20 ઓગસ્ટ, વિશ્વ મચ્છર દિવસ હતો. એ દિવસે જ ગુજરાત હાઇકોર્ટમાં કોઈ સચિન્ત નાગરિકે જાહેર હિતની અરજી દાખલ કરી દાદ માંગી કે ગુજરાત સરકાર મચ્છરજન્ય રોગગ્રસ્ત દર્દીઓના આંકડા સરકાર છૂપાવે છે. સાચા આંકડા તે જાહેર કરે. હાઈકોર્ટે નોટિસ કાઢી સરકાર પાસે જવાબ માંગ્યો છે.
અને આ જ દિવસે રાજ્યના આરોગ્યમંત્રીએ અધિકારીઓને ધમકાવ્યા છે કે જે વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળો જોવા મળશે તે વિસ્તારના જવાબદાર અધિકારીની ખેર નથી.
સાથે સાથે અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને કમિશનર બન્નેએ કહ્યું કે અમે અમારા ઘરની એક કલાક જાતે સફાઈ કરી મચ્છર પેદા કરતી જગાઓનો નાશ કરવાનાં છીએ ને લોકોને અપીલ કરી કે સૌ કોઈ પોતાનાં ઘર સાફ કરે, ઘરમાં જ ડેન્ગ્યુના મચ્છર પેદા થાય છે. અને છાપાંઓમાં ને ટીવી ચેનલો પર રોગચાળો અટકાવવા લોકોએ શું કરવાનું છે તેની જાહેરખબરો પણ અપાઈ ગઈ ..!
જનતાને જાહેરખબરોથી પાણીજન્ય ને મચ્છરજન્ય રોગો વિશે જાગૃત કરવા જરૂરી છે, પરંતુ સવાલ એ થાય છે કે કોઈ પણ રોગચાળો ફાટી નીકળે જેમ કે ટાઈફોઈડ, કમળો, સ્વાઈન ફ્લૂ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા ને મેલેરિયા ત્યારે લોકોએ શું કરવું અને શું ન કરવું એની જાહેરાતો મોટા પાયે સરકારી તંત્રો કરે છે અને સરકાર પોતે શું કરી રહી છે, કેવાં પગલાં કેટલા વખતથી લેવાઈ રહ્યાં છે, કેટલો વધુ સ્ટાફ કે વિશેષ નાણાં આ અંગે ફાળવ્યા છે કે આ રોગ વિશે બેદરકારી દાખવનાર અધિકારીઓ, સ્ટાફને શી સજા કરાઈ તેની વાત નથી કરવામાં આવતી.
વળી હાસ્યાસ્પદ વાત એ હોય છે કે બધા પાણીજન્ય ને મચ્છરજન્ય રોગો વિશેની માહિતી ને જાગૃતિની વાત જ્યારે રોગચાળો વકરી ગયો હોય, બેફામ બની ગયો હોય, લોકોમાં હાહાકાર મચ્યો હોય ત્યારે જ કરવામાં આવે છે. બાકી આગોતરી જાણકારી, જાહેરાતો કે સરકારી તંત્રોને જગાડવામાં આપણે હંમેશાં ઊણાં ઊતરતાં રહ્યાં છીએ એવું દર વર્ષે વધુને વધુ લાગી રહ્યું છે.
મચ્છર કરડવાથી થતો મેલેરિયા કે જેને આપણે ટાઢિયો તાવ કહીએ છીએ તે દુનિયાના ગરીબ દેશોમાં જ છે. આફ્રિકા અને એશિયાના દેશોમાં ખાસ જોવા મળતાં આ મચ્છરજન્ય રોગના દર વર્ષે કરોડો લોકો શિકાર બને છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આંકડા મુજબ 2017માં દુનિયાભરમાં 21.9 કરોડ કેસ મેલેરિયાના નોંધાયા હતા. જેમાંથી 4.35 લાખ લોકો, આ સાવ સામાન્ય સારવારથી મટી જાય એવો રોગ હોવા છતાં મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયા !
અને આ જ 2017માં દુનિયાભરમાં ડેન્ગ્યુના 1,88,401 કેસ નોંધાયા હતા.
હમણાં આપણા ગુજરાતમાં અને દેશના કેટલાક રાજ્યોમાં ડેન્ગ્યુને લઈ સરકારી તંત્રો દર વર્ષની જેમ છેલ્લી ઘડીએ જાગીને હાંફળા ફાંફળા થઈ દોડાદોડ કરતાં હોય એવા રિપોર્ટ મીડિયામાં જોવા મળે છે. જો કે કેટલું કામ ખરેખર આ બાબતે થઈ રહ્યું છે એ તો પ્રશ્નાર્થ રહે જ છે.
આપણા ગુજરાતમાં 2019ના આરંભથી માંડી 20 ઓગસ્ટ સુધીમાં કુલ 1,100 કેસ ડેન્ગ્યુના નોંધાયા છે. જેમાં આ ઓગસ્ટ મહિનાના 20 દિવસમાં જ 387 કેસ એટલે કે કુલ ડેન્ગ્યુના કેસોમાં સીધો જ 35%નો વધારો !
અને 20 ઓગસ્ટ એટલે કે વિશ્વ મચ્છર દિવસ ! શું એટલે જ વધુ મચ્છરો પેદા થવા માંડ્યા હશે ?કે પછી સરકારી તંત્રો ની નિષ્ઠુર બેદરકારી ?
ડેન્ગ્યુનાં મચ્છરનો લાર્વા લાંબા સમય સુધી પડી રહેતાં ચોખ્ખા પાણીમાં પેદા થાય છે અને તેને લઈ જાણે કે ઊભરાતી ગટરો કે વરસાદી પાણીને પ્રદૂષિત પાણીથી ખદબદતાં તળાવો-ખાબોચિયાં અન્ય પ્રકારના મચ્છરો માટે ય જવાબદાર ન હોય એમ માનીને લોકોનાં ઘરમાં જ ડેન્ગ્યુના મચ્છરો પેદા થાય છે, એવી હવા એક યા બીજી રીતે ઊભી કરવાનો પ્રયત્ન સરકાર દ્વારા થતો રહે છે.
ખરેખર તો અમદાવાદ ને રાજકોટ જેવાં મોટાં શહેરોમાં ડોક્ટરોનાં જે નીરિક્ષણો છે તે મુજબ તો જ્યાં જ્યાં મોટા પાયે કન્સ્ટ્રક્શન કામો ચાલી રહ્યાં હોય છે, મોટા શૈક્ષણિક કે વ્યાવસાયિક સંકુલો છે તેની આસપાસના વિસ્તારોમાંથી નોંધપાત્ર રીતે ડેન્ગ્યુના કેસ જોવા મળી રહ્યા છે.
સરકારી પ્રચારમાં તો સતત કહેવાતું રહ્યું છે કે ઘરમાં રહેલી ફૂલદાનીઓ, એર કૂલર, ઉઘાડાં પાણી ભરેલાં વાસણો, ખૂલ્લી પાણીની ટાંકીઓને લઈને મચ્છરો પેદા થાય છે.
સવાલ એ થાય છે કે ફૂલદાનીઓ શહેરના કેટલા અને ક્યા વર્ગના લોકોના ઘરમાં હશે ? આંગણામાં તુલસીક્યારો જરૂર હશે પણ ફૂલદાની રાખવાની વાત તો કોર્પોરેટ કંપનીઓ, સરકારી ઉચ્ચ અધિકારીઓની કેબીનો કે ઉચ્ચ રાજકીય હોદ્દેદારોની ઓફિસોમાં જ મહદ્દ અંશે જોવા મળે. ઉનાળા પછી કૂકરમાં પાણી ભરાઈ રહેવાની સંભાવના જૂજ માત્રામાં જરૂર હોઈ શકે.
રોજના વપરાશનું પાણી જ જ્યાં માંડ માંડ મળતું હોય ત્યાં તેને દિવસો લગી ભરી રાખવાની વાત શક્ય નથી અને આપણા સમાજમાં તો પાણીની ચોખ્ખાઈ વિશે એવા ભ્રમ, ખોટા ખ્યાલો પ્રવર્તે છે કે રોજેરોજ માટલાનું પાણી અને રસોઈનું પાણી બીજા દિવસે સવારે 'પાણી વાસી થઈ ગયું' એવી માન્યતા સાથે ઢોળી દેવાય છે અને ‘નવું – તાજુ પાણી' ભરાય છે. લોકોને એ ખ્યાલ નથી હોતો કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાંકીઓનું કે ભૂગર્ભ જળ કેટલું જૂનું હોય છે …!
પોતાના ઘરમાં રોજ કચરા-પોતું કરવું એ મધ્યમવર્ગ ને ગરીબ, બધાંયમાં ચલણ છે જ. અલબત્ત, આપણે, સૌ કોઈ લોકો, માત્ર ને માત્ર પોતાના ઘરને આંગણાના પગથિયાં સુધી જ સ્વચ્છતા રાખવામાં માનીએ છીએ ! ઘરનો કચરો ઘરની બહાર ચાર-પાંચ દિવસ પડી રહે યા પડોશીનાં આંગણામાં પડ્યો રહે તેની ચિંતા આપણે નથી કરતા એ ય કડવી હકીકત છે.
સ્વચ્છતા બાબતે પોતાના પરિવારને સાચવીને ચાલનારા અને એ ય કચરા – પોતાં કરવા એ સ્ત્રીઓની જ જવાબદારી છે એવું માનનારા આપણે લોકો, ખાસ કરીને પુરુષો કેટલા બધા બેદરકાર છે તે જોવું હોય તો શહેરના નાનાં – મોટાં કોમર્શિયલ સેન્ટરોમાં આવેલી દુકાનો, ઓફિસો જોવા જેવી છે. બહુમાળી મકાનોના પેસેજ માં, સીડી-પગથિયાંઓ પર જે કચરો-ગંદવાડ જોઈએ તો ત્યાં જાણે કે કોઈની જવાબદારી ના બનતી હોય એવું લાગે.
એવી જ દશા મોટા મસ કોમર્શિયલ સેન્ટરના ભોંયરાઓમાં આવેલી વાહન પાર્કિંગની જગ્યાઓની.
અમદાવાદનાં સેટેલાઈટ રોડ પર આવેલા એક સાત માળના વિશાળકાય કોમ્પલેક્ષમાં આવેલા થિયેટરમાં હમણાં ફિલ્મ જોવા ગયો. વાહન પાર્કિંગ ભોંયરામાં હતું. ત્યાં પાણીનાં ખાબોચિયાં ભરેલાં હતાં અને ભેજથી ગંધાતા અંધારા ભોંયરામાં શ્વાસ લેવો પણ મુશ્કેલ લાગે એવું હતું !
આવી જગ્યાઓએ મચ્છરો પેદા ન થાય એ જોવાની અને તપાસવાની જવાબદારી કોની ?
એ જ રીતે જ્યાં જ્યાં મોટા યા નાના પાયે મકાન કન્સ્ટ્રક્શનનાં કામો ચાલી રહ્યાં છે ત્યાં વરસાદમાં ક્યાંક ને ક્યાંક પાણી દિવસો લગી ભરાઈ રહેવાની શક્યતાઓ રહે છે. બીજું મોટી મોટી જાહેર સંસ્થાઓ જ્યાં મોટાભાગે અનેક મકાનો અને ખૂલ્લી જગાઓ હોય છે ત્યાં રોજેરોજ સફાઈ પૂરી થવાની સંભાવનાઓ ઓછી હોય છે અને સૌથી વધારે તો રસ્તાઓ પર પડતાં ભૂવા-ખાડાઓને ખોદકામને લીધે દિવસો લગી પાણીનાં ખાબોચિયાં ભરાયેલાં રહે છે.
આ બધું જોતાં એક સામાન્ય નાગરિક જે મચ્છર કરડવાથી મેલેરિયા, ડેન્ગ્યુનો દરદી જરૂર બની જાય છે પણ તેને એનાં માટે કેટલો જવાબદાર ઠેરવવો ?
અને ખાસ નોંધપાત્ર વાત એ છે કે જ્યાં મોટા પ્રમાણમાં મેલેરિયાનો રોગચાળો ગ્રામીણ વિસ્તારોમાં ફેલાય છે તેમાં ડેમ સાઈટ, કેનાલોની પણ ભૂમિકા મોટી છે. વર્ષો પૂર્વે ખેડા જિલ્લામાં ઝેરી મેલેરિયાએ હાહાકાર મચાવેલો, મોટા પ્રમાણમાં લોકોનાં મોત થયેલાં તે અંગે ઘણાં આંતરરાષ્ટ્રીય સંશોધનો થયેલાં. મહી-કડાણા પ્રોજેક્ટનો મેલેરિયા માટે ઉલ્લેખ થયેલો .. આ બધી બાબતે મેલેરિયાનો ભોગ બનતા દરદીઓનો વાંક કેટલો ?
ડેમ ને ગાબડાં પડતી કેનાલોને લઈ થતાં મચ્છરોને અંકુશમાં લેવાની જવાબદારી કોની ?
મચ્છર કરડવાથી મેલેરિયા કે ડેન્ગ્યુ થાય અને દિવસો લગી ઘરમાં કે હોસ્પિટલના ખાટલે પડી રહેવું પડે છે. નોકરી-ધંધા-મજૂરી બંધ અને ઉપરથી હોસ્પિટલો, દવાઓ અને સાથે રહેનાર પરિવારજનોના વાહનભાડાને ભોજનના ખર્ચ !
સુરતની હોસ્પિટલોમાં ડેન્ગ્યુના દરદીઓ પાછળ થતાં ખર્ચ વિશેનો એક અભ્યાસ દર્શાવે છે કે ડેન્ગ્યુ નો એક દરદી ખાનગી હોસ્પિટલમાં દાખલ થાય છે તે બેથી ચાર દિવસ હોસ્પિટલમાં સારવાર લે છે તે 20થી ત્રીસ હજાર રૂપિયાના ખાડામાં ઊતરી જાય છે !
સરકારી હોસ્પિટલો કરતાં લગભગ 25-30 ગણો વધારે ખર્ચો ! અને સરકારી હોસ્પિટલોમાં દર વર્ષે આ ડેન્ગ્યુ-સ્વાઈન ફ્લુ જેવા રોગચાળાને લઈ ખાસ વોર્ડ ઊભા પડે છે ને અને તે માટે મોટા ખર્ચા કરવા પડે છે એનો ય હિસાબ ગણીએ તો જાહેર આરોગ્યની આગોતરી વ્યવસ્થાઓ કરતાં ખૂબ મોટો ખર્ચો ગણવો જ રહ્યો.
અહીં લોકો પોતે જાગૃત નથી એવી વાત પૂરેપૂરી સ્વીકારી શકાય એમ નથી જ કારણ કે છેવટે તો એમને જ ભોગવવાનું રહે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ વર્ષના અત્યાર સુધીની ફરિયાદોના આંકડા તપાસીએ તો મુખ્ય રસ્તાઓ પરની ઉભરાતી કે જામ થઈ ગયેલી ગટરો માટે લોકોએ કુલ 50,563 ફરિયાદો કરી . વારંવાર ગટરો ઉભરાઈ જવા અંગે 15,435 ફરિયાદો લોકો એ કરી. મેલેરિયા નિયંત્રણ માટેનું દવા છાંટવાનું કે ધૂમાડા છાંટવાનું કામ બરાબર થતું નથી તે અંગે લોકોએ આ આઠ મહિનામાં 10,929 ફરિયાદો જનતાએ નોંધાવી !
જો લોકો આટલી હજારોની સંખ્યામાં ફરિયાદ નોંધાવતા હોય તો પછી મચ્છરોને નાથવામાં ઊણાં કોણ ઊતરે છે ?
એક આંતરરાષ્ટ્રીય અભ્યાસ પ્રમાણે આપણા દેશમાં મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગચાળા ડામવા માટે ખર્ચો વધવો જોઈએ તેને બદલે દિવસે દિવસે ખર્ચો ઘટતો નજરે પડે છે.
શહેરોની જાહેર જગાઓ પર મચ્છરો શોધવા માટેની મોટી ટીમો બનાવી યુદ્ધના ધોરણે કામ કરવું એ મ્યુનિસિપલ તંત્રો માટે સહેજ પણ અઘરું નથી જ. એક બાજુ લાખો બેકાર યુવાનોની ફોજ છે જેને રોજી જોઈએ છે. બીજી તરફ સરકાર મચ્છરો મારવાનાં ફોગ મશીનો ચલાવવા માટે ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપી દે છે. કોન્ટ્રાકટરો ઓછા કર્મચારી-કામદારો રાખી અને મચ્છર મારવા માટેનાં પ્રવાહી ઓછામાં ઓછું વપરાય એ ફિરાકમાં જ સતત રહેતા હોય છે ત્યારે લોકોના જ ટેક્ષનાં પૈસા ખર્ચાયા છતાં લોકોને ડેન્ગ્યુ કે મેલેરિયાથી પીડાવું પડે એને કેવી કરુણતા ગણવી રહી ?
હમણાં જ પંજાબના મોહાલીમાં એક 23 વર્ષની યુવતી ડેન્ગ્યુથી મૃત્યુ પામી. તેના ઘરની પાસે જ જ્યાં કન્સ્ટ્રક્શન કામ ચાલતું હતું ત્યાં ડેન્ગ્યુના મચ્છરો પેદા થયાં હતાં તેવું તપાસ કરતાં જાણવા મળ્યું એટલે આ ડેન્ગ્યુથી મૃત્યુ પામેલી યુવતીના પરિવારજનો એ આ બધી જ સાબિતીઓ ભેગી કરીને ગયા મહિને જ કોન્ટ્રાક્ટર-બિલ્ડર પર કાનૂની પગલાં લેવાય તે માટે સ્થાનિક કોર્ટમાં ફરિયાદ કરી છે.
આવાં પગલાંઓની જાગૃતિથી જ આપણા ભ્રષ્ટ સરકારી તંત્રોમાં બેસી મચ્છરોથી પણ વધુ જનતાનું લોહી પીતાં અધિકારીઓ ને સ્થાનિક રાજકીય નેતાઓને સીધા દોર કરી શકાશે એટલી વાત નિશ્ચિત ગણવી રહી.
સૌજન્ય : ‘ચિંતા’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”, 28 ઓગસ્ટ 2019