Opinion Magazine
Number of visits: 9504168
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારા ગાંધી 

નારાયણ દેસાઈ|Gandhiana|13 March 2025

નારાયણ દેસાઈ

વિવિધ પ્રકૃતિના માણસો સાથે સતત સંપર્ક રાખવાના ગાંધીજીના કેટલા ય રસ્તાઓમાંનો એક રસ્તો પત્રવ્યવહારનો હતો. ગાંધીજી પત્રલેખનકળામાં માહિર હતા. મહાત્મા ગાંધીની સર્વસંગ્રહ કૃતિઓનાં થોથાંઓમાં (ગાંધીજીનો અક્ષરદેહ) માત્ર અછડતી નજર જ ફેરવશો તો પણ તમે જોઈ શકશો કે ૫૦,૦૦૦ જેટલાં પાનાંઓમાંનો ગણનાપાત્ર ભાગ તો ગાંધીજીએ તેમના હસ્તાક્ષરોમાં પોસ્ટ કાર્ડ પર – લાઘવયુક્ત છતાં એટલી જ સ્પષ્ટતા સહિતની ઉત્કૃષ્ટતા સાથે લખાયેલો જણાશે. હું જ્યારે વાંચી કે લખી શકતો નહોતો, એવી ઉંમરે મને પહેલવહેલો પત્ર મળેલો. આશ્રમનાં બાળકોને દર અઠવાડિયે જેલમાંથી ગાંધી તરફથી સામૂહિક પત્ર મળતા. મારા જેવા જેઓ વાંચી-લખી શકતાં નહોતાં, તેવાઓ સવાલના રૂપમાં અમારા પત્રો અમારા સંગીતશિક્ષક પંડિત એન.એમ. ખરે પાસે લખાવતા. કેટલાક અગત્યના પ્રશ્નો પુછાતા ત્યારે ગાંધી પ્રશ્નકર્તાને વિશેષરૂપે જવાબ આપતા. આવો એક જવાબી પત્ર મને પણ મળ્યો, જ્યારે પંડિત ખરે પાસે મેં મારો પ્રશ્ન લખાવ્યો હતો. આશ્રમમાં જેનો પાઠ થતો એ ગીતામાં અર્જુન નાના પ્રશ્નો પૂછતો અને ભગવાન કૃષ્ણ તેના લાંબા લાંબા જવાબો આપતા, તો પછી અમે જ્યારે તમને સવાલો લખી જણાવીએ છીએ, ત્યારે તમે કેમ અમને નાનકડા ટૂંકા જવાબો જ આપો છો? બીજે અઠવાડિયે ચોક્કસ ગાંધીનો જવાબ મને ખાસ ઉદેશીને આવ્યો : ‘તને ખબર નથી કે કૃષ્ણને તો એક જ અર્જુન હતો ? મારે તો કેટલા છે!’

આનાથીયે ટૂંકો એમનો એક જવાબ મને યાદ આવે છે. કદાચ એમનો એ ટૂંકામાં ટૂંકો જવાબ હશે. મારી બાર વર્ષની ઉંમરે મારા પિતાએ મને વર્ધાની એક ‘નિયમિત’ ગણાતી શાળામાં દાખલ કર્યો. મેં એવી શાળામાં ન જવાનો નિર્ણય કર્યો અને ગાંધીને મેં એ શાળાની દરેક અણગમતી બાબત વિશે સર્વગ્રાહી વર્ણન કરતો પત્ર લખ્યો. બીજી જ સવારે એમનો ઝડપી જવાબ એક જ શબ્દમાં આવ્યો : ‘શાબાશ.’ કહેવાની જરૂર નથી કે મને ભણાવવાની મારા પિતાની જવાબદારીમાં સહભાગી થવાની બાંહેધરી તેમણે વળતા પત્રમાં આપી. મારા પિતાના મદદનીશની કામગીરી મને સોંપીને ગાંધીએ મને ભણાવવાનો નિર્ણય કર્યો.

ગાંધીનો સર્વગ્રાહી દૃષ્ટિકોણ એ બીજો એમનો ગુણ એમના સચિવાલયમાં એમની સાથે કામ કરતાં હું શીખ્યો. બીજા કરતાં કોઈ કામ જરા પણ બિનઅગત્યનું નથી. ખરેખર તો માનવસેવા એ જ ઇશ્વરસેવા છે, એવું તેઓ માનતા અને દરેક નાનકડી પ્રવૃત્તિ પણ પ્રાર્થના જેટલું જ મહત્ત્વ પ્રાપ્ત કરતી. જિંદગીને તેઓ વિભાજિત કરીને જોતા નહીં એટલે એમનાં વ્યક્તિગત જ્ઞાન, વલણ, કે કુશળતા સમાજસેવા સાથે સીધાં સંકળાતાં.

•••

1939માં ઘટેલી એક મહત્ત્વપૂર્ણ ઘટના મને યાદ આવે છે. 

બીજા વિશ્વયુદ્ધની ઘોષણા થતાં જ વાઇસરૉયે હિંદને મિત્રરાજ્યો તરફી હોવાની એકપક્ષી જાહેરાત કરી. સાત પ્રાંતોમાં વહીવટમાં રહેલી કાઁગ્રેસને પણ પૂછવામાં આવ્યું નહોતું. આ મુદ્દે કાઁગ્રેસી નેતાઓમાં ખળભળાટ થયો. આવા મહત્ત્વના મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા વાઇસરૉયે ગાંધીને નિમંત્ર્યા. બ્રિટિશ શાસન દરમ્યાનની ઉનાળુ રાજધાની સીમલામાં વાઇસરૉય હતા. થોડા દિવસની ચર્ચા વિચારણા પછી વાઇસરૉયને લાગ્યું કે ચર્ચાનો દોર ચાલુ રાખવા અગાઉ તેમને માટે લંડન તરફથી સલાહસૂચનો જરૂરી છે. આ કારણે લગભગ એકાદ અઠવાડિયાનો વિરામ લેવો પડયો.

એકાદ અઠવાડિયાના એ ‘વિરામ’ દરમિયાન હું તો સીમલાની આજુબાજુની હિમાલયની પર્વતમાળામાં ઘૂમવાના સપનાં જોતો હતો પણ ગાંધીજી પાસે તો બીજી જ યોજના હતી. તેમણે તો સામાન બાંધી સેવાગ્રામ પાછા ફરવાની તૈયારી કરવા કહ્યું. 

સેવાગ્રામ જતાં-આવતાં સામાન્ય રીતે બબ્બે દિવસો તો નીકળી જ જાય અને તેમને માંડ ત્રણેક દિવસ સેવાગ્રામમાં મળે. મધ્ય ભારતની ધોમધખતી ગરમીમાં આવી લાંબી યાત્રા કરવા માટે એવી કઈ વાત અગત્યની હતી? જ્યારે ગાંધીજીને અઠવાડિયામાં તો સીમલા પહોંચવું જરૂરી હતું. અમને એની નવાઈ લાગતી હતી, પણ ગાંધીજી એમના નિર્ણયમાં મક્કમ હતા. “તમે કેમ ભૂલી જાવ છો કે પરચૂરે શાસ્ત્રી ત્યાં છે?”

રક્તપિત્તથી પિડાતા પરચૂરે શાસ્ત્રી સંસ્કૃતના વિદ્વાન હતા. તેમના કુટુંબે તેમને ત્યજી દીધા હતા. અને તેમણે સેવાગ્રામના આશ્રમમાં ફક્ત શાંતિથી મરવા માટે જ શરણું શોધ્યું હતું. ગાંધીજીએ રાજીખુશીથી તેમને સ્વીકાર્યા હતા. “તમારી પહેલી ઇચ્છા અમને કબૂલ છે. તમે આશ્રમમાં રહી શકો છો પણ તમારી બીજી ઇચ્છા અમને માન્ય નથી. તમે અહીં એમ જ મરી ન શકો. અમે તમને સાજા કરવા મથીશું.”

રક્તપિત્તનો રોગ એ સમયે તો અસાધ્ય ગણાતો, એટલું જ નહીં સ્પર્શજન્ય (ચેપી) પણ. પરચૂરે શાસ્ત્રી માટે વાંસની એક કુટિર બનાવવામાં આવી અને બીજી સવારથી જ ગાંધીજીએ એમને માલિશ વગેરેથી સેવા કરવા માંડી. પોતાના કુટુંબથી પણ તરછોડાયેલા અને જેમની સંગત પણ લોકો માટે ડરામણી હતી તેવા પરચૂરે શાસ્ત્રીને માટે ગાંધીજીનો સેવાગ્રામ પાછા ફરવાનો નિર્ણય એક સંદેશ પણ હતો. સમર્થ બ્રિટિશ રાજ્યના પ્રતિનિધિ સાથે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિંદના મંતવ્યની ચર્ચા કરવા જેટલી જ પરચૂરે શાસ્ત્રીની સેવા પણ મહત્ત્વની હતી.

ગાંધીજી જિંદગીને એની સમગ્રતામાં જ જોતા. દાખલા તરીકે તેઓ નીતિશાસ્ત્રને અર્થશાસ્ત્રથી સ્વતંત્ર વિષય સમજતા નહીં. નીતિમત્તાથી વેગળું એકલું અર્થશાસ્ત્ર ગાંધીજીને મન આર્થિક અનીતિભર્યું હતું, અને માનવતા વિનાનું વિજ્ઞાન પશુતા ભરેલું.

માર્ચ 2, 1934ના ‘હરિજન’માં તેમણે કહેલું :

‘મારી જિંદગી એક અખંડિત પૂર્ણતા છે અને મારી દરેક પ્રવૃત્તિ એકબીજા સાથે સંકળાયેલી છે. તે બધાંનો ઉદ્દગમ માનવજાતિ પ્રત્યેના મારા અખૂટ પ્રેમમાંથી થયો છે.’ 

ગાંધીજી ભૂતકાળમાંથી ઉદારપણે મેળવતા રહ્યા છે પણ તેઓ ક્યારે ય અતીતના ગુલામ નહોતા. ગાંધી જે ભાષાથી વિકસતા રહ્યા, તે માનવજાતનો સાંસ્કૃતિક વારસો હતી. ખ્રિસ્તીઓને તેમની ભાષા બાઈબલના જેવી લાગતી તો હિંદુઓને વેદ, ઉપનિષદ, ગીતા અને મધ્યયુગીન સંતોની શાણી વાતો જેવી લાગતી. પણ બાપુ કહેતા કે મૂલ્યોનો ન્યાય કરવા માટે તો દરેકનું અંતઃકરણ જ સર્વોચ્ચ અદાલત માની શકાય. દાખલા તરીકે જો કોઈ વિદ્વાન એમ સાબિત કરે કે વેદો અસ્પૃશ્યતા શીખવે છે તો તેઓ વેદોને પણ હવામાં ઉડાડી દેવાનું પસંદ કરે.

ગાંધીજીને આવા અદ્વિતીય કઈ બાબતે બનાવ્યા ? કઈ વસ્તુએ એમને આટલા લોકપ્રિય બનાવ્યા ?

આકર્ષણ પેદા કરે એવા, આગેવાનના કેટલા ય ગુણો તેઓ ધરાવતા નહોતા. સ્નેહભીની આંખો અને હસતા ચહેરા સિવાય સામી વ્યક્તિને પ્રભાવિત કરે તેવી બીજી લાક્ષણિકતાઓ એમની પાસે નહોતી. જાણીતાં કવયિત્રી સરોજિની નાયડુ તો વહાલથી તેમને ‘મિકી માઉસ’ કહેતાં. તેમની પાસે કોઈ અતિ અસાધારણ વિદ્યાકીય સિદ્ધિઓ પણ નહોતી. એમના કરતાં વધારે સારી વાગ્પટુતા ધરાવનારા અનેક ભારતીય નેતાઓ હતા. પોતાની આધ્યાત્મિકતા માટે જાણીતા એવા અનેક બીજા માણસો હતા. કેટલા ય એવા સંતો હતા, જેઓ ત્યાગ, આત્મસંયમ અને સદાચાર માટે વિખ્યાત હતા. 

તો પછી કયા ગુણોએ ગાંધીજીને બીજાથી અલગ અને અનન્ય બનાવ્યા?

•••

ત્યારે એવા ક્યા ગુણોએ ગાંધીજીને બીજાથી અલગ અને અનન્ય બનાવ્યા ?

મારી દૃષ્ટિએ ગાંધીજીને નોંધપાત્ર રીતે અનન્ય બનાવનાર બે ખૂબીઓ છે. 

પહેલો ગુણ તે એમની સ્ફટિક જેવી અનાવિલ પારદર્શકતા. તેમના વિચાર, વાણી અને વર્તનમાં ક્યાંયે અસંગતિ કે વિસંવાદ નહોતા. હિંદવાસીઓ એમના આ ગુણને પોતાની આંતર્સૂઝથી અને અનુભવોથી જાણી ગયાં હતાં. આ અદનો આદમી જાહેરમાં પોતાની ‘હિમાલય જેવડી ભૂલો’નો સ્વીકાર કરી ચૂક્યો હતો. પ્રજાનાં પાપાચરણો માટે જાતે પશ્ચાત્તાપ કરી શકતો હતો. એની જાહેર વર્તણૂક અને અંગત આચરણો વચ્ચે ક્યારે ય પણ અંતર નહોતું. એની જીવનકિતાબ બીજાંઓ સામે હંમેશ ખુલ્લી જ રહેતી હતી.

એમને બીજાઓથી અલગ પાડનારી બીજી ખૂબી હતી માનવીમાત્રના ગૌરવને પુનઃસ્થાપિત કરવાની તેમની અદમ્ય ઝંખના. સ્વરાજપ્રાપ્તિ માટેના સંઘર્ષની તેમની રીત પણ અનોખી જ હતી. જો કે એમાં ઘણા ચઢાવ-ઉતાર આવ્યા. ગાંધીજીના બધા સત્યાગ્રહો કંઈ સફળ થયા નહોતા. પણ એમાંનો દરેક સત્યાગ્રહ – અસફળ સત્યાગ્રહ પણ – એમાં સંકળાયેલાં લોકોની સૈદ્ધાંતિક અને નૈતિક કક્ષાને ઉન્નત કરવા અને ક્યારેક ચકાસવા માટે પણ સતત ઉદ્યુક્ત રહ્યો. સાથીઓનાં પાપાચરણોને કારણે થતી બદનામી પોતે વહોરવાની તૈયારી પણ ગાંધીજી રાખતા, અને સાથીઓને જશ આપતા.

ગાંધીજી સંત હતા, પણ બીજા સંતોની જેમ સામાન્ય લોકોથી પોતાની જાતને અલગ ગણતા કે રાખતા નહીં. ગાંધીજી મુત્સદ્દી હતા, પણ બીજા રાજકારણીઓની જેમ નૈતિક જવાબદારીઓથી પોતાને મુક્ત માનતા નહીં. ગાંધીજીના આવા વ્યાપક દૃષ્ટિકોણના કારણે એમના ચરિત્રનાં અમુક રસપ્રદ પાસાંઓ પ્રગટ થઈ શક્યા. એમના ચરિત્રમાં તર્કવિવેક અને આંતર્સૂઝનાં તત્ત્વો સહજ રીતે વર્ણવાયેલા જોઈ શકાય છે. એમનામાં મનના ખુલ્લાપણાનો અને દૃઢતાનો સુખદ સમન્વય દેખાઈ આવે છે. અને એમનામાં આધુનિક વૈજ્ઞાનિક વલણ સાથે પ્રાચીન પરંપરાનું મિશ્રણ પણ દેખાય છે.

જીવન પ્રત્યેના એમના પાવન અભિગમમાંથી ઊગેલો એક બીજો ગુણ પણ તેમના રચનાત્મક કાર્યો પ્રત્યેના દૃષ્ટિકોણમાં, અને અહિંસા માટેના સીધાં પગલાંમાં જોવા મળે છે. આ બે વાતો વચ્ચે સંતુલન જાળવવાની એમના અનુયાયીઓ અને સાથીઓને ક્યારેક મૂંઝવણ થતી હતી; જ્યારે ગાંધીજીને એ કામ જરાયે મુશ્કેલ લાગતું નહોતું. લડત અને રચનાત્મક કાર્યો તેમની જિંદગીમાં દિવસ અને રાતની જેમ એકબીજાની સાથે વણાયેલાં રહેતાં અને તેમનાં બીજ વારાફરતી એકબીજામાં અંકુરિત થતાં રહેતાં.

લડત અને રચનાત્મક કાર્યો પ્રત્યેના એમના વલણથી એમના જીવનમાં એક બીજું સંયોજન પણ સર્જાયું હતું. આ સંયોજને કદાચ એમના વ્યક્તિત્વની એક મોટામાં મોટી લાક્ષણિકતાને પ્રગટ કરી. ગાંધીના સાધનશુદ્ધિના દૃઢાગ્રહથી જ ક્રાંતિકારીઓ, ક્રાંતિ અને તેના હેતુ વચ્ચે એક નવા પ્રકારનો બદલાવ આવ્યો. આ ત્રણેને એકબીજાથી ભાગ્યે જ કોઈ અલગ કરી શકે. ગાંધીના જીવનમાં તો આ ત્રણેનો પ્રયાગ ખાતેના ગંગા, જમના અને સરસ્વતીની ધારાઓની જેમ ત્રિવેણી સંગમ થયો.

[‘મારા ગાંધી’]
11-12-13 માર્ચ 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 251-252 અને 253

Loading

13 March 2025 Vipool Kalyani
← મેડમ કામા અને સ્ટુટગાર્ટ મિલનનો મહિમા!
આંધી @ 50: અસહજ સંબંધની સંવેદનાની સહજ અભિવ્યક્તિ  →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved