જંબુરિયા,
બોલો, બોલો, રાજા દેવાળિયા!
હવા કેમની છે?…. આપણા ગમની છે!
દવાખાના કેમનાં છે?
વિકાસ દવાખાનામાં જ છે!
હેં?
ના, ના … સિવિલમાં ન થાય તો
પથારી ફેરવી દેહું ફાઈવ સ્ટારમાં!
બીજું?
અહીં બધા પડપૂછ કરે છે
કોરોનાવાસી થૈ જૈલાં માટે
કઈક રકમફકમ જાહેર કરવાની છે, સાહેબ?
ના, ભૈ. ના જે ગમ્યું જગતગુરુ જગદીશને ….
હમજી ગ્યો, હમજી ગ્યો સાહેબ!
જંબુરિયા, આ ડ્રોન કેમનાં માથે ફરે છે?
આપના રાજમાં રૈયતમાંથી કોઈ
ભૂખ્યુંતરસ્યું રહી ગ્યું નથી ને એ જોવા માટે!
વાહ ભૈ વાહ!
જંબુરિયા એપ્રિલ તો ચોખ્ખો
લૉક ડાઉનમાં ગિયો, નહીં? કેમનું છે?
સાહેબ, એપ્રિલનું કહેવું પડે? એપ્રિલ ફુલ્લ જ છે!
કીચડમાં ખીલેલા કમળ જેવું!
પણ સાહેબ, ત્યાં ચમનું છે?
પીએમ કેર ફંડમાં લ્હેરમલ્હેર છે!
ને કીટમાંથી કટકી ફિટ થાય છે!
જંબુરિયા,
કોરોનામાં ગુજરાત નંબર વન તો નહીં થાય ને?
કરી દેહું સાહેબ
ડફોળ નથી કરવાનું, નથી કરવાનું
તો ઈ એય થઇ જાહે સાહેબ!
પણ આ માથે પોટલિયું મૂકીને, આ જનગણમન ક્યાં જાય છે?
એ તો હવા-બગાહાં ખાતાં ખાતાં
એમના મલકમાં માયાળુ માનવી પાંહે
તો પછી થાળી-તાળી વગાડી, દિવા પેટાવી
રાષ્ટ્રગીત ગાઈને, થોડી સૅલ્ફી-બૅલ્ફી લઈને જલ્દી વિદાય આપો
કહી દો,
તમારી સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખવાનો
રાજા દેવાળિયાનો હુકમ છે!
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 29 ઍપ્રિલ 2020