લૉર્ડ મેઘનાદ દેસાઈ ગુજરાતના બૌદ્ધિકોમાં અજાણ્યા નથી. મેઘનાદ માર્ક્સવાદના અભ્યાસી છે. તે અંગેના તેમનાં ઘણાં પુસ્તકો પણ છે. દિલીપકુમાર વિશે પણ તેમનું પુસ્તક છે, તો વળી ભગવદ્ગીતા કોણે લખી એવું પવિત્ર પુસ્તકનું બિનસાંપ્રદાયિક તપાસ કરતું પણ તેમનું પુસ્તક છે. પાકીઝા વિશે પણ તેમણે લખ્યું છે. તદ્ઉપરાંત ઘણાં પુસ્તકો તેમણે સંપાદિત પણ કર્યાં છે. આપણા અંગ્રેજી દૈનિક ‘ઇન્ડિયન ઍક્સપ્રેસ’ અને અન્ય આર્થિક પત્રોમાં તેઓ આર્થિક વિષય પર કૉલમ લખે છે.
ઑગસ્ટ ૧૯૬૧માં એકવીસ વર્ષની ઉંમરે તેઆ ભારત છોડીને વિદેશ ભણવા ગયા. તે પછી લંડનમાં સ્થાયી થયા છે. માતૃભૂમિ વિશેનો તેમનો રસ અકબંધ રહ્યો છે. થોડા દૂર હોવાને કારણે પોતે દેશના પ્રવાહો પર તટસ્થ નજરથી જોઈ શકે છે, તેવો તેમનો દાવો છે. જો કે ટી.વી. કાર્યક્રમોમાં જ્યારે ભારત વિશે તેઓ ક્યારકે ઘસાતી ટીકા કરે છે, ત્યારે તેમને પણ ‘વિદેશી’ હોવાની ગાળ ખાવી પડે છે! છેક ૧૯૬૭થી તેઓ ભારત વિશે લખતા રહ્યા છે. તેમનું ભારત વિશેનું પુસ્તક છે : ્The Rediscovery of India (૨૦૦૯). તેમાં ૧૪૯૮માં પોર્ટુગીઝોનું ભારતમાં આગમન થયું, ત્યારથી ભારતના પશ્ચિમ સાથે પડેલા પનારાની વાત છે.
The Raisina Model (૨૦૧૭) એમનું નવું પુસ્તક છે, જે સિત્તેર વર્ષની ભારતીય લોકશાહીની સમીક્ષા કરે છે. પુસ્તક માત્ર ૧૯૪ પાનાંનું છે, નાનાં નાનાં સાત પ્રકરણોમાં વિભાજિત છે. ભારતીય લોકશાહી કેવા સંઘર્ષોમાં ટકી ગઈ, કેવી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, તેનો સમગ્ર આલેખ બહુ ટૂંકમાં છતાં બહુ સ્પષ્ટપણે વાચકને પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશમાં લેખક સફળ રહ્યા છે. ૨૦૦૨ની જે દર્દનાક ઘટના ગુજરાતને, સહેવાની આવી, ત્યારે અંગ્રેજી સામયિક ‘સેમિનાર’માં તેમણે ‘ભસ્મિતા’ શબ્દ વાપરલો જે ગુજરાતની અસ્મિતાના વિરોધી કાકુને સ્પષ્ટ કરતો હતો. આમ છતાં મેઘનાદની એકંદર છાપ (ભલે તે સાચી કે ખોટી હોય) ભા.જ.પ.તરફીની રહી છે, જેનો પૂરતો ગેરલાભ તેમને ગુજરાતમાં મળે છે. પુસ્તકમાં પણ તેઓ વિમુદ્રીકરણના તરફદાર રહ્યા છે.
સૌથી મોટી વાત તો એ છે કે ૧૯૪૭માં આઝાદી વખતે દેશના જે ભાગલા થયા, બે દેશોમાં તેનું વિભાજન થયું. પછી પાકિસ્તાનના બે ભાગલા થયા છે. પણ ભારત ઘણાં બધાં વાવાઝોડાં છતાં એક રહી શક્યું છે. આજે ભારતને મહેચ્છા જાગી છે કે તે પણ વિશ્વની એક મહાસત્તા બને. આ વાતનો ઉલ્લેખ કરતાં મેઘનાદ દેસાઈ પુસ્તકમાં લખે છે કે આ માટે ભારતે પાડોશી દેશ ચીન સાથે યુદ્ધમાં ઊતરવું પડશે. પછી ભારત જો વિજયનેે વરે, તો સ્વપ્ન સાકાર થવાની શક્યતા, વાસ્તવિકતા બનેે! લેખક આખાબોલા છે. ગુજરાત વિવેકબૃહસ્પતિના નામે સુષ્ઠુ સુષ્ઠુ લેખન અને વક્તવ્ય કર્યા કરે છે, ત્યારે પશ્ચિમમાં જઈને અભ્યાસ કરનારા પ્રમાણમાં સ્પષ્ટવક્તા હોય છે. પાકિસ્તાન સાથે લડવાથી એક સરસાઈ સાંપડે પણ મહાસત્તાની મહેચ્છા હોય, તો તો ચીન સાથે જ જુદ્ધે ચઢવું પડે!
આવી તો ઘણી વાતો પુસ્તકમાં છે. એ રીતે આપણી લોકશાહીની તેમણે નિષ્પક્ષ તપાસ આદરી છે, તેથી આ પુસ્તક મહત્ત્વનું છે. આપણી મોટી સમસ્યા લઘુમતીની, દલિત-આદિવાસીની અને સ્ત્રી-સમાનતાની છે. આ આપણા સાચુકલા પ્રશ્નો છે. એનો ઉકેલ આપણે કેવોક કરી શકીએ છીએ, તેના પર ભાવિ અવલંબે છે. આર્થિક વિકાસ સિવાયનો આ માનવવિકાસ છે. જ્ઞાતિવાદ અને કોમવાદ, બાકીમાં રહ્યો તે મૂડીવાદ ભારતીય સમાજને આડા અને ઊભા વહેરે છે, ત્યારે એકજૂટ કેવી રીતે રહેવું, એ નહીં ઉકલાયેલો કોયડો છે. એકબીજા પર દોષારોપણ થયા કરે છે. પણ ખાસ અંતર કપાતું નથી. અનામતનો સવાલ તો આ મોટા પ્રશ્નમાં નાની રીતે સમાયેલો છે. લેખક ૨૦૧૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે જે ઉદ્ગારો કરેલા તેનો ઊલ્લેખ કરે છે. સમય હતો કિનારે ઉભેલી બિહારની ચૂંટણીનો. ભા.જ.પ.ને તે વખતે ફેરવી તોળવું પડેલું. પણ વાત એ હતી કે જ્ઞાતિઓની ઉચ્ચાવચતા સમાપ્ત થાય, તો જ ભારતનો ઉદ્ધાર થાય, સંઘની છાપ જે કંઈ છે, તેને કારણે વિરોધપક્ષોએ અને બૌદ્ધિકોએ માનેલું કે સંઘ અનામત દૂર કરવાની વાત કરે છે એવું જ લઘુમતી સંદર્ભે પણ છે. આપણે મોટાભાઈપણું ચાલુ રાખીએ, તેથી તો સમસ્યા વકરવાનો સંભવ રહે છે, સમસ્યાનો ઉકેલ નથી આવતો. ગાંધીને આપણે રાષ્ટ્રપિતા કહ્યા, પરંતુ ગાંધીની વાત આપણને જચતી નથી. તેઓ ભારતમાં મુસ્લિમ લઘુમતીના પક્ષે હતા, તો પાકિસ્તાનમાં હિન્દુ લઘુમતીના પક્ષે હતા. આપણા જે ભારતીયો બહોળી સંખ્યામાં ગૌરવપૂર્વક અભ્યાસ અને રોજગાર અર્થે મુસ્લિમ દેશો સહિત વિશ્વના અનેક દેશોમાં સ્થાયી થતા રહે છે, ત્યારે સ્વાભાવિકપણે જ આપણી લાગણી તો લઘુમતીના પક્ષે જ હોય છે! ઉકેલની વાત તો જવા દો, આપણે લઘુમતીની સમસ્યાને પૂરી રીતે સમજતા નથી અને સમજવાની તૈયારી પણ નથી.
આર્થિક વિકાસ, માનવવિકાસ, ભ્રષ્ટાચાર, કાશ્મીર, નાગાલૅન્ડ, નક્સલબારી આવા બધા જ પ્રશ્નોને લેખક આવરી લે છે. પ્રત્યેકને તપાસે છે. આધારભૂત વિગતો અને આંકડા સાથે તપાસે છે. બધી સમસ્યાઓના ઉકેલ અભ્યાસીઓ પાસે પણ હોતા નથી, એટલે તેઓ વાસ્તવિક પ્રશ્નો પેદા કરે છે. વાચકને યોગ્ય વિચારોનું ભાથું પૂરું પાડે છે. એમની ચિંતા તો એ છે કે આપણી પાસે વિવિધ પ્રકારના ઇતિહાસો હોવા જોઈએ. તે દિશામાં તો ભાગ્યે જ કશું થાય છે. આપણને ગાંધીએ અહિંસક રીતે આઝાદી અપાવી કે અન્ય હિંસક જૂથોનું પણ તેમાં યોગદાન હતું એ બાબતે આપણે કંઈ નહિ તો ઉદારમતવાદી પણ બની શકતા નથી. પછી પૂરું નહિ વાંચનારા ખોટા વિવાદો ઊભા કરે છે.
લેખક પુસ્તકના અંત ભાગમાં આ મુદ્દે કહે છે કે કનૈયાલાલ મુનશીએ ભારતીય વિદ્યાભવન તરફથી આર.સી. મજુમદારના ઇતિહાસના અને સંસ્કૃતિના જે ૧૧ ગ્રંથો પ્રકાશિત કરાવેલા એ કક્ષાનું મહત્ત્વાકાંક્ષી આયોજન તે પછી કોઈએ કર્યું હોય એવું જાણ્યું નથી. આજની સમસ્યા તો આ છે. આપણી પાસે તટસ્થ અભ્યાસો નથી, તટસ્થ અભ્યાસીઓ નથી. હમણાં ગુજરાત યુનિવર્સિટીએ જેમને ડૉક્ટરેટ પ્રદાન કરવાના નિર્ણય લીધા અથવા તો રાષ્ટ્રભક્ત નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ‘ભારતરત્ન’ માટે જેમની પસંદગી કરી, આ બધી બાબતોના મૂળમાં સવાલ તો ઇતિહાસદૃષ્ટિ અને ઇતિહાસના અભાવનો પડેલો છે.
આ નાનકડું પુસ્તક આપણી તટસ્થ દૃષ્ટિને સંકોરે છે, યોગ્ય દિશામાં વિચારવા મજબૂર કરે છે, આપણી સમસ્યાઓના ઉકેલ આપણે જ કરવાના છે, એ વાત ઘૂંટી આપે છે. ખોટી એકતા ઉપરથી થોપવાની નથી પરંતુ વૈવિધ્યને સમજીને એકતા ઊભી કરવાની છે. આપણને તો હજી આવી વિવિધતાનું ગૌરવ સુધ્ધાં પેદા થયું નથી, જે બતાવે છે કે દિલ્હી કેટલું દૂર છે!
ભારત એટલે શું ? એ અંગેના વિવિધ ખ્યાલો વિશેનું પ્રકરણ અત્યંત રસપ્રદ છે. ઘણા બધા પ્રશ્નો ઉત્તર ભારત અને મધ્ય ભારતના છે. નીચે દક્ષિણનાં રાજ્યોને કે ઉત્તરપૂર્વનાં રાજ્યોને એ સમસ્યા સાથે સહેજે લાગતુંવળગતું હોતું નથી. આવા એક પ્રશ્નનું ઉદાહરણ રામમંદિર છે, એવું લેખકે કહ્યું છે. આપણી ગરજે આવાં પુસ્તકોને આપણી દૃષ્ટિની સફાઈ માટે આપણે ખપમાં લેવાં ઘટે.
E-mail : dankesh.oza@rediffmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, ૦૧ માર્ચ 2019; પૃ. 03 અને 04