Opinion Magazine
Number of visits: 9483625
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મથુરદાદાનું love marriage –

આનંદરાવ, આનંદરાવ|Opinion - Short Stories|25 April 2017

માનો કે ના માનો .. પણ મથુરદાદાના લવ-મેરેજની આ વાત છે. બાળપણમાં જોયેલા મથુરદાદાની છાપ મારા મન ઉપર જુદી જ હતી. એમનું બીજું પાસું બહુ મોડું જોવા મળેલું.

મથુરદાદાનું કુટુંબ એમની નાતમાં એક પ્રતિષ્ઠિત, ખાનદાન અને શ્રીમંત જમીનદાર તરીકે જાણીતું હતું. આસપાસનાં બધાં ગામોમાં, એમના આખા ગોળમાં એમનો મોભો હતો. મથુરદાદા નાતના આગેવાન ગણાતા. એમનું ઘર નાતમાં “મોટું ઘર” ગણાતું. એમના બોલને માન અપાતું. મથુરદાદાના વ્યક્તિત્વમાં પટેલ-ખાનદાની ચમકતી હતી. ધોતિયું, ઝભ્ભો, ઉપર બંડી, માથે ટોપી, પગમાં એમના માનીતા જોડા અને હાથમાં ચાંદીના હાથાવાળી લાકડી લઈ દાદા ઘરની બહાર પડતા ત્યારે અસ્સલ ખાનદાની પટેલ ભાયડો લાગતા.

આબરૂદાર ઘર એટલે કામ ધંધા અંગે અને નાતના બધા વટવ્યવહાર અંગે મહેમાનોની અવર જવર સતત ચાલુ રહેતી. આ મહેમાનોનાં ચા-પાણી, નાસ્તા અને જમવા માટે જમનાબાની દેખરેખ હેઠળ રસોડું પણ સતત ચાલુ રહેતું. રાંધવા માટે ગામના એક બ્રાહ્મણ કુટુંબની વિધવા બાઈ અને એની યુવાન દીકરી વર્ષોથી કામ કરતાં હતાં.

મથુરદાદા ખાવા પીવાના ભારે શોખીન. રસોઈ સ્વાદિષ્ટ ચટાકેદાર જોઈએ. મુખ્ય રસોઈ સાથે ઓછામાં ઓછાં બે શાક, પાપડ, રાયતાં, અથાણાં વગેરેથી એમની થાળી શણગારેલી હોવી જ જોઈએ. પાછી રોજ નવી નવી વાનગી એમને ખાવાં જોઈએ. એકની એક રસોઈ અઠવાડિયામાં બે વખત જો ઘરમાં રંધાય તો મથુરદાદા જમનાબાને મજાક અને કટાક્ષમાં કહેતા: “તમને રાંધતાં આળસ આવતી હોય તો મને કહો, હું મારું મારી જાતે રાંધી લઈશ અથવા કોઈ લૉજમાં જમી આવીશ. પણ મહેરબાની કરીને આ એકનું એક રાંધીને ના ખવરાવશો.”

એક બહુ કરુણ ઘટના મથુરદાદાના જીવનમાં બની ગયેલી. મથુરદાદાનો જુવાન જોધ દીકરો અને વહુ મોટર સાયકલના એક ગોઝારા અકસ્માતમાં ગુજરી ગયેલાં. ચાર-પાંચ વર્ષની ઉંમરના પૌત્રો કાન્તિ અને બળવંત આ બન્ને ભાઈઓને મથુરદાદા અને દાદીમા જમનાબાએ ઉછેરેલા. દીકરાના દીકરાઓને ઉછેરવાનો આ રીતે વારો આવશે એવી મથુરદાદાને કે જમનાબાને સહેજે કલ્પના નહોતી. દીકરો અને વહુ મોટર સાયકલના અકસ્માતમાં ગુમાવ્યાનું દુ:ખ મથુરદાદાને જીવનભર રડાવ્યા કરતું હતું.

નાનો પૌત્ર કાન્તિભાઈ અને હું એક જ સ્કૂલમાં સાથે ભણેલા. કમનસીબે, કાન્તિભાઈ હાઈસ્કૂલ પણ પાસ કરી શક્યા નહોતા. એમના સાળાને કારણે કાન્તિભાઈ પાંચ-સાત વરસ અમેરિકામાં રહી ગયેલા. એમના સાળાએ ફાઇલ મૂકેલી એટલે આવીને એક નાની ઇનર-સીટી મોટેલ ખરીદેલી. એમને અમેરિકાની ગાયનું દૂધ ભાવે નહીં. સાવ પાણી જેવું લાગે એમાં ય નૉન-ફેટ કે લો-ફેટ !! આ તે કંઈ દૂધ કહેવાય ! ચૂનાનું પાણી છે. સવારે એમની ચામાં, સાંજે ભાખરી શાક સાથે ખાવામાં કે રાત્રે સૂતા પહેલાં ગ્લાસ ભરીને પીવામાં half and half જ વાપરતા. આરોગ્ય વિશેની મારી કોઈ વાત એમને ગળે ઉતરતી જ નહીં. ધીમે ધીમે એમની તબિયત લથડતી ગઈ એટલે મોટેલ વગેરે બધું છોડીને પાછા મથુરદાદાની વાડી ભેગા થઈ ગયેલા. જતાં જતાં મને કહેતા ગયેલા … “હવે ઇન્ડિયા આવો ત્યારે આપણી વાડીએ એટલે કે મથુરદાદાની વાડીએ બેત્રણ અઠવાડિયાં રહેવાય એ રીતે આવજો. તમને ત્યાં બેઠાં બેઠાં લખવાની મઝા આવશે.”

મથુરદાદા સ્વભાવે ખૂબ ગંભીર, અત્યંત ઓછા બોલા, નાટક-સિનેમા, નૃત્ય, સંગીતના રાગડાં આ બધા પ્રત્યે એમને ભારે સૂગ. આ બધું ખાનદાન ઘરના છોકરાં-છોકરીઓ માટે શોભાસ્પદ ના ગણાય એવું દૃઢપણે માનવાવાળા. મથુરદાદાને એ પેઢીના જૂનવાણી માણસ ગણવા હોય તો ગણી શકો છો.

દાદા બહુ ભણેલા નહોતા પણ કામ-ધંધા જેટલું લખી-વાંચી લેતા. એમનો દેખાવ હતો નાળિયેરની કાચલી જેવો બરછટ અને શુષ્ક. ખેતીવાડી કરવી, પૈસા કમાવા, મંદિરમાં દાન-પુણ્ય કરવાં, છોકરાં ઉછેરવાં, પોતાની નાતના રીત-રિવાજો પ્રમાણે વટવ્યવહાર કરી ઈશ્વર માથે રાખી, પ્રમાણિકપણે શાંતિથી જિંદગી જીવવી એ જ એક એમનું ધ્યેય. ટૂંકમાં, મથુરદાદા એટલે પરંપરાઓ અને રૂઢિઓનું જીવંત સ્વરૂપ. અસલ ચીલાચાલુ રૂઢિચુસ્ત પટેલ ભાયડો.

ધર્મની બાબતમાં પાછા ખૂબ શ્રદ્ધાળુ. કોઈ "મા'રાજ" કે "બૉમણ" આવે તો પોતાની શક્તિ પ્રમાણે એ મા'રાજને આપવું જ જોઈએ એવી એમની અડગ માન્યતા. ખાલી હાથે બૉમણને પોતાના ઘરનો ઓટલો ઉતરવા દેવાય જ નહીં એટલા શ્રદ્ધાળુ માણસ. દેવદર્શન કરવા પણ પૂરી શ્રદ્ધાથી મંદિરોમાં જાય. ગમે તે ભગવાનનું મંદિર હોય એમાં મથુરદાદાને કોઈ ફરક નહોતો પડતો. મૂર્તિ દીઠી એટલે હાથ જોડી, માથું નમાવી દેતા. શ્રદ્ધા-અંધશ્રદ્ધાની ચર્ચા મથુરદાદા આગળ થાય નહીં.

મથુરદાદા પાસે બાપદાદાના વખતની જમીન હતી. પાછળથી એમણે પોતે પણ બીજી જમીનો ખરીદીને એસ્ટેટમાં સારો એવો વધારો કર્યો હતો. આંબાવાડિયાં હતા, શાકભાજીની મોટી વાડીઓ હતી. ઘણાં મજૂરો એમને ત્યાં કામ કરતાં. એમનો એક મોટો ગુણ કે દરેક મજૂરની અંગત કાળજી રાખતા.

મથુરદાદા સાત વર્ષની ઉંમરે પરણી ગયેલા. જમનાબાની ઉંમર એ વખતે પાંચ વર્ષની હતી. બાળલગ્નનો રિવાજ સારો કે ખોટો એની લમણાફોડ અત્યારે કરવાથી શો ફાયદો?

‘લવ મૅરેજ' અને 'મથુરદાદા' આ બે તત્ત્વો કદી ભળે નહીં. બધુ સ્ફોટક ગણાય તેમ છતાં એવું જ થઈને ઊભું રહ્યું.

એમના મોટા પૌત્ર બળવંતે પોતાની સાથે કૉલેજમાં ભણતી – પરનાતની – છોકરી સાથે 'લવ મૅરેજ' કરવાનું નક્કી કર્યું. મથુરદાદાને કાને પહેલી વાર જ્યારે આ 'લવ મૅરેજ' શબ્દ પડ્યો ત્યારે એ ધગધગતા અંગારાની જેમ ભભૂકી ઉઠ્યા હતા. દાદા આવા 'લવ મૅરેજ' 'ફવ મૅરેજ'માં માનતા નહોતા. નાતના રીતરિવાજ પ્રમાણે અંદરો અંદર વડીલો દ્વારા બધું ગોઠવાય એને જ એ સાચું લગ્ન માનતા. એ દિવસે ધૂંઆપૂંઆ થઈને દાદાએ આખા ઘરમાં બધાનો ઉધડો લીધો, 'આ સાલાઓ કૉલેજમાં ભણવા જાય છે કે આવાં બધાં પ્રેમલા-પ્રેમલીના છીનાળવાં કરવા જાય છે ! બધાઓને સાલાઓને પ્રેમ ફૂટી નીકળે છે. મારા ઘરમાં આ પ્રેમ-બેમ નહીં ચાલે. કાલથી જ આ બળવંતિયાનું કૉલેજમાં જવાનું બંધ કરી દો. મારી ખેતીમાં માણસોની બહુ જરૂર છે. આમે ય કૉલેજમાં ભણીને શું વાઘ મારી નાખવાના છે ?'

મથુરદાદાને આબરૂની પડી હતી. સમાજમાં પોતાને નીચું જોવું પડશે, લોકો પાછળ ગમે તેમ બોલશે કે "નાતના આગેવાન મથુરભાઈએ પોતે જ પારકી નાતની છોકરી ઘરમાં ઘાલી." ઘરનો મોભો ઝાંખો પડી જશે, નાતમાં એમના બોલની કિંમત નહીં રહે .. આ રીતની ચિંતાથી એ બળ્યા કરતા.

એન્જિનિયર બળવંત દીકરાના લગ્ન ધામધૂમથી કરવાના સપનાં જોતાં હતા, જમાનાબા તો ખાસ. આખી નાતમાં કદી ના થયું હોય એવા ભપકાથી પોતાના એન્જિનિયર દીકરાનું લગ્ન મથુરદાદાને કરવું હતું. એમાં જો બળવંત પોતાની જાતે જ આમ કૉલેજમાંથી કોઈ છોકરી શોધી કાઢે અને પરણી જાય અને તે ય પાછી બીજી નાતની છોકરી સાથે ?? તો મથુરદાદાનું મહત્ત્વ શું ?

પણ આખરે બળવંતભાઈએ નમતું આપેલું અને નાતની છોકરી સાથે એમનું લગન ગોઠવાઈ ગયેલું.

ઇન્ડિયામાં કાન્તિભાઈની તબિયત લથડતી જતી હતી એવા સમાચાર અવારનવાર મળતા. છ-સાત મહિના વીત્યા. મારા નાનાભાઈની દીકરીના લગનમાં અમેરિકાવાળા મોટાકાકા તરીકે હાજરી આપવા હું ઇન્ડિયા ગયો. ભત્રીજીનાં લગ્ન નિર્વિધ્ને પતી ગયાં. મારી પાસે ટાઇમ હતો, મને કાન્તિભાઈ યાદ આવી ગયા.

કાન્તિભાઈને ત્યાં જવા મુંબઈથી ગુજરાતમાં જતી લોકલ ટ્રેન મેં પકડી. જાણી જોઈને લોકલ ટ્રેન પસંદ કરી હતી રસ્તામાં આવતાં બધાં સ્ટેશનોનાં પીળાં પાટિયાં ઉપર કાળા રંગે લખેલાં નામ મારે વાંચવાં હતા. બાળપણની એ ટ્રેન મુસાફરી ફરીથી તાજી કરવી હતી. મુંબઈથી પરોઢિયે પાંચ વાગે લોકલ ઉપડી. સ્ટેશન માસ્તરની ઑફિસ, પાણીનો પેલો નળ, બે પ્લેટફૉર્મને જોડતો એ પુલ, ભજિયાંવાળાની લારીઓ અને પ્લેટફૉર્મ ઉપર આંટા મારતા બીજાં ટોળાં … આ બધું ગાડીના ખટક ખટક અવાજ સાથે, ધીમે ધીમે પાછળ રહી ગયું. ગાડી પ્લેટફૉર્મના છેડા ઉપર આવી ગઈ. છેડા ઉપર એ જ પીળા પાટિયા ઉપર કાળા અક્ષરે લખેલું સ્ટેશનનું નામ વાંચીને સ્મૃિતઓ ખળભળી ઊઠી. ધીમે ધીમે ગાડીએ સ્પીડ પકડી .. મને બારી પાસેની સીટ મળી ગઈ હતી. દૂર દૂર સુધીનાં ખેતરોમાં કામ કરતાં કામદારો, થોડાં ઢોર … આ બધું જોવામાં તલ્લીન થઈ જવાતું હતું.

એક પછી એક કેટલાં ય ગામનાં પીળાં પાટિયાં હું વાંચતો રહ્યો. ગાડી કોઈ નાના સ્ટેશને ઊભી રહેતી ત્યારે ચીકુ, જાંબુડાં કે રાયણાંના પડિયા લઈને દોડતી છોકરીઓની સેલ્સમેનશીપ સાંભળવાની મઝા આવતી. પાણીના ઘડા લઈ "બૉમણિયું" પાણી વેચવા બૂમો મારતી છોકરીઓ પણ એમનું પાણી ઠંડું હોવાનો દાવો કરતી.

ક્યારેક કોઈ રેલવેનું ફાટક બંધ હોવાને કારણે ત્યાં ઊભા રહી ગયેલા ખટારા, સ્કૂટર, સાયકલ, ઊંટગાડાં … આ બધું જોતાં બાળપણ નજર આગળ તરી આવતું અને રૂંવાડાં ખડાં થઈ જતાં.

કાન્તિભાઈના સ્ટેશને હું ઉતર્યો. એમની ગાડીમાં અમે વાડીએ પહોંચ્યા. લિવિંગરૂમમાં મથુરદાદા અને જમનાબાને સુખડનો હાર પહેરાવેલો હતો. કાન્તિભાઈ પાસેથી બધી વિગત સાંભળી.

બાવન વરસ સુધી તો મથુરદાદા અને જમનાબાની જિંદગી પૂર જોશમાં વહેતી હતી. પછી એમના દાંપત્ય જીવનમાં તિરાડ પડી.

જમનાબા બિમાર પડ્યાં. …

જમનાબાને છાતીનો દુખાવો તો ઘણા વખતથી હતો જ. ગામના વૈદ-ડાક્ટરની દવા કર્યા કરતાં હતાં. કોઈને એમની બિમારી વિશે કશી ખબર પડતી નહોતી. છેવટે મુંબઈની મોટી હૉસ્પિટલમાં દાખલ કર્યા પણ ત્યારે વાત ઘણી આગળ વધી ગઈ હતી. જમનાબાને છેલ્લા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર હતું.

આ સાંભળીને મથુરદાદાને માથે જાણે વીજળી પડી હતી. એ સતત હૉસ્પિટલમાં આંટા માર્યા કરતા. ક્યારેક તો રાત પણ ત્યાં જ રહી પડતા. કેટલીયે રાતો એમણે હૉસ્પિટલમાં કાઢી હતી. એમને બીજું કોઈ કામ સૂઝતું જ નહોતું. ચોવીસે કલાક એમના મન ઉપર જમનાબા જ રહેતાં. વટ વ્યવહારનાં અને ધંધાનાં એમનાં બધાં કામ જાણે થંભી ગયાં હતાં. એમને એ કશાની પરવા પણ નહોતી. જમનાબાની પથારી પાસેથી એ ખસી શકતા જ નહોતા. ક્યારેક એ ડૉક્ટર ઉપર ચિઢાઈ જતા. બીજી કોઈ મોટી હૉસ્પિટલમાં જમનાબાને લઈ જવાનું એ નક્કી કરતા હતા. ત્યાં એક દિવસ ડૉક્ટરે જમનાબાના મૃત્યુના સમાચાર આપ્યા.

મૃત્યુના શબ્દો કાને પડતાં જ મથુરદાદા બાજુના બાંકડા ઉપર ઢગલો થઈને ઉપર પડ્યા. એમના જીવનનો પ્રકાશ જાણે ઓલવાઈ ગયો. એમની દુનિયા ઉપર અંધારપટ છવાઈ ગયો. બધે અંધારું છવાઈ ગયું. એમને જગત દેખાતું બંધ થઈ ગયું. જિંદગીભરનો એમનો સથવારો છૂટી ગયો. એમના જીવન વૃક્ષની મોટામાં મોટી ડાળી કેન્સરના વંટોળિયાથી કડડડ કરતી તૂટી પડી હતી. એ જાણે સૂધબૂધ ગુમાવી બેઠા હતા.

જમનાબાની સ્મશાન યાત્રામાં ગામે ગામથી જ્ઞાતિના આગેવાન પુરુષો આવેલા.

ખડક જેવા કઠણ દેખાતા મથુરદાદા જમનાબાની ચિતાને અગ્નિદાહ દેતાં ધ્રૂજી ઊઠેલા અને નાના બાળકની જેમ રડી પડેલા. અંતે પૌત્ર બળવંતની મદદથી ચિતાને દાહ દેવાયો હતો.

મથુરદાદાનું જીવન હવે કરમાવા લાગ્યું. માનસિક શાંતિ જતી રહી હતી. પીરસેલી થાળી તરફ હવે એ જોતા પણ નહીં. બધાના બહુ આગ્રહથી માત્ર એક બે ઘૂંટડાં ચા પી લેતા. ધીમે ધીમે થોડો ગોળ અને શીંગદાણા ખાવા શરૂ કર્યા.

ઘરમાં હવે ક્યાં ય એમનું ચિત્ત લાગતું નહોતું. આખું ઘર એમને ખાલી, સૂમસામ, ઉજ્જડ લાગતું હતું. આ ઘર હવે એમને 'ઘર' જ નહોતું લાગતું. આ દિવાલોમાંથી એમનો રસ ઊડી ગયો હતો. બધું સાવ ખાલીખમ થઈ ગયા જેવું લાગતું હતું. સંસારમાંથી જાણે એમનો રસ ઊડી ગયો હતો. રોજ સવારે શાકભાજીનું ઉત્પાદન જોવા અને આંબાઓ તથા બીજાં ફળઝાડો વિશે કામદારો સાથે વાતચીત કરવા જતાં દાદા હવે પોતાની પાટ છોડીને ક્યાં ય જતા નહીં.

આમ ને આમ એક મહિનો વીતી ગયો. રોજ બપોરે થોડો ગોળ અને ચપટી શીંગદાણા સિવાય મથુરદાદા કશું ખાતા નહીં. એમને ગળે કશું ઉતરતું જ નહોતું. એમની રુચિ જ મરી ગઈ હતી. એમનું શરીર નંખાતું ગયું. એમના વ્યક્તિત્વનું તેજ ઝાંખું પડવા માંડ્યું.

રસોયણ મા-દીકરીને મથુરદાદાની બહુ ચિંતા થવા લાગી. રસોયણ છોકરીની ઉંમર હશે લગભગ બાવીસ વર્ષ જેટલી. રોજ નવી નવી સ્વાદિષ્ટ, ચટાકેદાર વાનગીઓનો આગ્રહ રાખનારા દાદા ચપટી શીંગદાણા અને ગોળ ઉપર દિવસો કેવી રીતે કાઢશે !

એક બપોરે રસોયણ છોકરીએ દાદાને ભાવતાં બે શાક, દાળ, ભાત, રોટલી, રાયતું, એકાદ બે અથાણાં વગેરે પીરસીને થાળી દાદા સામે લાવીને મૂકી. દાદાએ છોકરી સામે જોયું અને થાળી દૂર ખસેડી દીધી. કડક અવાજે બોલ્યા,

"આ શું કામ લાવી ? મારા શીંગદાણા અને ગોળ લઈ આવ."

"શીંગદાણા ખલાસ થઈ ગયા છે. અત્યારે તમારે આ જ ખાવાનું છે." એટલી જ કડકાઈથી છોકરીએ જવાબ આપ્યો.

"બળવંતને કે કાન્તિને કહીને મંગાવી કેમ નથી લેતી ? જા .. શીંગદાણા મંગાવી લે .. આ થાળી પાછી લઈ જા." ખીજાઈને દાદાએ હુકમ કર્યો.

"નથી લઈ જવાની થાળી પાછી …" છોકરી પણ સામે છણકો કરીને ખીજાઈ. 

બાધા બનીને મથુરદાદા છોકરી સામે જોઈ રહ્યા. આ છોકરી આજે મારી સામે બોલે છે! આ છોકરી આજે આમાન્યા તોડી રહી છે! એની આટલી હિમ્મત ! એક અક્ષર કદી નહીં બોલવાવાળી આ છોકરી આજે મારું કહ્યું તો માનતી નથી ઉપરથી મારા હુકમનું ઉલ્લંઘન કરે છે! દાદા બરાબર ઉકળ્યા.

"છોકરી, તું મારી સામે બોલે છે … ! કંઈ ભાનબાન છે તને … ઉદ્ધત … "

"હા … હા… બોલવાની… હજાર વાર તમારી સામે બોલવાની, શું કરી લેવાના છો તમે? … મને અને મારી માને નોકરીમાંથી કાઢી મૂકશો એ જ ને!" મોટેથી રડતી, થાળી લીધા વિના છોકરી રસોડામાં દોડી ગઈ.

આ છોકરીની અકડાઈ જોઈને મથુરદાદા દંગ થઈ ગયા. વાતાવરણ આખું તંગ બની ગયું.

પીરસેલી એ થાળી સામે મથુરદાદા થોડીવાર તાકી રહ્યા. છોકરી ઉપર ગુસ્સો કર્યો બદલ એમને જાણે દુ:ખ થયું. પસ્તાવો થયો. પોતે પહેલાંની જેમ જમી શકતા નથી એ બદલ છોકરીનાં હૈયામાં પોતા માટે અનહદ કાળજી અને ખૂબ ચિંતા છે એ એમને સમજાયું. માટે જ નોકરી ગુમાવવાનો ખતરો વ્હોરીને પણ એ આજે સામું બોલી ગઈ. એ છોકરીનો પોતા પ્રત્યેનો પ્રેમ અકળાઈ ઊઠ્યો હતો. માટે એ સામું બોલી ગઈ. દાદાને હકીકત સમજાઈ.

થાળી લઈને એ ધીમે ધીમે રસોડામાં આવ્યા. છોકરી સાડલાના છેડાથી મોઢું ઢાંકીને ધ્રૂસકે ધ્રૂસકે રડતી, દિવાલને અઢેલીને ઊભી હતી. મથુરદાદાએ થળી બાજુના ટેબલ ઉપર મૂકી. ધીમે પગલે છોકરી પાસે ગયા. એ ગળગળા થઈ ગયા હતા.

"બેટા, તું સમજતી કેમ નથી? મારી ભૂખ, તરસ, સ્વાદ … આખું જીવતર જમનાબાની ચિતામાં બળીને ખાખ થઈ ગયું છે. આ શરીર તો હવે ખાલી કોચલું, ખાલી ફોતરું રહી ગયું છે.. આ ખોખાને હવે હું શા હારું પંપાળ્યા કરું? … કોના માટે?? દીકરી, તું પરણીને તારા વર પાસે જઈશ પછી તને આ બધું સમજાશે .. અત્યારે તું કુંવારી છું એટલે તને કશું નહીં સમજાય .. લાવ દીકરા .. મને મારા શીંગદાણા આપી દે .. એ પણ ના આપવા હોય તો તારી મરજી … હવે તો એના વગર પણ ચાલશે …"

ધોતિયાના છેડાથી આંખનો ખૂણો લૂછતાં મથુરદાદા બહાર એમની લાકડાની પાટ ઉપર જઈને આડા પડ્યા. રાત્રે પણ મથુરદાદા હવે આ પાટ ઉપર જ સૂઈ જતા. જમનાબાના અગ્નિદાહ પછી ઉપર પોતાના બેડરૂમમાં એમણે ડોકિયું પણ નહોતું કર્યું. જમનાબા વિના જીવનમાં હવે કોઈ સ્વાદ જ રહ્યો નહોતો. ઘરના ખૂણે ખૂણે એમને જમનાબાના ભણકારા વાગ્યા કરતા હતા. ખૂણે ખૂણેથી જમનાબાના અવાજના પડઘા એમને સંભળાતા હતા. સ્વભાવે કડક હતા એટલે એમના આંસુ બહાર કોઈને દેખાતાં નહોતાં.

e.mail : gunjan_gujarati@yahoo.com

Loading

25 April 2017 admin
← ભારતીય અને પશ્ચિમી શાસ્ત્રીય સંગીતનો સમન્વય : વનરાજ ભાટિયા
અડવાણીઃ જે પોષતું, તે મરાતું? →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved