Opinion Magazine
Number of visits: 9746119
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લૂઝ કનેક્શન (11) : બન્ધન

સુમન શાહ|Opinion - Opinion|12 May 2021

તમે તમારા પ્રિય પુરુષને ચાહો છો? તમે તમારી પ્રિય સ્ત્રીને ચાહો છો? ઇચ્છો છો કે એ જીવનભર તમારો / તમારી રહે? ઇચ્છો છો કે તમે એકબીજાં જોડે આજીવન બંધાયેલાં રહો?

તમે જો એવું અતૂટ કે ન તોડી શકાય એવું બન્ધન ઝંખતાં હોવ, તો તમે બન્ને પૅરિસ જાઓ. ત્યાંની સીન નદીને કિનારે પ્હૉંચી જાઓ …

અઘરું લાગે છે? ખરચાળ? ન ચાલે. પ્હૉંચી જાઓ. સાથે એક તાળું લઈ જજો.

ત્યાં એક જગ્યા જોશો. એનું નામ છે, પૅરિસ લવ-લૉક બ્રિજ. પેલા તાળા પર તમારાં નામ લખીને તમારું એ પ્રેમતાળું બંધ કરી દેજો ને એને બ્રિજનાં સંખ્યાબંધ તાળાં ભેગું બાંધી દેજો. પછી, બહુ જ જરૂરી કામ કરજો – એ કે એ તાળાની ચાવી બાજુમાં વહેતી સીન નદીમાં ફૅંકી દેજો … 

સરવાળે શું થશે? તમે એકબીજાં જોડે પ્રેમથી મરણપર્યન્ત બંધાયેલાં રહેશો કેમ કે ચાવી હશે જ નહીં ને એટલે તાળું સદા બંધ હશે. પ્રેમ અકબંધ રહેશે ને તમે એકબીજાંને ગાઢપણે જીવ્યા કરશો. કેવી સરસ વ્યવસ્થા.

એક વાર્તાકાર તરીકે મને એવું આલેખન કરવાનું મન થાય કે તે રાતે બન્ને જણાંએ આવું બધું ખાધું – પીધું ને વગેરે જે કર્યું તે તો હતું પાર વિનાનું …

મને આપણું વટસાવિત્રી વ્રત યાદ આવે છે. ગામના એ વડને અબીલ-ગુલાલ ને કુમકુમ સૂતરના દોરા વીંટી બાઈઓ ફેરા ફરતી. શુંયે માગતી હતી. એવું મેં આમ્સટર્ડામમાં જોયું, એક વૃક્ષને કંઈ સૅંકડો રંગરંગીન દોરા વીટ્યા’તા. એક વિદેશી મૂવીમાં જોયું કે એક વૃક્ષ પર પ્રેમીઓએ ડાળે ડાળે નાની નાની ધજાઓ બાંધેલી, ફર ફર થતી’તી.

સીનના કાંઠેની એ લવ-લૉક પ્રથા પણ એવો જ એક વિધિ છે, રસમ છે. એક એવું વર્તન, એક એવું રસીલું જેશ્ચર, કે જેથી બન્ને પ્રિયજનોને સારું લાગે, વિશ્વાસ બેસે. ભરોંસો પડે કે કનેક્શન કદ્દી પણ લૂઝ તો નહીં જ થાય, ઊલટું, સ્ટ્રૉન્ગલિ કનેક્ટ રહેવાશે.

પૅરિસ લવ-લૉક રસમ અંગે ફ્રાન્સવાસી નગરજન સાર્ત્રને પૂછો તો જુદું ક્હૅશે. ક્હૅશે કે પ્રેમીએ તાળાં મારવાને બદલે એવી અસરકારક ચાવીઓ પ્રયોજવી જોઈએ જેથી એકબીજાંનાં બંધ અંતર ઊઘડી જાય. મને સાર્ત્રની ફિલસૂફી બહુ ગમે છે પણ એ માણસ પ્રેમ વિશે બોલે છે ત્યારે ફિલસૂફી અને પ્રેમજીવનની એવી ભેળસેળ કરી નાખે છે, જે એટલી જ ગમતીલી હોય છે. તેઓશ્રી પણ કંઈ ઓછા પ્રેમી ન્હૉતા !

મધ્યકાળમાં, લગભગ ૧૬મી સદીમાં, સ્ત્રીઓને ‘ચેસ્ટિટી બેલ્ટ’ પ્હૅરાવતા. ધાતુના હોય. ચેસ્ટિટીને નામે -પવિત્રતાને નામે – યૉનિપ્રદેશ પર તાળું. સાંસ્કૃતિક લાગે માટે જેમ ‘બેલ્ટ’ને ‘ચેસ્ટિટી’ શબ્દ ઓઢાળતા તેમ ‘લવ’ શબ્દ ઓઢાળીને એને ‘લવ-લૉક’ પણ ક્હૅતા.

ક્રુસેડ્ઝનો – ધર્મયુદ્ધોનો – જમાનો હતો. પતિ યુદ્ધમાં જોડાયો હોય અને મહિનાઓ લગી પત્ની ઘરે એકલી હોય. શું થાય? એક જ ભય કે કોઈ બીજો એને ભ્રષ્ટ કરી જશે. વળી, બને કે પત્ની પણ છેતરે. ચેસ્ટિટી બેલ્ટથી બેવડો હેતુ સરતો : પતિના ભયનું નિવારણ થતું. એ બાપડો નિચિન્ત થઈ ધરમ માટે લડી હકતો. બીજું એ કે પત્નીની વફાદારીની કસોટી થતી : જો કે એક સવાલ છે – એ કે ચાવી ક્હૅતાં, યુક્તિ કોની પાસે રહેતી હશે? ભલે ને ગમે તેની પાસે, તાળું ખોલી કામ પાર પાડતાં વાર શી? સંભવિત છે કે કોઈ કોઈ ભોળી સ્ત્રીઓ આ સાધનથી જાતને સુરક્ષિત સમજતી હોય. માણસપ્રાણીને કશું પણ દુરિત ધીમે ધીમે સદી જતું હોય છે …

સ્ત્રી ચેસ્ટ – પવિત્ર – રહેવી જોઈએ એ માન્યતા બહુ મોટો સાંસ્કૃતિક દમ્ભ છે. બેલ્ટ પ્હૅરાવનારો મહા શંકાથી ગ્રસ્ત હતો અને પરાઈ સ્ત્રીને ભ્રષ્ટ કરી જનારો મહા નાલાયક હતો. સ્ત્રી ‘વસ્તુ’ છે અને પુરુષ એનો ‘માલિક’ છે એવી હીન માનસિકતાથી એ પુરુષો જીવતા’તા.

ચેસ્ટિટી-બેલ્ટ પ્રથાને હું અમાનુષી ગણું છું. સ્ત્રીમનુષ્યના તેમ જ માનવસંસારના અતિ ઉપકારક અંગ પર તાળું મારો? સાર એમ મળે છે કે મોટા ભાગનો એ પુરુષવર્ગ હલકટ હતો.

હા, એ પ્રથાનો બચાવ કરનારા વિદ્વાનો છે. કેમ કે એ બધા પુરુષો છે. બાકી, મેં નથી જાણ્યું કે કોઈ વિદુષીએ એનો બચાવ કર્યો હોય.

Picture courtesy : Metadore Network

લગ્ન નામનું બન્ધન પણ ‘પવિત્ર’ કહેવાય છે. ચેસ્ટિટી-બેલ્ટ પ્રથા કદર્ય કહેવાય – જુગુપ્સક. જંગાલિયત છે, પશુતા છે. લગ્નમાં એ નથી. એ કારણે લગ્ન સુન્દર મનાયું છે, પવિત્ર મનાયું છે. લગ્ન પ્રસન્નકર પણ છે – ચીડાયેલા મૉઢે કોઈ ઘોડે નથી ચડતો – કોડિલી કન્યા અરધી અરધી થતી હોય છે.

આજકાલ મૈત્રી-કરાર કે લિવ-ઇન પ્રકારે સહવાસ ભોગવાય છે. એમાં બન્ધન છે જ નહીં, ઊલટું, ગમે તે ઘડીએ છૂટાં થઈ જવાની સગવડ છે. એમાં ૧+૧ = ૨ અને ૧ – ૧ = ૦ એમ સીધું હોય છે. એમાં જંગાલિયત નથી, ભલી સભ્યતા છે, પણ એમાં માનવીય હૂંફ નથી, માધુર્ય પણ નથી. કૉર્ટ-મૅરેજમાં પણ ગમે ત્યારે કાયમ માટે છૂટાં થઈ જવાની જોગવાઈ છે.

મારી આ વાતમાં છેવટે બચે છે, પ્રેમ. એને પણ ‘બન્ધન’ કહેવાય છે -પ્રેમબન્ધન. એમાં માબાપની સમ્મતિ અનિવાર્ય નથી. સમાજે સાક્ષી થવાની જરૂરત નથી. કૉર્ટની દરમ્યાનગીરી જરૂરી નથી. બંધાવું તો જાતે ને પ્રેમથી, છૂટાં પડવું તો જાતે ને પ્રેમથી. કોઈ કારણે મનમોટાવ કે અણબનાવ થાય, ભેગાં ન થવાય કે ન રહેવાય, ભલે, રાંકના રતન સમો પ્રેમ તો બચ્યો જ હોય છે.

હકીકતે, પ્રિયજનને પ્રેમ બન્ધનરૂપ લાગતો જ નથી. પ્રેમ એને માટે જીવન જીવવા માટેનું બળ હોય છે – પ્રાણ. એ અર્થમાં એને બન્ધન કહો તો ભલે કહો, પણ તમને વધારે સારો શબ્દ સૂઝતો નથી એટલે કહો છો. પ્રેમ પ્રેમ હોય છે – એક રસાયણ, એક કૅમિકલ.

કોઈ પણ કનેક્શનનું કૅમિકલ લવ છે. એ ઘણી સરળ વાત છે છતાં હું એ વિશે લખતાં થાકતો નથી. એક પ્રેમ જ એવી ચીજ છે જે વિશે લખતાં લેખકો થાકતા નથી …

= = =

(May 11, 2021: USA)

Loading

12 May 2021 admin
← ‘મ’ ધ્વનિ નૈર્સગિક રીતે બાળકના મોંમાંથી સૌથી પહેલાં નીકળે છે.
‘સબ કુછ ચંગા-ચંગા’ →

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved