આપણે સહવિચાર કેમ નથી કરતા કે કયાં પરિબળો વડીલ પેઢીઓની કુણ્ઠા બની બેઠાં છે, યુવા પેઢીઓની રૂંધામણ બની બેઠાં છે
૨૦૧૯ની વ્યક્તિ-વિશેષ ગ્રેટા થુન્બર્ગ
૧૬ વર્ષની ગ્રેટા થુન્બર્ગને ‘ટાઈમ’ મૅગેઝિને ‘યુવાશક્તિ’ કહીને ૨૦૧૯ના વર્ષની વ્યક્તિ-વિશેષ ઘોષિત કરી છે. ગ્રેટા ‘ક્લાઈમેટ ચેન્જ’ સંદર્ભે સ્વીડિશ ઍન્વાયર્ન્મૅન્ટલ ઍક્ટિવિસ્ટ છે. એણે ‘ક્લાઈમેટ ક્રાઈસિસ’ નામની મહા પ્રભાવક ઝુંબેશ ચલાવી છે. ગ્રેટા ઇચ્છે છે કે એ મહા સંકટના નિવારણ માટે રાજકારણી સત્તાધીશો ઝડપી ઍક્શન્સ લે. એની ચળવળનું કેન્દ્ર જ ઍક્શન છે.
જન્મ સ્વીડનમાં, ૨૦૦૩માં. ૮ વર્ષની વયે ગ્રેટાએ પહેલી વાર ‘ગ્લોબલ વૉર્મિન્ગ’ વિશે સાંભળેલું. એને વિચાર આવેલો : ‘એવું તો શેનું થવાનું કેમ કે રાજકારણીઓ કાળજી કરીને બધું સંભાળી લેશે.’ ધીમે ધીમે ગ્રેટાના ધ્યાન પર આવ્યું કે એ લોકો તો કંઈ કરતા જ નથી. એટલે એને ઝુંબેશનો વિચાર આવ્યો ને એ માટે એ તત્પર થઈ ગઈ. પોતે જે શાળામાં ભણતી’તી ત્યાંથી એણે શુભારમ્ભ કર્યો – ઑગસ્ટ ૨૦૧૮. ત્યારે એ ૧૫ વર્ષની હતી. ઝુંબેશનું નામ રાખ્યું – ‘સ્કુલ ક્લાઇમેટ સ્ટ્રાઈક’. હુલામણું બિરદ રાખ્યું – ‘ફ્રાઇડેઝ ફૉર ફ્યુચર’. ઍક્ટિવિસ્ટ કહો કે કર્મવીર કહો એવી આ છોકરી શાળામાં ભણવાનું છોડીને સ્વીડિશ પાર્લામૅન્ટની સામે અડ્ડો જમાવીને ધરણાં કરે છે. મુદ્દો એક જ – ગ્લોબલ વૉર્મિન્ગના નિકાલ માટે ઍક્શન લો !
જોત જોતાંમાં બીજાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ પણ જોડાય છે અને ક્રમે ક્રમે ઝુંબેશ રાષ્ટ્રીય અને આન્તરરાષ્ટ્રીય સ્તરે પ્રસરે છે. દર અઠવાડિયે ક્યાંક ને ક્યાંક સ્ટ્રાઇક ! એકવાર તો બે શ્હૅરોમાં થઇને દરેકમાં ૧ મિલિયન વિદ્યાર્થીઓ ! ૨૦ સપ્ટેમ્બરની સ્ટ્રાઇકમાં ૬ દેશોના થઈને આશરે ૪ મિલિયન લોકો ! ઇતિહાસમાં આ વિરોધ-પ્રદર્શન મોટામાં મોટું ગણાય છે.
ગ્લોબલ વૉર્મિન્ગ એટલે પૃથ્વીવ્યાપી ગરમી. ઔદ્યોગિક ક્રાન્તિ પછી ગ્લોબલ તાપમાન ૧ સેલ્સિયસ જેટલું વધી ચૂક્યું છે. સંભાવના છે કે ૨૧૦૦ સુધીમાં એ ૩ સેલ્સિયસે પ્હૉંચી જશે. કાર્બન ડાયોક્સાઇડ બીજાં પ્રદૂષકો અને ગ્રીનહાઉસ ગૅસિઝ રેડિયેશન વગેરે વાતાવરણમાં ભળે પછી વરસો લગી ભળેલાં રહે છે. પરિણામે, પૃથ્વીનો ગોળો વધારે ગરમ અનુભવાય છે. ઇલેક્ટ્રિસિટી પેદા કરવા અમેરિકા ફોસિલ ફ્યુએલ વાપરે છે. ફોસિલ તે ધરતીમાંથી પેદા થતો ગૅસ, કોલસો કે તેલ. એથી ઘણી મોટી માત્રામાં ગરમી અને તેથી પ્રદૂષણ જન્મે છે. ઘણી મોટી માત્રા એટલે ઘણી મોટી – દર વર્ષે ૨ બિલિયન ટન કાર્બનડાયોક્સાઇડ પેદા થાય છે ! પ્રદૂષણનો એવો જ બીજો મહા સ્રોત છે, અમેરિકાનું ટ્રાન્સપોર્ટેશન સૅક્ટર. એથી દર વર્ષે ૧.૭ બિલિયન ટન કાર્બનડાયોક્સાઇડ ધુમાડા રૂપે પેદા થાય છે.
અલબત્ત, અમેરિકા આ સંકટને વિશે એટલું જ જાગ્રત છે. આધુનિક પાવર પ્લાન્ટ્સથી પરિસ્થિતિ ઘણી સુધરી છે. પણ ભલા, આ તો એ અમેરિકાની વાત છે જ્યાં ભાગ્યે જ કોઇ વાહન ધુમાડો ઑકતું વહ્યે જતું હોય. એની તુલનામાં ભારતનાં બધાં જ મોટાં શ્હૅરોનાં વાહનોના નિત્યવર્ધમાન ધુમાડા અભૂતપૂર્વ ધોરણે વાતાવરણને પ્રદૂષિત કરે છે … શું વધારે કહેવું …
ગ્રેટાએ ખુદનાં માબાપને સમજાવ્યાં કે તમારાં કાર્બન-મૅલાં પગલાં મૂકીને ન જશો. આબોહવાને ચોખ્ખી રાખવા ‘લાઈફસ્ટાઇલ ચૉઇસિસ’ અપનાવજો, જેમ કે, પ્લેનના પ્રવાસ છોડી દેજો. માંસાહાર ન કરશો. વગેરે. મે ૨૦૧૯માં ગ્રેટાએ ક્લાઇમેટ ઍક્શન પરનાં પોતાનાં સંભાષણોનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. શીર્ષક સૂચક છે : ‘નો વન ઇઝ ટૂ સ્મૉલ ટુ મેક અ ડિફરન્સ’. સમજાશે કે નાની યુવા ગ્રેટા પોતાના ધ્યેયને વિશે કેટલી તો ખુલ્લી અને ખંતીલી છે; એની વાણી પણ કેટલી તો ધારદાર અને તીખી છે.
જુઓને, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૯-ના ‘યુ.ઍન. ક્લાઇમેટ ઍક્શન સમિટ’-માં પણ પ્હૉંચી ગઈ. સામે બેઠેલા રાજકારણી રાજપુરુષોને એણે કેવા તો લબડધક્કે લીધા; કહ્યું કે : આ બધું ખોટું છે ! મારે અહીં શા માટે હોવું જોઇએ? આ મહાસગરની પેલે પાર મારે મારી શાળામાં હોવું જોઈએ ! પણ તમે બધા પધાર્યા છો તે અમને જુવાનોને આશા બંધાવવા ! પણ, હાઉ ડૅર યૂ ! તમે અને તમારા નિ રર્થક શબ્દોએ મારું બાળપણ ને મારાં સપનાં હરી લીધાં છે. જો કે તેમછતાં, હું કેટલાંક લકીઓમાંની એક છું. લોકો યાતનાઓમાં સબડી રહ્યાં છે. લોકો મરી રહ્યાં છે. સઘળી ઇકોસિસ્ટમ્સ ભાંગી પડી છે. આપણે સૌ માસ-ઍક્સ્ટિન્કશનનો પ્રારમ્ભ કરી રહ્યાં છીએ – સમૂહમાં લુપ્ત થઇને નામશેષ થઈ જાશું. પણ તમે લોકો? તમે લોકો જેની વાતો કરો છો, એ તો છે, માત્ર પૈસા ! એ તો છે, નિરન્તરના આર્થિક વિકાસને માટેની પરીકથાઓ ! હાઉ ડૅર યૂ !
‘યુઍન ક્લાઇમેટ ઍક્શન સમિટ’-માં વક્તવ્ય આપતી ગ્રેટા
છેલ્લે ગ્રેટાએ કહેલું : અમે તમારા પર વિશ્વાસ રાખેલો પણ તમે લોકોએ વિશ્વાસઘાત કર્યો છે. અમને જુવાનોને તમારી એ દગલબાજી સમજાઈ ગઈ છે. તમામ ભાવિ પેઢીઓની તમારા પર નજર છે. તમે અમને છેતરવાનું ચાલુ રાખશો તો હું તમને કહી રાખું છું – અમે તમને કદ્દી પણ માફ નહીં કરીએ.
પ્રેસે નૉંધેલું કે ધીટ અને ખંધા રાજકારણીઓ વચ્ચે આ ૧૬ વર્ષની છોકરી ધ્રુસકે ભરાઇને રડી પડેલી.
ગ્રેટાની આ ઝુંબેશને ટ્રમ્પ સહિતના કેટલાક રાજકારણી નેતાઓએ હસી કાઢેલી પણ ઝુંબેશના વ્યાપક સ્વીકાર આગળ એ બધાઓ તકસાધુ અને નમાલા પુરવાર થયેલા. જેમ કે, યુનાઇટેડ નેશન્સના સૅક્રેટરી-જનરલે ગ્રેટાના ધ્યેયનો સ્વીકાર કરતાં આવા મતલબનું કહેલું કે – મારી પેઢી એકાએક નજરે ચડેલા ક્લાઇમેટ ચેન્જનો સરખો મુકાબલો કરવામાં નિષ્ફળ નીવડી છે અને એ નિષ્ફળતાને નવી પેઢીનાં જુવાનો સહી શક્યાં નથી અને તેથી તેઓ ગુસ્સે ભરાય એ સ્વાભાવિક છે. જેમ કે, એ વર્ષના ફેબ્રુઆરીમાં ૨૨૪ જેટલા કેળવણીકારોએ સહીઓ કરીને જાહેરપત્રમાં દર્શાવ્યું કે – અમે ગ્રેટાની ઝુંબેશથી પ્રેરાયા છીએ અને ઇચ્છીએ છીએ કે અમે એને ધ્યાનથી સાંભળીએ.
ગ્રેટાએ ૪ વિષયવસ્તુ રજૂ કર્યાં છે : માનવતા પોતાના અસ્તિત્વનું સંકટ અનુભવી રહી છે : ક્લાઇમેટ ચેન્જ વર્તમાન યુવા પેઢીનું ઉત્તરદાયીત્વ છે : આજે યુવાન છે એ લોકો ક્લાઇમેટ ચેન્જની વિષમ-પ્રમાણ અસરનો ભોગ બનવાના છે : આ પરિસ્થતિ છે અને એ વિશે સાવ ઓછું કામ થયું છે : (ગ્રેટાએ એમ પણ કહ્યું છે કે) રાજકારણીઓએ અને નિર્ણયકારોએ વિજ્ઞાનીઓને સાંભળવાની ખાસ જરૂર છે.
જેમાં શાળા-કૉલેજના વિદ્યાર્થીઓ જોડાયા હોય એવું જલદ વ્યાપક અને પરિણામદાયક આંદોલન, દેશ આખાની વાત હાલ ન કરીએ, ગુજરાતમાં ‘નવનિર્માણ’ અને ‘અનામત’ પછી ભાગ્યે જ થયું છે. જો કે, ગ્રેટા એક અસાધારણ મનુષ્ય છે. એની ધ્યેયસિદ્ધિ અપૂર્વ છે. તેમછતાં, એના દાખલા પરથી મને કેટલાક સવાલ થયા છે : આપણે ત્યાં પણ ગ્રેટા હોઈ શકે, કેમ નથી? કિશોરીઓ શું કરે છે એમ નહીં આપણે માબાપો એમને આવું કશું કરી શકે એવો ઉછેર આપીએ છીએ ખરાં? આપણે સહવિચાર કેમ નથી કરતા કે કયાં પરિબળો આપણી વડીલ પેઢીઓની કુણ્ઠા બની બેઠાં છે, આપણી યુવા પેઢીઓની રૂંધામણ બની બેઠાં છે? બૌદ્ધિક ગણાતા બહુ-શિક્ષિતો અને સર્જક ગણાતા સાહિત્યકારો જાગતિક પ્રશ્નો વિશે આકર્ષક અને અસરકારક લખી શકે, કેમ નથી લખતા? સત્ય એ છે કે દાઝ ઘણી છે પણ વ્યુત્પત્તિ નથી – પર્ફૅક્ટ પ્રોફિસિયન્સી નથી – ચોપાસ બનતી ઘટનાઓને વિશેની સમ્પ્રજ્ઞતા નથી. વધારે તો આપણે એકમેકની આસપાસમાં જ વ્યસ્ત છીએ …
= = =
પ્રગટ : શનિવાર, ૦૪/૦૧/૨૦૨૦-ના રોજ “નવગુજરાત સમય”માં પ્રકાશિત લેખ અહીં સૌજન્યથી મૂક્યો છે