Opinion Magazine
Number of visits: 9446811
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મળવા જેવો માણસ ઉજમશી પરમાર

સુરેશ ચૌહાણ, સુરેશ ચૌહાણ|Opinion - Opinion|26 March 2018

ઉજમશી પરમારને પહેલવહેલું મળવાનું થયું, ગુજરાત સાહિત્ય પરિષદના સુરતના જ્ઞાનસત્રમાં, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં. ૨૦૧૨ની ૨૨મી ડિસેમ્બરની હૂંફાળી સવારે ચાની ચૂસકી લેતા ઉમળકાભેર વાતો થઈ. પોતે વાર્તાકાર, કવિ કે ચિત્રકાર હોવાનો સહેજ પણ ભાર નહીં. એક સીધાસાદા માણસ તરીકે દરેક સાથે હળીમળી જતા.

૨૦૧૩ના આણંદના અધિવેશનમાં તે પોતે પરિષદની મધ્યસ્થ સમિતિમાં સભ્ય હોવા છતાં આગલી હરોળમાં બેસવાને બદલે મારી બાજુમાં આવીને બેસી ગયા. અધિવેશનની બધી બેઠકો સાથે માણી અને સાથે જમ્યા પણ.

ઉજમશી પરમાર આમ તો ઈશ્વરલાલ પરમારના જીવરાજપાર્ક રહેતા ત્યારે બંને શાખપાડોશી. એટલે ઈશ્વરલાલના કારણે ઘરોબો વધ્યો. તેઓ ફરવાના ભારે શોખીન.

સવારે સાડા સાતે ફોન કરે, ‘સુરેશભાઈ, ઈશ્વરલાલ અને મિત્રોને લઈને ગાંધીગ્રામ સ્ટેશને આવો, નવની ગાડીમાં બૂટભવાની જવું છે.’ અમે બધાં નવની ગાડીમાં ઉજમશીને જ સાંભળતા. તેમની વાતો ખૂટે નહીં. બૂટભવાની દર્શન, ભોજન પ્રસાદ લઈ છકડામાં ગણપતપુરા દર્શન પ્રસાદને ન્યાય આપી રેલગાડીના પાટે પાટે પદયાત્રા કરી. કોઠ-ગાંગડના રેલવે સ્ટેશન પહોંચીએ, ત્યારે ગાડી આવવાને એકાદ કલાકની વાર હોય, સ્ટેશનના બાંકડા પર જમાવીએ. ઉજમશી પોતાના મોબાઇલમાંનાં ૩૦૦ ઉપરાંત જૂના ફિલ્મીગીતોનો પટારો ખોલે એક પછી એક ગીતો વગાડે અને તે ગીતની સાથે જોડાયેલી દુર્લભ વાતો પણ કહે. પોતે સારુ ગાતા પણ ખરા. ગાડી ગાંધીગ્રામ પરત પહોંચે ત્યારે સાંજે સાત વાગ્યા હોય. નહેરુબ્રિજના આશ્રમરોડ સર્કલથી છૂટા પડીએ. આમ વર્ષે ત્રણચાર વાર સસ્તા ભાડાની જાત્રા કરતા. એકવાર તો ગાડીને પાટે ચાલતા ઉજમશીના ચંપલની પટ્ટી તૂટી ગઈ, તો બાવળની શૂળથી કામચલાવી ઘર સુધી પહોંચ્યા હતા.

૨૦૧૪માં ઇન્દોરના જ્ઞાનસત્રમાં જતા શાંતિ ઍક્સપ્રેસમાં તેઓ અમારી સાથે જ હતા. ‘રાત્રિ જગો’ કરી તેમનાં ‘જન્મારો’ની કથા કરી હતી. પોતાની આ આત્મકથામાં શું રાખ્યું અને શું છોડી દીધું, તેની નિખાલસ વાતો કરી હતી. જ્ઞાનસત્રમાં ‘જન્મારો’ને આદર અપાયો હતો. મુંબઈની ‘કલાગુર્જરી’ સંસ્થાએ ‘જન્મારો’ને બીજા નંબરે પોંખી હતી. જ્ઞાનસત્ર બાદ અમે બધા માંડુ, મહેશ્વર, ઓમ્‌કારેશ્વર પૂરા બે દિવસ ફર્યા. ‘છાલક’ના જાન્યુઆરી, ૨૦૧૬ના અંકમાં તેમણે ‘નોખી મૂરત નોખી નજર’ શીર્ષકથી લેખ લખ્યો હતો, જેમાં માંડુના પ્રવાસનો ઉલ્લેખ કર્યો હતો.

એક વાર તેમનાં પત્ની શારદાબહેને સાડી છપાવવા શહેરમાં જવાનું કહ્યું, તો એક જૂના સ્લીપરનો તળિયાને વ્યવસ્થિત કાપી બ્લેડ વડે કોતરી અદ્‌ભુત ડિઝાઇન બનાવી અને સ્ટૅમ્પપેડથી આખી સાડી છાપી, જેના પર શારદાબહેને ભરતકામ કર્યું અને બહુ પ્રસંશા થઈ. તેમના ઘરમાં તકિયા, ઓશિકાનાં કવર પર પેચવર્કનાં કવર જોવા મળે, રંગીન કાપડના ટુકડાથી આબેહૂબ પેચવર્કથી ડિઝાઇન કર્યું હોય. તેમની કલાસૂઝ અદ્‌ભુત હતી. પરિષદ કે વિશ્વકોશટ્રસ્ટમાં અવારનવાર મળવાનું થાય.

એકવાર પરિષદનો કાર્યક્રમ પૂરો થાય બાદ ચા પીતાં અંબાજી જવાનું નક્કી કર્યું. બે દિવસ બાદ બે દિવસ માટે અંબાજીમાં ફરતાં ફરતાં દશરથભાઈ ચૌધરી વનવાસી છાત્રાલય જોવા લઈ ગયા. છાત્રાલયમાં ક્યાં ય પુસ્તકો નજરે ન ચડ્યાં એટલે તેમણે છાત્રાલયના ગૃહપતિને ઑફર કરી, તમે એક કબાટ વસાવો, તો પુસ્તકો મોકલાવીશ. આ બાળકોને વેસ્ટમાંથી બેસ્ટ બનાવતાં હું શિખવાડીશ. તેમની નજર સતત નિરીક્ષણ કરતી, ક્યાં શું ખૂટે છે અને કોને શું જરૂર છે. ડાંગ જિલ્લામાં બે દિવસ વનયાત્રા પણ કરી. મિત્રના  મિત્રને કે સફરમાં કોઈ યાત્રીને પોતાનાં બનાવતા તેમને સહેજે ય વાર ન લાગતી. પોતાની પાસેની કલાની આવડતને વહેંચવા માટે તેમણે ‘સદ્‌ભાવના પર્વ’ના મોરારિબાપુ સમક્ષ ખુલ્લી ઑફર મૂકી હતી. ‘અસ્મિતાપર્વ’ અને ‘સદ્‌ભાવના પર્વ’નાં તેમને નિયમિત આમંત્રણ મળતાં અને હાજર પણ રહેતા.

૨૦૧૫ની ભુજના અધિવેશનમાં તેમણે અમને ઘણા કચ્છના લેખકોનો પરિચય કરાવ્યો. મેકણદાદાની જગ્યા અને માંડવી શ્યામજી કૃષ્ણવર્માના સ્મારકની મુલાકાત લીધી.

૧૬ નવેમ્બર, ૨૦૧૬ કારતક વદ એકમ – દ્વારકા. પોરબંદર, પ્રવાસ ગોઠવાયો. દ્વારકા પહોંચતાં સુધીના ૧૬ કલાકના લોકલ ગાડીના પ્રવાસમાં તેમનાં સર્જનોની કવિતાની તેમના જીવનની ખાટીમીઠી યાદોને વાગોળી અંતકડી રમવામાં તેઓ એકલા અમને છ જણને હંફાવે. અને પાછા તેઓ તો પૂરાં ગીત ગાય. દ્વારકામાં દ્વારકાધીશના દર્શન બાદ ગ્રૂપ ફોટો પડાવ્યો અને સાતે ય મિત્રોએ એકએક કૉપી કઢાવી સંભારણારૂપે રાખી. સાંજે બાળસાહિત્યકાર ડૉ. ઈશ્વર પરમારની મુલાકાત કરી. એકાદ કલાકની તેમની સાથેની ગોષ્ઠિ એ અમારી આ યાત્રાનું સૌથી મોટું પુણ્ય હતું. પોરબંદર કીર્તિમંદિર અને સાંદીપનિની મુલાકાત લઈ રાત્રે પોરબંદરથી સૌરાષ્ટ્ર મેલમાં પરત થવાનું હતું. તેમની પાસે ઓળખપત્ર ન હતું. એટલે તેમણે સિનિયર સિટિઝનનું કન્સેશન ન લીધું. પૂરી ટિકિટ લીધી. તેમની ટૂંકી વાર્તાઓ પર રાજકોટની એક વિદ્યાર્થિનીએ નીતિન વડગામની રાહબરી હેઠળ એમ.ફીલ. કર્યું છે. તેમની કવિતા વાર્તા દર માસે કોઈ ને કોઈ ગુજરાતી સામયિકમાં વાંચવા મળે.

ઑગસ્ટનું પાછલું પખવાડિયું અને પવિત્ર શ્રાવણના છેલ્લા અઠવાડિયે એક ગરોળી તેમના પરિવારમાં કાળ બનીને આવી અને બન્યું એવું કે તેમનો પુત્ર હિતેશ, પુત્રવધૂ, પ્રોફેસર પૌત્રી, પંદર વર્ષનો પૌત્ર પોળોના જંગલ જોઈ પાછાં ફરતાં હતાં. હિતેશ કારડ્રાઇવ કરતો હતો. અચાનક તેના હાથ પર ગરોળી પડી. હિતેશે હાથને ઝાટકો માર્યો. ગરોળી બાજુમાં બેઠેલી તેની પુત્રીના ખોળામાં પડતાં તે ચીસ પાડી ઊઠી. હિતેશે સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતાં કાર ઝાડ સાથે ટકરાઈ. પિતા, પુત્રી, પુત્ર ત્રણેય જખ્મી થયા પુત્રી કૉમામાં, હિતેશને ફૅક્ચર, નાના પુત્રને ગળાના ભાગે ઈજા થઈ, ત્રણે ય અમદાવાદની અલગ અલગ હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતાં.

૨૨મી ઑગસ્ટે હિતેશને ઑપરેશન બાદ રજા મળી અને કૉમામાં રહેલી પુત્રી મૃણાલિનીનો જીવનદીપ બુઝાઈ ગયો. અને સાંજે ઉજમશીને તેના વાર્તાસંગ્રહ ‘હારોહાર’ માટેનું અકાદમીનું પારિતોષિક માટે આમંત્રણ હતું. વિધિ વક્ર બની હતી. ઉજમશી ભાંગી પડ્યા હતા. ૨૪મી ઑગસ્ટે બેસણામાં એકાદ માસ પહેલાં જ સગાઈ કરેલ મૃણાલિનીનો શણગાર – સજ્યો ફોટો હતો. બાજુમાં હિતેશ પાટાપિંડી સાથે પલંગ પર સૂતો હતો અને ઉજમશી ધ્રૂસકે ચઢ્યા હતા. ઘણાં સાહિત્યકારો, મિત્રો, સગાંઓ સાંત્વના આપવા આવ્યાં હતાં.

સમય જતાં, વાસ્તવિકતાને સ્વીકારી લઈ ઘરની બહાર નીકળી પરિષદ, વિશ્વકોશમાં આવવા લાગ્યા અને સિકંદરાબાદનું રિઝર્વેશન કરાવવાનું કહ્યું. ૧૨મી સપ્ટેમ્બરે અમારું રિઝર્વેશન થઈ ગયું. ૨૧મી ડિસેમ્બરના રોજ સિકંદરાબાદ અધિવેશનમાં જવાનું. ૨૬મી નવેમ્બરે દિલીપ રાણપુરાના જન્મદિનના કાર્યક્રમમાં પોતે બીમાર હોવાથી નહીં આવે તેમ જણાવ્યું. અમે કાર્યક્રમ પત્યા બાદ તેમના ઘરે ગયા. ડૉક્ટરે કમળાનું નિદાન કર્યું હતું. એકાદ કલાક વાતો કરી. તેઓ અધિવેશનમાં તો આવશે જ એવું કહ્યું.

૯મી ડિસેમ્બરે સવારે તેમની ટિકિટ કૅન્સલ કરાવવાનો ફોન આવ્યો. હું મિત્ર દશરથને લઈને ટિકિટ કૅન્સલ કરાવવા ગયો અને અમે બંને ત્યાંથી સીધા તેમને ઘેર ગયા. થોડાક હતાશ લાગતા હતા. મૃણાલિની જ વાતો કરતા કહ્યું કે પાંચ ડિસેમ્બર તો લગ્ન રાખ્યાં હતાં પણ … ! શારદાબહેને આ બધું ભૂલવા વીનવ્યા. થોડોક સમય અમે મોબાઇલમાંથી જૂનાં ગીતો સાંભળ્યાં તે આનંદમાં આવી ગયા. એકાદ કલાક બાદ અમે વિદાય લીધી. તેમણે અમને પ્રવાસની શુભેચ્છા પાઠવી.

શૈલેષ મલ્લિકાર્જુનથી તેમને ફોન કરતાં શારદાબહેને વડોદરા હોવાનું જણાવ્યું. પછી તો ત્યાં દવાખાનામાં દાખલ હોવાના પણ સમાચાર મળ્યા.

૮મી જાન્યુઆરીએ ફોન કર્યો. તેમની દીકરી સાથે વાત થયા મુજબ  તેમને સ્વાદુપિંડનું કેન્સર હોવાથી અમદાવાદની કૅન્સર હૉસ્પિટલમાં ત્રણેક દિવસથી છે. અત્યારે વૅન્ટિલેટર પર છે. સાડા દશે ઈશ્વવરલાલ પર ફોન આવ્યા ઉજમશી મિત્રોને મળવા માગે છે. સભાન અવસ્થામાં છે. મિત્રોને ફોન કરી સાંજે ચાર વાગે હૉસ્પિટલ જવાનું નક્કી કર્યું. ત્રણ વાગે તેમના મોટાભાઈનો ફોન આવ્યો. રજા આપી છે. ઘેર આવજો, અમે રિક્ષા કરીને સમરથનગર પહોંચ્યા. અમારા પહેલા તો યમરાજ પહોંચી ગયા હતા. તેમના ભાઈના જણાવ્યા મુજબ ઘરે લાવ્યા. ત્યારે ભાનમાં હતા, તેમની આંખો સતત ફરતી હતી. એકાએક થોડા સમયમાં આંખો મીંચાઈ ગઈ.

ભદ્રેશ્વર સ્મશાનગૃહે હરિકૃષ્ણ પાઠક સહિત ઘણા કવિલેખકો હતા.

હરિકૃષ્ણ પાઠકે ‘કુમાર’માં અને પ્રકાશ ન. શાહે ‘પરબ’માં ઉદ્‌ાત શબ્દાંજલિ આપી છે. તે વાંચી ગદ્‌ગદ્‌થઈ જવાય છે. અજય પાઠકે ‘નિરીક્ષક’માં પણ ટૂંકું શબ્દચિત્ર રજૂ કરી અંજલિ આપી છે.

હું લખવામાં મોડો પડ્યો એમ લાગે. પણ મારે ઉજમશીને માણસ તરીકે મૂલવવા હતા અને અન્ય લેખકોની શબ્દાંજલિ આવે ત્યાર બાદ પુનરાવર્તન ન થાય તે સારુ અત્યારે લખ્યું છે.

૬-૩-૨૦૧૮

નવા વાડજ, અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2018; પૃ. 11-12 

Loading

26 March 2018 admin
← વાહ કવિ…! ધરાર આમ…
જન સશક્તિકરણનું માધ્યમ છે જન સુનાવણી →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved