Opinion Magazine
Number of visits: 9448746
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મન મોર બની થનગાટ કરે

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|26 July 2018

૧૯૪૪માં મેઘાણીએ આ ગીતનું  અદ્દભુત ગુજરાતીકરણ કર્યું કે કોઇ માની જ ન શકે કે મોર બની થનગાટ … એ મૂળ ગુજરાતી નહીં, બંગાળી ગીત છે

બહુ ઓછાં ગીત એવાં હોય છે જે સાંભળતાં જ આબાલવૃદ્ધ સૌનાં દિલ ઝૂમી ઊઠે. મોર બની થનગાટ એ એવું જ ગીત છે જે હકપૂર્વક આ કક્ષામાં બેસી શકે. કાર્યક્રમમાં આ ગીત રજૂ થાય ને દર્શકો ઊભા થઈને નાચવા માંડે. વરસાદી માહોલમાં તો આ ગીતનો ઉલ્લાસ ચરમસીમાએ પહોંચે. 

ભીતરથી ભીંજવી દે, છલોછલ છલકાવી એ ઋતુ છે ચોમાસું. ધરતી ને આકાશની જેમ ભીનાશ ભીતર અને બહાર બેઉ પક્ષે સંયોજાય એ સહૃદયતાની મોસમ  એટલે મોન્સૂન. એમાં ય અષાઢ-શ્રાવણ હેલી તો માદક-મનમોહક વાતાવરણ સરજે છે. અષાઢી મેઘલી રાત માનવ મનમાં નાજુક ભાવસંવેદન જગવે છે. અનાદિકાળથી મનુષ્ય પ્રકૃતિ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. પ્રકૃતિ, સમાજજીવન સાથે સંકળાયેલાં લોકગીતો ગ્રામ્ય સંસ્કૃિતનો આવિર્ભાવ કરાવે છે. વરસાદી લોકગીતોમાં અષાઢી સાંજના અંબર ગાજે, અંબર ગાજે મેઘાડંબર ગાજે, વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં, વા વાયા ને વાદળ ઊમટ્યાં, મેહુલો ગાજે ને માધવ નાચે , આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે, આવ્યો ધરતીનો ધણી મેહૂલો જેવાં લોકપ્રિય ગીતો કંઈક સંદેશ લઈને આવે છે તો સંસ્કૃત મહાકાવ્ય 'મેઘદૂત'માં કુબેરના શાપથી વ્યથિત યક્ષ મેઘને દૂત બનાવી આષાઢસ્ય પ્રથમ દિવસે ગાઈને વિરહી પ્રણયીઓનું પ્રતિનિધિત્વ કરે છે. વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ જેવાં ગીત દ્વારા ગંગા સતી અધ્યાત્મનો માર્ગ ચીંધે છે.

આ પદમાં ગંગાસતી માનવજીવનને વીજળીના ચમકારાની ઉપમા આપે છે. જેમ વીજળીનો ચમકારો ક્ષણિક હોય છે તેમ જીવન પણ ક્ષણિક છે. એમાં ઈશ્વરના નામનું મોતી પરોવવાનું છે. જો એ તક ચૂકી ગયા તો વીજળી થયા પછી અંધારું થઈ જાય એમ મૃત્યુ આવી પહોંચે. આવી તો કેટલી ય સુંદર અભિવ્યક્તિઓ લોકગીતોમાં થઈ છે. વરસાદી ટીપાંઓનું એક અદ્રશ્ય તાલબદ્ધ સંગીત હોય છે જે દિલને બાગ બાગ કરે છે. અનરાધાર વરસતો વરસાદ દિલની ધડકન સાથે તાલ પુરાવતો લાગે. સુગમ સંગીતનાં કેટલાંક અદ્દભુત વરસાદી ગીતોની વાતો આપણે વર્ષારાણીના આગમન ટાણે કરી હતી. વરસાદે હવે તો મુંબઈને મન ભરીને ભીંજવી દીધું છે ત્યારે અાપણું મન કંઈ ઝાલ્યું રહે? એ તો મોર બનીને ક્યારનું ય ચહેકી-ગહેકી રહ્યું છે. એટલે જ આજે વાત કરવી છે આપણા સમૃદ્ધ લોકસંગીતની. લોકગીતોમાં સામાજિક જીવન ધબકે છે. ગ્રામ્ય ગીતો પ્રકૃતિનો ઉદ્દગાર છે. તેમાં શિષ્ટ સંગીતની ઝાંખી નથી, કેવળ રસ નિષ્પત્તિ છે. છંદ નહીં, ફક્ત લય છે. લાલિત્યસભર લઢણ એ એની આગવી વિશેષતા.

