Opinion Magazine
Number of visits: 9445964
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોદી સરકારનાં 8 વર્ષ : ક્યાંક હિરો, ક્યાંક ઝીરો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|8 June 2022

૨૭મી તારીખે, ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, પાટીદારોના પ્રભુત્વવાળા સૌરાષ્ટ્રમાંથી ચૂંટણી પ્રચારનો શુભારંભ કરતાં, પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “પાછલાં 8 વર્ષમાં ભૂલથી પણ એવું કશું થવા દીધું નથી, જેના કારણે તમારે કે દેશના કોઈ નાગરિકને શરમથી માથું ઝુકાવું પડે.” રાજકોટમાં ૪૦ કરોડના ખર્ચે બનેલી મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરતી વખતે જનસભાને સંબોધતાં, મોદીએ એક રીતે તેમની સરકારનાં 8 વર્ષ પૂરાં થયાં તેની ઉજવણીનો પણ પ્રારંભ કર્યો હતો.

ભારતીય જનતા પાર્ટીએ 30મી મેના રોજથી, મોદી સરકારના 8 વર્ષના શાસનને “સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ”ના નામે ઉજવવાનું શરૂ કર્યું છે. એ પ્રસંગે, કેન્દ્ર સરકારના તમામ મંત્રીઓને ૧૪૦થી વધુ સંસદીય મતવિસ્તારોની મુલાકાત લઈને વિભિન્ન કલ્યાણકારી યોજનાઓની વાતો કરવાનું કહેવામાં આવ્યું છે. 30થી ૧૫મી જૂન સુધીના આ સેલિબ્રેશનની પાછળ આગામી એક વર્ષમાં આવનારી રાજ્યોની ચૂંટણીઓ ઉપરાંત એક નજર 2024ની લોકસભા ચૂંટણી પર પણ છે. મંત્રીઓને જે તે મતવિસ્તારોમાંથી ફીડબેક લાવવાનું પણ કહેવામાં આવ્યું છે, જેથી જરૂર પડે તો સમયસર યોજનાઓ કે નીતિઓમાં “કરેકશન” કરી શકાય.

“સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ”ની થીમ જોતાં પાર્ટી પોતાને લોકોના ઉત્થાન માટે કામ કરતાં સંગઠન તરીકે પેશ કરવા માંગે છે. એ માટે તે સરકારની 8 યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે : પી.એમ. કિસાન સન્માન નિધિ, પ્રધાન મંત્રી મુદ્રા યોજના, આયુષ્યમાન ભારત, પ્રધાન મંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, વિમા યોજના, પ્રધાન મંત્રી જનધન યોજના અને પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના.

એ વાત સાચી છે કે આમાંની ઘણી યોજનાઓ લોકો માટે લાભદાયી રહી છે. એવું મનાય છે કે ઉત્તર પ્રદેશમાં કોરોનાની મહામારીમાં સરકારની જબ્બર નિષ્ફળતા છતાં, લોકોએ કલ્યાણકારી યોજનાઓના કારણે જ તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં ભા.જ.પ.ની સરકારને પુન: સત્તામાં બેસાડી હતી. સરકારે એમાંથી સંકેત પકડીને ગરીબોના કલ્યાણની વાતો કરવાનું નક્કી કર્યું છે. તેની પાછળની એક વ્યૂહરચના એવી પણ હોઈ શકે કે સરકાર પાસે આર્થિક મોરચે છાતી કાઢીને બોલવા જેવું કશું નથી. બે વર્ષની મહામારીમાં આર્થિક નુકસાન ઘણું થયું છે, એટલે તેને બેલેન્સ કરવા માટે સરકાર ગરીબ કલ્યાણની યોજનાનાં ગુણગાન ગાવાનું પસંદ કરે તે સમજી શકાય તેવું છે.

ભારતીય જનતા પાર્ટી તરફ ઝુકાવ ધરાવતા જમણેરી માસિક “સ્વરાજ્ય”માં પ્રકાશિત એક વિગતવાર લેખ પણ મોદી સરકારે ગ્રામીણ પ્રજાને સક્ષમ બનાવી હોવાનો દાવો કરે છે. લેખ કહે છે કે અગાઉની (કાઁગ્રેસની) સરકાર માઈ-બાપ સરકાર હતી અને જ્યારે પણ મંદી આવતી હતી ત્યારે “હેલિકોપ્ટર-ધન” સિસ્ટમમાં નાખતી હતી. એ સરકારની સિસ્ટમ ટેલિફોનની લાઈનો નાખે, એરપોર્ટ, બેંકો, એરલાઈન્સ અને ટેલિકોમ કંપનીઓ ચલાવે તેવી સહજ અપેક્ષા હતી. મોદી સરકારે આ સ્થિતિ બદલી છે. તેણે ગ્રામીણ ભારતને દર પાંચ વર્ષે સરકાર સામે લાઈનમાં ઊભા રહેવાને બદલે પોતાના પગ પર ઊભા રહેતાં કર્યું છે.

8 સાલ, 8 છલ

ભા.જ.પ.ના મુખ્ય વિરોધી પક્ષે મોદી સરકારના 8 વર્ષના શાસનને નિષ્ફળતાના નમૂના તરીકે ગણાવ્યાં છે. પાર્ટીએ “8 સાલ, 8 છલ સરકાર વિફલ” નામની ૨૦ પાનાંની એક પુસ્તિકા પ્રગટ કરી છે. તેમાં તેણે કહ્યું છે કે ઊંચો ફુગાવો, બેરોજગારી, ગેરવહીવટ અને કોમવાદી ધ્રુવીકરણ આ સરકારની “ઉપલબ્ધિ” છે. કાઁગ્રેસે કહ્યું છે આર્થિક મોરચે, ખેડૂતોની આવક ડબલ કરવાના વચનમાં, રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે, અનુસુચિત જાતિ-જનજાતિ અને અન્ય પછાત વર્ગોનાં કલ્યાણની બાબતે સરકાર નિષ્ફળ નીવડી છે.

પશ્ચિમ બંગાળમાં ભા.જ.પ.ને ધોબીપછાડ પરાજય આપીને પુન: સત્તામાં આવનાર મમતા બેનરજીની તૃણમૂલ કાઁગ્રેસે મોદી સરકારના આઠ વર્ષના શાસનને “ઓલ-રાઉન્ડ નિષ્ફળતા” ગણાવ્યું છે. પાર્ટીએ જારી કરેલા એક વીડિયોમાં કહેવામાં આવ્યું હતું કે, “ભા.જ.પ.નાં આઠ વર્ષ કેવાં હતાં તેની સાબિતી મોંઘવારી, બેરોજગારી, રૂપિયાની કમજોરી, આર્થિક મંદી, અસહિષ્ણુતા અને અન્યાય છે.” વીડિયો જારી કરનાર પાર્ટી પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું હતું કે, “ભા.જ.પ. શાસનનાં આઠ વર્ષ વાસ્તવમાં આઠ વર્ષનું ડિંગ છે, આઠ વર્ષનો જુમલો છે.”

મહારાષ્ટ્ર વિકાસ આઘાડીના એક સાથી, નેશનલ કાઁગ્રેસ પાર્ટીએ પણ મોદી સરકારનાં 8 વર્ષોને નિષ્ફળતાનો સિલસિલો ગણાવ્યો હતો. પાર્ટીના પ્રવક્તા મહેશ તાપસે કહ્યું હતું કે આ આઠ વર્ષમાં દેશે મેળવવાને બદલે “ઘણું ગુમાવ્યું છે.”

ખેર, એમાં કોઈ શક નથી કે આ આઠ વર્ષોમાં પ્રધાન મંત્રી પદે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં નિરંતર વધારો થતો રહ્યો છે. મોદી ઇન્દિરા ગાંધી પછીના સૌથી તાકાતવર પ્રધાન મંત્રી છે એટલું જ નહીં, તેમના ચાહકો અને સમર્થકોની સંખ્યા પણ શુમાર છે. મોદીએ આ આઠ વર્ષમાં સફળતાપૂર્વક તેમની સ્વચ્છ છબી બનાવી રાખી છે. તેમના નેતૃત્વમાં, ભા.જ.પે. 2014માં 6 રાજ્યોથી શરૂ કરીને 2022માં 17 રાજ્યોમાં પોતાની સત્તા બનાવી છે.

સરકાર તરફી ઝુકાવ ધરાવતી રાષ્ટ્રીય સમાચાર સંસ્થા એ.એન.આઈ., આ આઠ બાબતોને મોદી સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ ગણાવે છે; જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમની નાબૂદી, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો શુભારંભ, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી, પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના, રસીકરણ અને આયુષ્યમાન યોજના, અફઘાનિસ્તાન અને યુક્રેનમાંથી ભારતીયોની બચાવ કામગીરી, પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ અને પ્રધાન મંત્રી આવાસ યોજના.

આર્થિક મોરચે મિશ્ર પરિણામ

જો કે, પાછલાં આઠ વર્ષોમાં દેશના આર્થિક મોરચે પરિસ્થિતિ મિશ્ર રહી છે. પહેલાં કોરોના મહામારી અને પછી રશિયા-યુક્રેનના યુદ્ધથી ભારતની અર્થવ્યવસ્થા બહુ ખરાબ રીતે પ્રભાવિત થઇ છે. એ પહેલાં, નોટબંધી અને જી.એસ.ટી.એ પણ બિઝનેસની કમ્મર પર ફટકો માર્યો હતો. કાઁગ્રેસ તરફ ઝુકાવ ધરાવતું ‘નેશનલ હેરાલ્ડ’ સમાચારપત્ર લખે છે કે સરકારનો સત્તાવાર દાવો તો એવો છે કે ભારતે 5 ટ્રીલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવા તરફ હરણફાળ ભરી છે, પરંતુ ઉપલબ્ધ અને તથ્યો સારું ચિત્ર પેશ નથી કરતાં.

વિશ્વ બેંકના વૈશ્વિક ગવર્નન્સ ઇન્ડિકેટર્સમાં ભારતનું રેટિંગ ઘટાડવામાં આવ્યું છે. ભારતમાં ગરીબ અને અમીર વચ્ચે ખાઈ વધી છે. એક તરફ, ફુગાવાના કારણે સાધારણ માણસની કમ્મર તોડી નાખી છે ત્યારે બીજી તરફ મહામારીના સંકટ અને ડિમાન્ડમાં ઘટાડા છતાં કોર્પોરેટ પ્રોફિટમાં વધારો થયો છે. ‘નેશનલ હેરાલ્ડ’ લખે છે કે 2021-22માં ઇંધણ કંપનીઓનો પ્રોફિટ 43 ટકા વધ્યો છે, જ્યારે એફ.એમ.સી.જી. કંપનીઓનો પ્રોફિટ 68 ટકા વધ્યો છે. ખાદ્ય તેલનું ઉત્પાદન કરતી કંપનીઓનો પ્રોફિટ 90 ટકા, જ્યારે દૂધ સહકારી કંપનીઓનો 118 ટકા વધ્યો છે.

‘નેશનલ હેરાલ્ડે’ અન્ય આઠ મોરચા પર સરકારની નિષ્ફળતા ગણાવી છે.

1. જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ દૂર કરવાના સાહસિક નિર્ણય પછી પણ ત્યાં સુરક્ષા અને રાજકીય પરિસ્થિતિમાં ખાસ સુધાર થયો નથી. 2010 અને 2019ની વચ્ચે જેટલા પંડિતોને નિશાન બનાવીને હત્યા નથી થઇ તેટલી 2019 પછી થઇ છે. ત્યાં ચૂંટણીઓ યોજી શકાઈ નથી. રાજ્યને કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચી નાખ્યા પછી પણ લોકોની અંદરથી અલગાવ અને વિરોધની ભાવના ઓછી થઇ નથી.

2. જેનું સૌથી મોટી કેશલેસ યોજના તરીકે મહિમામંડન થયું હતું તે આયુષ્યમાન ભારત યોજનાને કોઈ ગંભીરતાથી લેતું નથી, એવું ખુદ સરકાર માને છે. આ વર્ષે માર્ચ મહિનામાં, સરકારે સંસદમાં કહ્યું હતું કે ફંડના અભાવે કોઈ લાભાર્થીને સારવારનો ઇનકાર થયો નથી, પરંતુ રાજ્યો તરફથી માંગણીના અભાવમાં તેનું ફંડ ઘટાડવામાં આવ્યું હતું. 2019-20. 2020-21 અને 2021-22 માટે તેનું ફંડ રૂપિયા 6,400 કરોડ હતું, જે સુધારીને અનુક્રમે રૂ. 3,200, રૂ. 3,100 અને રૂ. 3,199 કરવામાં આવ્યું છે.

3. વડા પ્રધાને દાવો કર્યો હતો કે તેમણે ત્રિપલ તલાકના અન્યાયમાંથી મુસ્લિમ મહિલાઓને આઝાદ કરી છે, પણ અન્ય ધર્મોના પુરુષોનો પત્નીઓ પર અત્યાચાર યથાવત છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનો ડેટા કહે છે કે 1,000માંથી 17 હિંદુ સ્ત્રીઓની ફરિયાદ છે કે તેમના પતિ એકથી વધુ સ્ત્રીઓને પરણ્યા છે, જ્યારે 1,000 મુસ્લિમ સ્ત્રીઓમાંથી આવી ફરિયાદ 25 સ્ત્રીઓએ કરી હતી.

4. વડા પ્રધાને 2014માં જે સંસદનાં પગથિયાં પર માથું ટેકવ્યું હતું, તે જ સંસદની પરંપરાઓને તેમની સરકારે ઉપેક્ષા કરી છે. લોકસભામાં ડેપ્યુટી સ્પીકરની પોસ્ટ પર કોઈની વરણી કરવામાં આવી નથી (સામાન્ય રીતે, આ હોદ્દો વિપક્ષને આપવાનો રિવાજ છે). બજેટ પર ચર્ચા વગર તેને પસાર કરવામાં આવ્યાં છે. પહેલાં કરતાં વધુ વટહુકમો બહાર પાડવામાં આવ્યાં છે અને સંસદની સમીક્ષા સમિતિમાં બીલોને મોકલવાની સંખ્યા ઘટી ગઈ છે. જનહિતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચાની વિપક્ષોની માંગણીઓનો અસ્વીકાર થાય છે.

5. સુપ્રીમ કોર્ટના કોલેજિયમની ભલામણો છતાં, કેન્દ્ર સરકાર મન ફાવે તે રીતે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજનાં નામો પસંદ કરે છે. પરિણામે સેંકડો જગ્યાઓ ખાલી પડી છે.

6. કોઈ જાતના વિચાર-વિમર્શ વગર પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિ કાનૂનનો ફિયાસ્કો થયો છે. ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવ, કાનૂની અધિકાર અને બેવડી આવક આપવાની ખાતરી હજુ પણ અધ્ધર લટકે છે.

7. ભારતની જમીનમાં કોઈ આવ્યું નથી તેવા વડા પ્રધાનના ઓન-કેમેરા દાવાથી ચીનનો એ દાવો ઔર મજૂબત થયો છે કે લદાખમાં ભારતે ચીનની ભૂમિમાં ઘુસણખોરી કરી છે. હવે તો વિદેશ મંત્રાલય પણ સ્વીકારે છે કે લદાખમાં ચીન બીજો બ્રીજ બનાવી રહ્યું છે. ગલવાનમાં જે થયું તેમાં ભારતને ન છૂટકે અમેરિકાના નેતૃત્વ હેઠળની ચીન-વિરોધી ધરીમાં જવું પડ્યું છે અને ચીન સામે હવે કાયમી મોરચો ઊભો થયો છે.

8. 2019માં સરકારે ગાઈવગાડીને ઊભી કરેલી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની પોસ્ટ જરનલ રાવતના કસમયના મૃત્યુ પછી છ મહિનાથી ખાલી પડી છે. એવું લાગે છે કે સરકાર આ પોસ્ટ જ નાબૂદ કરી નાખવાનું વિચારી રહી છે. 

“ન્યૂઝક્લિક” પોર્ટલમાં  સુબોધ વર્મા લખે છે કે, “એ સાચું કે વડા પ્રધાનના નેતૃત્વમાં ભા.જ.પે. સૌથી વધુ રાજ્યોમાં પોતાની સરકાર બનાવી છે, પરંતુ એ પણ સત્ય છે કે તમામ રાજ્યોમાં બેરોજગારી સૌથી મોટી સમસ્યા રહી છે. છેલ્લાં ત્રણ વર્ષથી 7-9 ટકાની આસપાસ રહેલો બેરોજગારીનો દર 2020માં 25 ટકા થઇ ગયો છે. કેન્દ્ર સરકારની લગભગ 10 લાખ જગ્યાઓ ખાલી પડી છે અને 30 લાખ રાજ્યોમાં ખાલી છે. નોકરીઓ ઊભી કરવામાં સરકાર ખાસી નિષ્ફળ રહી છે.”

વર્મા કહે છે, ભા.જ.પ. માટે હંમેશાં એવું કહેવાય છે કે તે રાજકીય હિતો સાધવા માટે ધર્મનો ઉપયોગ કરે છે. અનેક પ્રકારના ધાર્મિક મુદ્દાઓ પર તે સફળ રીતે ધ્રુવીકરણ કરી શકે છે અને તેનો બહુમતી હિંદુઓમાં તેનો આધાર મજબૂત કરે છે, પરંતુ અ બેધારી તલવાર છે. દેશના બહુ મોટા વર્ગમાં નિયમિતપણે કોમી સંઘર્ષના વાતાવરણને લઈને ચિંતા પણ છે. વારાણસીમાં જ્ઞાનવ્યાપી મસ્જિદ, મથુરામાં કૃષ્ણ જન્મ-શાહી ઇદગાહ, તાજમહાલ અને કુતૂબ મીનાર જેવી ઐતિહાસિક જગ્યાઓ માટે વિવાદ શરૂ થયો છે તેનાથી લોકો, ખાસ કરીને યુવાનો, આ ઝેરી રાજનીતિથી નારાજ થઇ રહ્યા છે. કદાચ એટલા માટે જ, ભા.જ.પ. તેના 8 વર્ષની સીમાચિન્હરૂપ સિદ્ધિ પર કલ્યાણકારી યોજનાઓનાં ઢોલ-નગારાં વગાડી રહી છે.

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 05 જૂન 2022

સૌજન્ય : રાજ ગોસ્વામીનીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

8 June 2022 admin
← ‘લોકપ્રિયતા’નું આટલું સાંકડું અર્થઘટન ?
ભા.જ.પ. માટે બહાદુરી બતાવવા જતાં કરગરવાનો વખત આવ્યો છે →

Search by

Opinion

  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 
  • કોર્ટને કોર્પોરેટ કંપનીનું હિત દેખાય છે, જાહેરહિત દેખાતું નથી ! 
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved