Opinion Magazine
Number of visits: 9447404
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN ==

સુમન શાહ|Opinion - Opinion|4 January 2022

: ૨ : દીવાલો વિનાની યુનિવર્સિટી :

‘સન્નિધાન' નામે ૨૫ વર્ષથી શિબિરો યોજીને મેં સારી પૅઠે અજમાવેલો એક ઇલાજ છે – દીવાલો વિનાની યુનિવર્સિટી. યુનિવર્સિટી વિધાઉટ વૉલ્સ.

‘સીક’ ક્લાસરૂમ, છે ત્યાં ભલે રહ્યો. ‘સનિન્ધાન’ એ જ અભ્યાસક્રમો માટે બે-દિવસીય શિબિરો યોજે છે. ‘સન્નિધિ’ એટલે સમીપતા. અધ્યેતાઓ વિદ્યાની સમીપે હોય છે. વચ્ચે ‘દીવાલો’ નથી, નથી અવરોધો, નથી પરીક્ષા બાબતનાં નડતરો.

વિદ્વાનો વિષયની વાત માંડે છે. ચર્ચાઓ થાય, પૂર્તિઓ થાય. કશી દિલચોરી વિના સૌ મૉકળા મને સાહિત્યકલાજ્ઞાન સાથે જોડાય. અધ્યાપકો, વિદ્યાર્થીઓ, અધ્યક્ષો, આચાર્યો – અધ્યયન કરનાર હર કોઈને અધ્યેતા કહેવાય. જે કંઇ ભણ્યા હોઈએ, જે કંઈ જાણ્યું હોય, એને અધીત કહેવાય. સૌના એ સંચિત અધીતનું ત્યાં સંશોધન થાય, સંવર્ધન થાય. ખુલ્લા આકાશ નીચે સાહિત્યવિદ્યાના નિર્ભેળ આનન્દ માટે સૌએ સન્નિધીકૃત થવાનું અને પછીના શિબિરમાં ફરીથી મળવા છૂટા પડવાનું.

'યુનિવર્સિટી વિધાઉટ વૉલ્સ’-નો વિચાર ભારતીય અધ્યેતાને નવો નહીં લાગે. આપણી ગુરુ-શિષ્ય પરમ્પરા તો પહેલેથી જ દીવાલો વિનાની હતી. બ્રહ્મચર્યાશ્રમીઓ જનપદોમાંથી ઋષિઓના આશ્રમોમાં જતા; જ્ઞાન કાજે ગુરુના સાન્નિધ્યમાં વસતા. નાગરક કશું ન્હૉતું; સઘળું આરણ્યક હતું. સભ્યતાએ કે મનુષ્યકૃતિએ સરજેલી દીવાલો હતી જ નહીં; બધું પ્રકૃતિના સહવાસમાં હતું.

સારું; પ્લેટોની (ઇ.પૂ. 428-348) ‘અકાદમી’-ને ક્યાં દીવાલો હતી? અરે, આજે તો એને ‘વિશ્વની સર્વ પ્રથમ યુનિવર્સિટી’ કહેવાય છે ! સારું; ઍરિસ્ટોટલની (ઇ.પૂ. 384-322) ’લાયસિયમ' પણ દીવાલો વિનાની યુનિવર્સિટી ન્હૉતી તો શું હતી?

Plato and Aristotle

Painted by well known Italian painter Rafael

બન્નેનું વાતાવરણ પ્રાકૃતિક. બન્ને શરૂમાં સ્કુલ હતી. ‘અકાદમી’ તો પછીથી કહેવાઈ. પ્લેટોની અકાદમી, પહેલાં તો વ્યાયામશાળા હતી. આસપાસની સૂકી ધરાને ફળદ્રૂપ કરવા, કહે છે, કિકીફોસ નદીને એ તરફ વાળવામાં આવેલી. વૃક્ષો ઉગાડાયેલાં. એ નવપલ્લવિત પરિવેશમાં પછી તો મન્દિરો બંધાયાં, પૂતળાં મુકાયાં. ઉત્સવો શરૂ થયા. ક્રમે ક્રમે પરિવેશ યુનિવર્સિટીને છાજે એવો પરિસર બની ગયો. ‘લાયસિયમ’ તો પહેલાં મન્દિર જ હતી – જેમાં દેવ ઍપોલો લાયસિયસ વિરાજતા હતા. પ્લેટોનું ઘર અકાદમીમાં જ. બાજુમાં બગીચો. વ્યાખ્યાનો આપવાનું એમણે ત્યાંથી શરૂ કરેલું. ઍરિસ્ટોટલ મન્દિર ફરતે ચાલતા રહીને વ્યાખ્યાનો આપતા, કશાં ટેબલ-ખુરશી ન્હૉંતાં.

પ્લેટોની અકાદમીમાં અભ્યાસક્રમ ઘડાયા ન્હૉતા. ભણાવવું શું તે નક્કી ન્હૉતું. અભ્યાસક્રમ નિયત હોય એ જરૂરી છે, પણ મને આ ન-નક્કી વસ્તુનો પણ મહિમા વરતાય છે. મારા ગુરુ સુરેશ જોષીએ કદી અભ્યાસક્રમવશ થઈને નહીં ભણાવેલું. તમે જડ ખીલે બંધાયેલા નથી ને તેથી સમુચિત વિદ્યાવિહાર કરાવી રહ્યા છો. ઊંચી ડોકે આકાશનો તાગ લેતા વાત ચલાવો છો. કેટલી આવકાર્ય રીત !

પ્લેટોના ‘ડાયલોગ્સ’-માં ગણિત અને ફિલસૂફી અવારનવાર આવે કેમ કે મુખ્યત્વે તેઓ ફિલસૂફ હતા. સામે બેઠેલાં આગળ, પ્રૉબ્લેમ્સ મૂકતા. ગુરુ, સામે શિષ્ય, વચ્ચે પ્રૉબ્લેમ ! કેટલી કરણીય વસ્તુ ! વર્ગખણ્ડમાં જો પ્રૉબ્લેમ નામનું કશું કન્ટેન્ટ મુકાયું જ ન હોય, તો એને ‘વર્ગ’ શી રીતે કહેવાય? વિદ્યાર્થીનું મગજ જોડાય શેની જોડે? મુખ્ય અને પેટા મુદ્દાઓની જ્યાં સ્થાપના ન થતી હોય, એ વર્ગ, વર્ગ નથી, ઓરડો છે !

અધ્યાપક અને વિદ્યાર્થીને અપાયેલી એ ૪૫ મિનિટ, કીમતી વસ્તુ છે. વર્ગમાં જો જોક્સ, ગઝલના શેઅર ને એવા જ બધા સૅલસપાટાભર્યાં વિષયાન્તરો ચાલતાં હોય, તો તરત ધ્યાનમાં ન આવે એવું અ-દૃશ્ય નુક્સાન થવાનું છે. જ્ઞાન વિશે અમુક પેઢીઓ ‘ખાલીખમ’ અને ‘બાઘ્ઘી’ આવે છે એનાં મૂળ કારણોમાં આ વિષયાન્તર-લીલા એક ચૉક્કસ કારણ છે.

પ્લેટોને ત્યાં બધાંને ‘ડાયલૅક્ટિક’ વધારે ફાવતું’તું. એટલે કે સત્ય લગી ચર્ચાઓ અને વિમર્શ-પરામર્શથી પ્હૉંચવાનું, બારોબાર નહીં. તર્ક-વિતર્કથી વાદ-વિવાદ અને શક્ય સંવાદ.

વાત, તું કહું છું માટે ખોટી અને હું કહું છું માટે ખરી જ ખરી, એમ નહીં. અમુક અધ્યાપકો જક્કી હોય છે. અમારા એક સાહેબ હમેશાં પોતાના મતનું જ ગાણું ગાતા – કહ્યા જ કરે, મુનશી ગોવર્ધનરામથી ચઢિયાતા છે, બસ ! એમની નવલકથાઓમાં ક્રિયાવેગ તો જુઓ ! હકીકતે, સાહિત્યની હર કોઇ વાતમાં નાનું શું સત્ય હોય છે. વિદ્યાવ્યાસંગ આપણને એ સત્ય લગી દોરી જાય તો એ સુ-યોગ છે. પણ જો એને જ આખું બલકે અન્તિમ સત્ય ગણ્યા કરીએ – ને ગણાવ્યા કરીએ – તો એ ઠાલો હઠ-યોગ છે.

સ્વમતસ્થાપન અને પર-મતશ્રવણ વિદ્વત્તાનું રસાયન છે. વિદ્યાધર્મીએ આત્મલક્ષીતા અને પરલક્ષીતાનું સાયુજ્ય રચવું ઘટે છે. આપણે ત્યાં, ‘પરિપ્રશ્નેન’ જ્ઞાન લગી પહોંચવાનો સદાગ્રહ, એટલે તો છે. સમજાય નહીં ત્યાં લગી ચોમેરથી બસ પૂછ્યા કરવાનું. સામાવાળો સમજે નહીં ત્યાંલગી ચોપાસથી બસ સમજાવ્યા કરવાનું. એટલે તો કહેવત પડી – ‘પૂછતાં પણ્ડિત નીપજે, લખતાં લહિયો થાય’. વર્ગોમાં આજે તો પૂછવા વિશે જ દુકાળ પ્રવર્તે છે. અને, લહિયો થઈ જવાય એટલું બધું તો લખે છે જ કોણ? સાહિત્યના કેટલા ય વિદ્યાર્થીઓ પરીક્ષામાં જ લખે છે – પહેલી ને છેલ્લી વાર !

આમ, બન્ને અકાદમીમાં, જ્ઞાન-સર્જન, જ્ઞાન-સમ્માર્જન અને જ્ઞાન-સંવર્ધનને માટેની જોગવાઇ હતી. એક એવું પરિમાણ જેને ‘ઍકેડૅમિક ડાયમૅન્શન’ કહી શકાય; જે વડે ‘અકાદમી’ નામ ચરિતાર્થ થવાનું હોય.

અધ્યાપકોનું અધીત રી-ફ્રેશ થાય એ માટે હવે તો ઍકેડૅમિક સ્ટાફ-કૉલેજો છે. સ્ટાફ-કૉલેજને મેં એવા ૨૧-દિવસીય રીફ્રેશર કૉર્સ અનેક વાર યોજી આપેલા. એક વાર એમાં નિરંજન ભગતને વ્યાખ્યાન માટે બોલાવેલા. એમને સાંભળવા વર્ગમાં હું ખાસ બેઠેલો. થોડી વારમાં ભગતસાહેબ મારા આશ્ચર્ય વચ્ચે આખા વર્ગમાં ફરતા ફરતા વ્યાખ્યાન કરવા લાગેલા. કોઈ કોઈ વાર એકાદ રીફ્રેશરની બાજુમાં બેસી જાય, એની સાથે પ્રશ્નોત્તર કરે, ને વળી પાછા ચાલવા માંડે.

એમની એ લાક્ષણિક-સુન્દર પદ્ધતિ મને એટલા માટે યાદ આવી કે ઍરિસ્ટોટલ પણ, મેં કહ્યું એમ, મન્દિરની ફરતે ચાલતા રહીને વ્યાખ્યાનો આપતા. ત્યારે એક ગ્રીક શબ્દ ચલણમાં આવેલો -‘પેરિપૅટેટિક’. આપણી રીતે કહું તો પરિક્રમવું – જ્ઞાનાય પરિક્રમા, પરિવ્રજ્યા. ઠાંસિયા પ્રકારની અવર-જવર નહીં !

‘પોએટિક્સ' સમેતનાં ઍરિસ્ટોટલનાં ઘણાં પ્રવર્તમાન પ્રકાશનો શિષ્યોએ લીધેલી એમનાં વ્યાખ્યાનોની નૉંધો છે. આજે તો, ઊંધું છે. અધ્યાપક વ્યાખ્યાનો આછાંપાછાં કરે, નૉટો ભરપૂરે ઉતરાવે. કેટલાક પ્રિન્સિપાલો, તમારે નૉટો તો ઉતરાવવી પડશે, ભાઇ ! – જાડા કાચનાં ચશ્મેથી એવી કડકીલી ચીમકી આપતા હોય છે. આપણી તો મુખોમુખ પરમ્પરા; જેમાં શ્રુતિ-સ્મૃતિનો મહિમા. આજે એ મહિમા નષ્ટભ્રષ્ટ દીસે છે – અધ્યાપક મુખેથી વદે, વિદ્યાર્થી કાનેથી શ્રવણ કરે, પછી, જેવું જેટલું સ્મૃતિમાં આવે, ઉત્તરવહીમાં લખી પાડે, ને હસતો-રમતો ઘેર જાય.

ઋષિ હરતાં-ફરતાં ન ભણાવે. ઉપનિષદીય પદ્ધતિ હતી. ગુરુ પલાંઠીએ કે પદ્માસને બેસી વાત માંડે. સમક્ષ શિષ્ય બેસે. જ્ઞાનનું સર્જન અને ગ્રહણ ચાલે. પોડિયમને ટેકે ઊભા ઊભા બોલવાનું તો આપણે શી ખબર શેને માટે શીખ્યા છીએ ! છાતીસમાણાં એ અણઘડ ઑઠાંને લીધે વક્તાનું માત્રમાથું દેખાતું હોય છે. આયોજકોને એમ કે દેખાડવાલાયક તો વિદ્વાન મહોદયનું માથું છે, જે કંઈ પ્રગટવાનું એ, એમાંથી તો છે !

હમેશાં હું બેસીને વ્યાખ્યાન કરનારો, પણ એક વાર મારે પોડિયમનો પ્રસંગ પડેલો. ઊંચું પડતું’તું. સંસ્થાએ નક્કી રાખેલા સેવકે ફટાફટ પાટલી ગોઠવી આપેલી. એ પર ચડી થોડા મનોકચવાટ સાથે, અલબત્ત, હું સમ્યક્ વ્યાખ્યાન કરી શકેલો. આથી ઊંધું એ કે કેટલીયે કૉલેજોમાં સાહેબનાં ટેબલ-ખુરશી ને વિદ્યાર્થીઓની બૅન્ચીસ એક જ લેવલે હોય છે, પ્લૅટફૉર્મ હોતું જ નથી. અધ્યાપક-વિદ્યાર્થી એક જ સ્તરે – આમ તો, બરાબર ! પણ એટલે, મારી જેમ, બેસીને-બોલનારા વ્યાખ્યાતાનો પાછળ લગી ‘આઇ કૉન્ટેક’ થાય નહીં. બૅક-બૅન્ચર્સનો ઝીણો ગણગણાટ જરૂર સંભળાય.

અધ્યાપક સાંભળવાની ચીજ છે – ટીચર શૂડ બી હર્ડ – નામની રૂડી વસ્તુ આમ આજે રફેદફે થઈ રહી છે. જો કે, વિદ્યાર્થીઓ સાંભળે છે કે કેમ એની દરકાર રાખ્યા વિના બસ બોલ્યે જ રાખે, એવા આત્મનિતુષ્ટ અધ્યાપકો પણ મળી આવે છે. શું કરવાનું…

= = =

(January 4, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

4 January 2022 admin
← સાંપ્રત વિકાસ અંગે વિચારણા પર ડૉ વર્ગીસ કુરિયનની દેણગી : કેરળ ઉપરાંત અન્ય પ્રદેશો પર તેના પ્રત્યાઘાત
સાવરકરે તો લખી આપેલું કે પોતે બ્રિટિશ કાયદાઓનું પાલન કરશે →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved