
રમેશ સવાણી
13 જુલાઈ 2925ના રોજ રાત્રિ રોકાણ ‘Rapid City’ હતું. 14 જુલાઈના રોજ સવારે 6.30 વાગ્યે પ્રવાસ શરૂ કર્યો. 24 માઈલ દૂર Mount Rushmore પહોંચ્યા.
માઉન્ટ રશમોર શું છે? સાઉથ ડાકોટાના બ્લેક હિલ્સ વિસ્તારમાં માઉન્ટ રશમોર ઉપર અમેરિકાના ચાર પ્રમુખોના શિલ્પ કોતરવામાં આવ્યા છે :
[1] યુનાઇટેડ સ્ટેટ્સના પ્રથમ રાષ્ટ્રપતિ જ્યોર્જ વોશિંગ્ટન (1732-1799), જેમણે ગ્રેટ બ્રિટનથી સ્વતંત્રતા મેળવવા માટે અમેરિકન ક્રાંતિકારી યુદ્ધમાં વસાહતીઓનું નેતૃત્વ કર્યું. તેઓ નવા દેશના સ્થાપક હતા. તેમણે અમેરિકન લોકશાહીનો પાયો નાખ્યો.
[2] થોમસ જેફરસન (1743-1826), યુનાઇટેડ સ્ટેટ્સના ત્રીજા રાષ્ટ્રપતિ. તેઓ સ્વતંત્રતાની ઘોષણાના મુખ્ય લેખક હતા, જે એક દસ્તાવેજ છે જે વિશ્વભરના લોકશાહીને પ્રેરણા આપે છે. તેમણે 1803માં ફ્રાન્સ પાસેથી લ્યુઇસિયાના પ્રદેશ ખરીદ્યો હતો જેણે USનું કદ બમણું કર્યું હતું, જેમાં વર્તમાન સમયના પંદર રાજ્યોનો સંપૂર્ણ અથવા આંશિક ઉમેરો થયો હતો.
[3] થિયોડોર રૂઝવેલ્ટ (1858-1919), યુનાઇટેડ સ્ટેટ્સના 26મા રાષ્ટ્રપતિ. પૂર્વ અને પશ્ચિમને જોડતી પનામા કેનાલના નિર્માણની વાટાઘાટોમાં તેમણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મોટા કોર્પોરેટ એકાધિકારનો અંત લાવવા અને સામાન્ય કામદાર માણસના અધિકારો સુનિશ્ચિત કરવાના તેમના કાર્ય માટે તેઓ ‘ટ્રસ્ટ બસ્ટર’ તરીકે જાણીતા હતા.
[4] અબ્રાહમ લિંકન (1809-1865), યુનાઇટેડ સ્ટેટ્સના 16મા રાષ્ટ્રપતિ. ગૃહયુદ્ધ દરમિયાન તેમણે નેતૃત્વ કર્યું. ગુલામી નાબૂદ થવી જ જોઈએ તે તેમનો દૃઢ વિશ્વાસ હતો.
સાઉથ ડાકોટાના ઇતિહાસકાર ડોએન રોબિન્સને પ્રવાસીઓને સાઉદ ડાકોટા તરફ આકર્ષવા માટે કલ્પના કરી હતી. આ પ્રોજેક્ટમાં યુનાઇટેડ સ્ટેટ્સના ઇતિહાસમાં સૌથી મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર આ ચાર પ્રમુખોના શિલ્પને ડંકારવાનું શિલ્પકાર ગુટ્ઝોન બોર્ગલમે નક્કી કર્યું. ડાયનેમાઇટ અને છીણીનો ઉપયોગ કરીને આ કામ 1927માં શરૂ થયું હતું, અને તેમાં લગભગ 400 કામદારો સામેલ હતા. 1941માં આ પ્રોજેક્ટ પૂર્ણ થયો હતો. આ સ્મારક અમેરિકન ઇતિહાસના પ્રથમ 150 વર્ષોને આવરી લે છે.
આ શિલ્પો ગ્રેનાઈટમાંથી કોતરવામાં આવ્યા છે. ગ્રેનાઈટ પથ્થર મજબૂત હોય છે. શિલ્પકાર બોર્ગલમે ચોક્કસ માપન માટે ‘પોઇન્ટિંગ મશીન’ ડિઝાઇન કર્યું. હતું. કોતરણી માટે ડાયનેમાઇટનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો. અંતિમ સપાટી ‘હનીકોમ્બિંગ’ નામની પ્રક્રિયા દ્વારા તૈયાર કરી હતી. નજીક નજીક અંતરે છિદ્રો ખોદવામાં આવ્યા હતા અને પછી તેમની વચ્ચેના ખડકને દૂર કરવામાં આવ્યો હતો. કામદારોને સ્ટીલના કેબલ અને માળખાનો ઉપયોગ કરી પર્વતના 500 ફૂટના ચહેરા પરથી નીચે ઉતારવામાં આવ્યા હતા. મુખના અંતિમ આકાર માટે Pneumatic drills અને chisels – છીણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનાથી નાક, ચહેરાની કરચલીઓ ડંકારવામાં આવી હતી.
આ શિલ્પો અદ્દભુત છે. વિચારો : જ્યોર્જ વોશિંગ્ટનનો ચહેરો 60 ફૂટ ઊંચો છે. તેમનું નાક 21 ફૂટ લાંબુ છે. થોમસ જેફરસન તથા થિયોડોર રૂઝવેલ્ટનો ચહેરો 60 ફૂટ ઊંચો છે. અબ્રાહમ લિંકનના ચહેરાની લંબાઈ જ્યોર્જ વોશિંગ્ટનના ચહેરા કરતાં વધુ છે.
આ પ્રોજેક્ટ માટે ભંડોળ મુખ્યત્વે ફેડરલ સરકાર દ્વારા અપાયું હતું. ખાનગી ડોનેશન પણ મેળવ્યું હતું. ‘Mount Rushmore National Memorial’ પાછળ 9,89,992 ડોલરનો ખર્ચ થયો હતો.
કોઈપણ સ્મારકનું મહત્ત્વ મુલાકાતીઓની કેટલી સગવડ સચવાઇ તેના પર છે. અહીં વિશાળ પાર્કિંગ / યુનાઇટેડ સ્ટેટ્સમાં રાજ્યો ક્યારે જોડાયા તેનો ઇતિહાસ ફ્લેગ સાથે રસ્તાની બન્ને બાજુએ (Avenue of Flags) દર્શાવેલ છે. Amphitheater / Native American સાંસ્કૃતિક કાર્યક્રમો / શિલ્પકાર સ્ટુડિયો / ગ્રાન્ડ વ્યૂ ટેરેસ / ઑડિઓ ટૂર / Museum / થિયેટર / બુકસ્ટોર / Exhibit Hall / પ્રેસિડેન્શિયલ ટ્રેઇલ-ગુફામાંથી ફક્ત જ્યોર્જ વોશિંગ્ટનને જોઈ શકાય છે. શરૂઆતમાં અને સ્મારકમાં વોશરૂમની, પીવાના પાણીની સુવિધાઓ છે. આ માટે કોઈ ફી નથી. પાર્કિંગ માટે ગાડી દીઠ 10 ડોલર ફી છે. દર વર્ષે આશરે 24 લાખથી વધુ વિશ્વભરના પ્રવાસીઓ માઉન્ટ રશમોરની મુલાકાત લે છે.
આ સ્મારક નિહાળતા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સાથે સરખામણી અનાયાસ થઈ ગઈ. ‘માઉન્ટ રશમોર’ અને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ વચ્ચે શું તફાવત છે?
31 ઓક્ટોબર 2018ના રોજ, સરદાર સરોવર ડેમ સામે 3.2 કિલોમીટર દૂર નર્મદા નદીમાં સાધુ બેટ પર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખુલ્લી મૂકવામાં આવી છે. જેની ઊંચાઈ 182 મીટર છે. કલાની દૃષ્ટિએ સરખામણી કરીએ તો માઉન્ટ રશમોરની પ્રતિમાઓ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ કરતાં ચડિયાતી લાગે છે. વળી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ માટે Basic Entry Ticket રૂપિયા 150 છે. Viewing Gallery Ticket રૂપિયા 350 છે. Express Entry Ticket રૂપિયા 1,030 છે, વિદેશી નાગરિકો માટે રૂપિયા 1,500 છે ! જે સરદાર પટેલે સાદગી અને કરકસરનો આદર્શ સ્થાપિત કર્યો હતો, દેશની સેવા માટે જાત ઘસી નાખી, તેમના નામે આ વેપાર કેમ?
4 જુલાઈ 1776ના રોજ થોમસ જેફરસને સ્વતંત્રતાની ઘોષણા કરતા કહ્યું હતું : “આપણે એ સત્યને સ્વયંસ્પષ્ટ માનીએ છીએ કે બધા માણસો સમાન બનાવવામાં આવ્યા છે, તેમને તેમના સર્જનહાર દ્વારા ચોક્કસ અવિભાજ્ય અધિકારો આપવામાં આવ્યા છે, જેમાં જીવન, સ્વતંત્રતા અને સુખની શોધનો સમાવેશ થાય છે.” અમેરિકા આ મૂલ્યો મહદઅંશે હાંસલ કરી શક્યું છે. જ્યારે સરદાર પટેલનાં મૂલ્યો આપણે હાંસલ કરી શક્યા છીએ ખરાં?
15 જુલાઈ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર