઈક શું કરે છે? એ કોઈક શું કરવાનું તમને કહે છે? એ કોઈક કોના માટે કામ કરે છે? એ કોઈકનું અવતરણ કેવી રીતે થયું, કોણે કર્યું અને કેવી રીતે થયું?
વધુ ચર્ચા ગુરુવારે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 07 માર્ચ 2021