શું તમે કદી આનંદમેળામાં કે એમ્યુઝમેન્ટ પાર્કમાં ગયા છો? ત્યાં ટ્રેન હોય છે, પ્લેન હોય છે, બોટ હોય છે. નાનાં-મોટાં વિસ્મયકારક પ્રદર્શનો હોય છે. પણ આ બધું જ હોય છે માત્ર મનોરંજન માટે, ઘડી-બે ઘડીના આનંદ માટે અને ખાસ તો રૂપિયા ખર્ચીને હળવા થવા માગતા સંપન્ન કુટુંબનાં લોકો માટે !
આવા આનંદમેળા હવે ગામડાંમાં પણ થાય છે. ગામડાંમાં પણ પૈસા ખર્ચી શકે તેવા લોકો આ મનોરંજનનો લાભ લે છે. છતાં, ગામડાંનાં લોકોને એટલી ખબર તો પડે જ છે કે આ માત્ર ઘડી-બે ઘડીનું મનોરંજન છે. આ આનંદમેળા કે એમ્યુઝમેન્ટ પાર્કની રાઇડને કાયમી સેવા કે અર્થશાસ્ત્રની ભાષામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહી ન શકાય! આનંદમેળાની ગાડી કાયમી અપ-ડાઉનની સુવિધા નથી આપતી! પ્લેન કે બોટીંગ એ કાયમી સગવડો નથી, ભ્રમણા છે, દેખાડો છે, બે ઘડીનું મનોરંજન છે.
ગામડાંમાં સામાન્ય માણસને સમજાય તેવી બાબતો દેશના ઉચ્ચ મધ્યમ વર્ગના ચર્ચાવીરોને કાં તો સમજાતી નથી, કાં તો તેમને સમજવી નથી. અને અર્થશાસ્ત્રના અભ્યાસીઓ હવે રહ્યા નથી, અથવા ચાલ્યા ગયા છે. બાકી કોઇક તો, ક્યાંકથી તો અવાજ ઉપાડત કે થોભો! સી પ્લેન ઉડાડવાની હમણાં કયાં જરૂર છે? માત્ર અમદાવાદથી મુંબઇ વચ્ચે આવ-જા માટે બૂલેટ ટ્રેનના રાક્ષસી મૂડીરોકાણ અને વિદેશી દેવાની શું જરૂર છે? શહેરમાં બી.આર.ટી.એસ. કે અમદાવાદ-ગાંધીનગરના માત્ર ૨૬ કિલોમીટરના અપ-ડાઉન માટે હજાર કરોડનું મૂડીરોકાણ ન કરો. દેશમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ખૂબ જરૂરી હોય છે. કોઈ પણ દેશના આર્થિક વિકાસનો આધાર આંતર મૂડી માળખાંની સગવડોના વિકાસ પર હોય છે.
રસ્તા-પાણી-વીજળી-સંદેશાવ્યવહાર-વાહનવ્યવહાર વિકસે પછી અર્થતંત્ર આપોઆપ વિકસે, પણ જેમ ઘટના અને પ્રક્રિયામાં ફેર છે, તેમ આખા દેશમાં ટ્રેનની સુવિધા અને માત્ર બે શહેર વચ્ચે ટ્રેનની સુવિધા ઊભી કરવી તે બે બાબતમાં ફેર છે. એમ તો મુંબઈથી પૂણે વચ્ચે ટ્રેન અંગ્રેજોએ શરૂ કરી હતી, પણ આપણે તેને આંતરમૂડી માળખું ગણી શકીએ નહીં. રેલવે આંતરમૂડી માળખાંનો હિસ્સો તો ત્યારે બની, જ્યારે તે કાશ્મીરથી આસામ સુધી મુસાફરો, ખેતઉત્પાદનો, ઔદ્યોગિક સામાન બધું જ લાવવા- લઈ જવામાં મદદરૂપ થવા લાગી. મોટાં શહેરોમાં શહેરદર્શન માટે રંગબેરંગી સુશોભિત બસો ફરે છે પણ તે વાહનવ્યવહારની સગવડ ત્યારે જ બને છે, જ્યારે સિટી બસ મજૂરો-નોકરિયાતો-વિદ્યાર્થીઓ સૌના અપ-ડાઉનને સરળ બનાવે!
અર્થશાસ્ત્ર એ અછતવાળાં સાધનોનો માણસ પોતાની અમર્યાદિત જરૂરિયાત સંતોષવા કઈ રીતે ઉપયોગ કરે છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. સામાન્ય જન નહીં તો, કમ સે કમ અર્થશાસ્ત્રીઓએ તો બોલવું જોઈએ કે સરકારોએ દેશનાં અછતવાળાં સાધનોનો ઉપયોગ એવા ક્ષેત્રમાં કરવો જોઈએ, જયાં લાભ વ્યાપક હોય અને સમયની રીતે લાંબા ગાળાના હોય! છેલ્લાં વર્ષોમાં ભારતમાં સરકાર દ્વારા જે મોટાં મૂડીરોકાણો હાથ ધરાયાં છે તે દેશનું અર્થતંત્ર જાણે કે એમ્યુઝમેન્ટ પાર્ક હોય તે રીતે થઇ રહ્યાં છે. માત્ર બે શહેર વચ્ચે બુલેટ ટ્રેન કે માત્ર બે શહેર વચ્ચે સી પ્લેન!
જરા ધ્યાનથી જુઓ. શહેરના ઉચ્ચ ધનિક વર્ગના લોકોને એક માનસિક સંતોષ મળે કે હા, અમે પણ સી પ્લેનમાં બેઠા! હા, અમે પણ બુલેટ ટ્રેનમાં મુંબઇ ગયા’તા. એનાથી વિશેષ કયો લાભ આ હજારો કરોડોના રોકાણમાંથી મળવાનો છે? હા, એટલું ખરું કે આટલી મોટી મૂડી તેમાં રોકાઈ જશે તો તે દવાખાનાં, સ્કૂલ, ગામડાંના રસ્તાને નહીં મળે. રીવરફ્રન્ટ, તળાવ-વિકાસ, બુલેટ ટ્રેન વગેરેના નિર્માણમાં જે લોખંડ-સિમેન્ટ વપરાશે તે અર્થતંત્રનાં ઉત્પાદક કામોમાં નહીં વપરાય! આ વિકાસ માત્ર જોઇને રાજી થવાનો છે. અનુભવીને નહીં!
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 12 ઑક્ટોબર 2020; પૃ. 13