એ વાત સાચી કે સમય ગતિશીલ છે અને તે સાથે પરિવર્તન તે તેની અસર હોય છે, પરંતુ માનવમન પર કોરોના મહામારીની ઘટનાએ જે અસર કરી છે, તેથી પરિવર્તનની એક વણકલ્પેલી સ્થિતિ સર્જાઈ છે. અસાધારણ એવી સામાજિક હતાશાની ગર્તામાં માનવી ધકેલાઈ ગયો ! માનવસમાજ માટે ભૌતિક વિકાસની અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચીને આ સ્થિતિનો અનુભવ તે પીડાદાયી ઘટના છે.
વૈશ્વિક રીતે માનવસમુદાય માટે આ એક તકલીફરૂપ મનઃ ચૈતસિક પ્રભાવ બની રહ્યો છે. ખુદના અસ્તિત્વ માટે એકાએક ઊભી થયેલી કટોકટીમાં મનુષ્ય ફસાઈ ગયો. અપાર લોકસમૂહો માટે ગંભીર આર્થિક, સામાજિક અને કૌટુંબિક સમસ્યાઓ ખડી થઈ ગઈ. આ મહામારીમાં જેમણે પોતાનાં સ્વજનોને ગુમાવ્યાં છે, તેમની વસમી પીડા તો અનુભવે જ સમજાય તેવી દુઃખદ ને કરુણાજનક હોય છે. હૉસ્પિટલમાંથી મૃતદેહ ઘરે પણ ન લાવી શકાય તે સ્વજનની વિદાય હૈયું કેમ કરી સ્વીકારી શકે ? આ ઘા મનનાં પડળોને વટાવી ઊંડો અંતરમાં ધરબાઈ જાય છે! માનસિક સ્તરને વળોટીને ચેતના સુધ્ધાંને સ્પર્શી જતો તે અનુભવ છે. વિકાસ અને અસ્તિત્વ એવી છેડાની બે સ્થિતિ વચ્ચે અટવાઈ ગયા, તેવો અહેસાસ કરાવતી આ વાસ્તવિકતાના મૂળ સ્વરૂપને સ્પષ્ટ રીતે ઓળખવાની આપણે દરકાર કરવી જોઈએ, તે સમજવું જરૂરી છે.
આધુનિક રાજનીતિનો સૌથી ઘૃણાસ્પદ ચહેરો આ મહામારીમાં પ્રદર્શિત થઈ ગયો છે. યુદ્ધવિહીન શાંત સમયમાં બનેલી અને પૂરી દુનિયાને ભરડો લઈ લેતી આ અકલ્પનીય ઘટનાના વાસ્તવિક મૂળ કારણની શોધમાં વિશ્વસનીયતા પેદા કરવામાં આ એકવીસમી સદીનો માનવી નિષ્ફળ પુરવાર થઈ રહ્યો છે ! સામાન્ય રીતે એવું સમજાય છે કે, માનવસ્વભાવની જડ પ્રકૃતિના પ્રબળ પ્રભાવનું વૈશ્વિક પરિણામ તે આ કોરોનાની મહામારીનો અનુભવ છે. લોકોની પ્રાથમિક સાવચેતીમાં જડતા અને ખાનપાનની વૃત્તિ-પ્રવૃત્તિથી લઈને રાજસત્તાઓનાં પ્રમાદ, લોભ, અહંકાર અને વૈમનસ્ય સુધી વ્યાપક રીતે પ્રસરેલી કુંઠિત માનસિકતાનાં આવાં વલણને લીધે સમસ્ત માનવજગત આ મહામારીનો ભોગ બની ગયું છે, તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.
મનુષ્યસમાજ આધુનિક બની ગયો છે તથા વિજ્ઞાન અને તંત્રવિજ્ઞાનમાં ચરમસીમાએ પહોંચી ગયો છે, તે તથ્ય તેમ જ તેનાં પ્રભાવનાં પરિબળ સાથે, એક વરવી વાસ્તવિકતા હવે સ્પષ્ટ રીતે નજર સામે આવી ગઈ છે. એક માનવસમૂહ પશુતાના પ્રાથમિક સ્વભાવમાં જ ડૂબેલો રહીને ઝડપથી વિકસતી આ શક્તિશાળી આધુનિક વ્યવસ્થાનો બેફામ લાભ ઉઠાવવા મથી રહ્યો છે. પરિણામે, માનવ ઇતિહાસમાં સૌથી વધુ તીવ્ર ભિન્નતા ધરાવતા એવા બે માનવસમાજ આજે સહઅસ્તિત્વ ધરાવી રહ્યા છે. એક કે જે ચેતનામય બૌદ્ધિક અભિગમથી માનવીય ગુણવિકાસ અને તેને અનુરૂપ વ્યવહારમાં પ્રગતિ માટે મથામણ કરે છે તેવા અને બીજા જે માનવીય ગુણવિકાસના બૌદ્ધિક અભિગમમાં જડ સ્વભાવના સ્તરે છે તેવા. વળી આ બીજા પ્રકારના લોકો મહત્તમ રીતે સત્તાની વિશાળ શક્તિઓ પણ ધરાવતા હોય છે. આ રીતની અસમાનતાની અનિવાર્ય અસરો સૌને ભોગવવી પડે તે સ્વાભાવિક છે. જીવનના દરેક ક્ષેત્રમાં તે અસમાનતાનો પ્રભાવ બન્ને તરફના સમૂહોમાં પડતો હોય છે. તેની અસર સામાજિક વિકાસના દરેક ક્ષેત્રમાં અડચણરૂપ બનતી હોવા છતાં, તે વિશે ચિંતત બનવાની અનિવાર્યતા ક્યારે ય આ શક્તિશાળી સમૂહોને તીવ્રતાથી અનુભવાતી નથી.
આ તથ્ય એ સ્પષ્ટ કરવા માટે પર્યાપ્ત છે કે અશિક્ષિત, વંચિત ને શોષિત બહુજન માનવસમૂહ પ્રત્યે શક્તિશાળી સમાજે, પોતાના સ્વાર્થી હેતુથી ઉપેક્ષા સેવીને તેની હંમેશાં અવગણના કરવાનું પસંદ કરેલું છે. તેટલું જ નહીં, આ શોષક ને શક્તિશાળી સમૂહ તેની તે દશાનો પોતાના લાભમાં ઉપયોગ કરવામાં અચકાયો નથી. વંચિત લોકોની નબળાનો વિકાસના ઓઠાં તળે ગેરઉપયોગ કરીને વાસ્તવમાં સતત તેવા લોકસમૂહની આહુતિ જ અપાતી રહી છે. ભારત જેવા ઘણા ખરા લોકશાહી દેશોની ચૂંટણીની રીતરસમ અને તે રીતે બનતી સરકારોની ચાલચલગત તે આ બાબતનું પ્રબળ ઉદાહરણ છે.
આ ચર્ચા વધુ એક વ્યાપક વિચારધારા સાથે પણ જોડાયેલી સ્પષ્ટ બને છે. ‘હિંદસ્વરાજ’ પુસ્તકમાં મહાત્મા ગાંધી જે મુદ્દો ઉઠાવે છે, તે ખરો વિકાસ એટલે શું તે માટે અગત્યની ચોખવટની હવે જરૂર ઊભી થાય છે. મતલબ કે વિકાસની પ્રક્રિયાની સાચી રીત અને દિશા વિશે વધુ ચોક્કસ અભિગમનો હવે સમય આવી ગયો ગણાય.
આધુનિક સમાજવિકાસની મુખ્ય મુશ્કેલી તેના ભૂલભરેલા બૌદ્ધિક વ્યવહારની સમજણ છે. માહિતીસંચાર વ્યવસ્થાપન – ઇન્ફૉર્મેશન ટેક્નોલૉજીની અદ્ભુત આધુનિક ઉપલબ્ધતાના સમયમાં પણ આપણે વિકાસની કંગાલિયતનો ભોગ બનવાની વિડંબના અનુભવી રહ્યા છીએ! તેથી તેના મૂળભૂત સ્વરૂપની તપાસ જરૂરી બને છે. આવનારાં ચાર-પાંચ વર્ષમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજનન્સ થકી સામાજિક-આર્થિક વ્યવસ્થાઓ પર ગંભીર અસરો ઊભી થવાની શક્યતા દર્શાવાય છે. આ માહોલમાં, આ બાબત વિજ્ઞાનના તત્ત્વજ્ઞાન(ફિલોસૉફી ઑફ સાયન્સ)ના ક્ષેત્ર સાથે વધુ ઘનિષ્ઠતાથી સંકળાય છે. માનવ માટે વૈજ્ઞાનિક સંશોધનમાં યોગ્ય-અયોગ્ય શું, કેવું ને કેટલું તે એક સવાલ વાસ્તવમાં આવી વ્યવસ્થાના વિરોધમાં ખડો થતો હોય છે. તેનો ઉકેલ લાવવો તે ન્યાય અને સમાનતા માટે કસોટીરૂપ બને છે. સ્વરાજની વાસ્તવિક અર્થમાં સ્વતંત્રતાની સમજ સ્પષ્ટતા પામે છે. એન્થની પરેલ કહે છે, “ગાંધીજીના મતે, સ્વતંત્રતાનાં અન્ય સર્વ પાસાંની એક જ સાથે શોધ કર્યા વગર એક પાસાની પ્રાપ્તિ માટે પ્રયાસ કરવો એ સ્વતંત્રતાના ખ્યાલને વિકૃત બનાવવા બરાબર છે તથા માનવવિકાસની પ્રક્રિયામાં તે બાધક છે.”
શ્રીમદ્ ભગવદગીતા આવી જ માનવીય વિડંબના માટે માર્ગદર્શક બની રહે છે. જેઓ ભોગ અને ઐશ્વર્યમાં અત્યંત આસક્ત છે, એવા માણસોની નિશ્વયાત્મિકાબુદ્ધિ હોતી નથી. પ્રજ્ઞાની સમજ બૌદ્ધ ધર્મમાં સ્પષ્ટતા પામી છે. સાદી સમજણ એ કે માનવીનું મન જ્યારે શાંત, ઇચ્છાઓ અને અપેક્ષાઓથી મુક્ત હોય ત્યારે તેની બુદ્ધિ વધુ સારી રીતે કામ કરે છે. સ્પષ્ટ અને શાંત મનથી તે સાચી સમજણનો સમતોલ અને શાણપણભર્યો નિર્ણય કરી શકે છે. આવી વ્યક્તિને સંસ્કૃતમાં ધીર કહેવાય છે. તેથી, ખરું શાણપણ તે છે, કે શાંત અને સ્વસ્થ, ધૈર્યશીલ વ્યક્તિ બનવા માટે બુદ્ધિનો ઉપયોગ કરીએ. તે એક શાણો સમાજ બનાવી શકે. આજના વૈશ્વિક સંદર્ભમાં, આ માટે વાસ્તવિક પરિણામની શક્યતા કહો કે જરૂરિયાત કહો તે વાત પણ જાણી લઈએ. “આધુનિક સમયના સવાલોના ઉકેલમાં ભારતીય ચિંતનપ્રણાલી ઉપયોગી પુરવાર થઈ શકે, જો આપણે પોતાને તેનાથી પરિચિત કરી શકીએ.” (પ્રો. ડેનિસ ડાલ્ટન, અમેરિકાના કોલંબિયા યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને ગાંધીવિચારના અભ્યાસી.)
મનુષ્યની પોતાના સ્વરૂપના વિકાસની એટલે કે પરિવર્તનની ગુંજાએશ શારીરિક નહીં, પરંતુ મનોગત સ્થિતિએ જ હોય છે. મતલબ કે અંતઃકરણના સ્તરે પરિવર્તન, બદલાવ કે વિકાસ સંભવિત હોય છે. મનુષ્ય પોતે પોતાના માટે કરી શકે તે આ જ છે. પોતાના શારીરિક તંત્રમાં કોઈ બદલાવ તેના હાથની વાત નથી, તે ઘટના માત્ર નૈસર્ગિક રીતે ઉત્ક્રાન્તિના સ્તરે થતી પ્રક્રિયા હોય છે. એટલે મનુષ્યના સ્વપુરુષાર્થની જે સંભાવના છે, તે મનોગત કહેતાં પોતાનાં અંતઃકરણ સાથે સંકળાયેલી બાબત છે.
માંડુક્યોપનિષદ પ્રમાણે, ‘ભોગ(નાં મુખો)ની જે ક્રિયા થાય છે તે ઇચ્છા થવાથી અને ઇચ્છા સંકલ્પથી જન્મે છે. આ સંકલ્પ પાછળ જ્ઞાન પડ્યું છે. અને ઇચ્છા જેનું જ્ઞાન છે, તેની જ થશે. ઇચ્છાનો ધક્કો લાગશે અંતઃકરણને. અંતઃકરણના ચાર વિભાગ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર.’
આ દાર્શનિક ચિંતન એ વાત સમજાવે છે કે દરેક પ્રાણી તેમ જ જીવ, માત્ર તેની ઇચ્છા કરે છે કે જેની તેને પોતાને સમજ છે. એ સમજણની મર્યાદા પ્રમાણે જ તેના અંતઃકરણના વિભાગ એટલે મન, બુદ્ધિ ને અહંકાર પોતાની પ્રવૃત્તિ કરશે. આ ઇચ્છા માટેના સંકલ્પનું જ્ઞાન ચિત્તમાં સંગ્રહીત થતું હોય છે. તેથી દરેક જીવ પોતાના સ્વભાવની મર્યાદા પ્રમાણે ઇચ્છાઓ ધરાવતો હોય એ તે મુજબનું જીવન વ્યતીત કરતો હોય છે. આ વિગતથી ખરા વિકાસની પાછળનું પ્રાણવાન પરિબળ હવે સમજમાં આવ્યું હશે. વિકાસની પ્રક્રિયામાં માનવીની ખુદની પ્રગતિ કેન્દ્રસ્થાને રહેતી હોય તો ખરો એટલે સાચો માનવીય વિકાસ સંભવ બની શકે. માનવ જેમાં સંસાધન બનાવાય છે, તેવા વર્તમાન આધુનિક વિકાસમાં તેની તો વાત જ નથી હોતી. એટલા માટે સમગ્રતાની અને સમતાના ભાવની સમજણ કેળવવી આધુનિક જીવનવ્યવસ્થા માટે હવે આવશ્યકતા બની રહે છે.
‘અસંતોષઃ શ્રીયોમૂલ’ એમ કહેવાયું છે. ભોગપ્રધાન આધુનિક વિકાસના વૈયક્તિક લાભ માટેની વૃત્તિનું કારણ ‘અદમ્ય ઇચ્છા’ જેને અંગ્રેજી ભાષામાં ડિઝાયર કહે છે તે છે. વિકાસ કરવો હોય તો તમારે ડિઝાયરની આગને સદા જલતી રાખવી જરૂરી છે, તેમ શીખવવામાં આવે છે. અસંતોષ કદી તૃપ્ત નથી થતો. તેમ જ જે માનવસમાજને ઉચ્ચતર જીવનના વિચારોની સમજણ નથી કે તેવી વૃત્તિ કેળવાઈ નથી, તે માનવસમાજને માટે ભોગમય જીવન જ આદર્શ બની રહે તે સ્વાભાવિક છે. સ્વસ્થ માનવજીવન માટે વિવેકપૂર્ણ રીતે યમ અને નિયમને સમજી તેનો રોજિંદા જીવનમાં વ્યવહાર થવો જોઈએ. હવે એ સમજાયું હશે કે શરીરને સાજુંસારું રાખવું તે ખાસ તો મહામારીના સમયમાં જીવતા રહેવા માટે કેટલું બધું અગત્યનું છે ! વિશ્વના ધનાઢ્યો તો આ ઘટનાથી સમજ્યા કે સંપત્તિથી પણ કંઈક વિશેષ છે, જે પૈસા દેતાં પણ ખરીદી નથી શકાતું!
માનવસમાજ સતતપણે લગભગ દરેક સો-સવાસો વર્ષે કોઈ ને કોઈ મહામારીનો ભોગ બનતો રહે છે. તે માટે પછી તેના ઉપાય તરીકે નવી અસરકારક દવા શોધીને તેના વ્યાપક ઉપચારથી આપણે બચી જવાનો પ્રયાસ કરતા આવ્યા છીએ. આ વખતે પણ કોરોનાની વૅક્સિન વિકસાવીને તેના ઝડપી રસીકરણની પ્રવૃત્તિની દુનિયામાં જાણે કે હોડ મચી છે ! સો વર્ષ, બસો વર્ષ પહેલાં પણ મનુષ્ય જે રીતે ઉપાય શોધતો તે જ રીતે તે આજે પણ પુરાણી રીતનું પુનરાવર્તન માત્ર, એ શું માનવ આધુનિક બન્યો કહી શકાય? મનુષ્ય જો આ મહામારીઓની પરંપરામાંથી કોઈ નવી વૈચારિક પ્રક્રિયા સમસ્યાના મૂલગત સ્વરૂપને સમજવાની શીખ નથી પામતો, તો તે સદી બે સદી જૂના મનુષ્યથી વધુ આધુનિક બન્યો કેમ કહેવાય? તાત્કાલિક તો રસીનો પરંપરાગત રીતે ઉપાય આપણે આ વખતે પણ અજમાવવો જ પડે. સવાલ તે નથી; પરંતુ એ છે કે શું આપણે હવે પોતાની માનવ ઇતિહાસની જીવન જીવવાની ચીલાચાલુ સમજ વિષે તલસ્પર્શી તપાસ કરવાનું જરૂરી નથી સમજી શકતા? અન્યથા પણ, પૃથ્વી પરની જૈવિક સૃષ્ટિ અને વાતાવરણને આધુનિક જીવન પદ્ધતિથી થયેલ પારાવાર નુકસાન – સંહાર અને વિનાશ – વિશે તો વિચારણા કરવા મજબૂર બનવું જ પડ્યું છે. કોવિડ-૧૯ની મહામારીને કારણે દુનિયાભરમાં લૉકડાઉનનો જે સિલસિલો ચાલ્યો, તેને લીધે, નાશ પામતી પૃથ્વીની જીવસૃષ્ટિમાં આ એક વર્ષના ટૂંકા ગાળામાં જે અપૂર્વ નવચેતન આવ્યું અને હવામાં શુદ્ધિ થઈ તે આપણી આંખ ઉઘાડી. તેવું અદ્ભુત છે ! બી.બી.સી. તરફથી હાલમાં જ પ્રસારિત થયેલી ડૉક્યુમેન્ટરી ફિલ્મ ‘એ યર ધેટ ચેઇન્જ્ડ ધી અર્થ’માં રજૂ થયેલી આ વાસ્તવિક વિગતો અત્યંત ધ્યાનાકર્ષક છે. મતલબ આપણી સમક્ષ પ્રકૃતિએ પોતાના દાવો મજબૂત રીતે સ્પષ્ટ કરી દીધો છે.
વિષ્ણુસહસ્રનામ સ્તોત્રમાં એક-છેલ્લે આવતું નામ ‘સર્વપ્રહરણાયુધઃ’ છે. મનુષ્યના અહંકાર અને અજ્ઞાનનો સંહાર કરવા પ્રભુ પાસે સર્વ પ્રકારનાં આયુધો છે. આ કોરોનાની વર્તમાન ઘટનામાં આપણને તેનો પરિચય મળતો હોય તેવું જણાય છે. જો સમજવાની શક્તિ હજી પણ થોડી ધણી બચી રહી હોય તો સાવધાનીની ઘંટી વાગી ચૂકી છે. પરમાત્માનાં આયુધ આપણને ઊર્ધ્વગામી વિકાસ માટે સક્ષમ પણ બનાવી શકે છે. આજે ટેક્નોલૉજીના માનવીય સંવેદનાપ્રેરિત ઉપયોગનું વલણ ચિંતનશીલ યુવાનોમાં પ્રસરતું દેખાઈ રહ્યું છે. કોરોનાકાળમાં સોશિયલ મીડિયા મારફત અસરગ્રસ્તોને અદ્ભુત કરુણાસભર મદદગારી હોય કે વર્ષ બે હજાર કોરોના કાળમાં સોશિયલ મીડિયા મારફત અસરગ્રસ્તોને અદ્ભુત કરુણાસભર મદદગારી હોય કે વર્ષ બે હજાર અઢારમાં થાઇલેન્ડની એક ગુફામાં દિવસો સુધી ફસાઈ ગયેલાં બાળકોની ઘટના હોય, માનવીય સંવેદનાની વ્યાપક બનતી ભાવના એક ઉજ્જવળ દિશાની ગવાહી પૂરે છે. તે વલણને વિકસાવવામાં અડચણરૂપ પરિબળોને આ આયુધ અવશ્ય ખાળી પણ શકે છે. તે માનવીય વિકાસની ખરી સંભાવના બની શકે. આધુનિક ટેક્નોલૉજીના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આયોજનમાં જો બૌદ્ધ ધર્મની જ્ઞાનપ્રક્રિયાના સમાયોજનનો પ્રભાવ છે, તો માનવીના નેચરલ ઇન્ટેલિજન્સના સાચા શિક્ષણ માટે પણ તે જ્ઞાનપ્રક્રિયા આપણે કેમ ન અપનાવીએ?
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 10-11