હૈયાને દરબાર
મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે,
મુજને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે.
પથ્યાપથ્ય નથી સમજાતું, દુ:ખ સદૈવ રહે ઊભરાતું,
મને હશે શું થાતું, નાથ નિહાળજો રે.
અનાદિ આપ વૈદ છો સાચા, કોઇ ઉપાય વિશે નહિ કાચા,
દિવસ રહ્યા છે ટાંચા, વેળા વાળજો રે.
વિશ્વેશ્વર શું હજી વિચારો, બાજી હાથ છતાં કાં હારો ?
મહા મૂંઝારો મારો નટવર, ટાળજો રે.
કેશવ હરિ મારું શું થાશે, ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે?
લાજ તમારી જાશે, ભૂધર ભાળજો રે.
• કવિ : કેશવલાલ ભટ્ટ • ગાયિકા : પૌરવી દેસાઈ
૩૧મી ડિસેમ્બરે એક મિત્રનો ફોન આવ્યો. "થર્ટીફર્સ્ટનો શું પ્લાન છે? મનમાં થયું, આખા વરસના બધાં પ્લાન તો કચરા-પોતાં, રાંધવું, વાસણ ઊટકવાં અને કપડાં ધોવામાં જ ધોવાઈ ગયા. હવે ૩૧મીએ વળી શું કરવાનું!! છતાં તાત્કાલિક જવાબ એક જ સૂઝ્યો, "દુનિયા પરનું સંકટ ટળે એ માટે યજ્ઞ-હવન અને સત્ય નારાયણની પૂજા જ કરવાની હવે બાકી છે. ૩૧મીએ એ જ કરી દઈએ.
જવાબ, અલબત્ત, હળવાશપૂર્ણ જ હતો, પરંતુ ખરેખર વિચારીએ તો ઉજવણી શેની કરવાની? હતાશા, નિરાશા, ચિંતા, ઉદ્વેગ, વ્યગ્રતા અને વિડંબનાઓમાં જ ૨૦૨૦ની સાલ વીતી ગઈ. રોજ સવાર પડતાં ધ્રાસ્કો પડતો અને સહુની સલામતીની પ્રાર્થના આપોઆપ થઈ જતી હતી.
બાકી, જવાની જાનેમન, હસીન દિલરૂબા … જેવાં તરબતર ગીતો સાથેની નશીલી, મદહોશ થર્ટીફર્સ્ટ નાઈટનો કેવો ઈન્તજાર રહેતો! મિત્રો, પ્રિયજનો-સ્વજનો સાથે મળીને આનંદ-પ્રમોદ સાથે નવા વર્ષનું સ્વાગત થતું. ૩૧મી ડિસેમ્બરે કરનારાઓએ તો ઉજવણાં કર્યાં, ૨૦૨૦ના વિકટ વર્ષને વિદાય કર્યું, પરંતુ દરેકના જીવને અંદરથી ચચરાટ તો હતો જ, ૨૦૨૧ કેવું જશે!
એટલે જ નાનપણમાં સાંભળેલી એક સુંદર પ્રાર્થના સાથે ૨૦૨૧ને આવકારવું છે ; મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે …! જેમના કુટુંબમાં સંગીતનો પ્રભાવ હશે એમણે પોતાની માતા, નાની કે દાદી પાસે આ પ્રાર્થના સાંભળી જ હશે. મારી માને કંઠે મેં કેટલી ય વાર આ પ્રાર્થના નાનપણમાં સાંભળેલી, પરંતુ સાસુમાં ઉષાબહેન પણ હલકદાર કંઠે આજે ૮૬ વર્ષની ઉંમરે ય સરસ ગાઈ શકે છે. રાગ દેશ પર આધારિત આ સુંદર પ્રાર્થના એમણે વીડિયો રેકોર્ડ કરીને તાજેતરમાં જ મોકલી ત્યારે આનંદ-આશ્ચર્ય બંને થયાં હતાં.
કવિ કેશવલાલ ભટ્ટે ઈશ્વરને વૈદ્ય બનાવીને એમના હાથમાં નાડ સોંપવાની વાત કરી છે. મનુષ્ય જાત અત્યારે ભયના ઓથાર નીચે જીવી રહી છે.
આ ભયરોગની દવા કોની પાસે છે? ઈશ્વર સિવાય આ દર્દ કોઈ દૂર ન કરી શકે. નિર્મળ મનથી ઈશ્વર પર શ્રદ્ધા રાખો તો પરિસ્થિતિ બદલાય કે ન બદલાય, ભયાવહ મન:સ્થિતિ તો બદલાય જ છે. કવિ તેથી જ કહે છે કે તમે દયાના સાગર છો, કૃપાનિધાન છો, ભક્તોના ભય હરો છો, અમારો મૂંઝારો તમે જ સમજો છો એટલે જ મારી નાડ તમને સોંપું છું. તમારા ઉપાય સચોટ છે, તમે જ જીવવાની અને જીતવાની શક્તિ પ્રદાન કરી શકો છો એમ કહીને છેવટે કવિ ભગવાનને જ ચેલેન્જ આપે છે કે તમે અમને ભયમુક્ત, રોગમુક્ત નહીં કરો તો તમારી જ લાજ જાશે. આમ, પ્રાર્થનાની શક્તિ દ્વારા કવિ ઈશ્વરને કહે છે કે, તું મને પોતાનો સમજીને મારો ઈલાજ કર.
આવી પ્રાર્થનાની શક્તિની આવશ્યકતા આજે પણ છે જ. વેક્સિન ભલે આવી ગઈ છે છતાં આંતરિક શક્તિ કેળવવી આજના સમયમાં અનિવાર્ય છે.
આ પ્રાર્થનાના કવિ તરીકે ક્યાંક ‘કેશવ’ અથવા ‘કેશવરામ’ એવો નામોલ્લેખ જોવા મળતો હતો, પરંતુ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે જ્યાં ગૂગલ બાબા ન પહોંચે ત્યાં આપણા લેખક-વિવેચક દીપક મહેતા પહોંચી શકે. એમની પાસેથી કવિ કેશવલાલ હરિરામ ભટ્ટ (૧૮૫૧-૧૮૯૬) વિશેની યોગ્ય માહિતી તથા ફોટોગ્રાફ મળ્યાં એટલે દીપકભાઈનો ખાસ આભાર.
કવિ કેશવલાલ ભટ્ટ ૧૯મી સદીની સુધારા વિરોધી અને વૈદિક પરંપરાનો પુરસ્કાર કરતી સંસ્થા ‘વેદધર્મ સભા’ના વર્ષો સુધી મંત્રી તથા તેના મુખપત્ર ‘આર્યધર્મ પ્રકાશ’ના તંત્રી રહી ચૂક્યા હતા. એ સામયિક માટે તેમણે ઘણા લેખો લખ્યા, અનુવાદો કર્યા, પણ તેમાંનું ભાગ્યે જ કશું ગ્રંથસ્થ થયું છે. તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ ‘કેશવકૃતિ’ ૧૮૯૯માં પ્રગટ થયો હતો. તેમાંની મોટા ભાગની કૃતિઓ ઈશ્વરસ્તુતિ, અધ્યાત્મ, નીતિબોધ, વૈરાગ્ય, પ્રકૃતિ વર્ણન, વગેરેને લગતી અને મધ્યકાલીન કવિતાની પરંપરાને અનુસરતી છે. એક જમાનામાં તેમનાં કેટલાંક ભક્તિકાવ્યો સારાં એવાં લોકપ્રિય થયાં હતાં. તેમનાં ચાર ભજનોને ગાંધી આશ્રમમાં ગવાતાં પ્રાર્થના, ભજનો, ગીતોના સંગ્રહ આશ્રમ ભજનાવલિમાં સ્થાન મળ્યું છે તેથી એ ભજનો વધુ પ્રચલિત થયાં. મારી નાડ તમારે હાથ … નો સમાવેશ પણ આશ્રમ ભજનાવલિમાં થયો છે.
દુનિયાના દરેક માણસે ભૌતિક સુખો પાછળ એવી તે દોટ મૂકી છે કે ખબર નહીં એ ક્યાં જઈને ઊભો રહેશે. જો કે, કોવિડ કાળમાં માણસજાતે પર્યાવરણ સાથે કરેલાં ચેડાંની ભૂલ ધીમે ધીમે એને સમજાઈ રહી છે. સંઘરાખોરી, પૈસાનો દુર્વ્યય, અતિ ભૌતિકવાદની કિંમત આજે કોડીની છે. પહેલું સુખ તે જાતે નર્યા … કહેવતનું મૂલ્ય આજે સમજાય છે. વૈશ્વિક મહામારીના આ કપરા કાળમાં મનુષ્યે આત્મોન્નતિ માટે પ્રાર્થનાના મહત્ત્વને સમજવું એટલું જ જરૂરી છે. મનની શાંતિ અને શુદ્ધતા માટે જરૂરી છે પ્રાર્થના. જે રીતે શરીરને સ્વસ્થ રાખવા માટે ખોરાકની જરૂર પડે છે તેમ આપણા હૃદયને સ્વસ્થ રાખવા માટે શુદ્ધ મનથી પ્રાર્થના કરવી પડે છે. પ્રાર્થનાથી જ આપણું મન પવિત્ર અને પ્રસન્ન બને છે. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પ્રાર્થનાથી જ કરીએ છીએ, કારણ કે પ્રાર્થનાથી મનમાં સકારાત્મક ઊર્જાનો સંચય થાય છે, પ્રાર્થનાથી આપણા દોષો જોઈ શકીએ છીએ, એને દૂર કરી શકીએ છીએ. એટલે જ સાહિત્યકાર કાકા કાલેલકરે કહ્યું છે કે, ‘પ્રાર્થના હૃદયનું સ્નાન છે.’
મારી નાડ તમારે હાથ … પ્રાર્થના ઘણા કલાકારોએ ગાઈ છે, પરંતુ આજે વાત કરવી છે વરિષ્ઠ ગાયિકા આદરણીય પૌરવી દેસાઈની. એમના કંઠે આ પ્રાર્થના નિખરી ઊઠી છે. પૌરવીબહેને ઘણી ભક્તિ રચનાઓ, સુગમ સંગીત તેમ જ રંગભૂમિનાં ગીતો-ગરબા ગાયાં છે. શાસ્ત્રીય સંગીતમાં ‘સંગીત અલંકાર’ થયેલાં પૌરવીબહેન કહે છે, "નાનપણથી જ ઘરમાં સંગીતનું વાતાવરણ, જે લગ્ન પછી વધારે સમૃદ્ધ થયું. દર શુક્રવારે પાંચ ભજન ગાવાનો અમારો નિયમ હતો. એ રીતે ભક્તિ ગીતો નાનપણથી જ કંઠસ્થ હતાં. મારી નાડ … ખૂબ ભાવસભર પ્રાર્થના છે. રાજકોટમાં પુષ્પા છાયા નામે રેડિયો સિંગર હતાં એમની પાસે પહેલી વાર હું આ ભક્તિગીત શીખી હતી. ગ્રેજ્યુએશન મેં જૂનાગઢમાં કર્યું અને માસ્ટર્સ ડિગ્રી મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી મેળવી. ૨૨ વર્ષની વયથી જ રેડિયો પર ગાવાનું શરૂ કરી દીધું હતું, જે ૭૫ વર્ષની વય સુધી ગાયું.
પૌરવી દેસાઈ આજે ૮૩ વર્ષની ઉંમરે પણ કાર્યરત છે. લોકડાઉનને લીધે એમના સુગમસંગીતના વર્ગો હમણાં બંધ છે, પરંતુ ઓનલાઈન શિક્ષણ ચાલુ છે. પચાસેક શિષ્યોને એ તાલીમ આપી રહ્યાં છે. સાવ લો પ્રોફાઈલ રહીને સાઠ વર્ષથી તેઓ સંગીતનો યજ્ઞ અખંડપણે પ્રજવલિત કરી રહ્યાં છે. પૌરવીબહેનનું સૌથી લોકપ્રિય ગીત, વ્હાલમનું નામ એ તો મધમીઠું નામ … છે. કવિ ડૉ. સુધીર દેસાઈનાં આ ગીતને મુંબઈના સ્વરકાર રાસબિહારી દેસાઈએ સ્વરબદ્ધ કર્યું હતું. ગત નવરાત્રિ માટે ફાલ્ગુની પાઠકે વીડિયો દ્વારા ખાસ તૈયાર કરેલું ગીત ‘વ્હાલમનું નામ’ વળી પાછું લોકપ્રિય થયું અને એક અઠવાડિયામાં લાખો લોકોએ જોયું. ૪૫ વર્ષ પહેલાં રચાયેલું આ ગીત એ સમયે ‘વ્હાલમનું નામ …’ તરીકે જ પૌરવી દેસાઈએ પ્રચલિત કર્યું હતું અને એ જ નામે કેસેટ બહાર પાડી હતી.
પૌરવીબહેન કહે છે, "અમારી ’દેસાઈ’ ત્રિપુટી હતી. સુધીર દેસાઈ, રાસબિહારી દેસાઈ અને પૌરવી દેસાઈ. સુધીર દેસાઈ ગીત લખે, રાસભાઈ કમ્પોઝ કરે અને હું ગાઉં. એમ અમે ઘણાં ગીતો તૈયાર કર્યાં હતાં. રાસબિહારીભાઈ સંગીતના મર્મજ્ઞ. સમર્થ કલાકાર પાસે ગવડાવવાનું પસંદ કરે. એ રીતે આશિત દેસાઈ અને મને એમણે ઘણાં ગીત શીખવાડ્યાં હતાં. નિનુ મઝુમદારે મારી પાસે પહેલવહેલું મારું મનડું મૂંઝાણું, પંડિત વિનાયક વોરાએ યમુનાને આરે ગીત ગવડાવ્યાં હતાં. આ ઉપરાંત દિલીપ ધોળકિયા, પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત દેસાઈ, નવીન શાહ સહિત અનેક સ્વરકારોનાં ગીતો મેં ગાયાં છે.
પૌરવી દેસાઈએ ‘મનગમતાં ગીતો’ પુસ્તકનું સંપાદન કર્યું છે. થોડાં વર્ષો પહેલાં ‘મહાવીર દર્શન’ નામે ઓલ ઇન્ડિયા રેડિયો પર નવીન શાહની રાહબરીમાં એક કલાકનું રેડિયોરૂપક રજૂ થયું હતું, જેમાં પૌરવી દેસાઈ અને જગજિત સિંહ લીડ સિંગર્સ હતાં. પૌરવીબહેન શાસ્ત્રીય સંગીતનાં પરીક્ષક પણ રહી ચૂક્યાં છે. એમની ‘વ્હાલમનું નામ’ કેસેટમાં જુદા જુદા સંગીતકારોનાં ગીતોનું સંકલન છે, જેની અરેન્જમેન્ટ આશિત દેસાઈએ કરી છે. જૂની રંગભૂમિના સુરેશ કુમારે પૌરવી દેસાઈનાં ગીતો રેકોર્ડ કર્યાં છે.
વીજલ પટેલ, મનીષા ડૉક્ટર જેવાં સજ્જ શિષ્યો તૈયાર કરનાર પૌરવીબહેન પાસે ખેવના દેસાઈ જેવી યુવા પ્રતિભાઓ પણ તાલીમ લઈ રહી છે. આવાં પૌરવી દેસાઈને કંઠે એમનાં જ ગીતો સાંભળવા હોય તો ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે જ. બાકી, આજે તો પૌરવી દેસાઈના આ ભક્તિ ગીત દ્વારા ઈશ્વરને હ્રદયપૂર્વક પ્રાર્થના કરીએ કે; મારી નાડ તમારે હાથ, હરિ સંભાળજો રે ..! આ લખાઈ રહ્યું છે ત્યારે મારાં સ્કૂલ ટીચર જયશ્રીબહેન મહેતાએ ઓડિયો ક્લિપ દ્વારા એક સરસ પ્રાર્થના ગાઈને મોકલી છે; દીનાનાથ દયાળુ નટવર હાથ મારો મૂકશો મા! બન્ને પ્રાર્થનાનું હાર્દ એક જ છે એ સુભગ યોગાનુયોગ! નવા વર્ષની, સ્વસ્થ જીવનની સૌને શુભકામનાઓ! વેલકમ ૨૦૨૧!
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”; 07 જાન્યુઆરી 2021
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=672665