હવે સમસ્યા એ થઈ છે કે પેલો અમેરિકન જાદુગર ખરેખર ૫૬ ઇંચનો સીનો ધરાવે છે અને ખરેખર પોતાને જાદુગર સમજે છે. જુમલાઓ ફેંકીને, ખેલ પાડીને, ઇવેન્ટો યોજીને, મીઠાં સપનાં વહેંચીને, જરૂર પડે તો જાહેરમાં બે ડૂસકાં ભરીને દિવસો ગબડાવતા જવાની અને સત્તાનો આનંદ લૂંટવાની જગ્યાએ પેલો તો ખરેખર એજન્ડા લઈને આવ્યો છે અને એજન્ડા લાગુ કરી રહ્યો છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ સાથે કરવામાં આવે છે. હવે એમ લાગે છે કે વડા પ્રધાન ખુદ અને તેમના ભક્તો સરખામણી જોઈને પોરસાવા કરતાં ભોંઠપ તેમ જ મૂંઝવણ વધુ અનુભવતા હશે. ટ્રમ્પે સત્તા ગ્રહણ કરી છે એને પખવાડિયું માંડ થયું છે, પરંતુ તેમણે આવતાંની સાથે તરખાટ મચાવ્યો છે. ટ્રમ્પ જે વિચારે છે એ ખોટું છે, તેઓ આજની સ્થિતિનું જે નિદાન કરે છે એ ખોટું છે, તેઓ જે ઉપાય સૂચવે છે એ ખોટો છે, તેમની રીતભાત અને ભાષા અમેરિકન પ્રમુખને શોભે એવી નથી; આમ છતાં એટલું તો તેમના દુશ્મનોએ પણ કબૂલ કરવું પડશે કે તેઓ જે વિચારે છે એ કહે છે અને જે કહે છે એ કરે છે. ખરેખર ૫૬ ઇંચની છાતી આજે જગતમાં કોઈ ધરાવતું હોય તો એ ડોનલ્ડ ટ્રમ્પ છે. હવે પછી ટ્રોલ (સાઇબર સેલના ભાડૂતી ચારિત્ર્યહનન કરનારાઓ) અને ભક્તો નાની છાતીનું મહિમામંડન કરવા લાગે તો આશ્ચર્ય નહીં પામતા.
શું મેસેજ આપ્યો હતો ચૂંટણીપ્રચાર દરમ્યાન નરેન્દ્ર મોદીએ અને ડોનલ્ડ ટ્રમ્પે? આજની વિકટ સ્થિતિનું મેં ઊંડું આકલન કર્યું છે અને એનો સચોટ ઇલાજ મારી પાસે છે (અંગ્રેજીમાં કહીએ તો ઍનૅલિસિસ, વિઝન ઍન્ડ રોડમૅપ). એ ઇલાજને લાગુ કરવા માટે જરૂરી દૃઢ સંકલ્પ હું ધરાવું છું. આકલન, નિદાન, ઉપાય અને સંકલ્પ પછી જોઈએ હિંમત તો એ માત્ર મારામાં છે. સત્તાવાંછુઓ વચ્ચે સરખામણી કરી જુઓ અને કોને સત્તા આપવામાં તમારું ભવિષ્ય સુરક્ષિત તેમ જ ઉજ્જ્વળ છે એ વિચારી જુઓ. આવી દલીલ ૨૦૧૩-’૧૪ના વર્ષમાં નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન કરી હતી અને ડિટ્ટો એવી જ દલીલ ૨૦૧૫-’૧૬ના વર્ષમાં ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીના પ્રચાર દરમ્યાન કરી હતી. ડિટ્ટો એટલે માત્ર શબ્દો જ નહીં, પોઝ તેમ જ બૉડી-લૅન્ગ્વેજ સહિત ડિટ્ટો અને એટલે તો નરેન્દ્ર મોદીની ટ્રમ્પ સાથે અને ટ્રમ્પની નરેન્દ્ર મોદી સાથે તુલના કરવામાં આવે છે. નરેન્દ્ર મોદી પછી ડોનલ્ડ ટ્રમ્પ પણ જાદુગર તરીકે કે દૈવી શક્તિ લઈને ધરતી પર અવતરેલા દેવદૂત તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
જગતમાં ૯૫ ટકા પ્રજા ઘેટાં જેવી હોય છે જે પોતાની બુદ્ધિથી વિચારતી નથી અને ગોવાળ કે ભરવાડ જેમ દોરવે એમ દોરવાય છે. આમાં ખૂબી એ છે કે દરેકને એમ લાગે છે કે તેનો સમાવેશ ૯૫ ટકામાં નથી થતો. આ જે સામૂહિક અને સાર્વત્રિક ભ્રમ છે એમાં માર્કેટિંગની સફળતાનું રહસ્ય છે. નેતાઓ, બાવાઓ અને ઉત્પાદકો આ સાર્વત્રિક ભ્રમનો લાભ લે છે. ૯૫ ટકા લોકો બેવકૂફ છે, પરંતુ મારો નિર્ણય બુદ્ધિપૂર્વકનો છે એમ તે માને છે અને પોતાના કહેવાતા બુદ્ધિપૂર્વકના નિર્ણયનો પ્રચાર કરે છે. બસ, આ જ તો નેતાઓને, બાવાઓને અને ઉત્પાદકોને જોઈએ છે. માર્કેટિંગવાળાઓ અને એનો લાભ લેનારાઓ પણ કહે છે કે બેટા તું જ એકમાત્ર આવતી કાલનું વિચારી શકનારો તેમ જ દૂરનું જોઈ શકનારો વિચક્ષણ છે અને બાકીના ૯૫ ટકા લોકો તો બેવકૂફ છે. જે લોકો કરવામાં આવતા દાવાઓને દલીલપૂર્વક પડકારે છે તેઓ દેશદ્રોહી કે ધર્મદ્રોહી છે.
ભારતમાં અને અમેરિકામાં ભાડૂતી ભરવાડોને રોકવામાં આવ્યા હતા જેનું કામ બુદ્ધિશાળી, વિચક્ષણ અને દેશપ્રેમી નાગરિકોને અન્યત્ર જતા કે ભટકતા રોકવાનું હતું. જન્નતનો માર્ગ અહીંથી અને માત્ર અહીંથી જ પસાર થાય છે અને જો અન્યત્ર જશો તો નરક હાથ લાગવાનું છે. ધર્મશાસ્ત્રો અને ધર્મગુરુઓ પણ આમ જ કહે છે. ઇલેક્ટ્રૉનિક મીડિયા અને સોશ્યલ મીડિયાના પ્રાદુર્ભાવ પછી લોકતાંત્રિક રાજકારણમાં ભરવાડો ભાડે રાખવાનું નવું પરિમાણ ઉમેરાયું છે, કારણ કે લોકતંત્રને પ્રચાર (માર્કેટિંગ) સાથે સીધો સંબંધ છે.
આઘાતજનક ડેવલપમેન્ટ એ હતું કે અમેરિકાની ચૂંટણીમાં રશિયન ભરવાડોએ કામ કર્યું હતું. અમેરિકાની જેની સાથે સાત દાયકા જૂની દુશ્મની છે એ દેશના ભરવાડોએ પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પને મદદરૂપ થવા ભાંગફોડ કરી હતી. એક સાર્વભૌમ રાષ્ટ્રની મુક્ત અને ન્યાયી ચૂંટણીમાં પારકો દેશ હસ્તક્ષેપ કરે એ ટ્રમ્પ અને રશિયન પ્રમુખની જાણકારી સાથે બન્યું હોય તો એ ગંભીર ઘટના હતી અને જો જાણકારી વગર બન્યું હોય તો વધુ ગંભીર બાબત હતી. ભાડૂતી ભરવાડો રોકીને માર્કેટિંગ કરવાની લોકતાંત્રિક બીમારીનો ઇલાજ નહીં શોધાય તો આવતી કાલે ભારતની ચૂંટણીમાં પાકિસ્તાની કે ચીની ભરવાડો રસ લેશે એ લખી રાખજો. તમે તેમના હાથમાં રમતા હશો અને ઉપરથી પાછા પોતાને ર્દીઘદૃષ્ટિ ધરાવનારા વિચક્ષણ પણ સમજતા હશો.
ખેર, પહેલાં ભારતમાં અને પછી અમેરિકામાં હાથમાં જાદુની છડી અને ૫૬ ઇંચનો સીનો ધરાવનારા જાદુગરો સત્તા સુધી પહોંચી ગયા. હવે સમસ્યા એ થઈ છે કે પેલો અમેરિકન જાદુગર ખરેખર ૫૬ ઇંચનો સીનો ધરાવે છે અને ખરેખર પોતાને જાદુગર સમજે છે. જુમલાઓ ફેંકીને, ખેલ પાડીને, ઇવેન્ટો યોજીને, મીઠાં સપનાં વહેંચીને, જરૂર પડે તો જાહેરમાં બે ડૂસકાં ભરીને દિવસો ગબડાવતા જવાની અને સત્તાનો આનંદ લૂંટવાની જગ્યાએ પેલો તો ખરેખર એજન્ડા લઈને આવ્યો છે અને એજન્ડા લાગુ કરી રહ્યો છે. તરખાટ તો આપણો જાદુગર પણ મચાવી શકે છે, પરંતુ એ માટે ગાંધીની કાવડની જગ્યાએ સાવરકરની કાવડ ઊંચકવા જેટલી હિંમત જોઈએ જે નરેન્દ્ર મોદીમાં નથી. નવ દાયકા દરમ્યાન સંઘે એટલી હિંમત દાખવી નથી ત્યાં નરેન્દ્ર મોદીની ક્યાં વાત કરવી! ટ્રમ્પને ઇમેજની ચિંતા નથી. તેઓ જે માને છે એ બોલે છે અને કરે છે. ખરેખર મરદનો દીકરો છે. નરેન્દ્ર મોદીના ભાઈબંધ જાદુગરે કંપની વધારવાની જગ્યાએ મૂંઝવણમાં વધારો કર્યો છે, નહીં?
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામની લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 08 ફેબ્રુઆરી 2017