
રવીન્દ્ર પારેખ
લગ્નની અનેક ખૂબીખામીઓ હોવા છતાં, આજે પણ લગ્નો થાય છે ને ગાઈબજાવીને થાય છે. લગ્ન આજે પણ ઉત્સવને સ્થાને છે ને લગ્નમાં જોડાનાર બે કુટુંબો ઉપરાંત એકથી વધુ સમાજો ઉત્સાહથી જોડાય છે ને લખલૂટ ખર્ચ એમાં આજે પણ કરે છે. જ્યારે બે વ્યક્તિને લગ્ન ન થાય એવું લાગે છે તો તે ભાગી જાય છે, પણ ભાગીને પણ તેમનો હેતુ તો લગ્ન કરવાનો જ હોય છે. આજે લગ્નો બહુ ટકતાં નથી, પણ ટકાવવાના પ્રયત્નો તો થાય જ છે. એ પછી પણ લગ્ન ન જ ટકે તો વાત છૂટાછેડા સુધી આવે છે. છૂટાછેડા આજે પણ સરળ નથી ને છતાં છૂટાછેડાને કારણે કોઈ લગ્ન કરવાનું માંડી વાળતું નથી. અનેક તકલીફો થતી હોવા છતાં આજે પણ ઘણાંને લગ્નનો વિકલ્પ લગ્ન જ લાગે છે. તેનું એક કારણ, લગ્ન, પતિ-પત્નીને, તેનાં સંતાનોને કાનૂની રક્ષણ આપે છે. આ સગવડ લગ્ન સિવાય બીજા કોઈ વિકલ્પમાં નથી. ભલે જૂનવાણીમાં ખપવાનું થાય, તો પણ ધર્મ અને સંસ્કારનો મહિમા કરવાનું, વડીલોના આશીર્વાદ મેળવવાનું લગ્ન નિમિત્તે ચુકાતું નથી, તે લગ્નની સૌથી મોટી ઉપલબ્ધિ પણ માનવામાં આવે છે. આજે તો ટેકનોલોજી અને વિજ્ઞાનનો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો, તીવ્ર સ્પર્ધાનો સમય છે. કામ કોઇની પાસે હોય કે ન હોય, પણ સમય કોઇની પાસે જ હોતો નથી. લગ્નની ઉંમર પણ વધી છે. ઘણાં પરિપક્વ ઉંમરે પરણવામાં માને છે. ભણતરમાં, નોકરી મેળવવામાં એટલો સમય ચાલી જાય છે કે ઘણાં લગ્નનો વિચાર પણ કરી શકતાં નથી. કોઈ લગ્નનું કદાચને વિચારે તો તેમાં વડીલોની સંમતિ, બે કુટુંબો વચ્ચેની સહમતિ, ખર્ચ વગેરે એટલી બાબતો નડતર ઊભું કરે છે કે લગ્ન ભાગ્યે જ સરળ રહે. એમાં જો પ્રેમલગ્નની વાત હોય તો બે કુટુંબો વચ્ચે સહમતિ સધાતાં એટલો સમય જાય છે કે લગ્ન સુધી પહોંચતામાં ત્રાસ જ ભાગે આવે. એ પછી પણ લગ્ન શક્ય બને જ એની કશી ખાતરી નથી હોતી. એનાં કરતાં તો લગ્ન ન કરવાં સારાં એવું માનવા – મનાવવામાં આવે છે. એમાં જો સ્ત્રીઓ કેરિયર અંગે ગંભીર હોય તો તે પરણવાનું લગભગ બાજુ પર જ મૂકે છે.
આ બધાં કારણોસર ઘણાં યુવક-યુવતીઓને લગ્નની ઝંઝટથી દૂર રહેવાનું જ મુનાસિબ લાગ્યું, તે એટલે કે લગ્નને તેઓ સામાજિક નહીં, પણ વ્યક્તિગત જરૂરિયાત તરીકે જ વધુ સ્વીકારતાં હતાં. આમ તો લગ્ન બે વ્યક્તિની અંગત બાબત ગણાય, તેમાં કુટુંબ, સમાજ, કોર્ટ વગેરેની જરૂર જ નથી એવું માનનારો પણ વર્ગ હતો. છે. લગ્ન નિમિત્તે સેંકડો માણસોને રોકી રાખવા, તેને નિમિત્તે લખલૂટ ખર્ચ કરવો કે ધાર્મિક વિધિવિધાનોમાં સમય વ્યતીત કરવો … વગેરે ઘણાંને માફક આવતું ન હતું. મૂળ વાત તો બે વ્યક્તિનાં મિલનની હતી. તન-મનનાં મિલન માટે તો લગ્નની જ કોઈ જરૂર યુવા વર્ગને લાગતી ન હતી. બે વિજાતીય વ્યક્તિઓ સાથે રહેવા ઈચ્છે છે, એટલું જ પૂરતું હતું. એમાં ભીડભાડ, વિધિવિધાન, ભોજન વગેરેની અનિવાર્યતા જ ક્યાં લાગતી હતી? બે જણાં સાથે રહેવા ઈચ્છે તો રહી શકે એટલી વ્યવસ્થા જ પૂરતી હતી, એમાં કાયદાનો હસ્તક્ષેપ પણ જરૂરી ન હતો. જરૂર હતી, બે વ્યક્તિ સાથે રહે એટલી. બસ ! એટલું પૂરતું હતું ને એમ સાથે રહેવાનું શરૂ થયું પણ ખરું. એને લિવ ઇન રિલેશનશિપનું નામ અપાયું. આ એવો સંબંધ હતો જેમાં બે વ્યક્તિ કોઇની પણ દખલ વગર સાથે રહી શકતી હતી ને ઈચ્છે ત્યાં સુધી રહી શકતી હતી. એમાં ન તો માબાપ જરૂરી હતાં કે ન તો સમાજ કે લગ્ન કે કાયદો જરૂરી હતાં. જરૂરી હતું તે બંને વ્યક્તિનું આર્થિક રીતે પગભર હોવું. જેથી છૂટાં પડવાનું આવે તો બંને પોતપોતાની રીતે ટકી રહે. ઉદ્દેશ એવો પણ હતો કે લગ્નની જેમ લિવ ઇન સંબંધ પરાણે ખેંચ્યા કરવાનું ન થાય. ફાવે ત્યાં સુધી સાથે રહેવું ને ન ફાવે તો કોઈ પર બોજ બન્યા વગર પોતપોતાનો રસ્તો કરી લેવો એમ માનીને બે જણાં સાથે રહેતાં હતાં ને અલગ પણ થઈ જતાં હતાં. લિવ ઇનની સૌથી મોટી સગવડ હતી તે એ કે કોઈ, કોઈ પર બોજ ન હતું. છૂટાં પડવું હોય તો કાયદાની આંટીઘૂંટીમાં લાંબો સમય સંડોવાવાનું ન હતું. ન ફાવે તો ગમે ત્યારે છૂટાં પડી શકાતું હતું. સંબંધ સાચવવાની જવાબદારી બંનેની હતી. લાંબો સમય સાથે રહ્યાં પછી એમ લાગે કે લગ્ન કરી લેવાં છે તો તેની ય મનાઈ ન હતી. કોઈ બાંહેધરી ન હતી, કોઈ બંધન ન હતું એટલે ઘણાંને લિવ ઇન માફક પણ આવ્યું.
પણ, લિવ ઇનની મર્યાદાઓ પણ સમય જતાં પ્રગટ થવા લાગી. કોઈ બંધન ન હતું એટલે કોઈ જવાબદારી પણ ન હતી. હક બધા હતા, પણ ફરજો ખાસ ન હતી. કોઈ સાક્ષી ન હતા, કોઈ મધ્યસ્થી ન હતા, એટલે કોઈ રક્ષણ પણ ન હતું. સાથે રહેવાનો આનંદ હતો, પણ જવાબદારી ન હોવાથી કોઈ પણ, મોટે ભાગે તો પુરુષ જ, મન ભરાઈ જતાં સાથીને છોડીને ચાલતી પકડતો હતો. એ તો બીજી સ્ત્રીને પણ પરણી શકતો હતો કે લિવ ઇનમાં અન્ય સાથે રહી શકતો હતો, પણ તેની સાથે રહેલી સ્ત્રીની હાલત કફોડી થઈ જતી હતી. ન તો તે ઘરે જઇ શકતી હતી કે ન તો એકલી રહી શકતી હતી, કારણ લિવ ઇનમાં માબાપની સંમતિ વિના જ તે પ્રવેશી હોય એવી શક્યતાઓ વધારે હતી. એટલે ઘર તો છૂટી જ ગયું હોય ને અલગ થયા પછી, નવી કોઈ જગ્યાએ ગોઠવાવાનું પણ મુશ્કેલ હતું. કોઇની સાથે લગ્ન વગર રહેનારી સ્ત્રીનું માન જળવાય એવું પણ ઓછું જ હતું, એટલે તેનાં ફરી લિવ ઇનમાં કે લગ્નમાં ગોઠવાવાના ચાન્સ ઘટી જતા હતા. તેમાં જો આર્થિક રીતે તે પગભર ન હોય તો, દશા વધુ વિકટ થતી હતી ને સૌથી ખરાબ સ્થિતિ તો બાળક હોય તો સ્ત્રીની ને બાળકની થતી હતી, કારણ બંનેને કાયદાનું રક્ષણ ન હતું. જો કે, સુપ્રીમ કોર્ટે સંતાનોને રક્ષણ આપવાની સ્થિતિ એ રાખી છે કે લગ્નથી થતાં બાળક જેવા અધિકાર લિવ ઇનથી થતાં બાળકોને પણ મળે, પણ લિવ ઇન સંબંધ ન રહેતાં સ્ત્રીને ભરણપોષણનો કાનૂની લાભ મળતો નથી તે ખરું.
લગ્નને કાનૂની રક્ષણ છે, તેમ તેની જવાબદારીઓ પણ છે, એ જવાબદારી લિવ ઇનમાં ન હોવાથી સૌથી વધુ કફોડી હાલત એમાં સંડોવાનાર સ્ત્રીની થાય છે. બને છે એવું કે સોશિયલ મીડિયા પર કેટલાક હરામનું શોધતાં યુવકો નોકરી-ધંધો કરતી યુવતીઓની શોધમાં જ હોય છે. એવી કોઈ મળી જાય તો મૈત્રી બાંધી, તેની સાથે લિવ ઇનમાં રહેવા લાગે છે ને તેને પૈસે એશ કરીને નવું પંખી હાથ લાગે તો તે તરફ ઊડી પણ જાય છે. લિવ ઇનમાં સૌથી વધુ લાભમાં પુરુષ જ રહે છે. એને, એ સ્ત્રીની કે થયેલ સંતાનની કોઈ ચિંતા હોતી નથી ને બીજી તરફ સ્ત્રીની હાલત બદથી બદતર થઈને રહે છે. લિવ ઇનમાં રહેનાર પુરુષ, સાથે રહેનાર સ્ત્રી સાથે અનેક પ્રકારની જોહુકમી કરતો હોય છે. તેમાં જો સ્ત્રી સાથ નથી આપતી તો તેનું આર્થિક, માનસિક, શારીરિક શોષણ કરવામાં પુરુષ કોઈ નાનમ નથી અનુભવતો ને જરૂર પડે તો તેનું કાસળ કાઢી નાખતાં પણ તે અચકાતો નથી. એવા ઘણા બનાવો અત્યારે ચર્ચામાં પણ છે.
એ ખરું કે સ્ત્રીઓ પણ હવે પુરુષનું શોષણ કરતી થઈ છે ને પુરુષને પણ પીડતી થઈ છે. ત્યાં પણ તે મોટે ભાગે તો લગ્નથી મળતા લાભ જ ઉઠાવતી હોય છે, જ્યારે લિવ ઇનમાં સૌથી વધુ શોષણ સ્ત્રીનું જ થાય છે. લિવ ઇનમાં સૌથી વધુ ખોટમાં તો સ્ત્રી જ રહેતી હોય છે. લિવ ઇનમાં કુતૂહલવશ, સ્ત્રી શરૂઆતમાં જોડાતી હશે, પણ જયાં કાયદાનું કોઈ રક્ષણ જ નથી, ત્યાં તે સંબંધમાં પડવામાં પૂરું જોખમ છે એટલું વહેલી તકે તેણે સમજી લેવાનું રહે. પરદેશમાં લિવ ઇન સફળ હોય તો તે અહીં પણ સફળ થાય જ એમ માની લેવું વધારે પડતું છે. ત્યાંનું વાતાવરણ, ત્યાંની વ્યવસ્થાઓ, ત્યાંનાં તંત્રોને એ માફક આવે કદાચ, પણ ભારતીય સમાજ, તેની ભૌગોલિક, આર્થિક, જૈવિક પરિસ્થિતિને એ માફક આવે જ એ જરૂરી નથી. જ્યાં કેવળ હકનો જ ભોગવટો છે ને જવાબદારી જ કોઈ નથી તે પ્રયોગ ભારતે શું કામ ચલાવવો જોઈએ તે નથી સમજાતું. અનેક મર્યાદાઓ છતાં આજે પણ લગ્ન જેવો સબળ વિકલ્પ ભારત પાસે હાથવગો હોય ત્યારે લિવ ઇન ને જ ‘લીવ આઉટ’ કરવા જેવું છે. લિવ ઇન પર પ્રતિબંધ મુકાય તે જ કદાચ વધારે ડહાપણ ભરેલું છે એવું નથી લાગતું?
000
e.mail : ravindra21111946@gmail.com