આ સાલે 16 ફેબ્રુઆરી એણે વિદાય લીધી.
'નાના છોકરાનું માથું ઓળવાનું ગમે અને મોટા છોકરાના વાળ વિખવાની મજા પડે …' આવું તો કેટલું ય મારી મમ્મીએ મને શીખવ્યું છે. તોફાની સ્વભાવ હતો એનો, એ મારા પપ્પાની હાજરીમાં એમની સાથેના રોમાન્સની વાત બિંધાસ્ત કરી શકતી.
પોતે પપ્પાને પરણીને મુંબઇ આવી હતી ત્યારે ચંદ્રકાંત બક્ષીની નોવેલમાં જે રોડનું વર્ણન હતું, ત્યાં ફરવા ગયાં અને પછી દરિયે ગયાં ત્યારે તેની સાડીનો પાલવ પપ્પાના મ્હોં પર વારે વારે ફરકતો એવું બધું એ અત્યંત સહજતાથી છોકરાંઓને કહી શકતી. હું કદાચ એટલે જ નેચરલી અને સંકોચ વિના રોમેન્ટિક થઇ શકું છું.
એક પગ ઘૂંટણ પર ટેકવીને, પ્રહ્લાદ જેમ તપ કરવા ઊભા રહેતા તેમ ઊભા રહી રોટલી કરવાની ટેવ હતી. રોટલી કરે ત્યારે હાથે પહેરેલી લાલ-લીલી કાચની અને સોનાની બંગડી રણક્યાં કરતી. મેં રોજ રાત્રે વાર્તા સાંભળવા એનું લોહી પીધું છે, ગલબો શિયાળ, છોટુ સસલો, એવરત જીવરત, અટ્ટણ આવ્યું ડટ્ટણ આવ્યું, ટાઢું ટબૂકલું, કૂકડી પડી રંગમાં કૂકડો શોક ઢંગમાં, અને એવી તો કેટલી બધી વાર્તાઓ એણે મને કહી છે.
એ બિંધાસ્ત હતી. એની અને પપ્પાની દોસ્તી લગ્નમાં સમયાંતરે મજબૂત થઇ હતી. પપ્પા જેલમાં ગયા ત્યારે નામ બદલીને નોકરી કરનારી પ્રજ્ઞાનો સૂર્ય બહુ મજબૂત એટલે નબળી તો હતી જ નહીં. ગુજરાતી ગીતો, વાર્તાઓ, કવિતાઓ, સંસ્કૃત સુભાષિતોથી માંડીને શ્રેષ્ઠ રોમેન્ટિક ફિલ્મો મને એને લીધે મળ્યાં.
હું સ્કૂલમાં હતી ત્યારે 'ઉત્સવ' ફિલ્મ ટી.વી. પર આવવાની હતી તો એણે પપ્પાને કહી દીધું કે તમે અંદરના રૂમમાં રહેજો એટલે એ શાંતિથી ફિલ્મ જોઇ શકે, હવે એને આ નાટક ભણવામાં આવશે. મુગલ-એ-આઝમ આવે ત્યારે એ અચૂક કહેતી કે, "દિલીપ કુમાર જ્યારે મઘુબાલાના મ્હોં પર પીછું ફેરવે છે એ દ્રશ્ય રોમાંચ કરાવી દે તેવું છે", અમે સાથે બેસીને મુગલ-એ-આઝમ હજારો વાર જોયું છે. ‘સિલસિલા’થી માંડીને ‘ગાઇડ’ અને પછી ગુજરાતી નાટકો તો ડાન્સના પ્રોગ્રામ્સ પણ.
મારી ટીનએજર તરીકેનાં વર્ષોમાં એ જ મારી કંપની હતી, નબળા બૉયફ્રેન્ડ્ઝની વાતો એની સાથે જ થઇ શકતી હતી. હું જાળી બંધ કરું એ પરથી એને સમજાઇ જતું કે આજે શું થયું હશે. પપ્પાના ગયા પછી એણે મને દીકરી નહીં મા તરીકે જોઇ, મને જેટલું સમજાયું એટલું કર્યું. હું પણ એને માટે ઓવર પ્રોટેક્ટિવ થઇ ગઇ હતી. મને એ મ્હોં પર કહેતી, 'હું તારી મા નથી, તું મારી મા છે …'
તેને કોઇએ એકવાર મારે અંગે પૂછ્યું કે, ‘તમારે એને પરણાવવી નથી?’ એણે સામે જવાબ આપ્યો હતો, ‘કેમ, તમને એની સ્વતંત્રતા સામે વાંધો છે?’ હું જેને પરણી એ છોકરાને મારા મિત્ર તરીકે પહેલીવાર મળી તો એણે મને કહેલું કે, ‘એને માથે વાળ સરસ છે, પરણી જા!’ ત્યારે મેં કહ્યું કે મમ્મી, એ તો માપદંડ ક્યાંથી હોય?
૮૪ વર્ષે પણ એના અવાજનો ટહુકો કોઇ ૨૦ વર્ષની છોકરી જેવો જ હતો. છેલ્લા કેટલાક મહિનાઓમાં એ જિંદગીથી કંટાળી હતી, ત્યારે કોઇએ તેના અવાજના વખાણ કર્યા એમ કહીએ તો ત્રણ-ચાર દિવસ અમસ્તા જ સારા જતાં.
‘આઓ મનાયેં જશ્નેં મુહોબ્બત જામ ઉઠાયે જામ કે બાદ’થી માંડીને ‘અલ્લા તેરો નામ, ઈશ્વર તેરો નામ…’ અને ‘આજ રપટ જૈયો તો હમેં ના ઉઠૈયો…’ થી માંડીને ‘મેરી ઉંમર કે નૌજવાનોં…’ એના હજારો ગમતાં ગીતોની રેન્જની ઝલક છે. એ સંસ્કૃત, ગુજરાતી, હિંદીની શિક્ષક હતી પણ મારે સ્કૂલમાં રોજ લખવા પડતા આંક લખવાનો મને કંટાળો આવે, ત્યારે તે ખરાબ અક્ષરે લખી આપતી. મારાં શિક્ષકો કે કૉલેજમાં હું નોકરી કરતી ત્યારે એ નોકરીનાં સ્થળોએ મને પજવનારાઓને ફોન કરીને ખખડાવવાનું પણ એણે કર્યું છે. મને મારું સંગીત, નાટકો, નૃત્ય બધું એની પાસેથી જ મળ્યું છે. બાકી લોકોની ચિંતા કરવી નહીં અને બિંધાસ્ત જે ગમે એ કરવું એ પણ એણે જ મને શીખવ્યું છે.
બાય ધી વે, મારા લેખ વાંચીને એનો જે પ્રતિભાવ આવે તેનાથી મને શાંતિ થતી કે બરાબર લખ્યું છે, ન લખાયું હોય તો પણ તરત કહેતી કે આ વખતે તું જરા ખિન્ન હતી લખતી વખતે લાગ્યું? અને હા, અમે મમ્મીને 'પીઢ પત્રકારની ધીટ પત્ની' એમ કહી ખીજવતાં …
લખવાનું તો ઘણું બધું છે, કારણ કે એ જીવી જ હતી એવું. અવાજનો રણકો, નિર્ભેળ હાસ્ય, છાપાં, ક્રોસવર્ડની ચોપડીઓ, ઈશ્વર પરની શ્રદ્ધા, ઘરે કામ કરનારા પ્રત્યેનો અપાર પ્રેમ (જેની અમે ઠેકડી પણ ઉડાડતા), પોતાનાથી સારાં કપડાં કોઇ જ નથી ધોઇ શકતુંનો ગર્વ કરનારી મારી મમ્મી હવે નથી – સદેહે નથી. છતાં ય એ છે, અમારા સ્વભાવમાં, અમારી નોનસેન્સ હ્યુમરમાં, ગંભીર પ્રસંગે નજર મેળવીને ચૂપચાપ હસી લેવામાં અને હા ક્યારેક કોથળામાં પાંચશેરી મૂકીને ફટકારવામાં પણ …
યાદ તો બહુ આવીશ, મા… મારી પાસે હવે ઝગડો કરવા માટે કોઇ છે નહીં … ધ્યાન રાખજે. મળીએ જ્યારે થઇ શકે ત્યારે.
સૌજન્ય : ચિરંતના ભટ્ટની ફેઈસબૂક દિવાલેથી સાભાર; 22 ફેબ્રુઆરી 2021