પ્રત્યેક ચૂંટણીની સામાજિક, રાજકીય અને આર્થિક કિંમત હોય છે એને સત્તાનો ખેલ બનાવવાની ન હોય
તેલંગાણાની સરકારે ભલામણ કરી હતી કે રાજ્ય વિધાનસભાને વિખેરી નાખવામાં આવે અને વહેલી તકે ચૂંટણી યોજવામાં આવે. એ ભલામણ સ્વીકારવામાં આવી છે અને હવે ઘણું કરીને આવતા નવેમ્બર મહિનામાં તેલંગાણામાં ચૂંટણી યોજાશે. જે થયું છે એ બધું જ બંધારણ મુજબ થયું છે અને એ છતાં ય યોગ્ય નથી થયું. બંધારણમાં જે કેટલાક સુધારા કરવા જરૂરી છે એમાં એક આ પણ છે.
બંધારણના આર્ટિકલ ૮૩(૨)માં કહેવામાં આવ્યું છે કે લોકપ્રતિનિધિ ગૃહની મુદ્દત પાંચ વરસની હશે, સિવાય કે તેને વહેલી વિખેરી નાખવામાં આવે. ગૃહની મુદ્દતની ગણતરી ગૃહની પહેલી બેઠક જે દિવસે મળી હોય એ દિવસથી કરવામાં આવે. નવી લોકસભા કે વિધાનસભા જૂની લોકસભા કે વિધાનસભાની મુદ્દત પૂરી થાય એ પહેલાં રચાઈ જવી જોઈએ.
એ પછી બંધારણમાં કહેવામાં આવ્યું છે કે જો દેશમાં ઈમરજન્સી લાદવામાં આવી હો, તો સંસદ કાયદા દ્વારા લોકપ્રતિનિધિ ગૃહની મુદ્દત એક સાથે એક વરસ માટે વધારી શકે અને જો ઈમરજન્સી ઉઠાવી લેવામાં આવી હોય તો ઈમરજન્સી ઉઠાવી લેવાની તારીખથી છ મહિનાની અંદર ચૂંટણી યોજવામાં આવે.
બંધારણની આવી જોગવાઈનો કેન્દ્ર અને રાજ્યોમાં અનેકવાર દુરુપયોગ કરવામાં આવ્યો છે અને ઈમરજન્સીની સ્થિતિમાં લોકપ્રતિનિધિ ગૃહની મુદત વધારવાની જોગવાઈનો દુરુપયોગ એક વાર કરવામાં આવ્યો છે. કોણે શરૂઆત કરી હતી? એઝ યુઝવલ ઇન્દિરા ગાંધીએ. બંધારણ સાથે અને બંધારણીય રીતરસમો સાથે ચેડાં કરવાનું ઇન્દિરા ગાંધીએ શરૂ કર્યું હતું. બી.જે.પી. અને બીજા રાજકીય પક્ષો ઇન્દિરા ગાંધીએ પાડેલા ચીલાઓ અને છીંડાંઓને અનુસરે છે, અને ઇન્દિરા ગાંધીનો પક્ષ અત્યારે ઓશિયાળો થઈને તેની કિમંત ચૂકવી રહ્યો છે. આ સમયે શીખવાડેલો ધડો છે. સમય કોઈને ય કાયમ માટે સાથ આપતો નથી, પરંતુ શાસકોનો સ્વાર્થ અને ગુમાન એવું પ્રચંડ હોય છે કે તેમને આ સનાતન સત્ય ધ્યાનમાં રહેતું નથી. તેઓ મનફાવે એમ વર્તે છે અને જો પુરોગામી શાસક ચીલો પાડતો ગયો હોય તો તો પૂછવું જ શું?
એટલે તો વિશ્વપ્રસિદ્ધ બંધારણવિદ્દ સર આઈવર જેનિન્ગ્સે કહ્યું છે કે બંધારણ જેટલી જ બંધારણીય પરંપરા અનિવાર્ય છે. અંગ્રેજીમાં આને કોન્સ્ટિટ્યુશન કન્વેન્શન કહેવામાં આવે છે. જો મર્યાદા પાળવામાં આવે અને મર્યાદા પાળવાની પરંપરા સમૃદ્ધ અને લાંબી હોય તો અનુગામી શાસક ગમે એટલો નીચ હોય તો પણ તેને તે મર્યાદાનો લોપ કરવામાં મુશ્કેલી પડશે. પાન ખાઈને કોઈ ભારતીય અમેરિકાની સડક પર થુકતો નથી એ કાયદાનું પરિણામ નથી, મર્યાદા જાળવવાના રિવાજ અને પરંપરાનું પરિણામ છે. આમ બંધારણ જેટલી જ મહત્ત્વની મર્યાદા જાળવવાની સમૃદ્ધ પરંપરા છે. આ પરંપરા બંધારણના હાડપિંજરને ટકાવી રાખવા ચરબીનું કામ કરે છે અને તેને ઢાંકવા ખમીસનું કામ કરે છે એમ સર આઈવર જેનિન્ગ્સે કહ્યું છે.
આપણે ત્યાં વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ હજુ તો તેની સ્થાપનાની રજત જયંતી ઊજવે એ પહેલાં ખોટા ચીલા પાડવાનું શરૂ થયું હતું. પરંપરા તોડવાનો તો સવાલ જ નહોતો, કારણ કે પરંપરા તો હજુ વિકસાવવાની હતી. મારી સમજ મુજબ પહેલાં જમ્મુ અને કાશ્મીરમાં અને એ પછી કેરળમાં કેન્દ્ર સરકારે સત્તાનો દુરુપયોગ કરીને તેની શરૂઆત કરી હતી. આમાં ઇન્દિરા ગાંધી વડાં પ્રધાન બન્યા પછી તેમણે બંધારણનું હનન કરવામાં અને ખોટા ચીલા પાડવામાં પાછું વળીને જોયું નહોતું.
આપણે વાત તેલંગાણાની કરતા હતા. શા માટે તેલંગાણાની વિધાનસભા વિખેરી નાખવામાં આવી? મુદ્દત પહેલાં વહેલી ચૂંટણી યોજવામાં આવે તો શાસક પક્ષ તેલંગાણા રાષ્ટ્ર સમિતિને રાજકીય ફાયદો થાય એમ છે, અને મુદ્દત પહેલાં વિધાનસભાને વિખરી નાખવાની બંધારણીય જોગવાઈ અને પરંપરા બન્ને છે. આની શરૂઆત ઇન્દિરા ગાંધીએ ૧૯૭૧માં કરી હતી. ૧૯૬૭માં કોંગ્રેસને તે સમય સુધીના ઇતિહાસમાં સૌથી ઓછી બેઠક મળી હતી. એમાં ૧૯૬૯માં કૉન્ગ્રેસમાં વિભાજન થયું અને ઇન્દિરા ગાંધીની સરકાર લઘુમતીમાં મુકાઈ ગઈ. ઇન્દિરા ગાંધી રાહ જોતાં હતાં કે ક્યારે અનુકૂળ સમય આવે અને ક્યારે કાખઘોડી ફગાવી દઈને લોકસભામાં બહુમતી મેળવી લે. દરમ્યાન વિરોધ પક્ષો ગઠબંધનની તૈયારી શરૂ કરતા હતા એટલે તેઓ વધારે મજલ કાપે, એ પહેલાં ઇન્દિરા ગાંધીએ લોકસભાને વિખેરી નાખવાની રાષ્ટ્રપતિને ભલામણ કરી હતી.
માત્ર અને માત્ર રાજકીય સ્વાર્થ કેન્દ્રમાં હતો. ખોટો ચીલો પડી ગયો અને એ પછી તો અનેકવાર વિધાનસભાઓને રાજકીય ગણતરીઓને ધ્યાનમાં રાખીને મુદ્દતપૂર્વે વિખેરી નાખવામાં આવી છે અને લોકો ઉપર ચૂંટણી માથે મારવામાં આવી છે. આને રાજકીય ચાલાકી ન કહેવાય, નીચતા કહેવાય. લોકસભા અત્યાર સુધીમાં બે વખત મુદ્દતપૂર્વે વિખેરી નાખવામાં આવી હતી. પહેલીવાર આગળ કહ્યું એમ ૧૯૭૧માં ઇન્દિરા ગાંધીની સરકારે અને બીજીવાર ૨૦૦૪માં અટલ બિહારી વાજપેયીની સરકારે. એ વખતે પણ રાજકીય ગણતરી જ હતી જે ઊંધી પડી હતી. નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ રાજકીય લાભ ખાટી જવા વહેલી ચૂંટણી યોજવા માગતા હતા, પરંતુ તેમને બે વાત નડી રહી છે. એક તો સમય અનુકૂળ છે કે પ્રતિકૂળ એ તેઓ નક્કી નથી શકતા, અને બીજું ચૂંટણીપંચ વહેલી ચૂંટણી યોજવાની સ્થિતિમાં નથી.
બંધારણમાં મુદ્દતપૂર્વે લોકસભાને વિખેરી નાખવાની જોગવાઈ છે, પરંતુ એ ત્યારે જ્યારે સરકાર તૂટી પડી હોય અને નવી સરકાર કોઈ રચી શકે એમ ન હોય. કેન્દ્રમાં રાષ્ટ્રપતિશાસનની કોઈ જોગવાઈ નથી, એટલે દેશને ઓછામાં ઓછો સમય રખેવાળ સરકાર હેઠળ રહેવું પડે એ માટે બને એટલી વહેલી ચૂંટણી યોજવામાં આવે છે. આનો અર્થ એવો નથી કે મન થાય અને રાજકીય લાભ દેખાય ત્યારે લોકસભા અને વિધાનસભાઓને વિખેરીને ચૂંટણી યોજવામાં આવે. બંધારણમાં ફોડ પાડીને આ વાત કહેવાઈ નથી એટલે રાજકીય પક્ષો લોકપ્રતિનિધિ ગૃહ વિખેરી નાખવાની જોગવાઈનો લાભ લે છે. પ્રારંભમાં કહ્યું એમ અહીં બંધારણમાં સુધારો કરવાની જરૂર છે. મુદ્દતપૂર્વે ત્યારે જ ચૂંટણી યોજવામાં આવે જ્યારે સરકાર તૂટી પડી હોય અને બીજું કોઈ સરકાર રચી શકે એમ ન હોય.
પ્રત્યેક ચૂંટણીની સામાજિક, રાજકીય અને આર્થિક કિંમત હોય છે એને સત્તાનો ખેલ બનાવવાની ન હોય.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 11 સપ્ટેમ્બર 2018