
રમેશ ઓઝા
જેના નામે ઘરઆંગણે રાષ્ટ્રદ્રોહનું રાજકારણ કરીને પોતાનું જ નાક કપાવ્યું એ યુ.એસ.એઈડ ૧૯૬૧ની સાલથી આપવામાં આવે છે. અમેરિકા જગતનો માત્ર સૌથી શક્તિશાળી દેશ નથી, વડીલ સમાન આદરપાત્ર દેશ છે એમ અમેરિકનો માનતા હતા અને એ મુજબ વર્તતા હતા. તેમણે અલગ અલગ ગજ વાપરીને જગતને બે ભાગમાં વહેંચ્યું હતું. એક ખુલ્લો સમાજ જ્યાં લોકશાહી છે, નાગરિકોને અધિકાર આપવામાં આવ્યા છે, એ અધિકારોને બંધારણ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યા છે, જવાબદાર શાસન છે અને બીજો બંધિયાર સમાજ જ્યાં તાનાશાહી છે, નિયંત્રણો છે અને નાગરિક શ્વાસ લેતા પણ ડરે છે. વિશ્વપ્રજાને બંધિયારપણાથી મુક્ત કરવાનો તેણે પોતાનો ધર્મ સમજ્યો હતો. તેમણે જગતને વિકસિત અને અવિકસિત અથવા વિકાસશીલ એમ બે ભાગમાં વહેંચ્યું હતું અને જેનો વિકાસ નથી થયો તેનો વિકાસ કરવાનો અથવા વિકાસની પ્રક્રિયામાં મદદરૂપ થવાનો પોતાનો ધર્મ સમજ્યો હતો. તેમણે જગતને પર્યાવરણીય અને પર્યાવરણદૂષિત એમ બે ભાગમાં વહેંચ્યું હતું અને જ્યાં પર્યાવરણના ગંભીર પ્રશ્નો છે ત્યાં પર્યાવરણ સુધારવા માટેની વિશેષ જવાબદારી સ્વીકારી હતી. તેઓ એ વાતનો પણ સ્વીકાર કરતા હતા કે તેનો વિકાસ ગરીબ દેશોના પર્યાવરણકીય શોષણ દ્વારા થયો છે એટલે તેને સુધારવાની તેમની વિશેષ જવાબદારી બને છે.
આ એક પ્રકારની વૈશ્વિક સ્તરની મહાજન સંસ્કૃતિ હતી. ભારતમાં એક સમયે મહાજન વર્ગ ગામનાં કલ્યાણની જવાબદારી સ્વેચ્છાએ ઉઠાવતો હતો. એટલે તો એ મહા+જન તરીકે ઓળખાતા હતા. આખી વીસમી સદીમાં અમેરિકા અને યુરોપના દેશો વિશ્વના મહાજન હતા. महाजनो येन गत: स पन्थाः એમ મહાભારતમાં કહ્યું છે. વચલી જ્ઞાતિઓ અને મધ્યમવર્ગની માફક ઉપર બતાવ્યા એવા વિભાજીત જગતમાં વિકાસશીલ લોકતાંત્રિક દેશો અમેરિકા અને યુરોપના મહાજનોનું અનુકરણ કરતા હતા. આમાં ભારત સૌથી મોખરે અને સૌથી પ્રતિષ્ઠિત દેશ હતો. ભારત પણ પોતાને મહાજન સમજતું હતું અને એટલે તો વાઘાની સરહદ ઓળંગીને પાકિસ્તાનથી ભારતમાં પ્રવેશનારને અહેસાસ કરાવવામાં આવતો હતો કે તમે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં પ્રવેશી રહ્યા છે. યુ.એસ.એઇડ આપીને અમેરિકા વિકાસશીલ ભારતનો હાથ ઝાલતું હતું, ભારત હાથ પકડતું પણ હતું, પરંતુ એ સાથે વાઘા સરહદે પાકિસ્તાનીને ટોણો મારવાનું નહોતું ચૂકતું. અમારે ત્યાં લોકશાહી છે. અમારો સમાજ બંધિયાર નથી.
ટૂંકમાં અમેરિકા અને પશ્ચિમ યુરોપના દેશો મહાજન દેશો હતા. ચીન અને રશિયા અને બીજા સામ્યવાદી દેશોનો નઠારા દેશોમાં સમાવેશ થતો હતો. મુસ્લિમ દેશોનો પછાત દેશોમાં સમાવેશ થતો હતો અને જગતના બીજા કેટલાક દેશોનો આર્થિક અને સાંસ્કૃતિક રીતે કંગાળ દેશોમાં સમાવેશ થતો હતો. ભારતનું સ્થાન આમાં વચ્ચે હતું. ભારત પોતાને મહાજન સમજતું હતું, પરંતુ મહાજનો હજુ થોડી વાર છે એમ કહીને તેને નજીક છતાં ય બહાર રાખતા હતા.
અંગ્રેજીમાં કહીએ તો એ હેન્ડ હોલ્ડીંગનો યુગ હતો. પણ એનો અર્થ એવો નહોતો કે તેમાં સંપૂર્ણ ઈમાનદારી હતી. અમેરિકાએ કથની અને કરણીમાં જે વિરોધાભાસ બતાવ્યો છે તેની લાંબી ગાથા છે. યુરોપના દેશોએ કેટલાક દેશોને ગુલામ બનાવીને તેનું શોષણ કર્યું હતું. એમ છતાં ય જ્યારે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે ગુલામ દેશોમાં કેટલાક લોકોએ આગ્રહ કર્યો હતો કે આપણે લોકશાહી દેશોને મદદ કરવી જોઈએ. તેમણે એ યુદ્ધને લોકશાહી દેશો અને ફાસીવાદી દેશો વચ્ચેનાં યુદ્ધ તરીકે ઓળખાવ્યું હતું. કપડાં ફગાવી દીધેલા બેશરમ નાગા કરતાં સભ્યતાની મર્યાદામાં રહીને ઢોંગ કરતો ઢોંગી સારો. અને ઢોંગી તો આપણે ત્યાં મહાજનો પણ ક્યાં ઓછા હતા!
પણ હવે?
હવે અમેરિકા કહે છે કે ‘ગર્વ સે કહો હમ નંગે હૈ’ સભ્યતા, ઉદારતા, મર્યાદાનો શું અમે ઠેકો લીધો છે? નઠારું ચીન નઠારાપણા દ્વારા આગળ નીકળી ગયું અને આપણે માણસાઈ બતાવવામાં પાછળ રહી ગયા. ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો વાળો ધંધો નહીં જોઈએ. આમ પણ જગતમાં નીચતાપર્વ બેઠું છે. એક પછી એક દેશના શાસકો મૂલ્યો અને માણસાઈ છોડી રહ્યા છે. રાષ્ટ્રવાદ, દેશપ્રેમ અને દેશહિતના નામે નર્યો સ્વાર્થ, એ પણ તાત્કાલિક સ્વાર્થ, દાદાગીરી, રંજાડ વગેરે અવગુણો ગર્વ સાથે અપનાવવામાં આવી રહ્યા છે. આ જોઇને અમેરિકનોને પણ લાગ્યું કે ખૂંટિયાયુગમાં આપણો પણ એક ખૂંટ હોવો જોઈએ, જે છીંકોટા મારે, શિંગડાં મારે અને લાત પણ મારે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાને નથી બદલી રહ્યા, અમેરિકનો અમેરિકાને બદલી રહ્યા છે જેમ ભારતીયો ભારતને બદલી રહ્યા છે. શાસકો તો લાભાર્થી છે. નીચતા રાષ્ટ્રવાદનો વરખ ચડાવીને પ્રસરી રહી છે.
આ રાષ્ટ્રવાદ પણ એવો રાષ્ટ્રવાદ છે જે આખા રાષ્ટ્રની દરેક પ્રજાને બાથમાં નથી લેતો, પણ માત્ર બહુમતી પ્રજાને બાથમાં લે છે. પોતાનાં દેશનાં વતનીઓ હોવા છતાં કેટલાકને બાકાત રાખવા માગે છે. જો આવતીકાલે સીધો-સામાન ઓછો પડશે અથવા સ્વાર્થવૃત્તિ હજુ વધુ વિકૃત બનશે તો બહુમતી સમાજના માથાભારે લોકો પોતાનાંમાંથી જ નબળાઓને વંચિત રાખશે. દુર્બળતા રાષ્ટ્રધર્મમાં બાધારૂપ છે એટલે દુર્બળને તેનાં નસીબ પર છોડી દેવો જોઈએ એવી પણ એક થીયરી છે. રાષ્ટ્રવાદ એક બીમારી છે, એવી બીમારી જે શરીરના પસંદ કરેલા અંગને પોષણથી વંચિત રાખે છે. કોઈને વંચિત રાખવા માટે ધર્મ, સંપ્રદાય, પેટા-સંપ્રદાય, ભાષા, જ્ઞાતિ વગેરે હાથવગાં છે. લેબલ લગાડો, અનુકૂળ ઇતિહાસ ઘડો, દોષી ઠેરવો અને લાત મારો. અંગો પણ શરીરનો જ હિસ્સો છે એ રાષ્ટ્રવાદ નથી સમજતો.
અમેરિકાએ બેશરમ બનીને સત્તાવારપણે નઠારાપણું અપનાવી લીધું છે એ જોઇને કેનેડા, ઓસ્ટ્રેલિયા અને પશ્ચિમ યુરોપના મહાજનો ડઘાઈ ગયા છે. આ બધા દેશોની મહાજની મુખ્યત્વે અમેરિકા પર નિર્ભર હતી. આમાં સૌથી મોટું સંકટ ભારત સામે પેદા થયું છે. વિદેશી રોકાણકારો ભારત છોડીને ચીનમાં રોકાણ કરી રહ્યા છે. શેરબજારમાં ભુક્કા બોલી રહ્યા છે. કારણ? કારણ બહુ સ્પષ્ટ છે : તમે હજુ સુધી મહાજનો(મુખ્યત્વે અમેરિકા)ના હેન્ડ-હોલ્ડીંગથી મુક્ત નથી થયા અને જો મહાજન હાથ છોડી દે તો તમારું ભવિષ્ય શું? બીજું સભ્યતાની બાબતે તમે દહીંદૂધમાં પગ રાખો છો. જગત સભ્ય અને અસભ્યમાં વહેંચાઇ રહ્યું છે ત્યારે ભારત પોતાનું સ્થાન નક્કી કરી શકતું નથી.
ચીન અને ભારતે લગભગ સાથે યાત્રા શરૂ કરી હતી. ચીન ત્યારે ભારત કરતાં ઘણું પાછળ હતું. પણ આજે ચીન કોઈ હાથ પકડે એનું મોહતાજ નથી. ભારત એ કરી શક્યું નથી અને હવે અચાનક નવા શરૂ થયેલા નીચતાના યુગમાં સપડાઈ ગયું છે. ભારત અવસર ચૂકી ગયેલો દેશ છે અને હવે તો જમીન પરની વાસ્તવિકતા બદલાઈ રહી છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 09 માર્ચ 2025