મધ્યમ વર્ગનાં બેવડા ધોરણ લૉક ડાઉનમાં પણ ઊડીને આંખે વળગે છે.
સોશિયલ મીડિયામાં કૂદી કૂદીને વડાપ્રધાનના લૉક ડાઉનનો બચાવ કરનારા, તેમના ઘણા મધ્યમ વર્ગીય પ્રેમીઓ, પોતાની સોસાઇટીમાં અમલી લૉક ડાઉનનો એવો જ વિરોધ કરતા જોવા મળે છે. બહારથી આવનાર કોઈ પણ સર્વિસ પ્રોવાઇડરને રોકવામાં આવે ત્યારે તેની સામે કકળાટ મચાવતાં તેમને જરા ય ખચકાટ થતો નથી. તેમને પોતે બહાર નથી નીકળવું, પણ સોસાઇટીના સફાઈ કામદારોએ તો "રોજ આવવું જ પડે ને, નહીં તો રોગચાળો ફેલાય". એમના ઘરકામ, રસોઈ, નર્સિંગ સંભાળતાં "કામવાળાંઓને તો આવવા દો. અમે અમારું બધું સેનિટાઈઝેશન જાળવીશું.” (કામવાળાંઓનું જે થવું હોય તે થાય.) ગેસ ખલાસ થાય, ટી.વી./વૉટર ફિલ્ટર/કમ્પ્યૂટર બગડી જાય તો "આ લોકડાઉનમાં તો આ બધું ઇસેન્શિયલ છે, રિપેર કરનારને તો બોલાવવા જ પડે ને!" પાછા વાત એવી કરે કે ગરીબો, કામદારો, સર્વિસિસ ક્લાસને તો કમાવું જરૂરી છે, "નહીં તો બિચારાં ભૂખે મરી જશે.” (કારણ કે અમે એ લોકોને જો કામ નહીં કરે તો પગારો પણ નથી આપવાના! પણ અમારા પગારો માટે સરકાર/કંપનીઓ જવાબદાર છે).
સ્વાર્થી સંવેદનહીનતા જે મોદી સરકારના લગભગ દરેક પગલાંમાં દેખાય છે, એ જ આ મધ્યમ વર્ગના મોદીસમર્થકોમાં પણ દેખાય છે. મોદીના લૉકડાઉનને ઉછળી ઉછળીને ટેકો, પણ પોતાની સોસાયટીના લૉક ડાઉનનો જોરદાર વિરોધ. આ છે તેમની પ્રતિબદ્ધતા.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 25 ઍપ્રિલ 2020