Opinion Magazine
Number of visits: 9482158
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ આજે (૧૯)

સુમન શાહ|Opinion - Opinion|5 December 2024

(આ લેખ અનિવાર્યપણે દીર્ઘ છે, કષ્ટ પડે તો ટુકડે ટુકડે વાંચવા વિનન્તી)

સુમન શાહ

હરારીનું મન્તવ્ય છે કે ઇન્ફર્મેશન ટૅકનોલૉજિ તરીકે વાર્તાઓની કેટલીક મર્યાદાઓ છે. રાષ્ટ્રના નિર્માણમાં વાર્તાઓ ઉપરાન્ત કવિઓ ચિન્તકો કે દૃષ્ટાઓ કેવોક ભાગ ભજવે છે એ દર્શાવવા એમણે જે ઉદાહરણો આપ્યાં છે, એમાં, ૨૦-મી સદીના પ્રારમ્ભમાં થઈ ગયેલા યુક્રેઇનના યહૂદી કવિ બિયાલિકનાં કાવ્યો અને વાર્તાઓનું ઉદાહરણ સમજવા જેવું છે. 

બિયાલિક યુરોપીય યહૂદીઓને ઉદ્દબોધીને કહે છે કે નબળાઇઓ અને ઘૃણા કે ઉત્પીડનમાંથી બેઠા થઈ સ્વરક્ષા માટે શસ્ત્રોથી સજ્જ થઈ પૅલેસ્ટાઈન જઇ તમારા આગવા નગરની સ્થાપના કરો (‘સૌ ચલો જીતવા જંગ …’ -જેવી પ્રેરક વાત). યુદ્ધ થયાં, યહૂદીઓ મરાયા, એક કાવ્યમાં વર્ણવાયું છે એમ, સ્ત્રીઓનાં અપહરણ થયાં, વગેરે વગેરે. 

પણ હરારીનો પ્રશ્ન એ છે કે એ કાવ્યનાં ગાન ઇઝરાઇલની શાળાઓમાં આજે શા માટે ગવરાવાય છે. આવું જ ઉદાહરણ એમણે એ જ અરસામાં કાર્યરત હંગરીના યહૂદી સાહિત્યકાર હર્ઝલનું વર્ણવ્યું છે. હરારી કહે છે, હર્ઝલ પણ પોતાનાં પુસ્તકોમાં યહૂદી રાષ્ટ્રની સ્થાપના ભાખે છે, તેઓ પણ રાજકીય કર્મણ્યશીલતાના આગ્રહી છે. 

હરારી ઉમેરે છે કે પરન્તુ આ બન્ને દૃષ્ટાઓની પ્રેરણાદાયી વાતોને પ્રતાપે તત્કાલીન વાસ્તવિકતાઓની ઉપેક્ષા થઈ હતી. ૧૯૦૦ આસપાસ પૅલેસ્ટાઇનના યહૂદીઓની સંખ્યા એ પ્રદેશની ૬ લાખની વસતીના ૬-૯ % જેટલી જ હતી. પણ વસતીવિષયક આંકડા દર્શાવતી એ demograpphic હકીકતોને કોરાણે મૂકીને આ બન્ને સાહિત્યકારોએ માયથોલૉજિ અને સવિશેષે બાઇબલની વાર્તાઓને જ મહત્ત્વ આપ્યું હતું. આ કવિઓ પૂર્વે, યુક્રેઇનિયન, હંગેરિયન અને પોલિશ રાષ્ટ્રવાદ વિશે અગાઉના કવિઓ લખી ગયા હતા. એ બધી રાષ્ટ્રવાદપરક ચળવળો જોઈને હર્ઝલે લખેલું કે ‘nations arise out of dreams, songs, fantasies’ – રાષ્ટ્રો, સ્વપ્નો ગીતો અને કપોળકલ્પનાઓથી પ્રગટે છે.   

હરારીએ એટલે સુધી કહ્યું છે કે કેટલાંક રાષ્ટો સૌ પહેલાં તો કવિઓની કલ્પના અનુસાર રચાયાં હતાં. ઇતિહાસમાંથી એમણે દૃષ્ટાન્તો પણ આપ્યાં છે. પણ પોતાનું મન્તવ્ય આગળ કરતાં કહે છે કે સ્વપ્નો, ગીતો અને કપોળકલ્પનાઓ, ગમે એટલાં પ્રેરણાદાયી હોય, રાષ્ટ્ર-રાજ્ય, nation-state, નથી સરજી શકતાં. 

ઉમેરે છે કે બિયાલિકથી યહૂદી લડવૈયાઓની પેઢીઓને પ્રેરણાબળ મળ્યું એ ખરું, પણ લશ્કરને સુસજ્જ રાખવા ગન્સ ખરીદવી અને તે માટે કરવેરા વધારવા પણ જરૂરી હોય છે. ઉમેરે છે કે કલ્યાણગ્રામની ભાવના ભરેલી હર્ઝલની એક utopian નવલકથામાં ‘ટેલ અવિવ’ નગરની સ્થાપનાની વાત છે, પણ નગરને કાર્યકર રાખવા ગટરવ્યવસ્થા ઊભી કરવી પણ જરૂરી હોય છે. માતૃભૂમિના સૌન્દર્યનાં હૃદયદ્રાવક કાવ્યોથી તેમ જ પરદેશીઓ અને લઘુમતિ વિરુદ્ધ ધિક્કારભર્યાં ભાષણો કરવાથી રાષ્ટ્રપ્રેમ નથી જનમતો. કહે છે, કદાચ, રાષ્ટ્રપ્રેમ એટલે પોતાના બાકી કર ભરવા, જેથી દેશના અન્ય ભાગોમાં વસતા લોકોને પણ ગટરવ્યવસ્થાના તેમ જ સલામતી, કેળવણી અને આરોગ્યસેવાના લાભ મળી શકે.

હરારીના આ રાષ્ટ્રવાદ વિરોધી મન્તવ્ય સાથે પહેલી નજરે બે કારણે સમ્મત થવું મુશ્કેલ જણાય છે : 

એક તો એ કે પ્રજાજન કર ભરે જ ભરે, કેમ કે બધા દેશોમાં એ તન્ત્ર એકદમ સાવધ અને ચૉક્કસ હોય છે. હવે તો એ, ખાસ્સી ઍડવાન્સ્ડ્ સિસ્ટમ ગણાય છે. કરદાતાઓની તુલનામાં કરચોરોની સંખ્યા નાની હોય છે, અને તેમને દણ્ડવાની જોગવાઈ જડબેસલાક હોય છે. 

બીજું કારણ એ કે ગટરવ્યવસ્થા કે કર ભરવા જેવી નિ:સામાન્ય બાબતો જોડે રાષ્ટ્રપ્રેમ જેવી ભાવનાને ન મુકાય કેમ કે એથી ઊભો થતો વૈચારિક વિરોધ કૃતક અને સગવડિયો છે. જીવનવ્યવહારમાં કર્તવ્યનિષ્ઠ રહેવું એ એક વાત છે અને હૃદયભાવનાઓ વિેશે સમૃદ્ધ થવું બીજી વાત છે. અને, સૌ સમજે છે કે ભૂખ્યાની ભૂખ શમે એ માટે એને રોટલો આપવાનો હોય, એની આગળ “શ્રીમદ્ ભાગવત”-ના પાઠ ન કરાય.

પરન્તુ જરાક વિચારીશું તો લાગશે કે હરારીનું મન્તવ્ય ઘણું જ ઘણું આવકાર્ય અને સ્વીકાર્ય છે. સાહિત્યકારો જો પોતાની કલમના જોરે પ્રજાને યુદ્ધ અને હિંસા માટે પ્રેરે, એટલે કે ભડકાવે, તો તેમની ટીકા જ થવી જોઈએ. કેમ કે રાજકીય કર્મણ્યશીલતા એ હદે વિકસે, તો સરવાળે યાતનાઓ પ્રજાને જ ભોગવવી પડે છે. ભારતમાં, ‘સિપાઇઓના બળવા’-થી શરૂ થયેલી સ્વતન્ત્રતા માટેની લડત અને ગાંધીના આગમન પછી એમાં આવેલું મહા પરિવર્તન જે સૂચવે છે તે છે, હિંસા અને અહિંસા વચ્ચેનો ફર્ક. 

વાસ્તવમાં સાહિત્યસર્જક કોઈ વાતનો પક્ષ લઈને લખતો હોય છે ત્યારે તે પક્ષની પુષ્ટિ કરવા જતાં કાં તો એ તે રાષ્ટ્રના શાસકોની સીધી સ્તુતિ કરતો હોય છે અથવા જો ટીકા કરવા જાય છે તો અંદરથી સાચવી સાચવીને કે ડરતો ડરતો કરે છે. ગાંધીસાહિત્યનું અધ્યયન કરનાર જોઈ શકે છે કે નથી એમાં સ્તુતિ કે સાચવવાપણું કે નથી એમાં ડર.

+ +

વાત નીકળી છે તો વિચારીએ કે રાષ્ટ્રવાદનું લક્ષ્ય શું હોઈ શકે -? એ જ કે રાષ્ટ્રવિકાસમાં દરેક નાગરિકે રાષ્ટ્રપ્રેમથી સહભાગી થવું. પરન્તુ, સમગ્ર પ્રજા રાતોરાત રાષ્ટ્રવાદી અને રાષ્ટ્રપ્રેમી નથી થઈ જતી. દેશનાં ઇતિહાસ-ભૂગોળ સાથે વ્યક્તિનાં ઇતિહાસ-ભૂગોળ તેમ જ સંજોગો ભાગ ભજવતાં હોય છે, તેથી વ્યક્તિમાં રાષ્ટ્રપ્રેમ ધીમે ધીમે જાગે છે.

હું મારી વાત કરું : ૧૯૪૮-ના જાન્યુઆરીની ૩૦ તારીખે ગાંધીજીનું અવસાન થયું ત્યારે હું ૮ વર્ષનો હતો. ‘દીવડો બુઝાયો આજે દીવડો બુઝાયો’ ગીત વાતાવરણમાં ગુંજતું હતું. હું ગાવા લાગેલો. પછીનાં વર્ષોમાં, ‘નહીં ભૂલીએ, નહીં ભૂલીએ, નિશાન ભૂમિ ભારતનાં’ અને ‘ઝંડા ઊંચા રહે હમારા’ ગીતો હું હીંચકે બેસીને મજાથી ગાતો હતો. હું સારું ગાઇ શકતો તેની કસોટી માટે ગાતો’તો એ ખરું પણ સાથોસાથ દેશ માટે કંઈક ભાવ પણ જાગેલો. પ્રાથમિકમાં વર્ગશિક્ષક ઈશ્વરભાઈ પટેલ ભૂગોળના પીરિયડમાં હેડમાસ્ટરના રૂમમાંથી ભારતનો નક્શો લઈ આવવાનું મને કહેતા. આઝાદી પહેલાંનો એ પાકિસ્તાન અને બ્રહ્મદેશ સુધીનો વિશાળ નક્શો જોઈને થતું, વાહ, બહુ મોટો છે આપણો દેશ. એ જોઈને કાગળ પર હું એ ભારત અદ્દલ દોરી શકતો, બીજાઓના પહેલાં, કેમ કે મને ચિત્રો પણ સરસ આવડતાં’તાં.

આને મારા રાષ્ટ્રપ્રેમનું પરોઢ કહેવાય, સૂર્યોદય અને પ્રભાત કે બપોર અને સાંજ તો, જેમ જેમ મોટા થઈએ તેમતેમ, પાછળથી થાય. 

હરારીએ nation-state શબ્દ પ્રયોજ્યો છે, રાષ્ટ્ર-રાજ્ય. હું ભારતની વાત કરું : ભારત અનેક રાજ્યો ધરાવતી રાજકીય હસ્તી રૂપે એક સંઘીય – federal – રાષ્ટ્ર છે. એમાં સૌ ભારતીયો ઇતિહાસ, સંસ્કૃતિ અને ભાષાથી જોડાયેલા છે. એ ઇતિહાસમાં દીર્ઘકાલીન પ્રાચીન સભ્યતાના સંસ્કાર છે; એનાં કેટલાંક પ્રકરણો ‘biased’ છે, કેમ કે વિદેશી આક્રમકોના પરિપ્રેક્ષ્યથી લખાયાં છે, વિકૃત છે – skewed. ઉપરાન્ત, રાષ્ટ્રના ઘડતરમાં સંસ્થાનવાદનાં ચિહ્ન મોજૂદ છે, એમાં ઉત્તર-સંસ્થાનવાદી વર્તમાન ભારત પ્રગતિ માટે મથી રહ્યું છે, એ હકીકત પણ છે. એમાં સંસ્કૃતિ નહીં પણ બહુસંસ્કૃતિ પ્રવર્તે છે; રાષ્ટ્ર એકભાષી નથી, બહુભાષી પણ છે. 

એવા ભારતમાં રાષ્ટ્રપ્રેમની ભાત ‘મોઝેયિક’ કે ‘કૅલિડોસ્કોપિક’ હોવાની. તેથી વિવેચકો માટે કોઇપણ સાહિત્યસૃષ્ટિમાં રાષ્ટ્રપ્રેમ નથી કે છે તેની ફરિયાદ કે વાત કરવાનું અથવા કહો કે political unconscious શોધવાનું કામ કઠિન રહેવાનું. એ જ કઠિનાઈ તેવું સર્જન કરવામાં સર્જકો પણ અનુભવવાના. આ મુદ્દા વિશે ક્યારેક વિસ્તારથી કહીશ.      

અલબત્ત આજની તારીખે મને વેદોપનિષદકાલીન ભારત માટે વધુ પ્રીતિ છે, એનું કારણ એ ભવ્ય દર્શનો. વળી, સંસ્કૃત સાહિત્ય તેમ જ વિદ્યાક્ષેત્ર માટે પણ મને ઘણી પ્રીતિ છે, એનું કારણ રસભરપૂર સાહિત્યસર્જનો અને પ્રત્યેક વિદ્યાશાખામાં પ્રભવેલો વિચારોત્તેજક જ્ઞાનરાશિ. મને દેશના આગલા સહસ્ત્રાબ્ધના ઉત્તરકાળમાં રસ નથી પડતો, થાય કે તે વર્ષોમાં રાજા-મહારાજાઓ શું રાણીવાસમાં જ આળોટ્યા કરતા’તા, જેને કારણે અને પરિણામે, વિદેશી આક્રમકો ચડી આવ્યા, આવ્યા તો આવ્યા, પણ રાજ કરવા લાગ્યા?

ઇતિહાસ કહે છે કે ગુપ્તયુગ પછીના છઠ્ઠીથી દસમી સદી સુધીના સમયમાં દેશ નાના-મોટા રાજકીય ટુકડાઓમાં વહેંચાઈ ગયેલો, અનેક પ્રાદેશિક રાજવંશ ફૂટી નીકળેલા. પરિણામે, ગુપ્તયુગના સામ્રાજ્યને બેઠું કરી શકાયેલું નહીં, અને દુ:ખદ તો એ કે ભારત વિદેશીઓ માટે આક્રમણભોગ્ય – vulnerable – બની ગયેલું. પાંચમી સદીમાં મધ્ય એશિયામાંથી હુણ આવેલા અને એમણે ઉત્તર ભારતને ધમરોળેલું. સાતમી સદીમાં આરબો આવ્યા, સિન્ધને કબજે કરવા સિન્ધુ નદીએ પ્હૉંચી ગયેલા અને એમનાથી વેપારધંધા અને સંસ્કૃતિ ખાસ્સાં પ્રભાવિત થયેલાં. ૧૧-મી સદીમાં તુર્ક આવેલા, એ ગઝની ઘોરી વગેરે વંશોએ ઉત્તર ભારત પર અંકુશ જમાવેલો અને એમનાથી રાજકીય તેમ જ સાંસ્કૃતિક પરિવર્તનો થયેલાં. પછી, જાણીતું છે કે મુઘલ આવ્યા અને છેલ્લે અંગ્રેજ આવ્યા.

એ આક્રમણોના સાહિત્યિક પ્રતિકાર રૂપે ૧૫-૧૬મા શતક દરમ્યાન પ્રગટેલો દેશવ્યાપી ભક્તિ-જુવાળ પણ મારા રાષ્ટ્રપ્રેમમાં રસાયેલો છે. વળી, ભારતની સર્વસમાવેશક વૃત્તિને બિરદાવતાં રવીન્દ્રનાથે લખ્યું હતું તે પણ મારા પ્રેમનું એક મહત્ કારણ છે : 

“આ’હેથાય આર્ય, હેથાય અનાર્ય, હેથાય દ્રાવિડ ચીન, 

શક હુણ દલ પાઠાન મોગલ એકે દેહે હોલો ઇન.” 

શું એને કવિતા કે કપોળકલ્પના કહીને હું ગટરવ્યવસ્થાની ચિન્તા કરું?

હા, સવિશેષે સમકાલીન યુનિવર્સિટીઓમાં, ખાસ તો, આર્ટ્સ ફૅકલ્ટીમાં અને તેમાં ય ગુજરાતી સાહિત્યના અધ્યયન-અધ્યાપનમાં, અવનતિની જે વાતો સાંભળવા મળે છે, એથી હું દુ:ખી છું અને એ દુ:ખ મારા રાષ્ટ્રપ્રેમનો જ હિસ્સો છે. તેમછતાં, હું કરદાતા તો છું જ, નથી એમ જરા ય નથી! 

+ +

હરારીની વિચારધારા એક બીજા મન્તવ્ય ભણી વળાંક લે છે. ગટરવ્યવસ્થા, સલામતી, કેળવણી કે આરોગ્ય વગેરે સેવાઓ માટે કર-માળખાં ઊભાં કરવાં પડે અને તેમ કરીએ એટલે અઢળક માહિતી એકઠી થઈ જાય – કરચૂકવણાં – તેની નૉંધણીઓ – નૉંધણીઓને સાચવવી – સંઘરવી, વગેરે. એ પછી એ માહિતી પ્રોસેસ થાય – સમ્પત્તિઓ – માફરકમો – દેવાં – બજેટો – બિલો – પગારો. હરારીનો મતલબ એ છે કે આ માહિતી એવી નથી કે તેને સ્મરણીય કાવ્ય કે પકડી રાખે તેવી આકર્ષક મિથમાં પરિવર્તિત કરી શકાય. 

હકીકતે, ટૅક્સ રૅકર્ડ્સ જાતજાતની યાદીઓ – lists – રૂપે વિભાજિત હોય છે, અને તે દરેક વિશે બેદરકાર રહેવાનું કે તેની અવગણના કરવાનું તો પાલવે જ નહીં. હરારી સ્પષ્ટ કહે છે : Poets can afford to ignore such mundane facts, but tax collectors cannot. 

એ યાદીઓ, વાર્તાઓ કરતાં ઘણી વધારે કંટાળાજનક હોય છે. વાર્તાઓ સરળતાથી યાદ રહી જાય છે. એ સાદી હકીકતના અનુલક્ષમાં ઉત્ક્રાન્તિવાદને આધારે હરારી જણાવે છે કે માહિતીને જો વાર્તાનો ઘાટ આપી દેવાય છે તો ભલેને એ મોટા જથ્થામાં હોય, માનવચિત્ત તેને ગ્રહી શકે છે, જાળવી શકે છે, પ્રોસેસ પણ કરી જાણે છે. 

આ વાતના સમર્થનમાં હરારીએ “રામાયણ”-નો ઉલ્લેખ કર્યો છે. એમના જ શબ્દો સાંભળો : The “Ramayana, one of the fundamental tales of Hindu mythology, is twenty-four thousand verses long one runs to about seventeen hundred pages in modern editions, yet despite its enormous length generations of Hindus succeeded in remembering and reciting by heart. એમણે ૨૦-મી અને ૨૧-મી સદીમાં “રામાયણ” પરથી ફિલ્મ અને ટી.વી.સીરિયલ બની, covid-19ના લૉકડાઉન સમયમાં સીરીઅલ રી-રન થઈ તેનો પણ ઉલ્લેખ કર્યો છે. 

હરારીએ આપેલું “રામાયણ”-નું આ દૃષ્ટાન્ત યોગ્ય નથી, કેમ કે ૨૪ હજાર શ્લોકોને અને તેનાં ૧,૭૦૦ પૃષ્ઠને વાંચવા કે તેનું પઠન કરવા સામાન્ય હિન્દુ ક્યારે ય પલાંઠી લગાવીને બેઠો નથી. કથાને શબ્દ શબ્દમાં ગ્રહણ કરવાની કે તન્તોતન્ત જાળવવાની તો વાત જ કેવી!

જો કે, ટૅક્સ રૅકર્ડ્સની વીગતોને સ્મૃતિની વિવિધ રીતોથી યાદ કરાય એટલે એ વાર્તા તો બની જાય, છતાં હરારી પૂછે છે કે પોતાના દેશના ટૅક્સ રૅકર્ડ્સ કે બજેટની વીગતો કયો નાગરિક શું કરવા યાદ રાખવાનો’તો? આરોગ્ય, કેળવણી કે સુખાકારીની સેવાઓ વિષયક માહિતી ગમે તેટલી આવશ્યક હોય તો પણ માનવચિત્ત તેને યાદ રાખવાને સમર્થ નથી. 

અને તેથી માનવશરીર સાથે જોડાયેલી ન હોય એવી એક non-organic ઇન્ફર્મેશન ટૅક્નોલૉજિની જરૂરત ઊભી થઈ, જે શોધાઈ, જેનું નામ છે, હરારી કહે છે, લિખિત દસ્તાવેજો – રીટન ડૉક્યુમૅન્ટ્સ.

= = =

(ક્રમશ:)
(04Dec24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

5 December 2024 Vipool Kalyani
← એન.ડી.ટી.વી.નો નથી કોઈ વાંક કે નથી ગુનો : પાંજરાનો પોપટ
ઇંગ્લિશ ઈઝ ઈન્ડિયા, ઈન્ડિયા ઈઝ ઇંગ્લિશ : ઇંગ્લિશ ભાષા છે કે ક્લાસ? →

Search by

Opinion

  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)
  • અર્થપૂર્ણ જીવનનું દર્શન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved