ઘણા લોકો આજકાલ 'ડિપ્રેસન' શબ્દ બહુ વાપરે છે. અંગ્રેજી ન જાણતા હોય એવા લોકો પણ બોલે છે : જેમ કે, શનિબુન બોલતાં હોય – મને હારું આજકાલ ડિપ્રેસન બૌ થાય છે. કેમ કે એમનું જીવાભૈ હારેનું કનેક્શન તૂટી ગયું હોય …
સાચો ઉચ્ચાર કરવો હોય તો ‘ડિપ્રેશન’ બોલવું જોઇએ. પણ ચાલે, અંગ્રેજી ભણેલા પણ શું કરવું જોઈએ, શું નહીં, ક્યાં સમજતા હોય છે? ગૉટપિટિયા ગુજરાતીઓ વાતે વાતે ‘ડિપ્રેસન’ ‘ડિપ્રેસન’ કરવા માંડ્યા એટલે શનિબુન કે જીવાભૈ શીખી ગયાં. ગૉટપિટિયા તો ડિપ્રેશ્ડ્ જ હતા, આ ભોળિયાં એટલાં બધાં ડિપ્રેશ્ડ્ ન’તાં, તો ય બોલવા માંડેલાં.
મારે આજે એ કહેવું છે કે હ્યુમન કનેક્શનમાં ડિપ્રેશન ભારે ભૂમિકા ભજવે છે અને તે પર ખૂબ ધ્યાન આપવાની જરૂરત છે.
‘ડિપ્રેશન’નું ગુજરાતી, ‘નિરાશા’ અથવા ‘હતાશા’. હું અહીં ‘નિરાશા’ પ્રયોજીશ.
પેલી વાત આગળ ચલાવું : શનિબુન ગરીબ ઘરની છે એવું જાણતાં જ જીવાભૈએ કનેક્શન લૂઝ પાડી દીધું. ભાગી ગયો. કનેક્શન તૂટી ગયું. પણ શનિબુન જોડે દામુભૈ જોડાઈ ગયો કેમ કે દામુભૈ પોતે ડિપ્રેશ્ડ્ હતો. એટલા માટે કે સવીબુન એને છોડીને જતી રહેલી. કારણ એ કે દામુભૈ કાળોમૅંશ હતો. જો કે શનિબુનને ભલે કાળોમૅંશ પણ ‘બરાબર’ લાગેલો કેમ કે તવંગર હતો. પરિણામે, બન્ને જોડાઈ ગયાં. બન્નેનું ડિપ્રેશન ભાગી ગયું. બે સમદુખિયાં મળ્યાં, સમ્બન્ધ તૂટવાથી થયેલી નિરાશાનો નાશ થયો.
જો કે આમાંથી બોધ એમ ન લેવાય કે ચાલો, ફાવતું નથી તો કનેક્શન તોડી નાખીએ, નવું મળી રહેશે. બીજું સમદુખિયું મળી જશે એની ખાતરી આ સંસારમાં કોને હોય છે? પેલા જીવાભૈને તવંગરના ઘરની હજી કોઈ મળી નથી. કેમ કે, એવી કોઈ એવા કોઈની તલાશમાં છે.
ભલે.
માણસ નિરાશ થાય જ છે. આપણને નિરાશવદનોની ચિન્તા થાય છે, પણ કાયમ હસતા રહેતા હાસવદનોની પણ થવી જોઈએ. બને કે એમનાં હાસ્યની નીચે દુ:ખ છુપાયલું હોય અને એની એમને જાણ જ ન હોય. ઘણી વાર તો મને એમ થાય કે નિરાશ ન થયો હોય એવાને માણસમાં જ ન ગણું. કેમ કે નિરાશા મનુષ્યસહજ છે. એથી પુરવાર થાય છે કે એ મનુષ્ય છે.
નિરાશાનું કારણ સાદું છે, આશા હરાઈ જાય એટલે માણસ હત્ આશ, નિરાશ, થઈ જાય. સલીમભાઈએ આશા ગુમાવી એટલે નિરાશ થયા. ભીમાભૈનું સોમભૈનું મંગળાબુનનું બુધાભૈનું ગુરુનું શિષ્યનું પ્રધાનનું પ્રજાનું બધાંનું એમ જ થાય – આશા ન ફળે એટલે મનુષ્ય નિરાશ થાય. હસતો, રડતો થઈ જાય.
આ ‘આશા/નિરાશા’ બાયનરી ઑપોઝિશન છે – દ્વિસંગી વિરુદ્ધો છે. અર્થ બાબતે એકબીજાને કાપે છે, પણ સંગી છે, સાથેસાથે રહે છે.
બોધ આપનારા બહુ હોય છે. ભલમનસાઇથી કહેતા હોય છે : સુમનભાઈ, દુખી ન થાવ, સંસાર છે, ચાલ્યા કરે, બધું સારું થઈ જશે : ઉમેરતા હોય છે : સુખદુ:ખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં; નિરાશાને ભૂલી જાવ, સારી વસ્તુ નથી, તબિયત બગડશે : એવું બોધશ્રવણ થતાં માત્રઆશ્વાસન મળે છે. કેમ કે દુ:ખ અને તેની સાથે જોડાયેલી નિરાશા પર એવો વ્યવહારુ ડહાપણનો ટોપલો ઢાંકી દેવાથી મારું દુ:ખ ટળતું નથી. એટલા માટે, કે નિરાશા કદી ઢાંકનારાઓની નથી હોતી, મારી હોય છે, મારા ઘટ સાથે જોડાયેલી હોય છે. એટલે કે એ એક હાઇલિ પર્સનલ વસ્તુ છે.
મને કહેવા દો કે બ્લૅન્કેટિન્ગ અ મિઝરી ઇઝ નૉટ ઇટ્સ સૉલ્યુશન.
મનોવિજ્ઞાને ‘ડિસ-ઑર્ડર’ નામે આનો ખાસ્સો વિમર્શપરામર્શ કર્યો છે. તદનુસાર, એ એક માનસિક બીમારી છે. માણસનાં ભાવજગત અને આચાર-વિચાર પર ઘણી અસર કરે છે. માણસ વારે વારે બબડે – મૂડ નથી યાર, છોડ ને. ઉદાસ થઈ જાય, કશામાં એને રસ ન પડે, કામમાં રુચિ ન રહે, ઘરમાં કે બહાર નબળો ને ઢીલો પડી જાય. માનસિક કમજોરી શરીરમાં પણ પ્રસરે. ભૂખ ઓછી લાગવા માંડે, વજન ઘટે. ક્રમે ક્રમે એને ઍન્ક્ઝાઇટી સતાવે, વલોપાત થાય, જીવને કઢાપા ને કઢાપા. એટલે લગી કે જીવન એને મીનિન્ગલેસ, વ્યર્થ લાગે, ઍબ્સર્ડ લાગે, આપઘાતના વિચાર આવે. મનોવિજ્ઞાન આ ડિસ-ઑર્ડરના ઇલાજ પણ બતાવે છે. એ ઇલાજ દરદી વ્યક્તિની અવસ્થા જોઈને કરાય છે, માટે અટકું.
Jacques Derrida
Picture Courtesy : goodreads.
જગવિખ્યાત ફિલસૂફ દેરિદાના ડિકન્સ્ટ્રકશન વિચારે મને સુઝાડ્યું છે કે સંસારમાં દુ:ખ ભાષાને કારણે છે. મનુષ્યચિત્તે રચેલી ‘ઊંચ’ અને ‘નીચ’, ‘સમ’ અને ‘વિષમ’ ‘જમણું’ અને ‘ડાબું’, ‘સભ્ય’ અને ‘અસભ્ય’ જેવી કોટિઓને કારણે ભાષામાં કેટલાં ય બાયનરી ઑપોઝિશન્સ જન્મ્યાં છે – જેવાં કે વ્હાઇટ/બ્લૅક, જેન્ડર અને સૅક્સ્યુઆલિટીનો ઉમેરો થતાં, વ્હાઇટ/પીપલ ઑફ કલર, અને કાચું/પાકું, સંસ્કારી/ જંગલી, કે સ્ત્રી/પુરુષ વગેરે તો સૈકાઓથી જન્મેલાં સુદૃઢ છે.
હવે એમાં આશા/નિરાશાના આપણા પેલા બાયનરી ઑપોઝિશનને પણ ઉમેરી દો. શનિબુનના જીવનમાં જે બન્યું એનું મુખ્ય કારણ તો ગરીબી છે. એ ગરીબ હતી એમાં એનો શો વાંક? કાળામૅંશ હોવું એ તો જિનેટિક છે. એમાં દામુભૈનો શો વાંક? વાંક સમાજમાં ઘર ઘાલી ગયેલી રુગ્ણ માનસિકતાનો છે. એમાં, ગરીબ/તવંગર અને ગોરાં/કાળાં જેવાં બાયનરી ઑપોઝિશન્સે મોટો ભાગ ભજવ્યો હોય છે.
બાયનરી ઑપોઝિશન્સ માનવજીવન પર પોતાનો પ્રભાવ પાથરતાં હોય છે. મુખ્ય એ કે એ રાજકારણ સરજે છે. એથી સંસારમાં જૂઠ, દમન, શોષણ અને અન્યાય જનમે છે. આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, રાજકારણમાં ભેરવાવાનું થાય જ છે. વાત ત્યાં નથી અટકતી, તમે સામાવાળાના સ્વાર્થનો શિકાર બનો છો, તમને અન્યાય થાય છે. સર્વસામાન્યપણે જીવનગુજારો કરતી નિર્દોષ વ્યક્તિઓ હમેશાં રાજકારણનો ભોગ બને છે. એ અર્થમાં રાજકારણ સાવ જ ગંદી વસ્તુ છે. એમાંથી દુ:ખ અને દુ:ખ સાથે જોડાયેલી નિરાશા સિવાયનું કશું જ જનમતું નથી.
થર્ડ વેવ ફૅમિનિઝમ, પોસ્ટ-કૉલોનિયાલિઝમ કે ક્રિટિકલ રેસથીયરી બાયનરી ઑપોઝિશન્સની કડક સમીક્ષા કરે છે. કહે છે કે કેટલાંક બાયનરી ઑપોઝિશન્સને કારણે અમુક વર્ગના લોકોનો જ પક્ષ લેવાય છે. કહે છે કે એને કારણે સમાજમાં સત્તા દાખવતાં તન્ત્રો ટકી ગયાં છે; પ્રમાણિત થઈ ગયાં છે – જાણે કે કાયદેસરનાં હોય.
દેરિદા એવાં બાયનરી ઑપોઝિશન્સને ડિકન્સ્ટ્રક્ટ કરવા કહે છે. એમનો ડિકન્સ્ટ્રક્શન વિચાર એ અર્થમાં એક કાર્ય છે, પ્રસંગ છે, ઘટના છે. ખાસ તો એ ‘ઍ-પોલિટિકલ’ છે, ન-રાજકારણી, રાજકારણથી વિમુક્ત.
(આ ક્ષણે યાદ આવે છે કે પહેલી વાર, સાલ યાદ નથી, દેરિદા વિશે ભાષાભવનના મારા રૂમમાં સાત-આઠ મિત્રો સમક્ષ હું સાડાચાર કલાક બોલેલો – એકાદ બ્રેક લીધેલો. કદાચ મણિલાલ હ. પટેલ ઉપસ્થિત હતા.)
ડિકન્સ્ટ્રક્શન એટલે વિઘટન. એટલે શું કરવાનું? બાયનરી પર જ ઘા કરવાના. ‘હું’-એ નિરાશામાં બેસી નહીં રહેવાનું, શોધવાનું કે એના મૂળમાં શું હતું. જવાબ મળશે, એક આશા હતી. આશા કેવીક હતી? લાગશે કે એ અતિ હતી અથવા જૂઠી હતી. થશે કે આશા સેવીને પોતે જાતને છેતરી હતી કેમ કે આશા એક સ્વપ્ન હતી ને એને આકારિત કરવા માટેનો જરૂરી પુરુષાર્થ પોતે ન્હૉતો કર્યો. ઝંખ્યું હતું કે બીજાઓ પોતાની આશાને ફળીભૂત કરી આપશે, જાતે કરવાનું હતું તે પોતે ન્હૉતું કર્યું. આગળ વધતાં, ડહાપણ આવશે, એમ થશે કે આશા તે શું છે વળી, કઈ બલા? નિરાશા પણ બલા લાગશે.
અથવા ‘હું’-ને એમ થવું જોઈશે કે નિરાશાનું કારણ પોતે નથી. એને થશે, નિરાશાને કારણે ‘હું’ પતી નથી ગયો. આ પહેલાં પણ નિરાશ થયેલો. હવે પછી પણ થઈશ, તો નવાઈ નહીં. ખરેખર તો કોઈ બેત્રણ જણાએ ભેગા મળી સકંજો ઊભો કરેલો, રાજકારણ ખેલેલું. એને થશે કે રાજકારણ શું છે, એને થશે કે એ અમુક રીતે સારું છે, પણ મહદંશે તો નકામું જ છે. આગળ એને એમ પણ થશે કે શું આશા, શું નિરાશા, શું જીવન, બધું સાલું બકવાસ છે …
નિરાશાની આવી તોડફોડ કરવાથી ચિત્ત શાન્ત થશે, આગળ શું કરવું તે સૂઝશે. અધૂરી આશા પાછી ફરશે અથવા નવી ઊગશે. નિરાશાનું સ્થાન આશા લેશે. આશા કેન્દ્રમાં આવી જશે, નિરાશા હાંસિયામાં ધકેલાઈ જશે.
પણ સાવધાન ! ડિકન્સ્ટ્રક્શન એવી અદલાબદલીની ના પાડે છે. કેમ કે કેન્દ્રમાં આવેલી આશાના એ જ હાલ થઈ શકે છે, જે નિરાશાના થયેલા. એટલે કે, આશાને પણ હાંસિયામાં ધકેલવી પડે. મંજુને ખસેડીને સંજુને બેસાડો ને સંજુને ખસેડીને મંજુને બેસાડો, એમ જ ચાલ્યા કરે. એને ઇલાજ ન કહેવાય. ડિકન્સ્ટ્રક્શનને વરેલાએ હમેશાં એને ઍ-પોલિટિકલ રાખવાનું છે કેમ કે એ એનો પ્રાણ છે.
એટલે આને પદ્દધતિસરનું ડિકન્સ્ટ્રક્શન ન ગણવા વિનન્તી છે. આ તો સાદા વિઘટનનો સાદો ને સાવ કામચલાઉ નમૂનો છે. ડિકન્સ્ટ્રક્શન તો બાયનરી ઑપોઝિશનનું આથી યે વધારે તાર્કિક નિ:શેષ વિશ્લેષણ કરવા સૂચવે છે. એનાથી પ્રભાવિત તમામ આવિષ્કારોની સમીક્ષા કરવા કહે છે. સમીક્ષાને અર્થ અને મૂલ્યોની વાત કરનારા બધા જ ડિસ્કોર્સિસ લગી વિકસાવવા કહે છે.
ડિપ્રેશ થઈ જવાયું? કે ફ્રેશ? સમજશે તે ફ્રેશ થશે ને પછી રીફ્રેશ થયા જ કરશે. સાચી ફિલસૂફી માણસને પહેલાં તો ફ્રેશ કરી દે છે ને પછી એને ડાહ્યો બનાવે છે, કેમ કે ‘ફિલસૂફી’-માં ‘ફિલો’ એટલે ‘પ્રેમ’ અને ‘સોફિ’ એટલે ડહાપણ. ફિલસૂફી એટલે ડહાપણને માટેનો પ્રેમ.
પ્રેમ કેવી કેવી જગ્યાએ ઘૂસેલો છે …
= = =
(July 15, 2021: USA)