કોરોનાએ લાદેલા ફરજિયાત ગૃહવાસમાં આસપાસ નજર કરું છું ત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક દેશની અંદર કેટકેટલા દેશ હોય છે. ભવિષ્યમાં કોઈ ભાગ્યે જ માનશે કે દેશનાં મહાનગરોમાંથી ગરીબ મજૂરોના સમૂહોએ જીવ બચાવવા વતન તરફ હજારો માઇલ પગપાળા સ્થળાંતર કર્યું હતું. હું જોઈ રહ્યો છું કે, એક વર્ગ લૉક ડાઉનમાં સમય પસાર કરી રહ્યો છે અને એનો અંત આવવાની રાહ જોઈ રહ્યો છે, બીજો વર્ગ આ સમયમાં મળેલી ફૂરસદની ક્ષણોને માણી રહ્યો છે, તો ત્રીજો વર્ગ આ આપત્તિની એક એક ક્ષણની યાતના વેઠી રહ્યો છે. જો એક લેખક પોતાના કાળમાં સમાજની વેદના-સંવેદનાને સમજી નહીં શકે, તો એની રચનામાં સંવેદના અને સત્ય—આ બંનેનો અનુભવ કેવી રીતે થશે?
અત્યારે કોઈ પણ લેખક કે સમાજશાસ્ત્રી માટે પુસ્તકોનું પઠન કરવાને બદલે સમાજનો અભ્યાસ કરવાનો સમય છે. ભારતીય ઇતિહાસમાં ‘અસ્પૃશ્યતા’ની માનસિકતાથી ઉપજેલા ક્ષોભથી ભારતીય સાહિત્ય સમૃદ્ધ થયું છે. આ કુપ્રથાએ સમાજને દિશા આપીને એને પ્રગતિશીલ બનાવ્યો છે. પણ ભારતીય સમાજમાં પહેલી વાર ‘સોશિયલ ડિસ્ટન્સિંગ’ એટલે કે ‘સામાજિક અંતર’ જેવો શબ્દ સાંભળવા મળ્યો છે. કુદરતની કરામત જુઓ કે સવર્ણ હોય કે અસવર્ણ, ઉજળિયાત હોય કે પછાત – દરેકને એકબીજાથી અંતર રાખવાનું છે. મને એ કલ્પનાથી જ કંપારી છૂટી જાય છે કે કોરોના અજ્ઞાત ભયથી સોશિયલ ડિસ્ટન્સિંગ ક્યાંક મોટા ભાગના લોકોની આદત ન બની જાય. મને ડર છે કે, અગાઉથી જ જાતિ, જ્ઞાતિ, પંથ, ધર્મ, વંશ જેવા અનેક વાડાઓમાં વહેંચાયેલો ભારતીય સમાજ કોરોના પછી વધુ એક વાડામાં વહેંચાઈ ન જાય. સ્વાભાવિક રીતે ઉત્સવપ્રેમી અને સામૂહિક જીવન જીવતો ભારતીય સમાજ વાઇરસના ભયથી સતત ભયભીત રહેશે? એક સામાન્ય બીમાર અને ઉધરસ ખાતી વ્યક્તિ કેટલાં વર્ષો સુધી કોરોનાગ્રસ્ત હોવાની શંકાથી ‘અસ્પૃશ્ય’ બની રહેશે? આપણે સામાજિક સ્તરે આ પડકારો હજુ ઝીલવાના છે. આ સમયે સાહિત્યકારોની એ જવાબદારી બની રહેશે કે આ આપત્તિ પર લખે. અત્યારે આપણે એકબીજાથી અંતર જાળવવા માટે અપીલ કરી રહ્યાં છે. પણ કોરોના પછી સાહિત્યકારોએ જ લોકોને એકબીજા સાથે જોડાવા માટે અપીલ કરવી પડશે. જે સરકાર ‘સોશિયલ ડિસ્ટન્સિંગ’નો પ્રચાર કરે છે, એ ‘સોશિયલ કોલાબરેશન’ની અપીલ કરશે કે કેમ એ પ્રશ્ર છે.
[‘ધ વાયર’માં નીલોત્પલ મૃણાલના લેખમાંથી]
અનુવાદઃ કેયૂર કોટક
e.mail : keyurkotak@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 26 ઍપ્રિલ 2020