Opinion Magazine
Number of visits: 9447125
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મીંઢાં મૌન અને આઝાદ લબ

રોહિત શુકલ|Opinion - Opinion|4 May 2019

રવીશકુમાર બિહારના મોતીહારી જિલ્લામાં ૧૯૭૪માં જન્મેલ આ પત્રકાર વિચાર અને ભાષાની સમૃદ્ધિ ધરાવે છે; પણ તેથી ય અધિક છે તેમની મૂલ્યનિષ્ઠા. આ મૂલ્યનિષ્ઠા છે લોકશાહી અંગેની અને તેના બંધારણમાં સુપેરે પ્રસ્થાપિત મૂલ્યો બાબતની. દેશમાં અનેક ટી.વી.-ચૅનલો ચાલે છે અને એન.ડી.ટી.વી.તે પૈકીની એક છે.

એ એકને લગભગ અદ્વિતીય બનાવી મૂકવાનું કામ બાકીની ચૅનલો અને  મીડિયાએ કર્યું છે. જ્યારે અન્યત્ર ફેકન્યૂઝ (અને ફેકંમફેક ન્યૂઝ પણ ખરા) ફેલાઈ ચૂકયા છે, ત્યારે તથ્યો અને સત્યોના પડખે ઊભા રહીને, પૂર્ણ નિર્ભયતાથી બોલનારો અવાજ આ એન.ડી.ટી.વી.નો છે. ટીવી ચૅનલો અને છાપાંનો ખાસ્સો મોટો હિસ્સો કોર્પોરેટજગતના ખિસ્સામાં છે. ઘણી વાર એવું પણ જોવા મળે છે કે આ જ કૉર્પોરેટજગતના બીજા ખિસ્સામાં રાજકારણીઓ ઝૂલે છે. આ દેશમાં નવ્ય મૂડીવાદના પેસારા પછી આર્થિક અસમાનતા વધતી જ ગઈ છે. માંડ એક ટકા લોકો પાસે દેશની તોંતેર ટકા સંપત્તિ આવી ગઈ છે. જે દેશમાં ગાંધીજીએ અન્યો તરફની અનુકંપાના કારણે પોતાનાં વસ્ત્રો પણ ટુંકાવ્યાં તે દેશમાં એક ઉદ્યોગપતિ પોતાની દીકરીનાં લગ્નમાં રૂ.૭૦૦ કરોડ ખર્ચે છે, અને આ રકમ તો તેની સંપત્તિનો એક ટકાનો પણ ચોથો ભાગ (૦.ર૩ ટકા) છે.

આ જ દેશના એક કહેવાતા વિકસિત રાજ્ય ગુજરાતમાં દર બે વર્ષે યોજાતી વાઇબ્રન્ટ સમિટમાં, ર૦૧૯માં, વી.આઈ.પી.ઓને જે ભોજનથાળ પીરસવામાં આવ્યો, તેની કિંમત રૂ.૭૦૦૦/- થી વધુ હતી. રાજ્યમાં નિશાળોમાં ચાલતી મધ્યાહ્‌ન ભોજન યોજનામાં બાળક દીઠ રૂા.૭/- ખર્ચવામાં આવે છે. તે રીતે આ સમિટમાં પધારેલ પ્રત્યેક મોંઘેરા મહેમાને રાજ્યના એક હજાર બાળકોનું ભોજન આરોગ્યું!

રાજ્યના પિસ્તાળીસ ટકા બાળકો કુપોષિત છે; આમ છતાં, ગુજરાતીભાષી છાપાં કે ચૅનલોએ આ મુદ્દાને ઉપાડ્યો જ નહીં. જો સરકારને સહેજ પણ શંકા હોત કે મીડિયા આ બાબતને જગતના ચોકમાં તાણી લાવશે, તો તે આવો ખર્ચ કરતાં પહેલાં વિચાર કરત. લોકશાહીમાં સરકારોને પોતાના તરંગી વ્યવહારો અમલમાં મૂકવામાં આવો મીડિયાનો ડર જરૂરી ગણાય. સરકાર જો લોકોની ધાકમાં ન રહે, તો તે બેફામ બનીને જનતાનાં નાણાંનો અયોગ્ય ઉપયોગ કરવા તરફ વળી જતી હોય છે. કદાચ આથી જ દેશમાં તટસ્થ નહીં પણ ‘ગોદી મીડિયા’નું આટલું બધું પ્રસારણ છે.

રવીશકુમાર ટી.વી.ના કાર્યક્રમોમાં, લેખક તરીકે કે પછી વક્તા તરીકે જે બોલે-લખે છે, તેમાં પૂરેપૂરી નિસબત જણાય છે. તેમની નિસબતનો સૌથી અગત્યનો મુદ્દો લોકશાહી છે. લોકશાહી ઘણાને મન એક સાધન છે, તો અન્ય ઘણા તેને સાધ્ય પણ માને છે. લોકશાહી વગર વિચાર, લેખન અને એકંદરે અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય જ હણાઈ જાય છે. અભિવ્યક્તિનું જે સ્વાતંત્ર્ય ર૦૧૪ પહેલાં હતું. તે તૂટી ગયું છે. દાભોલકર, પાનસરે, કલબુર્ગી અને ગૌરી લંકેશની હત્યાઓ, જે.એન.યુ.ના કે હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી, જાદવપુર કે જામિયા-મિલિયા બાબતે સરકારના અભિગમો દર્શાવે છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા ચાહનારના જીવ જ જોખમમાં છે. ખરેખર તો શિક્ષણનું ક્ષેત્ર મૌલિક વિચારો કરતું રહે તે તંદુરસ્ત લોકશાહી માટે જરૂરી છે. પત્રકારત્વનું ક્ષેત્ર પણ વિચારો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર અવલંબે છે. તેનો દરજજો રાજ્યતંત્રના અન્ય ત્રણ સ્તંભ-ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી સરકાર, વહીવટીતંત્ર અને ન્યાયતંત્રની સમાન કક્ષાનો છે. આથી જ તેને ચોથો સ્તંભ કહેવાય છે. વડાપ્રધાને વીતેલાં પાંચ વર્ષમાં એક પણ પત્રકારપરિષદ કરી નથી, એટલી જ બાબત આ ચોથા સ્તંભના મહત્ત્વને પિછાનવામાં ઘણી સૂચક છે.

અભિવ્યક્તિનું એક અન્ય માધ્યમ ફિલ્મઉદ્યોગ પણ છે. તેના ઘણા કલાકારો ઘમકીઓના ભોગ બન્યા છે. દીપિકા અને સંજય ભણશાળીનાં માથાં ઉતારી લાવનારને રૂા.૧૦ કરોડના ઈનામની જાહેરાત હરિયાણાના શાસકપક્ષના સૂરજપાલ દ્વારા કરાઈ હતી. રવીશકુમાર પોતે પણ – માત્ર તીવ્ર આલોચના જ નહીં – પણ ટ્રોલ, ગંદી ગાળો, ખૂનની ધમકીઓ તેમ જ કુટુંબીજનો ઉપર અત્યાચાર કે બળાત્કાર કરવાની ધમકીઓ પણ વેઠતા રહ્યા છે. સવાલ ઊઠે જ કે આવું કોણ કરે છે અને શા માટે ? જે કોઈ હોય તે – પણ તે લોકશાહીના મૂળભૂત અધિકારોના જાની દુશ્મનો છે, તે નક્કી.

દેશનું આ વાતાવરણ હિટલર-મુસોલિનીના શાસનના કેટલાક અંશો ધરાવતું હોવાનું પણ જણાય છે. જર્મનીમાં ૧૯૩૮ના નવેમ્બર મહિનાની ૯-૧૦ તારીખો દરમિયાન યહૂદીઓ સામે મહાતાંડવ ખેલાયું. રાજયનું તંત્ર તમાશબીન બન્યું અથવા તોફાનીઓનું સમર્થક બન્યું. કાંઈક આવું જ ભારતમાં પણ બનવા માંડ્યું. હોય તેવી શંકા જાય છે. ર૦૦રના ગુજરાતનાં તોફાનો અને પછી ર૦૧૪થી શરૂ થયેલા મોબલિંચિંગના બનાવો એક કોમ સામે બીજી જાતિ અથવા કોમના મનમાં ઉગાડેલાં નફરત, ઘૃણા અને વેર-ઝેરનાં વાવેતરોના પરિપાક રૂપે છે. ઊના, અખલાક, અકબરખાન, જુનેદખાન, કઠુઆ વગેરે જેવા અનેક બનાવો સામાન્ય માનવતાની પણ વિરુદ્ધના છે. આવા પ્રસંગોએ જ્યાં એક તરફ ટોળાંશાહી ચાલી છે, ત્યાં બીજી તરફ મીડિયાએ કયાં તો સમાજને જાગૃત કરવામાં દુર્લક્ષ સેવ્યું છે અથવા મીંઢું મૌન સેવ્યું છે. રવીશકુમારને આવા પ્રસંગોએ મીડિયાના વલણ સામે ભારે નિરાશા જન્મતી હોય તેમ જણાય છે.

રવીશકુમારને ફેકન્યૂઝ, ગોબલ્સના પ્રચાર અને ગંભીર સમસ્યાઓ પ્રત્યેના આંખમીચામણાં સામે પણ એટલો જ આક્રોશ છે. ખાસ કરીને ફેકન્યૂઝની બાબતે તે અત્યંત ચિંતિત અને વ્યાકુળ પણ છે. હિટલરે ગૅસચૅમ્બરમાં લગભગ ૬૦ લાખ યહૂદીઓની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી, છતાં આવું કાંઈ બન્યું જ નથી, એવું ઠસાવવા ગુગલની વેબસાઇટ ઉપર પણ પ્રયાસ થયા. ભારતમાં ખુદ વડાપ્રધાન દ્વારા ર૦૧૭ની ગુજરાતની ચૂંટણીમાં, પાકિસ્તાનના હાઈકમિશનરના નિમંત્રણથી યોજાયેલ મીટિંગમાં ભારતમાંથી ઉપસ્થિત મહેમાનો અને મીટિંગના ઉદ્દેશો તથા ઇરાદાઓ બાબતે કહેવાયેલી બાબતો સત્યથી વેગળી હતી. (પૃ.રપ) રવીશકુમાર દેશમાં ઊભા થતા તનાવ કે હિંસાના કેટલાક બનાવો પાછળ ફેકન્યૂઝની ભૂમિકા હોય તેમ માને છે.

આવી જ મોટી ચાલબાજી મુદ્દા ભટકાવતા રહેવામાં કે ગંભીર મુદ્દાને ચર્ચામાંથી અને તે રીતે લોકનજરમાંથી બહાર રાખવાની રમાય છે. દેશમાં કિસાનો, બેરોજગાર, યુવાઓ, શિક્ષણની અને સ્વાસ્થ્યની સેવાઓના અમલ તથા વહીવટની ગંભીર સમસ્યાઓ છે. છતાં સરકાર રાષ્ટ્રવાદ, જાતિવાદ, ગોરક્ષા કે રામમંદિર જેવા મુદ્દા ચગાવે છે. હવેના ભારતમાં લગભગ પચાસથી સાઇઠ ટકા વસ્તીનો ટીવી/છાપાં સાથે સંપર્ક છે, આથી આ મુદ્દા ભટકાવવાની ચાલબાજી ચૂંટણી જીતવા માટેનો હથકંડો બની રહે છે. આ બધું સમાજમાં એક ખાસ માનસિકતા ઊભી કરવા માટે થતું હોય તેમ જણાય છે. આ માનસિકતાને રવીશકુમાર ‘રૉબોપબ્લિક’ – યંત્ર માનવોનો સમાજ ગણાવે છે. આ સમાજ પોતાની તર્ક અને વિવેકશકિત ગુમાવી બેઠો હોય છે.

આ બધાની સાથોસાથ ઇતિહાસ અને વિજ્ઞાનને પણ આગવી રીતે સ્થાપવાનો કે મૂલવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ખુદ વડાપ્રધાન પોતે વિજ્ઞાનની પરિષદમાં ગણપતિના ધડ ઉપર હાથીનું માથું જોડવાની બાબતને દેશના ભવ્ય ભૂતકાળના ઉદાહરણ તરીકે જુએ ત્યારે આશ્ચર્ય થાય જ. દેશમાં તે સમયે પ્લાસ્ટિકસર્જરી થતી હતી, એમ કેવી રીતે કહેવાય? એ જ રીતે મહાભારતકાળમાં ભારત પાસે બ્રહ્માસ્ત્ર હતાં. અને ટેલિવિઝન હતાં. (કદાચ ઓબી વાન અને સેટેલાઇટ પણ હશે જને?) અને રામાયણકાળમાં વિમાનો હતા એમ પણ કહેવાય છે. શ્રીલંકાથી ઊડીને અયોધ્યા ઊતરેલું આ વિમાન કયા ઈંઘણથી ચાલ્યું હશે અને તેનું નૅવિગેશન કઈ રીતે થયું હશે, તેની માહિતી નથી !

રવીશકુમાર થોડીક વ્યગ્રતા સાથે સૂચવે છે કે દસેક હજાર કરોડ રૂપિયાનો એક અલગ પ્રોજેક્ટ જ બનાવો અને ઇતિહાસને નવેસરથી તથા પોતાને અનુકૂળ આવે તે રીતે લખી કાઢો!

રવીશકુમારના લખાણમાં પ્રત્યક્ષ રીતે લોકશાહી અને માનવકેન્દ્રી રાજ્ય તથા સમાજની રચના માટેની ચિંતા વ્યક્ત થાય છે. અલબત્ત, એક સામાજિક સંવેદનશીલતાની પણ તે અપેક્ષા રાખે છે. ભારતના બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો અને સંકલ્પોના તે અડગ પુરસ્કર્તા છે. આ બાબતે તે રાજકારણ અને પક્ષોથી ઉપર પણ છે અને બહાર પણ છે. પ્રવર્તમાન સરકારનાં કેટલાંક ઉચ્ચારણો અને કાર્યોને તે આ દૃષ્ટિએ પણ જુએ છે. નેહરુ ભગતસિંહને જેલમાં મળવા ગયા હતા? કે નેહરુના કારણે સરદાર વડાપ્રધાન બની ન શક્યા અથવા જનરલ કરિઅપ્પા તરફનો વ્યવહાર ઉચિત ન હતો વગેરે પ્રકારનાં બિનપાયાદાર અને પ્રચારાત્મક વિધાનોથી આગળ વધીને નેહરુને ઘણી સ્ત્રીઓ સાથે સંબંધ હતા તેવું દર્શાવતા ફેકફોટા પ્રચલિત કરવાના પ્રયાસો બાબતે પણ તે દુઃખ અનુભવે છે.

પાયાનો મુદ્દો એ છે કે રવીશકુમાર એક એવા સમાજની ખોજમાં છે કે જેનું સ્વપ્ન ભારતના બંધારણે સેવ્યું છે. વિવિધ ધર્મો, ભાષાઓ, સંસ્કૃતિ અને વિવિધતામાં એકતાવાળા આ દેશને પ્રગતિ અને સાચા વિકાસના માર્ગે લઈ જવા માટે આધુનિકતાભર્યો વૈચારિક અભિગમ અનિવાર્ય છે. આ આધુનિકતાની ફિલસૂકી બહુઆયામી છે પરંતુ તેના બે મુદ્દા વ્યાપક-મહત્ત્વના છે. આ બે મુદ્દા એટલે માનવીયતા અને વૈજ્ઞાનિક વિચાર. નેહરુના સાયન્ટિફિક ટેમ્પર, અને સંવેદનશીલ માનવીય અભિગમ સાથે આ સુપેરે બંધબેસતી બાબત હતી. આઝાદીની લડતમાં ગાંધીજી માત્ર અંગ્રેજોને દૂર કરવા નો’તા માંગતા; તે તો અંગ્રેજિયતના વિરોધી હતા.

ખૂબીની વાત એ છે કે તે સમયે હિંદુ-મુસ્લિમ-શીખ-ઈસાઈ એમ સૌ એકજૂટ થઈને લડ્યાં અને ઘણાએ કુરબાની વેઠી, મૌલાના આઝાદ, ખાન અબ્દુલ ગફારખાન, વગેરે અનેકોએ કુરબાની વેઠી, તે સમયે પેલા કટ્ટર હિંદુત્વવાદીઓ લડતથી તો વેગળા રહ્યા જ; પણ અંગ્રેજોની મદદમાં પણ રહ્યા. આ પરિબળો હવે હિંદુત્વના નામે સમાજને વિભાજિત કરીને કાળની ગતિમાં પરિવર્તન કરવા માંગે છે. રવીશકુમાર આવાં પરિબળો સામે એકજૂટ થઈને બોલવા કહે છે. દેખીતું છે કે આ લડત કોઈ વ્યક્તિ કે પંથ સામેની નથી, લડત તો વિચારોની છે. પ્રવર્તમાન  પરિસ્થિતિ ડરાવી-ધમકાવીને, કે પછી ફેકન્યુઝ દ્વારા અથવા અપપ્રચાર દ્વારા સમાજને ભટકાવવા પ્રયાસ કરે છે. હિટલરે પણ યહૂદીઓ સામે લગભગ આવું જ કર્યું હતું. મુસલમાનો અને યહૂદીઓ સામેનાં આ વલણો સાવ બિનપાયાદાર છે.

ભારતમાં મુસલમાનોના પ્રદાનની એક લાંબી યાદી છે. તેવું જ પશ્ચિમના યહૂદીઓ માટે છે. કાર્લ માર્કસ અને આલ્બર્ટ આઇન્સ્ટાઇન યહૂદી  હતા. ફિનોમિનોલૉજીનો પ્રખર વિચારક હર્શલ અને વિખ્યાત મનોવિજ્ઞાની ફ્રૉઈડ પણ યહૂદી હતા. યહૂદીઓ નકામા કેવી રીતે ? અલ્લારખાં, બિસમિલ્લા ખાન ઉસ્તાદ અલી અકબરખાન, વિલાયત હુસેન વગેરે ને છેક અમીર ખુસરોથી શરૂ કરીએ અને મહંમદ રફી સુધી આવીએ, તો સમગ્ર કલાજગતમાં મુસલમાનોનું પ્રદાન સમજાશે. આ બધા નકામા?

કોણે કેવાં વસ્ત્રો પહેરવાં અને શું ખાવું તે બાબત સરકારોએ નક્કી કરવાની ન જ હોય. આવા મુદ્દાઓને ફેકન્યૂઝ અને સોશિયલ કે અન્ય મીડિયા ઉપર ઉછાળીને જાતિદ્વેષ ઊભો કરવો તે આધુનિક અને બંધારણપ્રણિત સમાજરચનાની વિરુદ્ધનું છે. રવીશકુમારની વ્યથાનાં મૂળ આવાં કારણોસર ખૂબ ઊંડાં છે.

એકંદરે ભારતીય સમાજ અને હાલમાં આ રાજ્યતંત્ર ખુદ એક મોટા પડકારનો સામનો કરી રહ્યું છે. એક તરફ પરંપરાવાદી બાબાઓ કે કહેવાતા ધર્માચાર્યોની પકડ વધતી જાય છે, બીજી તરફ મોટાં કૉર્પોરેટગૃહો છે, તો ત્રીજી તરફ, આ બધાના મેળાપીપણામાં ચાલતી સરકાર છે. આવી સરકારો લોકશાહી આદર્શો ધરાવતા કલ્યાણરાજ્યની સ્થાપનાથી જોજનો દૂર ભટકતી જાય છે. તેના રોજરોજ બનતા દુઃખ અને પીડાદાયક બનાવોના રવીશકુમાર એક સાક્ષી બનતા રહે છે, કારણ કે પત્રકારત્વની ભૂમિકામાં તેમના માટે આ એક નિર્મિતિ છે.

એક તરફ જયાં કોઈ પણ ભોગે સત્તા જાળવી રાખવાના કાવાદાવા ચાલે છે, ત્યારે બીજી તરફ સમાજ અતિ ગંભીર સમસ્યાઓથી ઘેરાતો જાય છે. છેલ્લાં પિસ્તાળીસ વર્ષોમાં ન થઈ હોય, તેવી બેરોજગારી છે. આટલી વ્યાપક બેરોજગારી હોય, ત્યાં જી.ડી.પી.ની વૃદ્ધિ પણ ઓછી જ હોય ! ખેડૂતોની બેહાલી પણ બધા જાણે જ છે. તેમના દિલ્હીનાં ધરણાં કે મહારાષ્ટ્રમાં નાસિકથી મુંબઈ સુધીની પેદલયાત્રા – આમ અનેક સમસ્યાઓથી દેશ ઘેરાઈ ગયો છે. રવીશકુમારે શિક્ષણ, બેકારી, બૅંકોની નોકરી વગેરે જેવા મુદ્દા ઉપર સંખ્યાબંધ કાર્યક્રમો કર્યા. આ કાર્યક્રમો આંખ ઉઘાડનારા છે. રવીશકુમારે આ બધા પાછળ ઊંડો અભ્યાસ કર્યો છે. તેમના કાર્યક્રમો માત્ર મિનિટો ભરવા માટે નહીં, પણ સચ્ચાઈને ઉજાગર કરવા માટે હોય છે. આ કાર્યક્રમોથી અકળાયેલી સરકારે ર૦૧૮ માં એન.ડી.ટી.વી.ના શ્રી પ્રણય રૉયના નિવાસસ્થાને ઇન્કમટૅક્સના દરોડા પણ પાડ્યા. સરકારને સત્યનો સામનો કરવામાં કેટલો ડર લાગે છે, તે આથી સ્પષ્ટ થાય છે.

પણ પછી એ જુએ છે કે એમની સાથે ચોથી જાગીરના એમના પોતાના વ્યાવસાયિકો પણ અડીખમ ઊભા નથી. અલબત્ત, આમાં કેટલાક અપવાદો છે. જે સમાજ માત્ર નીંભર નથી, પણ આક્રમક બનતો જાય છે. આક્રમકતા ક્યારેક ધર્મદ્વેષ તરફ તો ક્યારેક જાતિદ્વેષ અને લિંગભેદથી ઊભી થતી માણસાઈ વિરુદ્ધની અસામાનતા તરફ દેશને ઘસડી જાય છે.

ક્યાંક તેમનો અવાજ બુલંદ પણ બને છે અને દિલી નિસબતભર્યો પણ વિરુદ્ધની તેથી જ તે કહે છે – ચાલોને પહેલા જ જેલમાં જઈ આવીએ. સરકાર ગુનો ગણીને ધરપકડ કરે, ત્યારે કહેવા થાય કે સાહેબ, જેલના અમારા ખાતે જમા બોલતા દિવસોને પણ લક્ષમાં લેજો. આ પ્રકારે, ઝમીર સાચવીને ખુમારીથી વર્તનારા થોડાક ઓર પત્રકારો અને બુદ્ધિજીવીઓ આ દેશમાં છે, જે એક મોટી તસલ્લી છે.

છેલ્લી આશા પણ આ બચી છે. ફેઝ મહંમદ ફેઝ કહે છે તેમઃ ‘બોલ કે લબ આઝાદ હૈ તેરે. બોલ કે જૂબાં અબતક તેરી હૈ.’

રવીશકુમાર કંઈક અંશે ફિલ્મ પ્યાસાના સાહિર લુધિયાનવીના ગીત જેવા સવાલને ખભે ઉઠાવીને ફરી રહ્યા છે; તે પૂછે છે :

‘જિન્હેં નાઝ હૈ હિંદ પર વો કહાં હૈ,’

આથી જ ડર્યા વગર તથા તથ્યોની પૂરી ખરાઈ કર્યા પછી સૌએ એકજૂટ થઈને બોલવું જ  રહ્યું.

આ પુસ્તકના સારને, એક ગુજરાતી લેખમાળા દ્વારા ભૂમિપુત્રે પ્રકાશિત કર્યું તે નોંધપાત્ર છે. હવે તેના સંકલિત સ્વરૂપને પ્રકાશિત કરવામાં આવે છે. તે સંતોષની બાબત છે. ભૂમિપુત્ર – યજ્ઞપ્રકાશન આ માટે લોકોનાં અભિનંદન તથા પ્રશંસાને પાત્ર છે.

વાત રવીશકુમારની (રજૂઆત : રજની દવે; યજ્ઞ પ્રકાશન, હિંગળાજ વાડી, હુજરાત પાગા, વડોદરા ૩૯૦૦૦૧) માટે લખાયેલી પ્રસ્તાવના

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2019; પૃ. 15 – 17

Loading

4 May 2019 admin
← પેલ્લીવાર
‘ડૉક્ટર વિનોબા’નું સચોટ નિદાન →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved