ત્રણસોમું માણસ જીવશે તો કોઇની પર રાજ કરી શકાશે કે અર્થતંત્ર ખડું થઇ શકશે.
પ્રતિબંધમાંથી ધીમે ધીમે જ બહાર નીકળી શકાશે. યુરોપિય દેશો ફરી બેઠા થવા કરી રહ્યા છે પ્રયાસ
કોરોનાવાઇરસ કંઇ એમ થેલો ઊંચકીને ચાલ્યો જશે એવો લાગતો નથી. આ સંજોગોમાં વિશ્વ લૉકડાઉનમાં ફસાયેલું છે, મૃત્યુનાં આંકડા વાંચીને, સાજા થયેલા આંકડાઓ શોધીને અને નવા કેસિઝની અપડેટથી દિવસની શરૂઆત અને અંત થઇ રહ્યાં છે. આપણે ત્યાં પણ લૉકડાઉન 2.0 શરૂ થયું છે ત્યારે બીજા તબક્કામાં ભારત સરકારે પણ નાની મોટી છૂટછાટ આપી છે. જે શહેરો હૉટસ્પોટ છે ત્યાં કોઇ ફેરબદલ નથી કરાઇ રહી, ત્યાં બધું જ કડક જાપતા હેઠળ બંધ છે.
પરંતુ જે મંદી અને અર્થતંત્ર વિખરાઇ જવાની સમસ્યા ભારતમાં થવાની છે અથવા થઇ રહી છે તે આખા વિશ્વમાં પણ છે. જિંદગીને ફરી નોર્મલ મોડ પર મુકવાની શરૂઆત ક્યાંક તો કરવી જ પડશે. અર્થતંત્ર વધારે બરડ થાય અને માણસોનું તંત્ર હતાશામાં સરી પડે તે પહેલાં અમુક નિર્ણય લેવા જરૂરી છે.
ડેનમાર્કે બેબીસ્ટેપ્સથી શરૂઆત કરી છે. અહીં સરકાર બહુ જ સાવચેતીથી ધીરે ધીરે અને એક પછી એક બધું ફરી શરૂ થાય તેનો પ્રયાસ કરે છે. ત્યાં પાટનગર કોપનહેગનમાં વડાપ્રધાન મેટ ફ્રેડ્રિક્સને શાળા પહોંચી રહેલાં બાળકોનું સ્વાગત કર્યું. યુરોપમાં લૉકડાઉન લાગુ કરનારો પહેલો દેશ હતો ડેનમાર્ક અને ત્યાં 12 માર્ચથી જ શાળાઓ બંધ કરી દેવાઇ હતી. હવે લગભગ એક મહીના પછી 11 વર્ષ સુધીની વયનાં બાળકો નર્સરીઝ અને સ્કૂલોમાં પાછાં ફરી રહ્યાં છે કારણ કે શિક્ષણ પરનાં લૉકડાઉન ઉઠાવી લેવાનો ત્યાંની સરકારે નિર્ણય કર્યો છે. ડેનમાર્કે રોગચાળો ફેલાતો રોકાય તે માટે જે રીતે ત્વરિત પગલાં લીધા તે માટે તેની ભારે પ્રશંસા થઇ રહી છે.
આ ઉપરાંત ઑસ્ટ્રિયાએ પણ મંગળવારે નાની નાની દુકાનો ખોલવાનો હુકમ કર્યો છે અને ટેનિસ, ગોલ્ફ, એથલેટિક્સ જેવી આઉટડોર ગેઇમ્સને 1લી મેથી મંજૂરી આપવાની ત્યાં વાત કરાઇ રહી છે. ચેક સરકારે પણ પાંચ તબક્કામાં લૉકડાઉનની છૂટ અંગે યોજના જાહેર કરી છે. સ્પેઇનમાં નોન-એસેન્શિયલ વર્કર્સ હવે બે અઠવાડિયાનાં સ્થગિત થઇ ગયેલા કામ-કાજ બાદ હવે ફરી કામે ચઢી શકશે અને રોટલો રળી શકશે. સ્પેઇનમાં બુધવારે 523 મોત નોંધાયા અને ઇન્ફેક્શનમાં 3 ટકા વધારો પણ નોંધાયો જો કે અધિકારીઓનું કહેવું છે કે ઇસ્ટર બ્રેકને કારણે લોકોએ રિપોર્ટિંગમાં ડિલે કર્યું હોવાથી આમ થયું હોઇ શકે. ઇટાલીમાં બુકશોપ્સ અને જુવાનિયાઓ માટેની કપડાંની દુકાનો અમુક વિસ્તારોમાં ખોલી દેવાઇ છે. આ તરફ જર્મન મીડિયામાં આવેલી ખબરો અનુસાર જે દુકાનો 8,600 સ્ક્વેર ફિટ જેટલી હશે તેમને 20મી એપ્રિલથી છૂટ અપાશે અને ચોક્કસ સંખ્યામાં જ ત્યાં ગ્રાહકોની હાજરીને મંજૂરી મળશે. વળી કાર ડીલર્સ, બુકશોપ્સ અને ઝૂ, લાઇબ્રેરી અને બોટાનિકલ ગાર્ડન્સને પણ લૉકડાઉનમાંથી મુક્તિ આપવાની વાત થઇ રહી છે.
જો કે ઘણાં દેશો માટે આ પ્રતિબંધો દૂર કરવાની ક્ષણ નજીક નથી. યુનાઇટેડ કિંગ્ડમનાં વિદેશ સચિવ ડોમિનિક રાબે કહ્યું કે આ એક્ઝિટ સ્ટ્રેટેજી માટે હજી વહેલું છે. વળી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનાં વડાએ પણ લૉકડાઉન હટાવવા માટે આ થોડું જલદી છે તેમ કહ્યું છે. આ તરફ સ્વીડનમાં પરિસ્થિતિ બદલાઇ જ નહીં ત્યાં બધું જેમ હતું તેમ ચાલુ રહ્યું પણ મોતનાં આંકડા આવ્યા અને મોટી સંખ્યામાં લોકોને એકઠા થવાની ત્યાં મનાઇ ફરમાવી દેવાઇ.
WHOનું કહેવું છે કે જે દેશ લૉકડાઉનનાં પ્રતિબંધો ઉઠાવે તેણે અમુક નિયમો અનુસરવા જ પડશે. ત્યાં વાઇરસનું ટ્રાન્સમિશન કન્ટ્રોલમાં હોવું જોઇએ, સ્વાસ્થ્યનાં તંત્રની સવલત વ્યવસ્થિત હોવી જોઇએ, સંવેદનશીલ સંજોગો ટાળવા, શાળાઓ અને ઑફિસીઝમાં સાવચેતીનાં પગલાં લેવા અને લોકોએ પરિવર્તન, નિયમો અને કોન્ટેક્ટ ટ્રેસિંગથી માંડીને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવું.
બાય ધી વેઃ
ભારતમાં લૉકડાઉન લાગુ થયા પછી પણ બેફામ વર્તન કરનારાઓની કોઇ કમી નથી. પોલીસનાં દંડા ઘણાએ ખાધા છે. અહીં રોગચાળા પર રાજકારણ થાય છે ટોળાં ભેગાં થઇ જાય છે. લૉકડાઉન ખુલશે તો શું લોકો ફરી ટોળાંમાં ભેગાં નહીં થાય? સાવચેતી કોઇની પ્રકૃતિ નથી હોતી એ તો ઠોકર ખાધા પછી જ આવડતું લક્ષણ છે. વસ્તી આપણી સૌથી મોટી સમસ્યા છે અને માટે જ લૉકડાઉનમાં છૂટછાટ અંગે સરકારે તલવારની ધારે ચાલવા જેવું રાખવું પડશે. ટોળાંઓને અને સમજણને આમે ય બાર ગાંવનું છેટું હોય છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 ઍપ્રિલ 2020