માર્ચના અંતમાં વડાપ્રધાને પહેલું લોકડાઉન જાહેર કર્યું, ત્યારે હું લડાખના ગામડે આવી ગયો હતો. ગામડાંમાં આ સમગ્ર લોકડાઉન દરમ્યાન મારા કુટુંબને ખેતી તથા ગ્રામ્યજીવન સંબંધી કાર્યોમાં મદદ કરવામાં જ મારો સમય વીત્યો. મારા બાળપણથી અત્યાર સુધીમાં પહેલીવાર મેં આટલો બધો સમય ગામડાંમાં વિતાવ્યો, જેણે મને વિકાસ અંગે વિચારતો કરી દીધો.
ગામના મોટાભાગના યુવાનોની જેમ મેં ૧૦ વર્ષથી વધારે સમય પ્રવાસન ક્ષેત્રમાં કામ કર્યું છે. જો કે, કોવિડ-૧૯ મહામારીએ એ હકીકત સાબિત કરી દીધી કે પ્રવાસન ઉદ્યોગ આજીવિકાનો બિનભરોસાપાત્ર અને અસ્થાયી સ્રોત છે. ભૂતકાળમાં, જ્યારે પણ હું ગામમાં આવતો ત્યારે ગામનાં વડીલોને જ મળતો કારણ કે યુવાનો તો ભણતર કે આજીવિકાની સારી તકો માટે ગામ છોડી ગયેલા હોય. જો કે, આ લોકડાઉન દરમ્યાન મેં અનુભવ્યું કે ગામના લોકો સતત ઉત્પાદકીય કામોમાં વ્યસ્ત છે અને તેમની પાસે કોવિડ-૧૯ જેવી બાબતો માટે ચિંતા કરવાનો ખાસ સમય જ નથી. મેં ખેતરમાં કામ કરીને, ફળોનાં ઝાડ વાવીને અને બાગકામ કરીને મારો સમય પસાર કર્યો. પરિણામે, હું પહેલા કરતાં વધારે તંદુરસ્ત બન્યો છું. હું પહેલાં કરતાં વધારે ગામના તથા આજુબાજુના વિસ્તારના લોકોને મળી શક્યો.
આ લોકડાઉનનાં સમયમાં મને એક દિલચસ્પ વલણ જોવા મળ્યું. ઘણાં યુવાનો તેમની યુવાનીમાં પહેલી જ વખત ગામમાં પાછા ફર્યા છે. તેઓ એ જાણીને આશ્ચર્યચકિત થઈ ગયા છે કે જ્યાં તેઓ પોતાનું અનાજ ઊગાડી શકે છે તે ગામડાંમાં રહેવું કેટલું સસ્તુ છે. મારી જેમ તેઓએ પણ સ્વીકાર્યું કે દરરોજ શારીરિક અને માનસિક કામ કરવાથી શારીરિક રીતે તંદુરસ્ત બન્યા છે. સાથેસાથે, અમે બધા વધારે પૌષ્ટિક અને સંપૂર્ણ જૈવિક રીતે ઊગાડેલો ખોરાક ખાતા હતા. હું વિચાર્યા વગર રહી શકતો નથી કે આ જીવનશૈલીએ અમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરીને સાર્સ-કોવ-૨ જેવા વાયરસથી ઊભા થયેલા જોખમમાં ખાસ્સો ઘટાડો કર્યો છે.
મેં એ પણ નોંધ્યું કે અમારા બધાનું ગામમાં પાછા ફરવાને કારણે ગામના સામાજિક અને આર્થિક જીવન પર હકારાત્મક અસર થઈ છે. આ વર્ષે એકપણ ઘરમાં કોઈપણ કામ માટે દૈનિક રોજ પર મજૂરો રાખવામાં આવ્યા નથી કારણ કે દરેક ઘરમાં જરૂર કરતાં વધારે સભ્યો હાજર હતા. મેં કેટલા ય કિસ્સામાં જોયું અને સાંભળ્યું કે કુટુંબોએ ઘણાં વર્ષોથી ઉજ્જડ છોડી દીધેલી જમીનો પુનઃજીવિત કરીને ખેતી કરી.
ઘણાં યુવાનોએ જણાવ્યું કે તેમની પાસે સરકારી નોકરી અથવા સ્થાયી અને ભરોસાપત્ર આજીવિકા શોધવા જેવા સાદા વિકલ્પો છે. લોકડાઉન દરમ્યાન મારા ગામલોકોએ સિંચાઈ અને ખેતી માટે ઉજ્જડ જમીનોની ગામના યુવાનો વચ્ચે પુનઃવહેંચણી શરૂ કરી દીધી. મને આશ્ચર્ય થયું કે આ યુવાનોને ખેતી અને ખેતરમાં કામ કરવાની કેટલી મજા પડી ગઈ. આ યુવાનોએ ખેતી, ફળફળાદિનું વાવેતર, સિંચાઈની કેનાલના સંચાલન જેવા કામો માટે જરૂરી વિવિધ કૌશલ્યોનું શિક્ષણ મેળવીને આ લોકડાઉનના સમયનો ફળદાયક ઉપયોગ કર્યો. આનાથી એ સુનિશ્ચિત થયું કે આવા અનિશ્ચિતતાના સમયમાં યુવાનો ઉત્પાદકીય રીતે પ્રવૃત્ત રહ્યા અને તેમણે ગામની સુખાકારીમાં યોગદાન આપ્યું.
લડાખમાં મોટા ભાગનો વિકાસ છેલ્લા કેટલા ય દસકાઓથી મુખ્ય મથક લેહમાં કેન્દ્રિત થયેલો છે. પરિણામે, લડાખના ગ્રામ્ય વિસ્તારનાં ઘણાં લોકો નોકરી અને શિક્ષણની તકોની શોધમાં લેહમાં સ્થળાંતરિત થયાં છે. જો કે કોવિડ-૧૯ના કારણે જે રીતે આપણું વિશ્વ ઊંધુંચત્તું થઈ ગયું તેની કોઈને અપેક્ષા નહોતી. હવે ઘણાં બધા લોકો સ્વીકારવા લાગ્યા છે કે લેહ જેવા શહેરી વિસ્તારની જિંદગી કરતાં ગ્રામ્યજીવન વધારે સ્થાયી અને ભર્યુંભર્યું છે. મેં ઘણાં લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે હવે તેઓ વર્ષમાં લાંબા સમય માટે પોતાના ગામડાંમાં જઈને રહેશે જેથી ખેતી, બગીચાઓની માવજત અને ખેતરોની સિંચાઈ કરી શકે.
કોવિડ-૧૯ મહામારીએ ખૂબ જ મહત્ત્વનો સંદેશ આપ્યો છે. એણે લોકોને તેમની જીવનશેલીનું મૂલ્યાંકન કરવામાં મદદ કરવાની સાથે સાથે ગ્રામ્યજીવનનું મહત્ત્વ અને તેનું સ્થાયીપણું સમજાવ્યું છે. તેણે લોકોને આ અસ્થાયી વિશ્વમાં સ્થાયીપણાની જરૂરિયાત સ્વીકારવા મજબૂર કર્યા છે. પ્રવર્તમાન માળખાની અસ્થિરતા — લડાખ માટે કોવિડ-૧૯નો સૌથી મોટો બોધપાઠ છે. સુખી અને ભર્યાભર્યા જીવનનું મહત્ત્વ, પૈસા કમાવા પર આધારિત જીવન કરતાં વધુ છે, તે લોકોને સમજાવવાની આ એક તક છે. મારા મત મુજબ કોવિડ-૧૯ના સંદર્ભે કેન્દ્રશાસિત પ્રશાસને લડાખના ગ્રામ્ય અર્થતંત્ર કેંન્દ્રિત વધારે સંપોષિત/સ્થાયી વિકાસને પ્રોત્સાહન આપવા આ તકનો ઉપયોગ કરવો જોઈએ.
[Source: https://www.localfutures.org/lockdown-in-ladakh/
This post originally appeared in the Ladakhi news magazine Stawa.
Photo by Tsering Stobdan.]
e.mail : gaurangy1@yahoo.com