અષાઢની અજવાળી રાતે કાઠિયાવાડના કોઈ ગામમાં તમે જઈ ચડો અને લોકગીત સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરો તો ગામના એ ય ચાર-પાંચ ગાયકો ભેગા થઈ જાય ને દૂહાની રમઝટથી લોકગીતનો આરંભ કરે : અષાઢ ઉવાચમ, મેઘ મલ્હારમ, બની બહારમ, જલધારમ, દાદૂર ડકારમ, મયૂર પુકારમ, તડિતા તારમ વિસ્તારમ … !

લોકગીતો એટલે મોટેભાગે તો પુરુષને મુકાબલે સ્ત્રીઓનો જ આગવો ઈજારો. પણ આજે જે ગીતની વાત કરવી છે એમાં પુરુષનો જ બુલંદ કંઠ ચાલે. વરસાદી લોક ગીતોની વાત કરીએ ત્યારે સૌથી પહેલાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જ યાદ આવે. મેઘાણીએ લોકગીતોનો પુનરુધ્ધાર કર્યો અને એ કક્ષાની રચનાઓ દ્વારા બુલંદ લોકગાયકીને પ્રતિષ્ઠા આપી. કસુંબલ ડાયરાને દરબારગઢમાંથી પ્રજા વચ્ચે લાવવાનું કામ હેમુ ગઢવીએ કર્યું. મેઘાણીનાં લોકગીતોને પોતાની અદ્દભુત ગાયકી દ્વારા લોકહૈયાં સુધી પહોંચાડવાનું કામ હેમુ ગઢવીએ કર્યું હતું. તેમનું મહત્ત્વનું પ્રદાન નવસંસ્કરણનું કહી શકાય. લોકગીતોમાં કેટલાં ય ગીતોના માત્ર મુખડાં જ લખાયાં હતાં. હેમુ ગઢવીએ મુખડાનું નવસંસ્કરણ કરીને અંતરાનું સ્વરૂપ આપ્યું હતું. આવા જબરજસ્ત લોકગાયક હેમુ ગઢવીના કંઠે ગવાયેલું ગીત એટલે મન મોર બની થનગાટ કરે.  

મેઘાણીએ અનુવાદ કાર્ય બાદ સૌપ્રથમ આ ગીત હેમુ ગઢવીએ ગાયું અને લોકહૃદયમાં મજબૂત સ્થાન પામી ગયું. 1944માં ગુજરાતી સાહિત્યની કલગી સમાન આ સદાબહાર રચનાનું સર્જન થયું હતું.

વર્ષાઋતુ આવતાં જ્યારે આકાશ ઘનઘોર શ્યામરંગી વાદળોથી ઘેરાઈ જાય ત્યારે સૃષ્ટિ સોળે શણગાર સજી મેઘના સ્વાગત માટે થનગને. મોરલા માટે તો વરસાદ એટલે પ્રણયનું આહવાન. એના હૃદયમાં વાસંતી ભરતી જાગે, એનું રોમેરોમ નર્તન કરી ઊઠે. વ્યક્તિ અને પ્રકૃતિ એકબીજામાં સમાઇ જાય ત્યારે આવાં ગીતોનું સર્જન થાય છે.

1933માં કવિવર રવીન્દ્રનાથ ટાગોરે તેમનો ગીતસંગ્રહ 'સંચયિતા' આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને મોકલ્યો. એવી ઈચ્છા પણ વ્યક્ત કરી કે એમાંથી તમને ગમતું ગીત ગુજરાતીમાં અનુવાદિત થશે તો એમને ઘણો આનંદ થશે. મેઘાણીએ આ ગીત ૧૯૨૦માં ટાગોરના મુખે કલકત્તામાં સાંભળ્યું હતું. ત્યાર બાદ ટાગોરના મૃત્યુ (૧૯૪૧) પછી ૧૯૪૪માં મેઘાણીએ આ ગીતનું અદ્દભુત અનુસર્જન, ગુજરાતીકરણ કર્યું કે કોઇ માની જ ન શકે કે મોર બની થનગાટ એ મૂળ ગુજરાતી નહીં, બંગાળી ગીત છે. ટાગોરના 'નવી વર્ષા' ગીતને ધીંગી ધરાનો ધબકાર ઝીલતું, વાદળ-વસુંધરાનું લાજવાબ તળપદું લોકગીત બનાવી દીધું જેમાં કાઠિયાવાડી લહેકો પૂરો બરકરાર હતો. હેમુ ગઢવીએ સંગીતબદ્ધ કરીને એમના અષાઢી કંઠમાં પહેલીવાર રજૂ કર્યું ત્યારે તો જાણે બારે મેઘ વરસ્યાં હોય એવું લોકોએ અનુભવ્યું હતું. આ ગીતમાં ટાગોર-મેઘાણીનું જાદૂઈ સંયોજન, કાળજાને ડોલાવે એવો તળપદો લહેકો, ઘુમરી લેતો વરસાદ, નદીઓની મદમસ્ત છટા, મદ્દહોશ વાતાવરણ, ચંચળ પવન શૃંગારિક સપનાનું ઘેન લઈને આવે છે.

ગીતના આ  શબ્દો તો જુઓ :                                          

ઊંચી મેઘ મહોલ અટારી પરે અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ પાલવડે કરી આડશ કોણ ઊભેલ અરે
ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે, 
ઓલી કોણ પયોધર સંઘરતી વિખરેલ લટે ખડી મે’લ પરે

વરસાદી હેલીમાં ઘેલી થતી નવયૌવનાનાં ચાકમચુર ઉર(સ્તન)ને પચરંગી બાદલ પોતાના પાલવથી ઢાંકવાની કોશિષ કરે એવા ખેલ આકાશમાં રચાય છે. આવી નશીલી સ્થિતિમાં મોરનો કેકારવ નર-નારીને વધુ ઉત્તેજિત કરે છે. આખું ગીત નાદ અને લયના હિલ્લોળે આપણને તરબતર ભીંજવી જાય છે. તેથી જ દરેક ગુજરાતી કાર્યક્રમોનું એ અણમોલ રતન છે.

આ ગીત સાંભળીને કોઈ એવું નહિ હોય જેમના પગ ના થિરકે. મેઘાણીનું આ ગીત હિન્દી ફિલ્મ 'રામલીલા'માં ઓસમાણ મીરના ઘેઘૂર-ઘનઘોર અવાજે ગવાયું એ પછી તો વધારે મશહૂર થઇ ગયું.

 

આ ગીત સાંભળીને તમને અહેસાસ થશે કે મેઘાણીનાં લોકગીતોમાં એમણે એમનું હૃદય નીચોવી દઈને ધરતીની મહેકનો કેવો સુંદર અહેસાસ કરાવ્યો છે. રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીએ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું, એની યોગ્યતા મેઘાણીએ એમની આવી ઘણી અમર રચનાઓ મારફતે પુરવાર કરી બતાવી હતી. હેમુ ગઢવી, ચેતન ગઢવી, આશિત દેસાઈ અને ઓસમાણ મીરના અવાજમાં આ લોકપ્રિય સદાબહાર ગીત તમને યુટ્યુબ પર સાંભળવા મળશે જ. ફરી ફરીને સાંભળવું ગમે એવું આ ગીત વરસાદ વરસતો હોય ત્યારે મસાલેદાર ચા અને ગરમાગરમ ભજિયાંની સાથે ક્લિક કરીને સાંભળજો. રંગત ઓર જામશે.

આજનું ગીત

                                                            
મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે
ઘનઘોર ઝરે ચહું ઓર મારું મન મોર બની થનગાટ કરે
બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને, મેઘમલાર ઉચારીને
આકુલ પ્રાણ કોને કલસાદ કરે
ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ગુમરી ગુમરી ગરજાટ ભરે નવ ધાન ભરી સારી સીમ ઝૂલે
નદીયું નવજોબન ભાન ભૂલે નવ દીન કપોતની પાંખ ખૂલે
મધરા મધરા મલકાઈને મેંડક મેહસું નેહસું બાત કરે
ગગને ગગને ઘૂમરાઈને પાગલ મેઘઘટા ગરજાટ ભરે
નવ મેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે
મારાં લોચનમાં મદઘેન ભરે વનછાંય તળે હરિયાળી પરે
મારો આતમ લહેર બિછાત કરે સચરાચર શ્યામલ ભાત ધરે
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઈ સારી વનરાઈ પરે
ઓ રે મેઘ આષાઢીલો આજ મારે દોય નેન નીલાંજન ઘેન ભરે,
ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ મહોલ અટારી પરે, 
ઊંચી મેઘ મહોલ અટારી પરે અને ચાકમચૂર બે ઉર પરે
પચરંગીન બાદલ પાલવડે કરી આડશ કોણ ઊભેલ અરે
ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે, 
ઓલી કોણ પયોધર સંઘરતી વિખરેલ લટે ખડી મે’લ પરે,   
મન મોર બની થનગાટ કરે

……………                                            

કવિ : ઝવેરચંદ મેઘાણી  • સ્વરકાર-ગાયક  : હેમુ ગઢવી 

……………

https://www.youtube.com/watch?v=Cp18iXr4n3g

('લાડલી' પૂર્તિ, "મુંબઈ સમાચાર", 26 જુલાઈ 2018)

Loading

26 July 2018 admin
← જ્યારે એક જ પોકેટમાં એક સરખી ગુનાની ઘટનાઓ વારંવાર બનતી હોય, અને પોલીસ તેમ જ શાસકો તેનાં મૂળ સુધી ન પહોંચતા હોય ત્યારે નાગરિકે સાબદા થઈ જવું જોઈએ
‘પોતે હરિને ન જાણે લેશ, અને કાઢી બેઠો ગુરુનો વેશ; એહેવા ગુરુને ઘણા સંસાર, તે અખા શું મૂકે પાર ?’ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved