
હેમન્તકુમાર શાહ
‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અખબારમાં ગઈ કાલે આવેલા એક સમાચાર અહેવાલ અનુસાર ગામડાંમાં એક વર્ષમાં ૧૦૦ દિવસની રોજગારીની બાંયધરી આપતા દેશના પ્રથમ ‘મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર બાંયધરી ધારા’ (મનરેગા) નામના કાયદાનું નામ હવે મોદી સરકાર બદલી રહી છે! આશ્ચર્ય અને આઘાતજનક છે આ નામ ફેરબદલી કારણ કે ‘મહાત્મા ગાંધી’ને બદલે હવે ‘પૂજ્ય બાપુ’ શબ્દો આવી રહ્યા છે!
‘મહાત્મા’ અને ‘ગાંધી’ એ બે શબ્દો જ મોહનદાસ કરમચંદ ગાંધી માટે સૌથી જાણીતા છે. ‘ગાંધીજી’ શબ્દ ‘જી’ લગાડીને માનવાચક શબ્દ બનાવાયો છે. પરંતુ તે પણ દુનિયાભરમાં એટલો ચલણમાં નથી કે જેટલો ‘મહાત્મા’ શબ્દ છે.
ગાંધીને ‘મહાત્મા’ કહેવાનું નરેન્દ્ર મોદીની સરકારને ગમતું નથી. રવીન્દ્રનાથ ટાગોરને ગમતું હતું હોં! અને ‘ગાંધી’ અટકને પણ કાયદાના નામમાં રહેવા દેવાનું મોદી સરકારને ગમતું નથી. ખરેખર તો મોદીને, RSSને, ભા.જ.પ.ને અને આ આખી ગોડસે ગેંગને કે તેમના સમર્થકોને મહાત્મા ગાંધી નામનો માણસ દીઠ્ઠો ગમતો નથી. એનું કારણ એ છે કે એ જમાનાની બંધારણ સભાના, કહીએ તો કહેવાય એવા માર્ગદર્શક મંડળના, એ એકમાત્ર માણસે જ દેશ આઝાદ થયો ત્યારે દેશને હિન્દુ રાષ્ટ્ર બનતાં રોક્યો હતો કારણ કે એમને ખબર હતી કે હિંદુ રાષ્ટ્ર એટલે ધર્મઝનૂની રાષ્ટ્ર, હિટલરના જર્મની જેવું ઘાતકી અને ક્રૂર રાષ્ટ્ર તથા બ્રાહ્મણ પેશવાઓનો જાતિવાદી શોષણખોર અસમાનતાથી ભરપૂર તાનાશાહી સમાજ સ્વીકારતું રાષ્ટ્ર.
એટલે જ, એક ભળતું જ નામ મોદી સરકાર લઈ આવે છે કે જે મહાત્મા ગાંધી સિવાય કોઈ એરગેરા, કહેવાતા, ફાલતુ, બે બદામડી જેવા સાધુસંતને કે કથાકારને પણ સામાન્ય રીતે લાગુ પડી શકે. મૂળ ઇરાદો તો મહાત્મા ગાંધીનું નામ બધેથી ધીમે ધીમે ભૂંસવાનો છે એ સ્પષ્ટ છે.
‘પૂજ્ય બાપુ’ એવા બે શબ્દો તો કોને કોને લાગુ પડી શકે એ વિચારો, અને ‘મહાત્મા ગાંધી’ શબ્દ બોલો તો કોણ યાદ આવે એ વિચારો. નાલાયકી અને નફ્ફટાઈની રોજેરોજ મોદી સરકાર દ્વારા નવી હદ બનાવવામાં આવે છે એમાં આ વધુ એકનો ઉમેરો થઈ રહ્યો છે.
બેશરમ મોદી સરકારને જરા યાદ અપાવું :
(૧) ગાંધીની હત્યા થઈ ત્યારે RSSના બીજા ક્રમના સરસંઘચાલક માધવ સદાશિવ ગોલવલકર મદ્રાસમાં એટલે કે આજના ચેન્નઈમાં હતા. તેમણે RSSના સ્વયંસેવકોને તરત જ ૧૩ દિવસનો શોક પાળવા માટે જે આદેશ આપ્યો હતો તેમાં મોહનદાસ કરમચંદ ગાંધી માટે ‘મહાત્માજી’ શબ્દ વાપર્યો હતો. ગોલવલકર ગાંધીને ભયંકર ધિક્કારતા હતા તેમ છતાં તેમણે કમને પણ ‘મહાત્માજી’ શબ્દ તો વાપર્યો જ હતો.
(૨) ગોલવલકરે એ જ દિવસે જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ અને ગાંધીના એક દીકરા દેવદાસ ગાંધીને જે અંગ્રેજી શોકસંદેશો તાર કરીને પાઠવેલો તેમાં પણ ગોલવલકરે ગાંધી માટે “દિવ્ય આત્મા” (divine soul) એવા બે શબ્દો વાપરેલા.
(૩) તા.૦૮-૧૨-૧૯૪૭ના રોજ ગોલવલકર દ્વારા દિલ્હીમાં RSSના આશરે ૨,૫૦૦ જેટલા સભ્યોને જે સંબોધન કરવામાં આવ્યું હતું તેમાં પણ તેમણે મોહનદાસ કરમચંદ ગાંધી માટે ‘મહાત્મા ગાંધી’ એમ બે શબ્દો ઓછામાં ઓછું બે વખત વાપર્યા હતા. જો કે, આ સભામાં જ ગોલવલકર દ્વારા ગાંધીને આડકતરી રીતે ગર્ભિત ધમકી આપવામાં આવી હતી કે તેમના જેવાઓને “ચૂપ કરી દઈ શકાય.” આ ઘટના છે ગાંધીની નથુરામ ગોડસેએ હત્યા કરી તેના બરાબર ૫૩ દિવસ પહેલાંની!
માધવ ગોલવલકર તો નરેન્દ્ર મોદી કરતાં જરા વધારે હર્ષ સંઘવી બ્રાન્ડ સંસ્કારી કહેવાય, નહીં, કારણ કે એમણે તો ‘મહાત્મા ગાંધી’ એવા બે શબ્દો બે વખત વાપર્યા?
અને હા, ગાંધીએ પોતે જ કહેલું કે :
“જ્યાં સુધી મારામાં શ્રદ્ધા પ્રજ્જવલિત રહેશે, અને મને આશા છે કે હું એકલો પડી ગયો હોઈશ તો પણ તે તેવી રહેશે, હું કબરમાં પણ જીવતો રહીશ અને વળી તેમાંથી પણ બોલતો રહીશ.”
આ પોરબંદરનો “મોનિયો” મહાત્મા બનીને કબરમાંથી પણ ગોડસે બ્રાન્ડ ચડ્ડી ગેંગને કેટલી હેરાનપરેશાન કરે છે! આ મહાત્મા ગાંધીના “દિવ્ય આત્મા”નો સત્યાગ્રહ છે! એમનું ગોડસે ગેંગ સાથેનું અસહકાર આંદોલન દિલ્હીના રાજઘાટ પરથી ચાલુ જ છે, એ પોતડીધારી ડોસો ત્યાં એકલો જ હશે તો પણ એ ચાલુ જ રહેશે.
તા.૧૪-૧૨-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

