Opinion Magazine
Number of visits: 9448929
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મફત વીજળીથી વોટ પેદા કરવાનો કસબ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|16 September 2021

દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે પંજાબ, ગોવા અને ઉત્તરા ખંડના મતદારોને આગામી વિધાનસભા ચૂંટણીમાં જો તેમનો પક્ષ વિજયી થશે, તો ૩૦૦ યુનિટ સુધી ઘરવપરાશની વીજળી મફત આપવાનું વચન આપ્યું છે. દિલ્હીમાં કેજરીવાલ સરકાર વીજળી અને પાણી મફત આપી રહી છે. હવે ૨૦૨૨માં જ્યાં વિધાનસભાની ચૂંટણીઓ છે, તે રાજ્યોમાં તેમણે મફત વીજળીનો રાગ આલાપ્યો છે. ઉત્તરા ખંડની ભા.જ.પા. સરકારના ઊર્જા મંત્રીએ સામી ચૂંટણીએ ૧૦૦ યુનિટ મફત વીજળીની જાહેરાત કરી છે, પણ એમના પક્ષના ગોવાના વીજળી મંત્રીએ મફત વીજળીની માંગને અશક્યવત્‌ ગણી નકારી દીધી છે. પંજાબમાં હાલમાં ખેડૂતોનું સિંચાઈ માટે સંપૂર્ણ અને ઘરવપરાશનું ૧૦૦ યુનિટ સુધીનું વીજળીબિલ માફ કરી દેવામાં આવે છે, પરંતુ કેજરીવાલે ૩૦૦ યુનિટનું વચન આપતાં પંજાબની કૉન્ગ્રેસી સરકાર મૂંઝવણમાં છે. મતદારોને મફત વીજળી આપીને વોટ પેદા કરવાનો કસબ સમયાંતરે લગભગ બધા જ રાજકીય પક્ષો અપનાવતા હોય છે.

મતદારોને માત્ર મફત વીજળી-પાણીનાં જ નહીં જાતભાતની ચીજો મફત આપવાનાં પ્રલોભનો અપાય છે. સાડી, ધોતી, ચોખા, જનતાખાણું, મંગળસૂત્ર, સાઇકલ, સ્કૂટી, ટેલિવિઝન, ટેબલેટ, મોબાઇલ, પ્રેશરકૂકર, ઘર અને ઇન્ટરનેટ મફત કે સસ્તા દરે આપવામાં આવે છે કે તેનાં વચનો આપવામાં આવે છે. ખેડૂતોની દેવામાફી, કિસાન સન્માનનિધિ, બેરોજગારીભથ્થું, ગૃહિણી સન્માનનિધિ, નિઃશુલ્ક કન્યાશિક્ષણ અને રોજિંદા કે ધાર્મિક તીર્થસ્થાનોના મફત બસપ્રવાસોની યોજનાઓ ચૂંટણીઢંઢેરાનો ભાગ બન્યાં છે. મફત વીજળી પર કંઈ અરવિંદ કેજરીવાલનો ઇજારો નથી. છેક ૧૯૯૭માં પંજાબના ખેડૂતોને મફત વીજળી અકાલી દળની પ્રકાશસિંઘ બાદલ સરકારે આપવી શરૂ કરી હતી. ૨૦૦૬માં તમિલનાડુએ મફત ચીજવસ્તુઓનો આરંભ કર્યો તે પછી તો બધાં રાજ્યોમાં તેની હોડ મચી છે.

મતદારોને મફત આપી રીઝવવાનાં પગલાં અર્થવ્યવસ્થા માટે ખોટનો ધંધો છે. ગુજરાતમાં ૧૯૯૫માં પહેલી વાર ભારતીય જનતા પક્ષ સત્તામાં આવ્યો, ત્યારે તેણે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસોનાં ભાડાં અડધાં કરવાનું વચન આપ્યું હતું. કેશુભાઈ પટેલ મુખ્ય મંત્રી તરીકે વરાયા ત્યારે, “એસ.ટી.નાં ભાડાં અડધાં કરો છો, તો તેનાં નાણાં ક્યાંથી આવશે ?” એવા પત્રકારના સવાલનો કેશુભાઈનો જવાબમાં હતો કે, “તારા બાપના તબેલામાંથી”. આજે ૨૦૨૧માં આ સવાલનો જવાબ આપતાં દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલ કહે છે કે ગુજરાતના મુખ્ય મંત્રીએ પોતાના માટે રૂ. ૧૯૧ કરોડનું હેલિકૉપ્ટર ખરીદ્યું છે અને હું તે નાણાં દિલ્હીના નાગરિકોને મફત વીજળી આપવા માટે વાપરું છું.”

મફત વીજળીનાં રાજ્યો પરના આર્થિક બોજ અંગે રાજકીય પક્ષો સાવ જ બેફિકર હોય છે. દેશમાં સૌથી વધુ માથા દીઠ આવક ધરાવતી રાજધાની દિલ્હીની પચાસ ટકા વસ્તીએ ગયા વરસે મફતમાં વીજળી મેળવી હતી. દિલ્હી સરકારે તેના ચાલુ વરસના બજેટમાં રૂ. ૨૮૨૦ કરોડની વીજ સબસીડીની જોગવાઈ કરી છે. તેને કારણે રાજ્યની રાજકોષીય ખાધ રૂ. ૧૦,૬૬૫ કરોડની થઈ છે. પંજાબની કૉન્ગ્રેસી સરકારને હાલના નાણાકીય વરસમાં રૂ. ૧૭,૭૯૬ કરોડની સબસિડી ચુકવવાની છે. ઉત્તરા ખંડ સરકાર જો ૧૦૦ યુનિટ વીજળી મફત આપે તો તેના પર રૂ. ૩૩૬ કરોડનો બોજ આવશે. પરંતુ રાજકારણીઓને રાજ્યના આર્થિક બોજની કોઈ ચિંતા હોતી નથી.

‘ક્રાઇસિલ’(રિસર્ચ રેટિંગ એજન્સી) અનુસાર વર્ષ ૨૦૨૦-૨૧ સુધીમાં દેશની વીજકંપનીઓ પર રૂ. ૪.૫ લાખ કરોડનું દેવું છે. મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યૂશન કંપની ૨૦૨૦ સુધીમાં રૂ. ૩૮ હજાર કરોડનાં દેવાંમાં ડૂબેલી છે. આ જ મહારાષ્ટ્રમાં રૂ. ૩૩,૦૦૦ કરોડ વીજબિલોના લ્હેણાં નીકળે છે. ઉત્તરા ખંડ પાવર કૉર્પોરેશનની ખોટ રૂ.૫,૦૦૦ કરોડ છે. કેન્દ્ર સરકારે વીજળી સેક્ટરને સંકટમાંથી ઉગારવા છેલ્લા બે દાયકામાં ત્રણ બેલઆઉટ પૅકેજ આપ્યાં છે. વર્ષ ૨૦૦૦માં રૂ.૪૦,૦૦૦ કરોડ, ૨૦૧૨માં ૧.૯ લાખ કરોડ અને ૨૦૧૫માં ઉદય યોજના દ્વારા કંપનીના દેવાને રાજ્યના બોન્ડમાં તબદિલ કરવાની મદદ કરી છે. છતાં વીજ કંપનીઓનું સંકટ ટળતું નથી.

મફત વીજળીની લ્હાણી કરી મતોની ફસલ લણવાના રાજકારણીઓના ઇરાદા સફળ થાય છે કે કેમ તેનો જવાબ હંમેશાં હકારાત્મક હોતો નથી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મફત વીજળી-પાણીનું વચન મબલખ મતો અપાવી શક્યું છે. મમતા બેનરજીએ તાજેતરની વિધાનસભા ચૂંટણીના ત્રણ માસ પૂર્વે જ ૭૫ યુનિટ મફત વીજળી આપી હતી અને તેનો ફાયદો મેળવ્યો છે. ૧૯૯૭માં પંજાબમાં અકાલી દળની સરકારે મફત વીજળી આપી. પરંતુ ૧૯૯૮ની લોકસભા ચૂંટણીમાં તેને એકેય બેઠક ન મળી અને ૨૦૦૨ની વિધાનસભા ચૂંટણી પણ હારી ગઈ. જો કે જે રાજ્યોમાં મફત વીજળી આપવામાં આવે છે, તેની અસર એટલી બધી હોય છે કે કોઈ પક્ષમાં તે બંધ કરવાની હિંમત હોતી નથી. હરિયાણા ધારાસભાની ૨૦૦૫ની ચૂંટણીમાં ઓમપ્રકાશ ચૌટાલાના પરાજયનું કારણ મફત વીજળીનું વચન ન પાળવાનું મનાય છે. દિલ્હી બી.જે.પી.ને  કેજરીવાલ સરકારના મફત વીજળી-પાણીના વચનને ચાલુ રાખવાનું વચન આપવું પડે છે. કૉન્ગ્રેસને ચૂંટણી જીતવા અસમમાં મફત વીજળીનાં અને ગુજરાતમાં વીજળીના બિલો અડધાં કરવાનું વચન આપવું જ પડ્યું હતું ને ? તેલંગણા સરકારે ખેડૂતોને હવે ચોવીસ કલાક મફત વીજળીની યોજના શરૂ કરી છે. મહારાષ્ટ્ર સરકારે ગયા વરસે ૧૦૦ યુનિટ ઘરેલુ વીજળી મફત આપવાની જાહેરાત કરી હતી, પણ અમલ કર્યો નથી.

વીજળી સહિતની ચીજવસ્તુઓ મફતમાં આપવાથી સર્જાતો ભ્રષ્ટાચાર પણ મોટો પ્રશ્ન છે. કિસાન સન્માનનિધિનાં નાણાં સીધાં ખેડૂતોના બૅન્કખાતામાં જમા થતાં હોવા છતાં રૂ. ૩૨૦૦ કરોડ યોજના માટે લાયક ના હોય તેવા ખેડૂતોનાં ખાતાંમાં જમા થયાં છે. આપણાં મોટા ભાગનાં રાજ્યો વીજળીની અછત ભોગવી રહ્યાં છે. ખાનગી વીજ કંપનીઓ પાસેથી રાજ્યો મોંઘા ભાવે વીજળી ખરીદે છે અને લોકોને મફતમાં આપે છે. આ વિષચક્રને નાથવાની જરૂર છે. ખાનગી કંપનીઓ સાથેનો વીજ ખરીદકરાર (પાવર પરચેઝ ઍગ્રીમેન્ટ કે પી.પી.એ.) ભ્રષ્ટાચારની જડ છે. જો તેમાં ફેરફાર થાય, તો લોકોને પરવડે તેવા ભાવે વીજળી મળી શકે છે. હાલમાં મફત વીજળીનો બોજો બાકીના ૪૦ ટકા ગ્રાહકો પાસેથી જુદા-જુદા કર દ્વારા મેળવવામાં આવે છે, તેને કારણે પણ અસંતોષ રહે છે.

મફત વીજળીથી વીજવપરાશમાં ઘટાડો થયો છે કે નહીં, લોકો અમુક યુનિટ સુધી મફત મળે છે, તો વપરાશ બેવડો કરી વ્યર્થનો વીજવપરાશ કરે છે કે કેમ તેનો કોઈ અભ્યાસ કે તપાસ થતાં નથી. ગરીબો કે જરૂરિયાતમંદોને બદલે કોઈ પણ પ્રકારના આર્થિક માપદંડ સિવાય રાંધણગૅસના સિલિન્ડરમાં સબસિડી આપવામાં આવે છે. તમામ વયસ્ક નાગરિકોને રેલવે- ટિકિટમાં રાહત આપવામાં આવે છે. આ બંને બાબતોમાં વડા પ્રધાને લોકોને સ્વૈચ્છિક રીતે ત્યાગ કરવા અપીલ કરતાં તેનો થોડો અમલ પણ થયો છે. તેમ મફત વીજળી આપવામાં માત્ર વીજવપરાશના યુનિટનો માપદંડ યોગ્ય નથી.

દેશમાં ચાર કરોડ પરિવારો આજે પણ વીજવિહોણા છે અને અંધારામાં જીવે છે. સરકારની હરઘર વીજળીની યોજનામાં તેમને રૂ. ૫૦૦માં એક સોલાર બલ્બ અને એક પંખા સાથેનું વીજળીનું કનેકશન મળે છે પરંતુ વીજળીનું બિલ તેણે ભરવું પડે છે. ખરેખર આ અંધકારમાં જીવતા લોકોને મફત વીજળીની જરૂર છે કે રાજધાનીના સુખી-સંપન્ન વીજગ્રાહકોને તે સવાલ થવો જોઈએ. ગરીબો,  ખેડૂતો, દવાખાનાં અને શાળાઓને મફત વીજળીમાં પ્રાયોરિટી મળવી જોઈએ. વીજતાર ખુલ્લા હોવાથી દેશમાં રોજ વીજળીનો કરન્ટ લાગવાથી ૩૦ લોકોનાં મોત થાય છે. ખુલ્લા વીજવાયરોને કારણે વીજલૉસ અને ચોરી થાય છે. વરસાદ, વાવાઝોડાંના સમયે વીજપ્રવાહ બંધ થઈ જાય છે. પણ વીજતારના ભૂગર્ભીકરણને જરા ય મહત્ત્વ આપવામાં આવતું નથી. લગભગ ૧૨ કરોડ બાળકો કોરોનાકાળમાં શાળાઓ બંધ હોવાથી મધ્યાહ્‌ન ભોજનથી વંચિત છે. કરોડો બાળકો પાસે ઑનલાઇન શિક્ષણ માટે સ્માર્ટફોન નથી. ગરીબી-વંચિતતાને પ્રાથમિકતા આપવાને બદલે મફત વીજળીના લોકરંજની પગલાં આપણા લોકતંત્રની બલિહારી છે.

ચૂંટણી-વૈતરણી તરી જવા મતદારોને અપાતાં આર્થિક પ્રલોભનો રાજકીય પક્ષોનું ભ્રષ્ટ આચરણ જ છે. જુલાઈ, ૨૦૧૩માં સર્વોચ્ચ અદાલતે લોકપ્રતિનિધિત્વ વધારાની કલમ ૧૨૩માં સુધારો કરી મફત લ્હાણીને ભ્રષ્ટ આચરણ ગણવા સૂચન કર્યું હતું, પરંતુ સરકારે તેનો અમલ કર્યો નથી. ચૂંટણીપંચે આદર્શ આચારસંહિતામાં આ બાબત સમાવી છે પરંતુ તેનો અમલ કરાવાતો નથી. તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી વખતે મદ્રાસ હાઈકોર્ટે મફત આપવાની ચીજોના આર્થિક બોજનો ૧૦ ટકા હિસ્સો સત્તાધારી રાજકીય પક્ષ વહન કરે, તેમ જણાવ્યું હતું.

ઉત્તરાખંડમાં કેજરીવાલની જાહેરાતના અઠવાડિયામાં જ દોઢ લાખ લોકોએ મફત વીજળી માટે ‘આપ’નું ફ્રી વીજળી ગૅરન્ટીકાર્ડ મેળવી લીધું છે. મતદારોને મફતમાં કંઈક આપવાના રાજકીય પક્ષોનાં વચનો સમાજના બધા વર્ગોને આકર્ષે છે પણ તે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીપ્રક્રિયાને દૂષિત કરે છે. તમામ રાજકીય પક્ષો આ બાબતમાં ખરડાયેલા હોઈ તેને  અટકાવતા નથી.

E-mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2021; પૃ. 15 તેમ જ 13

Loading

16 September 2021 admin
← No, Thank You
અપેક્ષા એટલી જ છે કે મંત્રીમંડળ ‘મંતરી’મંડળ ન બને … →

Search by

Opinion

  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved