કાર્લ માર્ક્સે કહેલું કે, “દુનિયાભરના મજૂરો એક થાવ, તમારે તમારી બેડીઓ સિવાય કશું ગુમાવવાનું નથી.” આ વાક્યમાં ફેરફાર કરીને આજે દેશની સરકારો જરા આ રીતે બોલી રહી હોય એમ લાગે છે, “હે દેશભક્ત મજૂરો, તમે એક થાવ, તમારે દેશનો વિકાસ કરીને તમારા લોહી સિવાય કશું જ ગુમાવવાનું નથી.” દેશની સંસદે ઘડેલા મજૂર કાયદાઓનો અમલ નહીં કરવાના કાયદા અત્યારે કોરોના મહામારીના સંદર્ભમાં રાજ્ય સરકારો કરી રહી છે અને તે પણ વિકાસને નામે.
 દેશભરમાં હવે કોરોના લૉક ડાઉન બાદ ઉદ્યોગો ખોલવામાં આવે તો મજૂરો જોઈએ. આ મજૂરો તો ગામડે જવા માગે છે, એમના પરિવારને મળવા માગે છે. એટલે એમને આકર્ષવા પડશે જ્યાં પણ ઉદ્યોગો છે ત્યાં. પરંતુ તેમને આકર્ષવા માટે કોઈ લાલચ આપવામાં આવતી નથી. ઉપરથી નવા ઉદ્યોગોને આકર્ષવા માટે તથા ઉદ્યોગો ફરી શરૂ કરવા માટે તેમને મજૂરોનું શોષણ કરવા મોટી લાલચ આપવામાં આવી રહી છે. આ લાલચ આ દલીલો સાથે આપવામાં આવી રહી છે : (1) જી.ડી.પી.નો વૃદ્ધિદર એકદમ ઘટી ગયો છે તે ઊંચો લાવવો છે. (2) તેનાથી રોજગારી વધશે.
દેશભરમાં હવે કોરોના લૉક ડાઉન બાદ ઉદ્યોગો ખોલવામાં આવે તો મજૂરો જોઈએ. આ મજૂરો તો ગામડે જવા માગે છે, એમના પરિવારને મળવા માગે છે. એટલે એમને આકર્ષવા પડશે જ્યાં પણ ઉદ્યોગો છે ત્યાં. પરંતુ તેમને આકર્ષવા માટે કોઈ લાલચ આપવામાં આવતી નથી. ઉપરથી નવા ઉદ્યોગોને આકર્ષવા માટે તથા ઉદ્યોગો ફરી શરૂ કરવા માટે તેમને મજૂરોનું શોષણ કરવા મોટી લાલચ આપવામાં આવી રહી છે. આ લાલચ આ દલીલો સાથે આપવામાં આવી રહી છે : (1) જી.ડી.પી.નો વૃદ્ધિદર એકદમ ઘટી ગયો છે તે ઊંચો લાવવો છે. (2) તેનાથી રોજગારી વધશે.
જરા જુઓ તો ખરા કેવી રીતે જુદાં જુદાં રાજ્યો મજૂર કાયદાનો અમલ નહીં કરવા માટે જાહેરાતો કરે છે. મજૂરોનું શોષણ કરવાની કંપનીઓને છૂટ આપવા માટે જાણે કે રાજ્યો વચ્ચે હરીફાઈ જામી છે. કૉંગ્રેસ અને ભા.જ.પ.ની રાજ્ય સરકારો મજૂર કાયદામાં કહેવાતા સુધારા કરવા માટે અને Ease of Doing Business(ધંધાકીય સરળતા)માં આગળ આવવા માટે હવે હરીફાઈ કરી રહી છે. આ હરીફાઈ કોરોના લૉક ડાઉન પછી વધે તેવી સંપૂર્ણ સંભાવના છે. રાજસ્થાનમાં હાલ કૉંગ્રેસની સરકાર છે, પણ તે ભા.જ.પ.ની સરકારે મજૂર કાયદાઓમાં 2014-15માં કરેલા ફેરફારોને જ અનુસરી રહી છે. પંજાબની કૉંગ્રેસ સરકાર પણ એ જ કરવા તરફ જતી હોવાના સમાચાર છે. તેણે જાન્યુઆરીમાં મજૂર કાયદામાં સુધારા માટેના ત્રણ વટહુકમો બહાર પડવાની તૈયારી કરી હતી. ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં તો અત્યારે ભા.જ.પ.ની સરકારો છે. મધ્ય પ્રદેશમાં હમણાં મજૂર કાયદામાં સુધારા કરાયા છે. ત્યાં ઔદ્યોગિક વિવાદ ધારાની ઘણી કલમોમાંથી કારખાનાંને એક હજાર દિવસ સુધી મુક્તિ આપવામાં આવી છે, એટલે કે પોતાની મરજી મુજબ માલિકો મજૂરોને કામે રાખી શકશે અને મજૂરો પાસે 12 કલાક કામ પણ કરાવી શકશે. રાજસ્થાન તો એક માર્ગદર્શક ઉદાહરણ બની ગયું છે અન્ય રાજ્યો માટે. કોરોના મહામારીએ રાજ્ય સરકારોને લપસવું હતું અને નિસરણી આપી છે. મજૂર કાયદામાં સુધારા ન જ થવા જોઈએ એવું નથી, પણ પ્રશ્ન એ છે કે તેથી મજૂરોનું શોષણ વધે છે કે ઘટે છે? તેમના માનવ હકો અને લોકશાહી અધિકારોનું રક્ષણ થાય છે કે નહીં? મજૂરોની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધરે છે કે ખરાબ થાય છે? 2019ના કેન્દ્ર સરકારના આર્થિક સર્વેમાં તો આ બાબતે રાજસ્થાનના સુધારાની પ્રશંસા કરવામાં આવી છે! કેટલાંક ઉદાહરણ જોઈએ :
રાજસ્થાન
વર્ષ 2014-15માં ચાર મજૂર કાયદાઓમાં સુધારા કરવામાં આવ્યા. ત્યારે ભા.જ.પ.ની સરકાર હતી. અત્યારે ત્યાં કૉંગ્રેસની સરકાર છે અને તેણે મજૂરવિરોધી કેટલા ય સુધારા યથાવત્ રાખ્યા છે. જે ચાર કાયદામાં મોટા સુધારા કરવામાં આવ્યા તે આ મુજબ છે : ઔદ્યોગિક વિવાદ ધારો-1947, કરારી મજૂર ધારો-1970, કારખાનાં ધારો-1948 અને એપ્રેન્ટિસ ધારો-1961. કેટલાક મુખ્ય સુધારા આ મુજબ છે : [a] ત્રણસો મજૂરોને નોકરીમાંથી કાઢી મૂકવા હોય તો સરકારની પરવાનગીની જરૂર નથી. પહેલાં તે સંખ્યા સો હતી. [b] કામદારે માલિક સામે ફરિયાદ કરવાની મુદ્દત હવે ત્રણ વર્ષની કરવામાં આવી છે. પહેલાં આવી કોઈ સમયમર્યાદા નહોતી. [c] કુલ કામદારોના ૩૦ ટકા હોય તો જ મજૂર મંડળ રચી શકાય. તે અગાઉ 15 ટકા હતા. [d] કારખાનાં ધારા હેઠળ માલિક સામે તો જ અદાલતમાં કેસ કરી શકાય, જો સરકાર એ માટે મંજૂરી આપે. [e] કરારી મજૂર ધારો 50 લોકોને રોજગારી આપતાં કારખાનાંને જ લાગુ પડે. અગાઉ આ સંખ્યા 20 હતી. [f] એપ્રેન્ટિસ મજૂરને લઘુતમ વેતન કરતાં ઓછું વેતન ના મળવું જોઈએ.
ગુજરાત
તા.08-05-2020ના રોજ ગુજરાતના મુખ્ય પ્રધાને ચીનમાંથી પોતાનું રોકાણ ખસેડવા માગતી વિદેશી કંપનીઓને ગુજરાતમાં નિમંત્રણ આપતાં જાહેરાત કરી કે રાજ્ય સરકાર ત્રણ સિવાયના બધા મજૂર કાયદાનો અમલ કરવામાંથી નવા ઔદ્યોગિક પ્રોજેક્ટ્સને મુક્તિ આપવા માટે એક વટહુકમ બહાર પાડશે. તેમણે કહ્યું કે જે નવો ઉદ્યોગ 1,200 દિવસ એટલે 3.29 વર્ષ માટે કામ કરે તેને આ યોજનામાં આવરી લેવાશે. ઉદ્યોગપતિએ મજૂરોને લઘુતમ વેતન આપવું પડશે, સુરક્ષાની બાબતમાં કોઈ મુક્તિ આપવામાં નહિ આવે અને અકસ્માતના કિસ્સામાં કંપનીએ વળતર તો કામદાર વળતર ધારા હેઠળ આપવું જ પડશે. ગુજરાત સરકાર આ નવા ઉદ્યોગોને સાણંદ, ધોલેરા સર અને દહેજમાં તથા GIDCની વસાહતોની ૩૩,000 હૅક્ટરની જમીનો આપશે. તેને માટે સરકાર ભાવમાં સબસિડી આપશે.
ઉત્તર પ્રદેશ
મજૂરોનાં હિતોના રક્ષણ માટે કુલ 38 કાયદા છે અને તેમાંથી માત્ર ત્રણ સિવાયના તમામ કાયદાનું પાલન ત્રણ વર્ષ માટે બંધ કરી દેતો એક વટહુકમ એક સપ્તાહ અગાઉ જ બહાર પાડવામાં આવ્યો છે. મકાન અને અન્ય બાંધકામ મજૂર ધારો-1996, કામદાર વળતર ધારો-1923 અને વેઠ મજૂરી પ્રતિબંધ ધારો-1976 એમ ત્રણ જ કાયદાનો અમલ ચાલુ રાખવામાં આવ્યો છે. ઉપરાંત, વેતનચૂકવણી ધારાની કલમ-5નો અમલ ચાલુ રાખવામાં આવ્યો છે કે જેમાં સમયસર વેતન આપવાની જોગવાઈ છે. આ સિવાય બધા 35 કાયદાના અમલની વિકાસ કરવા માટે કોઈ જરૂર નથી એમ માની લેવામાં આવ્યું છે. આ વટહુકમ કારખાનાં, દુકાનો, ધંધાઓ અને ઉદ્યોગો એમ બધાને લાગુ પડે છે. ઉત્તર પ્રદેશમાં તો લઘુતમ વેતન ધારા-1948નું પાલન પણ નહિ થાય.
ઉદ્યોગ મંડળોની રજૂઆતો
દેશનાં CII, ફડકી, એસોચેમ અને FICCI જેવાં ઉદ્યોગ મંડળોએ પણ ભારત સરકારને એવી સત્તાવાર રજૂઆતો કરી છે કે માલિકોને મજૂરોનું શોષણ કરવા દો. તેમની રજૂઆતોના મુખ્ય મુદ્દા આ મુજબ છે :
(1) મજૂરો પાસેથી રોજના આઠ કલાકને બદલે બાર કલાક કામ લેવામાં આવે.
(2) કોરોના લૉક ડાઉનના સમયગાળાને છટણીનો સમયગાળો ગણવો અને તે માટે ઔદ્યોગિક વિવાદ ધારામાં સુધારો કરવો.
(3) સરકારનું કહ્યું માનીને જેમણે લૉક ડાઉનના સમય માટે મજૂરોને વેતન આપ્યું છે એ તેમના તે ખર્ચને CSRના ખર્ચનો ભાગ ગણવો.
(4) જે મજૂરો કામ પર પાછા ના આવે તેમની સામે ઔદ્યોગિક વિવાદ ધારા અને ઔદ્યોગિક રોજગાર સ્થાયી હુકમ ધારા અનુસાર પગલાં લેવાં.
ઉપરોક્ત તમામ મુદ્દાનો અર્થ કંઈક આવો જ થાય :
(1) મજૂરોને પરિવાર નથી એમ સમજી લેવામાં આવ્યું છે. તેમને સામાજિક આરામ અને આનંદ-પ્રમોદનો સમય ના મળવો જોઈએ? સરકારી કર્મચારીઓ તો અઠવાડિયામાં બે દિવસ રજા ભોગવે છે અને તેમના કામના કલાકો આઠ જ છે, તો પછી ઔદ્યોગિક મજૂરોને શા માટે બાર કલાક કામ કરવાનું?
(2) 24 કલાકમાંથી આઠ જ કલાક કમાણી માટે હોવા જોઈએ, એ એક આંતરરષ્ટ્રીય ધોરણ છે. આંતરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO) દ્વારા દાયકાઓ અગાઉ તે સ્વીકારવામાં આવ્યું છે. ILOની સ્થાપના 1919માં થઈ તે પછી પહેલો ઠરાવ આઠ કલાકના કામ માટે જ થયો હતો. ભારત સરકારે આ ઠરાવને માન્યતા પણ આપેલી છે. 1948ના કારખાનાં ધારાની કલમ-51 એમ જણાવે છે કે કોઈ મજૂર દિવસમાં આઠ કલાકથી વધુ એટલે કે અઠવાડિયાના 48 કલાકથી વધુ અને એક દિવસમાં નવ કલાકથી વધુ કામ નહીં કરે. હવે તે ધોરણ બાજુ પર મૂકવામાં આવી રહ્યું છે.
(3) જો CSR હેઠળ મજૂરોનો પગાર ગણી લેવામાં આવે તો કંપનીઓ CSR હેઠળ જે રકમ સામાજિક કલ્યાણ માટે ખર્ચતી હતી, તે રકમ તેમણે ખર્ચવાની રહે જ નહિ. આમ, તેઓ તેમની સામાજિક જવાબદારીમાંથી છટકવા માગે છે.
(4) જો લૉક ડાઉનના સમયને છટણી ગણવામાં આવે તો પછી મજૂરોને એટલા સમયગાળા માટે 50 ટકા જ વેતન આપવાનું થાય.
(5) મજૂરોએ કામ કરવું કે ન કરવું તેની પણ સ્વતંત્રતા નહિ? ભારતના બંધારણની કલમ-19 એમ કહે છે કે દરેક નાગરિકને તે ઈચ્છે તે કામધંધો કે વ્યવસાય કરવાનો અધિકાર છે. હવે જ્યારે એવી માગણી કરવામાં આવી રહી છે કે જે મજૂરો કામ પર પાછા ના આવે તેમની સામે પગલાં લેવાં, ત્યારે તેનો અર્થ એ થાય છે કે તેમને ઉદ્યોગોમાં કામ કરવું કે નહીં તેની પણ સ્વતંત્રતા રહેશે નહિ! આ તો રીતસરની ગુલામી જ થઈ. શ્રમ બજારમાં સુધારાને નામે હવે આપણે શું ગુલામી તરફ ધસી રહ્યા છીએ?
કોરોના મહામારીને કારણે અસાધારણ પરિસ્થિતિ સર્જાઈ છે તેથી ઉદ્યોગોને શરૂ કરવા, ટકાવવા અને વિકસાવવા માટે અસાધારણ પગલાંની ઉદ્યોગ મંડળો માગણી કરે છે. આ માગણીઓનો સ્પષ્ટ અર્થ એ છે કે તેમને મજૂરોનું શોષણ કરવા માટે મંજૂરી આપવામાં આવે. તો જ તેઓ દેશનો વિકાસ કરી શકશે અને જી.ડી.પી. વધારી શકશે. વિકાસ મજૂરોનો પણ થવો જોઈએ એ વાત સ્વીકારવા માટે સરકારો કે ઉદ્યોગ મંડળો તૈયાર નથી. અત્યાર સુધીમાં મજૂરોનો કેવો વિકાસ થયો છે તેનો અંદાજ તો સ્થળાંતરિત મજૂરોની હાલની સ્થિતિથી જોઈ શકાય તેમ છે. કોરોના મહામારીને નામે મજૂરોના અધિકારોનું હનન થઈ રહ્યું છે. મજૂરોને તો જીવવું છે, શ્વાસ ટકાવવા છે એટલે તે કામ પર આવશે જ. પણ તેનો અર્થ એવો કરવામાં આવશે કે કામદારોને તો આ બધું ગમે જ છે. “જુઓ ક્યાં કોઈ વિરોધ કરે છે?” એમ પણ પછી કહેવામાં આવશે. કેન્દ્ર સરકાર પણ રાજ્ય સરકારોના આ મજૂર કાયદાના સુધારાને ટેકો આપે છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષે આ કહેવાતા સુધારાને ટેકો આપ્યો છે.
ખરેખર તો આ સુધારાથી શ્રમ બજારમાં ભારે અંધાધૂંધી ફેલાશે અને મજૂરોની કફોડી હાલત થશે. આ સુધારા નથી, પણ કુધારા છે. અન્ય મજૂર સંગઠનોની સાથે સાથે આર.એસ.એસ.ના મજૂર સંગઠન ‘ભારતીય મજદૂર સંઘ’(BMS)ના પ્રમુખ સાજી નારાયણને પણ આ સુધારાનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું છે કે આ સુધારાથી “જંગલરાજ” ઊભું થશે. ભા.જ.પ.ની મોદી સરકાર ઇન્ટુક, આઇટુક કે સીટુ જેવાં મજૂર સંગઠનોનું ના માને એ તો સંભવ છે જ, પણ આર.એસ.એસ.ના BMSનું પણ નહીં સાંભળે? મોદી સરકાર કોઈનું સાંભળવા માટેનો સ્વભાવ ધરાવતી નથી. જો BMSના નેતાઓ મોદી સરકારની મજૂરવિરોધી નીતિઓનો બહુ જ વિરોધ કરશે તો પછી તેમણે હોદ્દા ગુમાવવા પડશે એ નક્કી છે.
રાજસ્થાનમાં મજૂર કાયદામાં ફેરફાર પછી શું થયું તે જાણવા જેવું છે. ગયા વર્ષનો આંકડો એમ કહે છે કે આ સુધારા અગાઉ રાજ્યમાં 100થી વધુ કામદારો ધરાવતાં કારખાનાંની સંખ્યા 3.65 ટકા હતી અને તે હવે 9.૩૩ ટકા થઈ છે. દેશમાં તે પ્રમાણ 4.56 ટકાથી વધીને 5.52 ટકા થયું છે. આમ, કંપનીઓ મોટી થઈ રહી છે. પરંતુ આ સુધારાને પરિણામે મોટી કંપનીઓમાં પણ કરારી મજૂરો વધી ગયા, 2014-15માં તે 39.1 ટકા હતા અને 2016-17માં તે 42.5 ટકા થઈ ગયા. એટલે નોકરીની અસલામતી વધી. વળી, ત્યાં બેકારી વધી. સમગ્ર ભારતમાં જુલાઈ-2019માં બેકારીનો દર 7.25 ટકા હતો અને રાજસ્થાનમાં તે 10.2 ટકા હતો એમ CMIE કહે છે. ઉપરાંત, મજૂરને મળતા વેતનમાં વધારો થવાની ગતિ ધીમી પડી. 2011-14 દરમ્યાન વેતનમાં 16.56 ટકાનો સરેરાશ વધારો થયો હતો અને 2014-17 દરમ્યાન તે વધારો 7.૦૩ ટકાનો જ થયો. આમ, રાજસ્થાનમાં બેકારી વધી અને મજૂરોને મળતું વળતર ઓછું વધ્યું.
રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર એમ સમજે છે કે મજૂર કાયદાનો અમલ જ ના કરવાથી મૂડીરોકાણ આકર્ષી શકાશે. આમ જુઓ તો મૂડીરોકાણ કંઈ રાતોરાત આવી જતું નથી. પણ આ પ્રકારની છૂટછાટોથી વિદેશી કંપનીઓ રોકાણ કરવા આવી શકે તે વાત સાચી. અને દેશની કંપનીઓને અને ઉદ્યોગપતિઓને વધુ મૂડીરોકાણ કરવા માટે પ્રોત્સાહન મળે તે વાત પણ સાચી. સવાલ એ છે કે શું માત્ર મૂડીરોકાણ, જી.ડી.પી.માં વધારો અને રોજગારી જ મહત્ત્વનાં છે કે મજૂરોની જિંદગી પણ મહત્ત્વની છે? કાર્લ માર્ક્સ ફરી યાદ આવે છે. તેમણે કહેલું કે, “મૂડી એ મરી ગયેલો શ્રમ છે કે જે રક્તપિપાસુ ભૂતની જેમ મજૂરોનું લોહી ચૂસીને જ જીવે છે, અને તે જેમ વધારે જીવે છે તેમ તે મજૂરોનું વધુ લોહી ચૂસે છે.” ભારતમાં અત્યારે કોરોના લૉક ડાઉન પછી અર્થતંત્રને બેઠું કરવાને નામે આ ખૂની ધંધો ચાલી રહ્યો છે.
e.mail :hema_nt58@yahoo.in
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 10 મે 2020
 

