કુશળ અભિયાનમાં નરેન્દ્ર મોદીને આંબવા મુશ્કેલ છે. નોટબંધી વખતે કે હરકોઈ ચૂંટણી વખતે હીરાબા/ કૅમેરા અને મોદીનો ખેલ અચૂક પડેલો આપણે જોયો છે. જેનાથી આપણામાંના ઘણાંને થાય કે હાકલા-પડકારા કરનારાઓ જેવો જ માત્ર આ જણ નથી, એમનામાં ઋજુ હૃદય પણ વસે છે! જો કે, એમની આવી મુલાકાત હીરાબા પૂરતી સીમિત હોય છે. જશોદાબહેનને એ આવા કોઈ ટાણે મળ્યાં હોવાનું યાદ નથી; છતાં માને નમતાં દીકરાને જોઈને ભારતીય સ્ત્રીઓનું હૃદય ગદ્ગદિત થઈ જાય એમાં બે મત નથી.
પરંતુ હકીકતમાં, મોદીજીનો માતૃપ્રેમ કેવો છે તે જોઈએ. માનનીય મોદીજી સત્તામાં આવ્યા પૂર્વે ગર્ભવતી મહિલાઓ માટે એક યોજના હતી. ‘માતૃત્વ લાભ યોજના’ આ યોજના અંતર્ગત ગર્ભવતી મહિલાઓને બે હપ્તામાં રૂ. ૬,૦૦૦/- મળતા હતા. પહેલો હપ્તો મહિલા ગર્ભ ધારણ કર્યા બાદ રજિસ્ટ્રેશન કરાવે ત્યારે મળતો હતો, બીજો હપ્તો બાળકનો જન્મ થાય ત્યારે મળે.
મોદીજીએ સત્તામાં આવતાવેંત જોયું કે ગર્ભવતી સ્ત્રીઓને મળતી આ રકમ જરા વધુ પડતી છે. તેથી એમણે એમાં એક હજાર ઘટાડી ૫,૦૦૦/- રૂપિયા કરી દીધા. આ છે મોદીજીનો વાસ્તવિક માતૃપ્રેમ! દેશની કરોડો મા માટેની એમની લાગણી! હજુ માત્ર હજાર રૂપિયા ઘટાડવાથી એ ન અટક્યા, તેઓએ બે હપ્તાના સ્થાને ત્રણ હપ્તામાં ૫,૦૦૦/- મળે તેવી વ્યવસ્થા કરી! હુજ પોતાની નામ જોડ્યા વિના ચાલે શી રીતે? ‘માતૃત્વ લાભ યોજના’નું નામ, યોગીજીની રીતેભાતે બદલવામાં આવ્યું. એનું નવું નામ બનાવવામાં આવ્યું ‘પ્રધાનમંત્રી માતૃવંદના યોજના’!
૧૫ જાન્યુઆરી ૨૦૧૮ના ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’માં આવેલ સમાચાર મુજબ આ યોજનાના નવીનીકરણના કારણે સરકારી મંત્રણામાં યોજના ફસાઈ જવાથી એક વર્ષમાં કેવળ બે ટકા લાભાર્થીઓને જ આનો લાભ મળ્યો! એક આર.ટી.આઈ.ના જવાબમાં સરકારે જણાવ્યું કે ૩૦ નવેમ્બર, ૨૦૧૮ સુધીમાં કુલ ૧૮,૮૨,૭૦૮ લાભાર્થીઓને ૧,૬૫૫ કરોડ રૂપિયા વહેંચવામાં આવ્યા. ખરી મજા તો હવેના આંકડામાં છે. નવીનીકરણની આ તઘલગીતુક્કા જેવી યોજનાનું ખોટવાવું સરકારી કારણોમાં હતું, પરંતુ લાભાર્થીઓ લાભ નથી લેતાં તેથી ‘પ્રધાનમંત્રી માતૃવંદના યોજના’ની જાહેરાત, અલબત્ત સાહેબશ્રીના ફોટોગ્રાફ સાથે કરવામાં આવી એ જાહેરાતનો ખર્ચ ૬,૯૬૬/- કરોડનો છે! ૧,૬૫૫ કરોડની સહાયતા માટે જાહેરાત ૬,૯૬૬ કરોડની! એટલે જ રા’ફલેની જેમ કહેવાયું છે ‘મોદી હૈ, તો મુમકિન હૈ’!
રાજ્યવાર પ્રાપ્ત થતાં આંકડાઓ પણ આટલાં જ દુઃખદ છતાં રમૂજી છે. ઓરિસ્સામાં નવેમ્બર, ૨૦૧૮ સુધીમાં કેવળ પાંચ લાભાર્થીઓએ આ લાભ લીધો! એટલે કે કેવળ ૨૫,૦૦૦/- રૂપિયા જ! પરંતુ એની વિતરણની પ્રશાસનીય પ્રક્રિયામાં ૨૭૪ કરોડ રૂપિયા ખર્યાયા હતા! આમાં ગેરવહીવટ હશે કે ભ્રષ્ટાચાર એ તો કરનારાં જાણે.
આ આંકડાઓ, અને આવા અનેક આંકડાઓને ઉજાગર કરતું પુસ્તક ત્રણ માથાફરેલ વ્યક્તિઓએ તૈયાર કર્યું છે. પુસ્તકનું નામ છે. ‘વાદા-ફરામોશી’. સંજય બસુ, નીરજકુમાર અને શશિ શેખરે આ પુસ્તક તૈયાર કર્યું છે. સરકારી કામરાજ વિશે એમણે સેંકડો આર.ટી.આઈ. કરી અને એમાં મળેલ જવાબોને અહીં સંકલિત કરવામાં આવ્યાં છે. સરકારી જવાબોમાં સરકાર કેવી જુદાં જુદાં સ્તરે, જુદી જુદી યોજનામાં દેવાળું ફૂંકી રહી છે એનાં અહીં પુરાવા છે.
E-mail :bharatmehta864@gmail.com
સૌજન્ય: “નિરીક્ષક”, 16 મે 2019; પૃ. 06