સૅક્સ્યુઅલ રીલેશનશિપ : લેખાંક – 10 : સાર્ત્રના પૂર્વસૂરિઓ :
હાઇડેગરના દર્શનનો પ્રારમ્ભ ઍરિસ્ટોટલના એમણે કરેલા અધ્યયનથી થાય છે. ’ધ મૅટાફિઝિક્સ’-માં ઍરિસ્ટોટલે એક આગ્રહ વ્યક્ત કર્યો છે. કહે છે, એ તત્ત્વને જાણવું જરૂરી છે જે હોવાપણાની, એટલે કે સત અથવા બીઇન્ગની, શક્ય બધી જ અવસ્થાઓને જોડી આપતું હોય. એ તત્ત્વને ‘is-ness’ કહ્યું છે.
હાઇડેગરને આ જરૂરત સમજાઇ જાય છે અને તેઓ પોતાના તત્ત્વવિચારની શરૂઆત કરે છે. ઍરિસ્ટોટલે રજૂ કરેલા આ વિચારની ભૂમિકાએ હાઇડેગર કાન્ટ, કિર્કેગાર્ડ, નિત્શે અને હ્યુસેર્લનાં દર્શનો સાથે જોડાય છે.
મનુષ્યનું અસ્તિત્વ વિશ્વ સાથે વૈયક્તિક અને તેના સામાજિક સંદર્ભોમાં કેવુંક તો સંકળાય છે તેની શોધ હાઇડેગરના દર્શનનું કેન્દ્ર છે. એ કારણે એમણે વિશ્વ અને સતને અવિશ્લેષ્ય ગણ્યાં છે.
શરૂનાં વર્ષોમાં હાઇડેગર હ્યુસેર્લના વિદ્યાર્થી હતા, ફ્રીબુર્ગ યુનિવર્સિટીમાં એમના આસિસ્ટન્ટ હતા, હ્યુસેર્લની ફીનૉમિનોલૉજિના ‘ઇન્ટેલૅક્ચ્યુઅલ પિલર’ કહેવાયેલા, પણ પાછળનાં વરસોમાં હાઇડેગર હ્યુસેર્લથી જુદા પડે છે. હાઇડેગરના વિખ્યાત પુસ્તક ‘બીઇન્ગ ઍન્ડ ટાઇમ’-માં (1927) હ્યુસેર્લની ફીનૉમિનોલૉજિને એમણે ‘મુખ્યત્વે વર્ણનાત્મક’ કહીને પડકારી, ખાસ તો એમણે ચેતનાની અનિવાર્ય સંરચનાઓનો પુરસ્કાર કર્યો. સતને એમણે વિષયી રૂપે, સબ્જેક્ટ રૂપે, ન ગણ્યું. કહ્યું કે એ માત્રસાક્ષી નથી, એ તો વિષય સાથે ઓતપ્રોત છે. વિષય-વિષયીને એમણે એકરૂપ લેખ્યાં છે.
હાઇડેગરના દર્શનમાં મુખ્ય મુદ્દા આટલા છે : સતની વિભાવના. સતનું વિશ્વમાં હોવું. વિશ્વની વસ્તુઓ સાથેનો મુકાબલો. સહિતતા, સ્થળકાળ અને તે-તેની સંરચનાઓ. એમણે પૂછ્યું છે – સતનો અર્થ – મીનિન્ગ ઑફ બીઇન્ગ – શું છે? હોવાપણાનો અર્થ શો છે? સત તો માણસના રોજબરોજના સામાન્ય અસ્તિત્વનો, માણસના ‘ત્યાં હોવાનો’ એક હિસાબ છે.
હાઇડેગરને મનુષ્ય-અસ્તિત્વ ‘ત્યાં હોનારું’ લાગ્યું છે. એ માટે એમણે Dasein સંજ્ઞા પ્રયોજી છે. Dasein સંજ્ઞા સૂચવે છે, ત્યાં – વિશ્વમાં – રહીને, તેમાં સક્રિય રહીને, જીવતું સત. Dasein-ને એમણે, અસ્તિત્વને સતત કેન્દ્રમાં રાખવાનું તેમ જ તેને વિશે પ્રશ્નો કરવાનું સામર્થ્ય પણ લેખ્યું છે. સતને વિશેની સમજ તે હાઇડેગર અનુસાર, dasein-ને વિશેની સમજ છે.
પરિણામે, એમના દર્શનમાં, રોજિંદાપણાનો, સરેરાશપણાનો, વિચાર ઘૂંટાયો છે; વિશ્વની વિશ્વતા શું છે, એ વિચાર ઘોળાયો છે. એમણે હ્યસેર્લના ‘રીડક્શન’ વિભાવને, ચેતનાનો અલગપણે શોધસંશોધનનો વિષય બનાવવાના ઉદ્યમને, નકાર્યો છે. કેમ કે વ્યક્તિ અને વિશ્વ જુદાં નથી. લોક ભાષામાં એમ કહેવાય કે દુનિયા કેમ ચાલે છે એ સમજવાથી સમજદારી બને છે.
***
બૉમ્બશેલથી આક્રાન્ત હતું એ યુરપ. બૌદ્ધિક પ્રક્ષોભનો સમય હતો. સાર્ત્રે એ વાત આગળ કરી કે મનુષ્યના અસ્તિત્વપરક પ્રશ્નોનો ઉકેલ આપનારી કોઈ હસ્તી છે જ નહીં -સિવાય કે મનુષ્ય પોતે. પોતાનો ઉગાર એ પોતે જ છે. પોતે અસ્તિત્વ ધરાવે છે એ હકીકતનું એણે જ્ઞાન મેળવવું અને તેનો સર્વાંગ સ્વરૂપનો અનુભવ મેળવવો. એ માટે માણસે ઍન્ક્ઝાઇટી રાખવી – તીવ્ર ઇચ્છા કે આતુરતા રાખવી.
ફિનોમિનોલૉજિ બે પ્રકારનાં અન્નોનની – અણજાણની – વાત કરે છે : ઑબ્જેક્ટ્સને જાણતા ન હોઈએ. સબ્જેક્ટ્સને જાણતા ન હોઈએ. બે વચ્ચે જો આન્તરક્રિયા રચાય, તો, આકસ્મિક અને ચંચળ સ્વરૂપનો ફિનોમિનન રચાય. બાકી, અર્થ એ કે માણસે જન્મ લઈને ફિનોમિનાના ઢગ પર ફેંકાવું અથવા દાખલ થવું. બને કે અસ્તિત્વને તજાયેલું – ઍબન્ડન્ડ – અનુભવવું. એ પછી એ વિશેની જવાબદારીનું ભાન જાગે ને તેની વેદના અનુભવાય – એટલે કે ઍન્ગ્વીશ.
Pic courtesy : YouTube
તો શું એમ માનવું કે બધું આમ જ છે અને અન્યથા નથી? વસ્તુઓનું વિશ્વ અર્થહીન છે? મરણશરણ રહેવું? શું એ જ નિયતિ છે? પણ ના, પર્પઝિઝથી કે પ્રોજેક્ટસ્ ઊભા કરીને એ સઘળાને વટી જઈ શકાય છે. વસ્તુઓને અર્થ આપવા માટેનો જીવન-પુરુષાર્થ શક્ય છે. એથી જ્ઞાન થશે કે પોતે અધિકૃત અસ્તિત્વ ધરાવે છે – ખરું ખુદ્દાર અસ્તિત્વ. તેને તેમ કરવું એ વાત સાર્ત્રના દર્શનમાં કેન્દ્રસ્થાને છે.
માનવજાત સદા હાજર એવા મૃત્યુને વિશે ઓછામાં ઓછું વિચારે છે. મૃત્યુ આમ અનિશ્ચિત છે પણ આમ નિશ્ચિત છે. સોનાની ગીનીઓ લઈને ઘરે પૂરપાટ જતા ઘોડેસવાર આરબના ખભે મૃત્યુનો પંજો પડે છે. આરબ કાલાવાલા કરે છે. મૃત્યુ એને જવા દે છે. આરબ ઘરે પ્હૉંચે છે, સ્વજનોને મળે છે. ફરી પંજો પડે છે – આઇ ફર્ગૉટ ટુ ટેલ યુ ધ પ્લેસ, ધિસ ઇઝ ધ પ્લેસ, ગિવ મી યૉર પઝેશન ! સ્થળ-કાળથી સુનિશ્ચિત મૃત્યુની કશી જ વ્યાખ્યા કરવી પડે એમ નથી. પણ માનવજાતને એની ફૉમ રહેતી નથી.
એને સ્થાને, મોક્ષ, દેવદેવલાં, પૂજાઓ વગેરે ક્રિયાકાણ્ડમાં માણસનું જીવન વ્યતીત થાય છે; કશી સિસ્ટમનું કે પાર્ટીનું શરણું સ્વીકારી લેવાય છે. વગેરે બૅડ ફેઇથ છે.
આ ભૂમિકાએ રચાયો નિર્મમ નિરીશ્વરવાદી વિચાર, જે સાર્ત્ર-પ્રમુખ નિરીશ્વરવાદી અસ્તિત્વવાદનો પ્રમાણભૂત સિદ્ધાન્ત બન્યો.
જોઈ શકાય છે કે ફિલસૂફી વધુ ને વધુ વાસ્તવતરફી બની છે, વધુ ને વધુ મનુષ્યના અસ્તિત્વને લક્ષમાં લેવા લાગી છે. જીવન ‘આમ હોવું જોઇએ’-થી ખસીને દર્શનો જીવન ‘આમ છે’ કહેવામાં વધારે વ્યસ્ત દીસે છે. 'શૂડ બી' અને 'ટુ બી' વચ્ચેનો ભેદ સુગમ છે.
= = =
(March 16, 2022: Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર