Opinion Magazine
Number of visits: 9449347
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોક, તવી અને રોટલી

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|2 May 2019

ગુજરાત સમસ્ત અને અધઝાઝેરું ભારત મતદાન કરીને બેઠું છે, અને પરિણામ તેમ જ નવરચનાનું સુરેખ ચિત્ર હવે ત્રણેક અઠવાડિયે દેશજનતા સમક્ષ આવશે. વિચારો જો ગ્રહનક્ષત્ર હોય તો આ લખનાર કમ સે કમ એટલું તો માગી જ લે કે ગુજરાત રાજ્યનું મંગળાચરણ જેમની વરદ ઉપસ્થિતિમાં થયું હતું તે રવિશંકર મહારાજ કહેતા તેમ લોક તવી પર રોટલી ઉથલાવે તો સારું… કમ સે કમ, તે બળી તો ન જાય!

પણ આ તો જરી હળવાશથી કહ્યું. ભા.જ.પ. અને કૉંગ્રેસથી હટીને જો વિકલ્પની કોઈ ખોજ કરવાની હોય તો આ ક્ષણે શું કહીશું આપણે. એક રીતે, દેશ અત્યારે એક લોકશાહી સમવાય લેખે તાવણીમાંથી પસાર થઈ રહ્યો છે. ભા.જ.પે. રાષ્ટ્રની જે પરિભાષા અને પરિકલ્પના મૂકી; અને જે ‘સબકા સાથ, સબકા વિકાસ’ના ૨૦૧૪ના નારાને કે’દીથી ઉલ્લંઘીને કથિત ગોરક્ષક થપ્પા સમેતની હિંદુત્વ ઓળખમાં ફરીફરીને ઠરવા કરે છે તે તો દેશને હિંદુ-બિનહિંદુ વ્યાખ્યાઓમાં વહેરી શકે છે. અને તે એવી વિકૃત ને વરવી ઘાટીએ પ્રગટ થવા કરે છે કે સાધ્વી પ્રજ્ઞા મસૂદ અઝહરને નહીં પણ હેમંત કરકરેને શાપ આપવામાં સાર્થક્ય સમજે છે. કરકરેનું કર્તવ્યપૂર્તિવશ માલેગાવ મંથન – ‘હિંદુ’ આંચકો – એ પુરાવાને હળવાશથી લેવાના દબાણસર વકીલ રોહિણી સેલિયાનનું ખસી જવું, મુંબઈની તાજ આતંકી ઘટનામાં કરકરેએ લગાવેલી જાનની બાજી, આ કશું ગોબ્રાહ્મણ પ્રતિપાલક વિચારધારાના જોવાવિચારવામાં આવતું નથી.

આ પરિસ્થિતિ નથી તો નાગરિક ઐક્યની, નથી તો નાગરિક સમવાયની : કહો કે એ સમવાયી ઐક્યને સારુ નથી તો ઉપકારક, નથી તો સંસ્કારક. હિંદુ ઓળખનું રાજકારણ મુસ્લિમ ઓળખને વળ ચડાવે છે અને પ્રતિસ્પર્ધી કોમવાદો મત મહાલે છે એટલી સાદી વાત વિભાજન અને સ્વરાજના સાત દાયકે પણ નહીં સમજી શકતી રાજનીતિને અને તેના ખેલંદાઓને શું કરીશું, સિવાય કે જરી તો જાતમાં ઝાંખો. કોમી ધ્રુવીકરણે જાતનું તરભાણું ભરતી વેળાએ, કાશ, જરીક આવતીકાલનું ભાવિયે વિચારી શકો – તમે તો યયાતિથી પણ ગયા, બીજું શું.

જેઓ હિંદુ કે મુસ્લિમ ઓળખથી ઉફરાટે પોતાની ભૂમિકા ઉપસાવવા ઇચ્છે છે એમને આ સંજોગોમાં સર્વસાધારણ નાગરિક ભૂમિકા લેવા ફરતાં નાતજાતની ઓળખ પર વળગવું સહેલું પડે છે. પછી જાટ, આહીર, પાટીદાર એમ તરેહવાર ઓળખોનું બજાર ગરમ બને છે. એક રીતે, નાતજાતને ધોરણે ચોક્કસ પ્રભુત્વસંપન્ન તબકાના સંદર્ભે જોતાં, કોટિક્રમમાં નીચલી પાયરીએ હોય એવા તબકાનું ગઠિત અને ઉદ્યુક્ત થવું પ્રગતિશીલ પરિવર્તનની પ્રક્રિયામાં આરંભિક તબક્કામાં ઉપયોગી પણ થઈ પડે – પણ આ ‘બ્રેક થ્રૂ’ અથવા તો નવઉઘાડ અગર ‘થો’ (બરફનું પિગળવું) પાછો થીજીઠિંગરાઈ જાય કે પ્રતિગામી અને વિપરીતપરિણામી પણ બની રહે, જો તે કથિત ‘ઊંચી’ જમાવટ સામે અસરકારકપણે ઉભર્યા પછી અને છતાં નાગરિક ભૂમિકા ભણી ન જઈ શકે. બીજી બાજુ, પેલી ‘ઊંચી’ જમાવટનો કંઈક હિસ્સો સ્વરાજસંગ્રામના પરિણત કાળમાં અને સ્વરાજનિર્માણનાં આરંભવર્ષોમાં નાગરિક સમજમાં ઠર્યો ન ઠર્યો અને પછી પોતાને સાંકડી ઓળખમાં કે એના મેળમાં જોવા લાગ્યો છે એ દુર્દૈવ વાસ્તવ છે.

ભા.જ.પ.ની કથિત હારજીત માત્રથી કે કૉંગ્રેસની કથિત હારજીત માત્રથી આ કોયડો ઉકેલાવાનો નથી; કેમ કે પ્રજાસત્તાક સ્વરાજલાયક નાગરિક ભાવ અને નાગરિક સમાજ એ પ્રેમની પેઠે સતત નવસાધ્ય કરવાની પ્રક્રિયા છે. માત્ર, ભા.જ.પ. જે સાંકડી સમજ પર ઠર્યો છે એ જોતાં તે સત્તામાં ઓર જામી અને ઝમી જાય તે પૂર્વે એને અંશતઃ પણ ‘રુક જાવ’નો ચૂંટણીજાસો જરૂરી છે. પછી કૉંગ્રેસ અને બીજા એ શ્વસન-મોકળાશને નાગરિક ભાવની દૃષ્ટિએ રચનાત્મક ધોરણે કાલવે છે કે રાબેતા મુજબની રાજકીય રગડદગડમાં રાચે છે તે અલબત્ત જોવાનું રહે છે. ટૂંકમાં, જે પણ નવેસર આવે કે નવાં આવે, એમને ઠમઠોરતા રહ્યે જ છૂટકે. ભા.જ.પ. અને કૉંગ્રેસ કે બીજાની નોકરી છૂટી શકે છે. ચાલુ નોકરી તો નાગરિકની જ રહેવાની ને.

ચર્ચાની શરૂઆત આપણે જો કે લોકશાહી સમવાયના મુદ્દેથી કરી હતી. હાલ કૉંગ્રેસની એક-પક્ષ-પ્રભાવ-પ્રથા ઓસરેલી છે અને ભા.જ.પ. હજુ એક-પક્ષ-પ્રભાવ-પ્રથા સ્થાપવાની દડમજલમાં કે ગડમથલમાં છે. ત્રણેક દાયકા પર, સંક્રમણકાળમાં એક ઉપાય તરીકે વિશ્વનાથ પ્રતાપસિંહે બે ધાગે કામ લીધું હતું : એમણે પ્રાદેશિક બળોને ‘ફેડરલ ફ્રન્ટ’ રૂપે ગુંથ્યા હતા અને તે સાથે ‘નૅશનલ ફ્રન્ટ’ પણ આગળ લીધો હતો. પણ પ્રાદેશિક બળો આજે એ રીતે ગુંથાયેલાં નથી.

પ્રાદેશિક બળો પાસે, પોતાના પ્રાદેશિકતા બરકરાર રાખીને પણ એક અખિલ હિંદ પરિપ્રેક્ષ્ય અને અભિગમ જોઈએ : લોકશાહી ભારત, આર્થિક-સામાજિક ન્યાયની કોશિશ કરતું ભારત – અને હા, સૌનું; રિપીટ, સૌનું ભારત. ઉલટ પક્ષે, અખિલ હિંદ પક્ષોએ પ્રાદેશિક બળો પરત્વે નરવો સમાવેશી અને સહયોગી અભિગમ દાખવવો રહે. નમોએ ચૂંટાતાં વેંત જે એક ‘કો-ઓપરેટિવ ફેડરલિઝમ’ની જિકર કરી હતી તે અહીં સાંભરે છે. અલબત્ત, અનુભવે કોઈ સકારાત્મક છાપ નથી ઉપસી; અને વિચારધારાકીય તેમ જ નેતૃત્વીય જડબેસાલકપણું પણ મૂળે અવરોધકારી છે તે છે. જ્યાં સુધી કૉંગ્રેસનો સવાલ છે, એની બહુ ગવાયેલી સિન્ડિકેટ એ એક-પક્ષ-પ્રભાવ-પ્રથાના દોરમાં વસ્તુતઃ સુલભ સમવાયી ગરજ સારતી ઘટના હતી. ઇંદિરાજીએ જે ખાલસા અભિગમ દાખવ્યો એ ન દાખવ્યો હોત તો તેલુગુ દેશમ્‌ પ્રકારનાં પરિબળોને અવકાશ જ ન મળ્યો હોત. તામિલનાડુમાં જૂનાનવા ડી.એમ.કે. પક્ષોનું ઉભરવું, એક તબક્કે લગભગ ભારત સંઘથી છૂટા પડવાની લગોલગ ધાર પર હોવું અને આજે વ્યવસ્થાનો સહજ ભાગ હોવું તે આપણા સમવાયતંત્રે તાવણીમાંથી પસાર થતે છતે કશુંક હાંસલ કર્યાની ગવાહી છે.

મુદ્દે, મુખ્ય થવા ધારતા પક્ષોએ – હાલના કિસ્સામાં સ્વાભાવિક જ કૉંગ્રેસે અને ભા.જ.પે.-નમનીય અને લવચીક વલણો કેળવવાં રહે છે. વિચારધારા અને નેતૃત્વ બેઉ મોરચે, મુખ્ય થવા ધારતા પક્ષોમાં શુચિર્દક્ષ એટલો જ સમુદાર અભિગમ જરૂરી છે. પરિવર્તનની પ્રક્રિયામાં જેમ એક ઘણઉઠાવ દોર હોય છે તેમ લલિતકલાનીયે એક ભૂમિકા હોય છે. બલકે, કહેવું હોય તો કહી શકાય કે, સવિશેષ ભૂમિકા ઘણઉઠાવની નહીં એટલી લલિતકલાની હોય છે. આ દિશામાં એક અછડતો પણ ઉલ્લેખ કરી લઉં તો ૧૯૯૩માં મુલાયમ-માયાવતીએ મળીને ભા.જ.પ.ને અયોધ્યા લેતાં લખનૌ ખોવાની સ્થિતિમાં મૂક્યું હતું. તે વખતના કરતાં આ વખતનો અખિલેશ-માયાવતી યુતિમાં લોહિયા-આંબેડકરે અંતિમ પર્વમાં જે સપનું જોવા ધાર્યું હતું એની વિચારધારાકીય સભાનતા અંશતઃ પણ છે તે સુચિહ્‌ન છે.

આટલો મોટો, લગભગ ઉપખંડ શો આ દેશ આપણો! એમાં શાસન પાસે શુર્ચિદક્ષતાને ધોરણે યથાર્હ દંડ અપેક્ષિત છે – ન તીક્ષ્ણ દંડ, ન મૃદુ દંડ પણ યથાર્હ દંડ, કર્ટ્‌સી કૌટિલ્ય, જમ્મુ-કાશ્મીર સાથે મોદી સરકારે એક વાર મૃદુ દંડની રીતે હલવ્યું, અને પછી તીક્ષ્ણ દંડની રીતે! કલમ ૩૭૦ બરકરાર રહેવા સાથે સમવાયી કેન્દ્રની આણ જમ્મુ-કાશ્મીરમાં ઉત્તરોત્તર વધતી રહી એ વિગતની કદરબૂજ વગર આ અસંતુલિત અભિગમનો અવેજ એમણે નેહરુનીતિની ભૂલ વિશે ગાઈવજાડીને બોલવામાં શોધ્યો. આજે કૉંગ્રેસનો ઢંઢેરો જો કાળા કાયદા કાઢવા અગર હળવા કરવાની ભાષામાં વાત કરે છે તો એને ટુકડે ટુકડે ગૅંગમાં ખતવવાની વાત દુરસ્ત નથી. આ કાળા કાયદા રોલેટ ઍક્ટના કુળના છે જેની સામે ગાંધીના નેતૃત્વમાં આપણે સો વરસ પર અવાજ ઉઠાવ્યો હતો. જલિયાંવાલા બાગનો હત્યાકાંડ અને રવીન્દ્રનાથે ‘સર’નો ખિતાબ ફગાવ્યાનો એક આખો ઘટનાક્રમ છે. જેઓ ઍવોર્ડવાપસીને સમજી શકતા નથી, તેઓ સ્વરાજસંગ્રામને પણ સમજી શકતા નથી એમ જ કહેવું જોઈએ. ગમે તેમ પણ, ચૂંટણીઓની આવનજાવન વચ્ચે અને અન્યથા પણ આ બધું એક સમવાયી પ્રજાસત્તાકનાં ધારણપોષણ વાસ્તે કાળજે ધરી રાખવા જોગ છે.

ગુજરાતના સ્થાપના દિવસનો જોગાનુજોગ સંભારીને આટલું એક સ્વરાજચિંતન, સત્તરમી લોકસભા ભણી જતાં.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2019; પૃ. 01 – 02

Loading

2 May 2019 admin
← હવે એક પણ રાજકીય પક્ષને બિમાર નર્મદા મૈયાનાં ખબર અંતર પૂછવાની પડી નથી !
ઝાડનાં સૂકાં પાંદડાંને કચરો ગણતા લોકો શ્રદ્ધા, સમજ અને લાગણીના અભાવથી પીડાય છે →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved