Opinion Magazine
Number of visits: 9448781
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માંકડ

અનિલ વ્યાસ|Opinion - Short Stories|10 December 2017

અચાનક આંખ ઊઘડી ગઈ. બોચીએ, ખભા પર બળતરા થતી હતી. ખંજવાળ અને ઢીમડાં .. ચોક્કસ કશુંક છે. રાત્રે પથારીમાં પડતાંવેંત ટોળાબંધ થાક આખાએ શરીરને ચૂરચૂર કરી મૂકે. પગ લંબાવી નસો ખેંચે ત્યારે એવું થાય કે આ ટટ્ટાર શરીર હમણાં લાકડું બની જશે. પણ કયારે બધું સાવ હળવું થઇ જાય ને ઊંઘ ઘેરી વળે પછી કશીએ સરત રહેતી નહિ. હથેળી શરીર પંપાળતી રહે, ટેરવાં ઢીમડાં ખોળી ખંજવાળતાં રહે ને એમાંથી ઊઠતી બળતરા અચાનક જગાડી દે છે.

અહીં નથી ક્યાં ય ધૂળ કે નથી મચ્છર. તો શું કરડે છે? હૂવર નથી પણ બ્રૂમ ઘસી ઘસીને કારપેટ ય ચોખ્ખી ચણાક રાખીએ છીએ. મેટ્રેસ ઊંચી કરી કેટલી ય વખત ચેક કરે છે પણ કશું હાથ નથી આવતું. અડધી રાત્રે કશુંક શરીરને ચોંટી ચટકા ભરી ભરી શરીર સૂજવી નાંખે છે.

સવારે પરેશ કહે, ‘કદાચ માંકડ કે ચાંચડ ના હોય.’

અિશ્વનભાઈ ખડખડાટ હસી પડ્યા. ‘માંકડ? માળા ગાંડા થઈ ગયા છે.’ જવાબમાં મનોજે હાથ લાંબો કરી ઢીમડાં દેખાડ્યાં. વલૂરના ઉઝરડા અને ઊખડેલી પરતથી રુંવાટી વચ્ચેની ચામડી તગતગી ગઈ હતી.  અિશ્વનભાઈએ જોયું ન જોયું કરતાં કહ્યું, ‘તમારાથી હીટરની ગરમી નહિ વેઠાતી હોય, હીટિંગનું ટાઈમિંગ સેટ કરવુ જોશે.’ ને શટર તરફ ફર્યા. શટરની જાળીઓમાંથી આવતો ઉજાસ ધીમે ધીમે ફેલાતો જતો હતો. મનોજે શાકભાજી પર ઢાંકેલા છાપાં ઉઠાવવા માંડ્યા. ખુલ્લા ભાગમાંથી આવતી ઠંડી હવા શરીર થથરાવતી હતી પણ એથી ઢીમડાં અને  ઉઝરડા પર રાહત લાગતી હતી. અણે સ્ફૂિર્તથી ટેબલો સરખાં કરતાં એકે એક ખાનાંઓમાં પડેલું શાક અવળસવળ કરવા માંડ્યું. ઘડિયાળનો કાંટો ધીમે ધીમે નવ સુધી પહોંચે એ પહેલાં બધું અટોપવાનું. આખી શોપ ટાઈડી કરવાની અને સારાં સારાં, લીલાંછમ શાક ઝટ નજરે ચઢે એમ ગોઠવવાનાં. વહેલી સવારથી ખોખાંઓ ઠાલવી  શાકભાજીના ઢગલામાંથી ચીમળાયેલાં કે ઢીલાં લાગતાં શાક જુદાં તારવવાનાં અને મધ્યમસરનાં જુદાં. પછી જલદી બગડી જાય એવાં શાકની ઢગલીઓ બનાવી પારદર્શક પોલિથિન બેગમાં પેક કરી સીલ લગાવાનાં. વજન તો અંદાજ આવી ગયેલો એટલે કરવું પડતું નહિ પણ ઠંડુંગાર શાક પાતળાં પ્લાસ્ટિકનાં મોજાંને વીંધીં હાડકાં થીજવી દેતું. નાકમાં પેસી જતી વાસી ગંધ સવારે ખાધેલાં બ્રેડ અને ચાનો બ્રેકફાસ્ટ વલોવતી હતી. ઊબકો આવવા જેવું થયું ત્યાં કોઈએ શેકેલી, ઘી ચોપડેલી  ગરમાગરમ ભાખરી ભાણામાં પીરસી દીધી.

‘ના કહ્યું ને.’

‘હવે ખવાઈ જશે ગરમ ગરમ.’

એક જ પળ, ને વળતી પળે સાવધ થતાં એ ઊબકો દબાવ્યો, ત્યારે થયું એ ઘરમાં નહિ, લંડનમાં છે. અહીં એવી ભાખરી મળે જ છે, જરા જુદી રીતે ખાવાની માઈક્રોવેવમાં ગરમ કરીને. એમ તો  ગાંઠિયા અને ચવાણાની ય મજા છે પણ પાઉન્ડ? યસ, પાઉન્ડ જો એ ના બચે તો???

તો અા અિશ્વનભાઈ જેન્ટલમૅન છે એટલે રહેવા સાથે નાસ્તાની સગવડ કરી આપી છે. પરેશ કે’ છે, ‘લ્યા, પડી રે’વા નવેરી આલી એને સગવડ ગણવાની? આપણું ઘરે ય યાદ નહિ?’ મનોજ એક ક્ષણ  હાથ લંબાવી અડી શકાય એવી દીવાલોને તાકી રહેલો. … ઘર તો આકાશમાં ઊડતું વિમાન ધીમે ધીમે નાનું થતું જતું ઓગળી જાય એમ ઓગળી ગયું હતું. ઢગલે ઢગલાં વાદળો જેવી લાગણીઓ કશા ય ગોરંભા વગર ફરફરતી અને વરસું વરસું થતાં છેક ઉપરના હવામાનમાં થીજી રહે એમ ઠીંગરાઈ જતી. આંખમાં આંસુ તગતગી ઊઠે કે ડૂમો ભરાઈ આવે ત્યારે હેતલની વાળમાં ફરતી આંગળીઓની યાદ આવતી ને પાધરુંક એનું હસતું મોં એવુ અપેક્ષાભર્યું તાકી રહેતું કે આપોઆપ હથેળીઓ કામે વળગી પડતી.

કરોડરજ્જુનો છેડો ખેંચતી આખાએ શ્રોણીફલકને આમળતી હોય એમ અનુભવાતું ને વહેલી સવારે ટ્રોલીમાં ખડકાયેલી પૅલૅટ ખાલી કરતાં બધો ય અમળાટ ઓગળીને રેલાઈ જતો, એમાં  અિશ્વનભાઈ ઉર્ફે એ.બી.ની જીભના ચાબખા છમ છમ છમકોરાતા. એ ચૂપચાપ ખોખાંઓ ઉતારતો, થપ્પીઓ ખેસવતો  અને એક એક મિનિટ ગોઠવાતી જતી હોય એમ ગોઠવતો. અિશ્વનભાઈ બૂમો મારતા જતા : ‘આમ નહિ એ ય ડફોળ .. આમ નહિ, આ બાજુ.’

’એ ડફોળ તું આમાં ધ્યાન રાખને ડાફળિયાં માર્યા વગર, ચલ પાનું ફેરવ.’

રામજી ‘જી, શાયેબ પૉનું.’ કહી જીભ બહાર કાઢી આંગળી ભીની કરવા જતો કે એનાથી હાથ ઉગામાઈ જતો. રામજી દાંત વચ્ચે લબકતી જીભે ઝીણું ઝીણું મલકતો. એ હસી ને કાગળો પર સહી કરતો. બહાર સતત ચહલપહલ રહેતી પણ  ક્યારે ય કોઈ પરવાનગી વગર એની ઓફિસમાં પ્રવેશી શકતું નહિ. એની છાપ એક પ્રામાણિક, સ્વભાવે આકરા અને આખાબોલા અધિકારી તરીકેની હતી. એની કામ લેવાની આગવી પધ્ધતિ હતી. દરેક કામની યાદી બનાવવી, એ થયું કે નહિ તેની નોંધ કરવી અને વ્યક્તિ પાસે સમયસર એની ઉઘરાણી કરવી. આને કારણે સ્ટાફ અસમંજસમાં રહેતો કે સાહેબને બધું યાદ કેવી રીતે રહે છે? પણ મનોજ બી. ત્રિવેદી, તાલુકા વિકાસ અધિકારીશ્રી કોઈ જાદુગરની જેમ તુમારોની યાદી અને ચડત ફાઈલો જીભના ટેરવે ફેરવતા.

આ પરાયા મુલકમાં ફાઈલો શાક અને કરિયાણામાં ફેરવાઈ ગઈ. અજાણપણે જ બધો રોષ બીડતો હોય એમ એનાથી મુઠ્ઠીઓ વળાઈ ગઈ, પછી આ ખોલી નાંખીશ ને અંદરથી કશું જ નહિ નીકળે તો? એવી બીકમાં ચૂપચાપ બંધ મુઠ્ઠી તાકી રહ્યો. એ.બી.ની નજર એને આમ ઊભેલો જોઈ કતરાઈ. ‘એ ય બોક્સર! ફિસ્ટ ઓફ ફ્યુરીની અદામાંથી બહાર આવી જરા ત્રીજી લાઇનમાં નજર કરો. ત્યાં રાઈસ બેગો જો, કેમ અપસાઈડ ડાઉન ગોઠવેલી છે?’

સાંભળતાં જ એને પોતાના શબ્દો યાદ આવી ગયા. ઘરમાં દરેક વસ્તુ એની યોગ્ય જગ્યાએ જ હોય એ માટે હેતલને પળમાં પાણીની કરી નાંખતો. એને એ કેવું વીતતું હશે એ અહેસાસને ચગળતાં એણે ત્રીજી રેક તરફ ઝડપથી પગ ઉપાડ્યો. રાઈસબેગો સવળી ગોઠવી એણે તમામ ખાનાંઓમાં નજર ફેરવી લીધી. બધું ઠીકઠાક કરતો આગળ વધ્યો ત્યારે ફુલાવર અને ટામેટાંના ખાનાં આડાઅવળાં થઇ ગયાં હતાં. સ્ત્રીઓ … બબડતાં એણે બધું સરખું કરવા માંડ્યું. ખૂટતાં ખાનાંઓ સતત ભરાતાં રહેવાં જોઈએ. પાછળ ગોડાઉનમાંથી બોક્સ ચકાસી ઠાલવતા રહેવાનું. એક એક પળે એ.બી.ના હુકમ મુજબ હાથ પગ હાંક્યે રાખવાના. કશું કામ ના હોય તો ખાલી ખોખાં વાળીને થપ્પીઓ બનાવવાની કે થોડો કચરો નીકળશે જ એવી શ્રધ્ધા સાથે બ્રૂમ  ફેરવી દેવાનું. એક એક પેની લોહીનાં ટીપાંની જેમ કસાઈને આવે છે એમ એ.બી. માનતા એટલે કામ પણ કસદાર થવું જોઈએ. એટલામાં દેવજીભાઈ પ્રગટ  થયા. ‘બૉસ, એ.બી. ગોન.’ અિશ્વન બબલદાસની ગેરહાજરી ખુશનુમા હવાની જેમ ફરી વળે એ પહેલાં કાતિલ ઠંડીના લખલખાં જેવી  ફાલ્ગુનીદેવીની પાતળી ચીસ સ્ટોરમાં પડઘાઈ. એ.બી. જે કંઈ કરે કે ગોઠવાવે એમાં કશી ક્રિએટિવિટી હોતી નથી એવી એમની ચોક્કસ માન્યતા હતી એટલે આખી શૉપ નવેસરથી ગોઠવાય પછી જ એમનાથી ઓરેન્જ જ્યુસ મોઢે માંડી શકાતો.

‘લે માર્યા ઠાર! આ તો ભૂત ગયું ને પલીત આયું.’ મનોજે સહેજ ઠપકાભરી આંખે એમની સામે જોયું એ સહન ન થતું હોય એમ દેવજીભાઈએ નીચલો હોઠ મરડી ‘હુ કેર્સ!’-નો ઇશારો કરતાં પોતાના મેંગો કોર્નર તરફ ડગલું ભર્યું. દેવજીભાઈનો ઇન્ડિયામાં ટ્રાન્સપોર્ટનો બિઝનેસ હતો. દસેક ટ્રકો હતી અને એમના કહેવા મુજબ સાચી નીતિથી ધંધો કર્યો એમાં વીસેક પેટીની વાટ લાગી ગઈ હતી. જો કે એ હારી ખાવાના નથી અને પાઈએ પાઈનું દેવું ચૂકવી દેવાના કઠોર નિર્ણય સાથે લંડનમાં રહી પડ્યા છે. દેવું કેટલું ચૂકવાયું એ લેતી દેતીનો હિસાબ એટલે એની સામે જિંદગીના સરવાળા બાદબાકી કરવા પડે! યુ.કે. ઈમિગ્રેશનની સમજણ બહારની વસ્તુ એ બરાબર સમજે છે ને એમનાં વાઈફ અને સનને તેડાવવાના વેંતમાં છે. કામના એ ચોક્કસ, ઉપરાંત તક મળ્યે એના પુરાવા એ.બી. તો ઠીક, ફાલુમૅમને પણ આપી શકતા. મૅમ એવી રજેરજ ચકાસી ખુશ થતાં, ‘થેન્કસ દેવુભાઈય.’

ધીમે ધીમે ભીડ વધતી જતી હતી. શનિ રવિ ઈલિંગ રોડ હકડેઠઠ જતા. બની ઠનીને આવેલી ગુજરાતણોને જોઈ આંખ સામે ઢાલગરવાડ તરી આવતી. ભાત ભાતના અવાજો વચ્ચે સસ્તું શાક શોધવા એકે એક પાટિયું તપાસતી બહેનોને નજરભર જોઈ ત્યાં ફાલ્ગુનીબહેનનાં ચક્ષુ, ખાસ તો એ.બી. જેનાથી થરથરી ઊઠતા એ વિશિષ્ઠ અદા છોડતાં તાડૂક્યાં. બળદને આર ઘોંચાય ને  પગ ઊપડે એમ મનોજ કામે વળગ્યો પણ મન પહોંચી ગયું શાસ્ત્રીનગર શાકમાર્કેટ …

હેતલ જીદપૂર્વક શાક લેવા તાણી જતી. એ શાક લેતી હોય ત્યારે એ લારીઓ પર ફરતી સ્ત્રીઓને જોયા કરતો. ગિરીશે લગ્ન માટે પંદરેક છોકરીઓ જોઈ હતી. રમામાશી બરાબર અકળાઈ ગયેલાં કહે : ‘ભઈ, આ મૂઓ એકે વાતે બંધાતો નથી. છોડીઓના નખમાં ય વાંધા કાઢે છે. પગના નખ એને શું વતેડાવવાના છે?’

હેતલ કહે, ‘માશી એમને એક વાર  શાકમાર્કેટ મોકલો મારી જોડે એટલે એમને સાચેસાચ સ્વપ્ન સુંદરીઓ કેવી લાગે એ દેખાડી દઉં.’

એ વિચારમાં ને વિચારમાં ભીંડાનું બોક્સ ઠાલવવું ભૂલી ગયો ને કોઈ બહેને રહ્યા સહ્યા ભીંડા જોઇ મોં મચકોડતાં ફાલ્ગુનીબહેનને ફરિયાદ કરી. એ નવું બોક્સ ઠાલવવા જતો હતો ને ફાલ્ગુનીબહેન વિફર્યાંં, ‘રેવા દે ભઈ, તું ભરી રહ્યો ભીંડા.  લીવ ધ શૉપ નાઉ, પ્લીઝ.’

કાબેલ જાદુગર જેવી નજરબંધીથી લાકડું થઇ ગયેલા મનોજની આંખ સામે ફાલ્ગુનીબહેનનો પંજો ફેલાયો. એમાંથી છૂટતો તેજોપ્રવાહ એને હડસેલતો હોય એમ એ પાછળ ખસ્યો ને ભીંડાનું બોક્સ ક્યારે જમીન પર પછડાયું એની સરત ન રહી. એ જ વખતે કોઈ પરિચિત સામે આવી જતાં ફાલ્ગુનીબહેન મલક્યાં અને પેલો પંજો વાળી લેતાં ચોફેર વેરાયેલા ભીંડા સામે જોતાં બોલ્યાં, ‘ભરવા તો લાગો હવે.’ સાંભળતા જ એના અંગે અંગમાં વિજસંચાર થયો.  નીચા નમી  ઝડપથી ભીંડા ભરવા માંડ્યાં. રેક સરખી કરી અંદર આવ્યો ને દેવજીભાઈ સાથે નજર મળતાં આંખ ભરાઈ આવી. વળેલાં પાણીની પરતથી ઝાંખો થઈ ગયેલો એમનો ચહેરો પૂરેપૂરો પમાય એ પહેલાં હેતલ, આકાશ અને રીરીના ચહેરા તરવર્યા. એણે ઝડપથી આંખો લૂછી કામ ઉપાડ્યું.

સાંજે એ.બી. આવ્યા ને રાબેતા મુજબની સૂચનાઓ આપી દુકાન વધાવવા ફર્યા એટલે નોકરીમાંથી સૅક થવાની ભોંઠપમાંથી બચી ગયાની લાગણીએ થયું : લાવ, એક ડ્રીન્ક લઈ લઉં. માંકડ કરડશે તો ય ખબર નહિ પડે.

સ્ટ્રોંગ બિયરની અકળાવનારી વાસ ઉવેખીને ઘૂંટડો ઉતારી એણે ઝડપથી કોળિયો ભર્યો. શાકની તીખાશથી મોમાં કડવો તૂરો સ્વાદ બદલાયો ને ભીડાયેલું જડબું, ભેગા થઈ ગયેલા નાક હોઠ એના મૂળ સ્વરૂપમાં આવ્યાં. એ જોઈ પરેશે હાથ લંબાવી બિયરનું કૅન ઉપાડ્યું ને બોલ્યો, ‘એમાં મોઢાં શું બગાડવાના? એન્જોય ઈટ ટીડીઓ સા’બ.’ સાંભળી, મોંમાં ચવાતો કોળિયો એના મોં પર થૂંકવાની ઇચ્છા મનોજે માંડ માંડ દબાવી.

પરેશ સ્ટુડન્ટ વીઝા પર તાજો તાજો આવેલો. રોંગ ટાઇમે એણે યુ.કે.માં એન્ટ્રી મારી એટલે પ્રોપર જૉબનો મેળ પડ્યો નહિ. રહેવાનો ખરચો કાઢવા એ ‘એ.બી. ફ્રુટ્સમાં જોડાઈ ગયો. એ.બી. અઠવાડિયાના વીસ કલાકની પૅ સ્લીપ આપતા અને બાકીના કૅશ! પછી બીજે જૉબ શોધવાનો ટાઇમે ય ન રહ્યો. એ ઘણી વાર રાત્રે ભીંતમાં પગ પછાડતાં કરાંજતો, ના .. ના .. કહેતાં ગંદી ગાળો બબડતો અને અવળો ફરી એકધારાં નસકોરાં બોલાવતો.

●   ●   ●

આ અઠવાડિયે એ.બી.એ થોડાક નવા નિયમો શીખવેલા ને સાંજે વન ટુ વન ચર્ચેલા એટલે  સાંજથી જ સ્ટુડન્ટ ગુસ્સામાં હતો.

‘જુઓ મનોજકુમાર આજે એક પણ માંકડ કરડ્યો છે તો આ મેટ્રેસ હું બહાર ફેંકી દઈશ.’

‘ફીલ ફ્રી.’ કહી મનોજે બિયરનો છેલ્લો ઘૂંટ ભર્યો. દેવજીભાઈ કહે, ‘એના કરતાં કંઈક સ્પ્રે શોધી લાય.’

‘તમે વાત જ ના કરતા. હું સૅન્સબરી, બી એન્ડ ક્યૂ, અને વિક્સમાં ય શોધી વળ્યો. ટાંટિયા ફરી ગયા પણ .. આ દેશમાં ફૂલઝાડને કરડતા જંતુ મારવાના પચાસ જાતના સ્પ્રે મળે છે પણ માણસને કરડતા જંતુના નહિ, સમજ્યા.’

‘ના હોય.’

‘તો હું ખોટું બોલું છું? સાલાઓ માખી ને ભમરા મારવાની દવા વેચે છે ને બૅડ બગ્સ માટે કે’ છે કાઉન્સિલમાં કમ્પલેઈન કરો.’

‘એ તો નક્કી છે કે એ.બી. કાઉન્સિલમાં ફોન કરી પેસ્ટ કંટ્રોલ બોલાવી શકવાના નથી. બિઝનેસ પ્રિમાઈસીસમાં રેસિડેન્શિયલ એકોમોડેશન? શું જવાબ આપે?’

દેવજીભાઈ કહે, ‘સો વાતની એક વાત, આ માંકડ આપણને છોડવાના નથી.’

‘કે તમે માંકડને? હવે તો તમારું દેવું ય પતી ગયું. નથી જવું ઈન્ડિયા? ભાભી યાદ આવે છે કે નહિ?’ કહેતાં પરેશ આડો પડ્યો.

‘મારે તો છોકરાં કોલેજમાં છે. આ ટી,ડી.ઓ સાહેબને પૂછ.’

મનોજ ચૂપચાપ દીવાલ પર પડેલા ઘેરા ટપકાને ધારી ધારી જોઈ રહ્યો હતો, એ નક્કી નહોતું થતું માંકડ  ચોંટ્યો છે કે લોહીનો ડાઘ છે?

‘શું તાકી રહ્યો છે?’ દેવજીભાઈએ નજીક આવતા પૂછયું, કંઈ પ્રોબ્લેમ છે?’

‘ના. બસ આ ઉજાગરા કેવી રીતે ટાળવા એ વિચારું છું.’

‘ઉજાગરો!’ લાંબા સ્વરે બોલતા દેવજીભાઈએ હથેળીઓ હવામાં ઘુમાવી. પરેશ કહે ‘મેં તપાસ કરી છે. કાઉન્સિલનો માણસ જ પ્રાઇવેટલી પેસ્ટ કંટ્રોલ કરી જાય છે. ૩૦૦ પાઉન્ડ.  બટ નો બેડબગ્સ ફોર વન ઈયર ગેરંટીડ.’

‘થ્રી હન્ડ્રેડ ક્વીન? આર યૂ કિડિંગ?’

‘વ્હાય શુડ આઈ?’ કહી પરેશ મનોજ તરફ અપેક્ષાભર્યું તાકી રહ્યો.

મનોજને અચાનક ફાલ્ગુનીબહેન યાદ આવી ગયાં. ભીંડાવાળી ઘટના પછી એ એને  સહેજ જુદી રીતે જોતાં થયેલાં. મનોજ બરાબર ઓળખતો એમની એ નજર. શિયાળામાં ધાબા પર કસરત કરતો ત્યારે બાજુના બ્લોકવાળાં સરલાબહેન કાયમ ધાબે કપડાં સૂકવવાને બહાને એને જોયા કરતાં. કદી કશું બોલેલાં નહિ પણ નિયમ પાળતાં. એમની એ નજર … એ ભાવ સાચો પાડવો હોય એમ એમણે સાંજે એને બોલાવેલો.

‘તમે ૩૦૦ પાઉન્ડ માગ્યા’તા એ.બી. પાસે?

‘હા. મારે ઇન્ડિયા મોકલાવા છે એટલે ઉપાડ માગ્યો હતો.’

‘એક કામ કરો સાંજના શૉપ બંધ કરી તમે ઘરે આવી જજો, ને આજથી શૉપની ચાવી તમારે રાખવાની.’

ઘેર શું થયું એની કલ્પના સહેજ કંપાવી મૂકે એ કરતાં વધારે તો જાત પર શરમ વછૂટે છે. પોતે આટલો માટીપગો? સ્ત્રી કદાચ એવી રીતે બેફામ બને પણ એ? એનું ચારિત્ર્ય, એના આદર્શ .. ક્યાં ગયું બધું? પેલો સંકોચ, ના .. ના .. વિરોધ, ખચકાટ .. સઘળું વળોટી કોઈ સ્વીચ દબાવે ને રોબોટ કામે વળગે એમ .. શું કર્યું તેં આ? પસ્તાવો કર્યે જાત ચોર્યાનો અહેસાસ થોડો મટવાનો?

સાંજે ઇન્ડિયા પૈસા ટ્રાન્સફર કરતો હતો ત્યારે ‘પ્રિટી વુમન‘(ફિલ્મ)ની જુલિયા રોબર્ટસ યાદ આવી ગઈ. રિચાર્ડ ગેરની જાંઘ પર બેસી એને પૂછતી, ‘શું કરું, બોલ?’ હાથમાંથી પડી ગયેલા પાઉન્ડ પાછા ઉપાડતો હતો ત્યારે કેશિયરે પૂછયું, ‘ઓ‘રાઈટ છો ને, મનોજભાઈ?’ અણે કહ્યું, ‘યસ. નો વરીઝ્સ’ ને એ જ પળે નિર્ણય કર્યો : હવે ગમે તે થાય પાછા જવું. નથી રહેવું આ દેશમાં. લાવ કહી દઉં હેતલને ફોન કરીને હું આવું છું. ગાંડી ગાંડી થઈ જશે. ઘડિયાળમાં જોયું અત્યારે તો ત્યાં રાતના સાડાબાર જેવું થયું. કાલે સવારે.

●   ●   ●

રાત્રે દેવજીભાઈને વાત કરી તો એ ભડક્યા. ‘તમે તો પાગલ છો કે શું? ખબરદાર આવા ખેલ કર્યા છે તો. લોકો વિઝિટર વીઝા માટે ચારપાંચ પેટી ચૂકવે છે તો ય મેળ પડતો નથી, શું.’ પછી કાનમાં પૂછતા હોય એમ બોલ્યા, ‘નોકરીમાં કંઈ થયું ત્યાં?’

‘ના. હજી કોઈ એવી તપાસ શરૂ થઈ નથી.’

‘તો પછી? પૈસાનો પ્રોબ્લેમ છે?’

‘બસ, મન નથી, દેવુભાઈ.’

‘એવું કેવું મન? હમજ્યા હવે. છોડી દો એ વાત જ છોડો. ચલો પબમાં જઈએ. મજા આવશે.’

આમને કેમ સમજાવવી મનની હાલત? મન કરતાં ય જાતનું  ધીમેધીમે થતું જતું ધોવાણ ક્યાં જઈ અટકશે? સવારે અરીસામાં જોઉં ને કોઈ બીજો જ ચહેરો દેખાય તો?

કેવી અધિકારભરી નજરથી જુએ છે ફાલ્ગુનીબહેન? હેતલ સિવાય કોઈએ આવા હકથી જોયું નથી ને આ? પણ બ્રેકનો ટાઈમ હતો એટલે એમનો સામનો કર્યા સિવાય છૂટકો ન હતો.

‘હું બ્રેકમાં જઈને આવું.’

‘કેમ અહીં બ્રેક નહિ લેવાય?’

‘મારે એક ફોન કરવો હતો.’

‘ઇન્ડિયા હેતલને?’ એક ભ્રમર ઊંચી કરતાં સહેજ જુદી જ ઢબે એમણે પૂછયું.

‘ના. બીજું કામ છે.’

‘ઠીક, જલદી આવજો પાછા. હું ટિફિન લાવી છું, સાથે જમીએ.’

ચામડી ચીરતી કંપારી અનુભવતો બહાર આવ્યો ને ઠંડી ઘેરી વળી. ટોપી નીચી ખેંચતાં કાન ઢાંકતો એ ફોન બૂથમાં પ્રવેશ્યો.

ઘરની વાતો પછી હેતલને એણે કહ્યું, ‘મારે એક ખાસ વાત કરવી છે.’

‘બોલો ને.’

‘હું પાછો આવું છું.’

‘શું? શું કો’ છો?’

‘હું પાછો આવું છું, હેતલ. બસ, બહુ થયું.’

‘પણ આમ એકાએક? કંઈ ઝઘડો બઘડો થયો કોઈની સાથે?’

‘ના.’

‘તો જોબમાં પ્રોબ્લેમ થયો છે? ઇમિગ્રેશનનો લોચો છે?’

‘કશું નથી, હેતલ, હું કંટાળી ગયો છું આવી જિંદગીથી. હું તને કેવી રીતે સમજાવું, મારું કોઈ અસ્તિત્વ જ નથી. હું સાવ … આઈ એમ લોસ્ટ.’

‘શું સાવ .. કેમ આમ કરો છો? સાચુ કો’ હું યાદ આવું છું ને?’

‘એ તો છે જ પણ ..’

‘ના બકા, આમ ઢીલા નહિ થવાનું. હજી આપણી પાસે ઘણો સમય છે. ને જો, સંજોગો ય આપણી ફેવરમાં છે. ગણાત્રા સાહેબે મને સ્યોરિટી આપી  છે કે એ છે ત્યાં સુધી તમારી ફાઈલને કોઈ અડશે નહિ, જેટલું રોકાવું હોય એટલું રોકાય. પછી?’

‘હું ઉબાઈ ગયો છું, હેત.’

‘એવું શું ઊબાવાનું? અહીં કયારે આપણે આટલું કમાઈ શકવાના? જરા વિચાર તો કરો. કાલ ઊઠીને આકાશને સારી લાઈનમાં મૂકવો પડશે. પાછળ ને પાછળ રીરીબહેન.’

‘એટલે હું રૂપિયા કમાવાનું મશીન છું.’

‘કેમ આડું બોલો છો?  ચોક્કસ તમને કશુંક થયું છે. હું હમણાં જ  પરેશભાઈને ફોન કરું છું. તમે ફોન મૂકી દો હમણાં, હું ફોન કરીશ રાતે. ને કોઈ ખોટા વિચારો કરવાના નથી.’

‘પણ હું ખોટા વિચાર કરતો જ નથી.’

‘એની તમને વધારે ખબર કે મને? મનોજ પ્લીઝ, જો આપણને માંડ ચાન્સ મલ્યો છે ને તું … નથી કરવી મારે વાત. પહેલાં કે’ જમ્યો? ચલ ‘સૂરજ’માંથી થેપલાં ને શાક લઈ જમી લે. હું ફોન કરું છું નિરાંતે.’

‘જમ્યો જ છું હવે. કશી વાત સમજતી નથી ને …’

‘શું સમજું? આઈ લવ યુ, મિસિંગ યુ લોટ પણ તું આમ … ’બોલતાં હેતલ ઘ્રુસકે ઘ્રુસકે રડી પડી.

‘હેતલ, હેતા તું રડ નહિ. સાંભળે છે? હેતલ … કહું છું …’

ફોન મુકાયાનો પોલો ખટકારો કાનમાં ઘૂમરાઈને છેક ઊંડે સુધી પેસી ગયો. — જા જમી આવ, અહીં આવીને જોઈશ ને કેવું જમું છું તો રણચંડી બનીને તાણી જઈશ. ઇડિયટ છે સાવ! ભોગ તારા. બબડતાં એણે  દુકાન તરફ પગ ઉપાડ્યો.

●   ●   ●

પરેશ કોઈ પાસેથી બેડબગ્સ કિલર લઈ આવ્યો હતો. કહે, ‘સાલું લંડન ને અમદાવાદ બધું સરખું. અહીંયા ય બ્લેકમાં બધું મળી જાય છે. આટલી શીશીના પંદર પાઉન્ડ કાંચી લીધા.’

દેવજીભાઈ મોટું બગાસું લઈ બોલ્યા, ‘હમજ્યા હવે. આ માંકડિયા ટળે એટલે નિરાંત. ઓફના દા’ડે એકાદ કામ શોધી પાડીએ.’

‘બીજું કામ?’

‘હાસ્તો. આપણાં ઓલે થોડાં શેઠાણી ટિફિન લાવવાનાં છે.’ કહી દેવજીભાઈ હસ્યા.

‘ગરજ વગર કોઈ કશું કરતું નથી દેવજીભાઈ, એ સમજી લેવાનું.’ કહી મનોજે સ્પ્રે પર લખેલી સૂચનાઓ વાંચવા માંડી. પછી બન્નેને નીચે જવા ઇશારો કરી મોં એ રૂમાલ બાંધી સ્પ્રે છાંટવા માંડ્યો. આખા ઓરડામાં એક ઉબકાવનારી વાસ ફરી વળી હતી. દેવજીભાઈ પગ મૂકતાંવેંત બોલ્યા, ‘મરેલા ઉંદર જેવી વાસ આવે છે. બારી ખોલો લ્યા.’ પણ દવાની વધારે અસર થાય એમ ધારી કોઈએ બારી ન ઉઘાડી. મનોજ આડો પડ્યો. થાકેલું શરીર દવાના ઘેનમાં ક્યારે ઢળી ગયું કશી સરત ન રહી.

●  ●  ●

સતત ચાર વખત એવું બન્યું કે ફોન કરે ત્યારે કાં તો બા ફોન ઉપાડે કે આકાશ. હેતલ કયાં તો જવાબ મળે : મંદિર ગઈ છે, શોપિંગમાં ગઈ કે ઊંઘી ગઇ છે.

હેતલ ઈરાદાપૂર્વક એને ટાળે છે. એ પાછો જાય એ કોઈને ગમતી વાત નથી, સિવાય બા. આકાશ કહે, ‘ડૅડી, મારા બધા ફ્રેન્ડસને મેં કહી દીધું છે. અમે ગાડી લેવાના. મને પર્જોનું નાનું મોડલ બહુ જ ગમે છે. આપણે લઇશું ને ડૅડી?’ કોણ શીખવે છે આ બધું? એણે તો કદી  છોકરાંઓને આવાં સપનાં દેખાડ્યાં નથી. શીખવાડ્યું છે તો સારી રીતે ભણવા, બાની ચાકરી કરવા કે ઘરમાં મદદરૂપ થવા. આવી મોટી મોટી બડાશો મારવાનું તો ……

આંખ સામે આછા ગ્રે રંગના ફોર્મલ પેન્ટ પર કાળું સ્લેિટયા લીટીઓવાળું શર્ટ પહેરી કૅટવૉક કરી નજીક આવતી હેતલ આવી ગઈ. એની સહેજ વાંકી ડોકે એના પર સ્થિર થયેલી નજર, હોઠ પર વિકસું વિકસું થતું સ્મિત, અને ખુલ્લા વાળનો ફરફરાટ! એને ઊંચકીને એ ફેરફુદરડી ફેરવે છે. હેતલ ખડખડાટ હસતાં જોરથી બોલે છે, ‘ચાલ ઊડીએ ચાલ.’ એ એને હળવેથી નીચે ઉતારે છે. એનો હાંફ અને તરવરાટને માણતી એ સહેજ નમી. એના ખૂલી ગયેલા શર્ટમાંથી ચમકતી ત્વચા, એ લીસું ઇજન ..

અચાનક એ ઝાંખુ થતું જાય અને એ ઝાંખા દૃશ્યમાંથી નવું દૃશ્ય ઊભરે. પેલી નજર બદલાય. ચહેરો એ જ પણ લાગણીના સ્થાને ચમકતી લાલચ! ‘આપણે બંગલો લઈશું ને, મનોજ. ફાઈવ બેડરૂમ વીથ ગાર્ડન! રવિભાઈ લોકોથી ય મોટ્ટો, ગાંધીનગરમાં.’ એને થયું એ હાથ લબાવી પેલી સીધું તાકતી નજરને ઢાંકે. હેતલને હૃદય સરસી ચાંપી કહે, જો સાંભળ, સંભળાય છે કશું? પણ હેતલ તો દૂર દૂર ઊભી છે. નૃત્યાંગનાની જેમ એક પગની આંટી વાળી, એક હાથ કમરે અને બીજા હાથે સ્તંભને પકડી કોઈ વિશાળ મહાલયને તાકતી …!

એ ઝબકીને જાગી ગયો. હવડ વાસથી ઊબકો આવવા જેવું થયું પણ મોંમાં વછૂટેલી મોળ પરાણે ગળી જતાં એણે ઓશીકામાં મોં છુપાવી દીધું. ત્યાં બોચીમાં એવો ચટકો ભરાયો કે જોરથી થપાટ મરાઈ ગઈ. કશાક ચીકણા સ્પર્શ સાથે સાવ અજાણી વાસ નસકોરાંમાં પ્રવેશી.

●   ●   ●

ફાલ્ગુનીબહેને આંખથી ઇશારો કરીને બોલાવ્યો.

‘હા બે’ન.’

‘બે’ન કે’ છે તે સારો નથી લાગતો. સાંજે ઘેર આવજે. એ જવાના છે લેસ્ટર.’

‘પણ મારે બહાર જવાનું નક્કી છે. એક ફ્રેન્ડના ઘેર પાર્ટી છે.’

‘તો સહેજ વહેલા નીકળી જવાનું. નાઇટ આપણે ત્યાં, શું કીધું? વધારે વાયડાઈ નહિ સારી.’

ફાલ્ગુનીબહેને  આંખ સહેજ રાતી કરી ઊંડો શ્વાસ લીધો ને ટીલ ઉઘાડી દસ પાઉન્ડની નોટ અંબાવતા કહ્યું, ‘કૅબ કરી લેજે, રાતના ચાલીશ નહિ.’

આઠ વાગ્યે દુકાન બંધ કરી પરેશ ચાવી આપીને નીકળ્યો. પણ ક્યાં જવું? આ સ્ત્રીએ બરાબર ફસાવી દીધો. ચાવી આપવા ઘેર જાય પછી??? એક પબમાં. જઈને બેઠો.

બીજે નોકરી માટે ય વાત કરી રાખી હતી પણ કન્ઝર્વેટીવ પાર્ટી પાવરમાં આવ્યા પછી હોમ ઓફિસ કડક થઈ છે એટલે કોઈ ઈલીગલ ઇમિગ્રન્ટને નોકરી રાખતું નથી. વિચારમાં ને વિચારમાં બે પાઇન્ટ બિયર પીવાઈ ગયો. શું કરું? જતાંવેંત ચાવી હાથમાં પકડાવતાં ક ભાગીશ એમ નક્કી કરી ઉઠ્યો. ‘અિશ્વન વિલા’ દેખાતાં જ પગ પાણી પાણી થવા લાગ્યા. પરાણે ધકેલાતો હોય એમ દરવાજે આવ્યો. ખોલે કે તરત ચાવી આપી બહાર. કોઇ અજાણ્યા પુરુષે બારણું ઉઘાડ્યું, ‘યસ.’

‘આ ચાવી, ફાલ્ગુનીબહેન ….’

‘બોલાવું.’ કહેતાં બૂમ મારી. ‘યાહ, મનોજભાઈ.’ કહેતાં આવી ઓળખાણ કરાવી ‘મારા મોટાભાઈ. હમણાં સાંજે જ આવ્યા.’ ને ચાવી લઈ  ‘ગુડનાઈટ ધેન.’ કહેતાં ધબ દઈ બારણું બંધ કરી દીધું.

●   ●   ●

બસ, આ છેલ્લું. હવે કદી ફાલ્ગુનીબહેનની વાત નહિ માનું. એ બન્ને સાથે હોય અને એકાએક એ.બી. આવી ચડ્યાની કલ્પનાએ લખલખું આવી ગયું. આગળ વિચારો ન કરવા હોય એમ ઝનૂનથી કામ કરતો રહ્યો. બ્રેક મળતાં જ ઘરે ફોન જોડ્યો. ‘હેતલ બોલું, મજામાં?’

‘હા પણ તું બહુ બિઝી થઈ ગઈ છે.’

‘શેની બિઝી? તમારી જોડે વાત કરીએ એટલે હું આવું … હું આવુંની માળા ચાલુ થઈ જાય.’

‘એટલે મને ટાળવાનો એમ?’

‘કોઈ ટાળતું નથી. સાચુ કહું, તમારી મેન્ટાલિટી સાવ બદલાઈ ગઈ છે. ભગવાને મહેનત કરીને ચાર પૈસા કમાવાની તક આપી ત્યારે તમારા માથે દુનિયાભરની તકલીફો આવી ગઈ.’

‘તું સમજતી નથી. અરે, રાત્રે ઊંઘાતું ય નથી. છેલ્લા બે મહિનાથી એટલા માંકડ કરડે છે. મેં કદી આવું સહન નથી કર્યું, હેતલ.’

‘તે હું કયાં નથી જાણતી? પણ આપણાં સંતાનો માટે આપણે જ દુ:ખ વેઠવું પડે ને. તમે સહેજ વેઠી લેશો તો છોકરાં કંઈક ભાળશે. બાકી તમારા પગારમાં શું થાય એ તમને ખબર જ છે.’

‘એટલે? અરે કારકૂન, શિક્ષક, આંગડિયા, પટાવાળા …. બધાયના ઘર ચાલે જ છે.’

‘તેં મને આંગડિયણ  કે પટાવાળી બનાવવા પ્રેમ કર્યો’તો? શું થયું છે, મનોજ તમને શું થયું છે?’

લાંબી દલીલો, અકળામણ, રીસ, છણકા અને બોલાચાલી ને અંતે રુદન. એ ડૂસકાંઓ વચ્ચે અફળાતાં આડાં, આકરાં વાક્યો! પછી કશું કહેવાનું રહેતું નહિ સિવાય, ‘હું નથી આવતો પાછો, બસ.’

વીસેક મિનિટ મોડો આવ્યો એટલે એ.બી. બગડ્યા. ‘કેમ મનોજકુમાર, ભારતનો ઉદ્ધાર કરવા રોકાયા’તા?’ હું જોતો ’તો. દોઢ કલાકથી ફોન પકડી ને ઊભા ’તા. થેન્કયૂ વેરી મચ મારા અઢી પાઉન્ડ બચાવી લીધા તમે. ચાલો હવે કામે વળો ઝટ.’

એણે કશો જવાબ ન આપ્યો. ભૂખ્યા પેટે થતા અમળાટને શમાવવા બે ગ્લાસ પાણી પીને તૂરિયાનું બોક્સ ઉઠાવ્યું ત્યાં બોકસ પાછળથી મોટો  કરોળિયો દોડી એના હાથ પર ચડ્યો ને હાથમાંથી બોક્સ છૂટી ગયું. ફરી એ.બી.ની ગાળો, પગાર કાપી લેવાની ધમકી સામે ફાલ્ગુનીબહેનનો જવા દો કહું છુંનો દયાભરેલો રણકાર!

રાત્રે એકધારો વરસાદ વરસતો હતો. કોઈ મુઠ્ઠી ભરી ભરીને કાંકરા ફેંકતું હોય એમ તડ તડ અવાજ ગાજતો હતો. છેલ્લા પંદર દિવસથી સતત કકળાટ અને એ જ વિનંતીઓ. કશો ફરક પડતો નહોતો. હવે એવું થતું હતું કે ઘેર ફોન કરશે તો ઉપરથી સાંભળવું પડશે. હેતલને તો કશી વાતની અસર જ થતી નથી. તે દિવસે વાત ચાલતી હતી ને એનાથી બોલાઈ ગયું ‘ના એ નહિ બને,  ફાલ્ગુનીબે’ન.’ બોલાયા પછી તરત ભાન થયું શું બોલાઈ ગયું. પણ હેતલ એની સમજાવટભરી દલીલોમાં એવી રત કે લાંબા સમય  સુધી હોંકારો ન ભણાયો તો કહે, ‘તમે સાંભળો છો, હું કહું છું એ?’

હેતલ કશાક ઝનૂનથી વર્તતી હતી. મારું નહિ માનવાનું? એમાં પરેશે કહ્યું હવે શેના માંકડ ભાભી, મનોજભાઈને વહેમ છે ખાલી. પણ ચટકો ભરાયને તમે સૂતા છો એનું ભાન થાય. વીસ પાઉન્ડનો બીજા સ્પ્રેએ પણ ખાસ અસર ન બતાવી. આ પીડાનો કશો ઇલાજ નહોતો. એણે ગણાત્રા સાહેબને ય વાત કરી કે મારે પાછા આવી જવું છે, સર પ્લીઝ ફેવરમી. ‘હા. હા. નિરાંતે તમતમારે. હજી એકાદ વરસ તો અહીંથી મને કોઈ હટાવે એમ નથી. કમાઈ લેવાનું, ભઈ.’  ખબર નહિ હેતલના પપ્પાનું કયું ઋણ ચૂકવે છે. એણે અંદાજ મૂક્યો. અત્યાર સુધીમાં એણે પંદર હજારથી ય વધારે પાઉન્ડ ઘેર  મોકલ્યા હતા. જેમ જેમ રૂપિયો મળતો ગયો એમ ઘરનાંની તરસ વધતી જતી ચાલી. ના. હવે નહિ.  ઊભા થઈ લાઇટ કરતાં બબડ્યો, ‘ના.’

પરેશ અને દેવજીભાઈ ઘસઘસાટ ઊંઘતા હતા. પરેશની ગોરી પિંડીએ એક માંકડ નિરાંતે ચોંટ્યો હતો. એનું પાછલું શરીર ઊંચું હતું. એણે હાથ લંબાવી આંગળીએ દબાવ્યો. પકડી પચકી નાખ્યો. લોહીવાળી આંગળી અને અંગૂઠાએ મેટ્રેસની ધારો ફંફોસવા માંડી. કલાક, દોઢ કલાક. મરાય ત્યાં સુધી પકડી પકડીને માંકડ મારતો રહ્યો. લોહીવાળા હાથ જોતાં બબડ્યો. ‘નહિ જીવવા દઉં સાલાઓ, મારી નાખીશ. મારું લોહી પીવું છે મારું? મારું …’

દેવજીભાઈ જાગી ગયા. ‘શું થયું મનોજભાઈ? એના લોહીભર્યા હાથ, બીકાળવો ચહેરો જોઈ ફાટેલા ડોળે બેઠા થઈ કોઈ ભૂત જોયું હોય એમ તાકી રહ્યા.

●    ●    ●

કન્ફર્મ્ડ ટિકિટ હાથમાં આવી ત્યારે થવા જોઈતા  હાશકારાને બદલે કશીક વિચિત્ર લાગણી, કોઈ ગુનો થઈ ગયાનો ભાવ અનુભવાતો હતો. પણ એ કશું હવે એને સ્પર્શવાનું નહોતું. હા પાછા જવાના મક્કમ નિર્ણયથી થવો જોઈએ આનંદ નહોતો અનુભવાતો એની ચિંતા થતી હતી. કેમ આવું? નક્કી આ હેતલના નિસાસા મને જંપવા દેતા નથી. એવી લોભિયણ છે કે એનો ચેપ મને ય લગાડી દે. પણ આખા શરીરે દાઝી ગયાની વેદના કેટલી સહન થાય?  તો ય ઝઘડાઝઘડી ને સમાધાનમાં પાંચ મહિના નીકળી ગયા.  છોકરાઓ માટે સ્ટોરમાં ફરી ફરીને વસ્તુઓ ખરીદતો હતો ત્યારે વપરાતા પાઉન્ડ હવે નહિ કમાવાય એ વિચારે લીધેલી વસ્તુ પાછી આપી દેવાની ઇચ્છાની શરમ ક્યાં છુપાવવી? નથી જવું પાછા. પણ ફરી એ ઓશિયાળી જિંદગી, માંકડ, કરોળિયા, શાક, બકાલાં અને ફાલ્ગુનીબહેનની ગંધ … ના. હવે કદી નહિ. ફરી નથી ફસાવું પાઉન્ડ અને કન્વર્ઝનના ચક્કરમાં. ના. બસ  હું તો આ ઊડ્યો.

સરકતો જતો હીથરૉ એરોપોર્ટનો રન વૅ .. પળભર આંખ સામે ઝળૂંબી નાના ને નાના થતાં મકાનો પછી આખું શહેર અને ચોખંડા ઘાસ અને જમીનનો વિસ્તાર ધરાઈ ધરાઈને તાકી રહ્યો. અફાટ આકાશ અને વાદળોના ઢગ વચ્ચે વરસો પહેલાં જાંઘ પર થયેલા ગુમડાને દબાવી દબાવી પરુ કાઢતાં જે પીડા અને રાહતની મિશ્ર લાગણી થતી હતી એ  ફરી અનુભવાઈ. એ તીખો કણસાટ મમળાવે ત્યાં બે વરસ, નવ મહિના અને સત્તર દિવસ પછી જોવા મળનારો દેશ, માણસો, બા, આકાશ, રીરી અને હેતલ … સહુ બાઝી પડશે. એક ક્ષણ પણ અળગા નહિ થવા દે કોઈને ….

અમદાવાદની ધરતી જોવા ડોક તાણી તાણી મથ્યો પણ કશું કળાય નહિ. ન સાબરમતી નદી, ન કોઈ બ્રિજ, ન મકાનો, ન અણસાર. એકાએક નજીક આવતો જતો ખાલી વિસ્તાર સડસડાટ ઊભરાયો.  નજર સામે મકાનો, વૃક્ષો, રસ્તા, માણસો આવી ગયાં ને પ્લેન થોભ્યું ત્યારે ભરેલી આંખમાં ઝીલાતાં દૃશ્યો સાવ ઝાંખા ઝાંખા થઈ ગયાં.

ઊતરતો હતો ત્યારે દૂર કળાતા આકારો જોઈ થયું હેતલ ઊભી હશે એકટક જોઈને. એણે હાથ ઊંચો કરી હલાવ્યો ને કોઈના ધક્કે આગળ ધકેલાયો.

બહાર નીકળતાં સહુ પહેલી હેતલ દેખાઈ, બાજુમાં છોકરાંઓ દોડતાં પગલે આગળ આવ્યો, સહેજ નમીને રીરીને ઊંચકી લીધી. આકાશને વહાલ કર્યું, પડખે લીધો. સહેજ વારે હેતલને ભેટવા હાથ લંબાવ્યા. એ એને જોરથી વળગી પડી. એનો બથમાં દબાતો દેહ કોઈ અવર્ણનીય સુખ આપતો હતો. ત્યાં અચાનક જરા ય ઇચ્છયું નહોતું તો ય કોઈ બીજી જ ભીંસ અનુભવાઈ ને હેતલને કસતી એની પકડ ઢીલી પડી ગઈ. બન્ને હાથ સાવ આધાર વગરના હોય એમ હવામાં ઝૂલી રહ્યા.

*    *   *

e.mail : anilnvyas34@gmail.com

સૌજન્ય : “ઓપિનિયન”, 26 સપ્ટેમ્બર 2011; પુસ્તક – 17; પ્રકરણ – 06; સળંગ અંક – 198

Loading

10 December 2017 admin
← EVMને કારણે નાગરિકની શક્તિ હણાતી હોય તો એને તિલાંજલિ આપી દેવી જોઈએ : ચૂંટણીકીય સુલભતા કરતાં નાગરિકની શ્રદ્ધાનું મૂલ્ય અદકેરું
ઇન્દિરા ગાંધી – એક ચીજ જડવી ના સહેજ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved