લાલ પરી મસ્તાની અત્યારે હયાત નથી એ સારું જ થયું : એક વાર લાલ શાહબાઝ કલંદર અને તેમના મિત્ર બાબાઉદ્દ દ્દીન ઝકરિયા રણમાં રખડતા હતા અને રાત પડી ગઈ. અંધારા સાથે ઠંડી પણ હતી. લાકડાં તો હતાં, પરંતુ લાકડાં પેટાવવા માટે અગ્નિ નહોતો. બાબા ઝકરિયાએ લાલ શાહબાઝ કલંદરને કહ્યું કે તે બાજ બનીને નરકમાંથી અગ્નિ લઈ આવે. કલંદર જાય છે અને થોડી વારે ખાલી હાથે પાછા આવીને કહે છે : નરકમાં અગ્નિ નથી, ત્યાં જનારા દરેક અહીંથી પોતાની પીડા અને અગ્નિ સાથે લઈને જ જાય છે
સારું થયું કે લાલ પરી મસ્તાનીનું ચાર વર્ષ પહેલાં કુદરતી મૃત્યુ થયું. નહીંતર આપણા યુગનાં તે મહિલા સૂફી મહિલા ફિદાયીન બૉમ્બરનો શિકાર બન્યાં હોત. આમ પણ લાલ પરીને સ્વાર્થી સ્વજનોએ, કોમવાદીઓએ, ભાષાવાદીઓએ ક્યારે ય સુખેથી જીવવા દીધાં નહોતાં. લાલ કપડાંમાં કદાવર કાયા અને હાથમાં દંડૂકો ધરાવતાં લાલ પરી મસ્તાની ધમાલમાં ન આવે ત્યાં સુધી ધમાલ શરૂ ન થાય અને દંડૂકો વીંઝીને લાલ પરી જ્યારે નાચવાનું શરૂ કરે એ પછી ધમાલમાં કોઈ નાચ્યા વિના રહી ન શકે. કોઈક જાદુ હતો સેહવાનની લાલ શાહબાઝ કલંદરની એ મઝારમાં. કોઈક જાદુ હતો ધમાધમ મસ્ત કલંદરની ધમાલમાં. કોઈક જાદુ હતો લાલ પરીની મસ્તીમાં. એટલે તો તેઓ લાલ પરી મસ્તાની તરીકે ઓળખાતાં હતાં. ધમાલમાં જેટલા લોકો હાજર હોય એ બધા ટ્રાન્સનો, મસ્તીનો અનુભવ કરતા. સૂફી પરંપરામાં એને ફના કહેવામાં આવે છે.
જાણીતા હિન્દી પત્રકાર ઓમ થાનવી પાકિસ્તાન ગયા હતા. વીઝામાં જે સ્થાનો પર જવાની અનુમતિ હતી એમાં સેહવાનનો સમાવેશ નહોતો થતો. કોઈકે તેમને કહ્યું કે જો તેઓ સાધારણ બસમાં કરાચીથી લાહોરનો રાત્રિપ્રવાસ કરે તો સવારે બસ સેહવાન પહોંચશે અને ત્યાં ચા-પાણી માટે થોડો વધુ સમય થોભશે. લાલ શાહબાઝ કલંદરની મઝાર હાઇવેની બાજુમાં જ છે. ઓમ થાનવીએ લાલ શાહબાઝ કલંદરના સૂફી વારસાનાં વાઇબ્રેશન્સ (તરંગો) અનુભવવા રાત્રિપ્રવાસ કર્યો હતો. તેઓ કોઈ ધાર્મિક માણસ નથી. કોઈ મન્નત માની નહોતી કે શાહબાઝ કલંદર પાસે કોઈ માગણી કરી નહોતી. તેમને તો બસ સાંસ્કૃિતક વારસાની સમગ્રતાનો અનુભવ કરવો હતો. સાચો માનવી હંમેશાં સમગ્રતાનો પૂજારી હોવાનો, જ્યારે વિભાજિત મન ફિદાયીન પેદા કરે છે.
સેહવાન એ સિંધમાં આવેલી સૂફી દરગાહ છે, પણ એનાથી વધારે એ હિન્દુઓ અને મુસલમાનોનું સહિયારું ધર્મસ્થળ છે. અહીં એક જમાનામાં શિવજીનું મંદિર હતું અને સેહવાન સીવીસ્તાન તરીકે ઓળખાતું હતું. દરગાહમાં શિવજીનું લિંગ હતું જેને ૧૯૭૦માં ખસેડીને એક રૂમમાં રાખવામાં આવ્યું છે. હિન્દુ સિંધીઓ જેને ઝુલેલાલ કે દરિયાલાલ તરીકે ઓળખાવે છે એ જ આ લાલ બાદશાહ કલંદર. ઝુલેલાલનાં વસ્ત્રો પણ લાલ જ હોય છે એટલે હિન્દુ અને મુસ્લિમ એમ બન્ને સિંધીઓ માટે લાલ કલંદર છે. હવે સિંધમાં અને પાકિસ્તાનનમાં હિન્દુઓ નહીંવત્ છે, પરંતુ હજી આજે પણ દરગાહના સજદાનશીન એટલે કે રખેવાળ પરિવારોમાં એક પરિવાર હિન્દુ છે. લગભગ ૧૩મી સદીથી હિન્દુ અને મુસલમાન ઝુલેલાલ અર્થાત્ લાલ બાદશાહ કલંદરની સમાધિ કે મઝાર જે કહો એની ઇબાદત કરતા આવ્યા છે.
મૂળભૂતવાદી મુસલમાનોની નજરે પીર માત્ર શર્કિ (ખુદાની બરાબરી કરનારા) છે અને તેમની મઝાર પર માથું ટેકવનાર જાહિલ (ગમાર) છે. તેઓ હવે ઇસ્લામિક સ્ટેટની રચના કરવા માગે છે જેમાં શર્કિ અને જાહિલોને રહેવાનો અધિકાર નથી. એટલે તો તેઓ પાકિસ્તાનમાં સૂફી મઝારો પર એક પછી એક હુમલાઓ કરી રહ્યા છે જેમાં સેહવાન પરનો હુમલો અસ્વસ્થ કરી મૂકનારો છે. લાલ પરી મસ્તાની નસીબદાર કે ચાર વરસ પહેલાં જન્નતનશીન થઈ ગયાં.
મોટા ભાગે ભારતમાં રહીને ભારતના ઇતિહાસ પર કામ કરનારા બ્રિટિશ ઇતિહાસકાર વિલિયમ ડેલરીમ્પલે એક કે બીજી રીતે ઈશ્વરસમર્પિત નવ વ્યક્તિઓનાં રેખાચિત્રો લખ્યાં છે; જેમાં ધર્મ ખાતર ચીન સામે વિદ્રોહ કરનાર લામા, બાઉલ સાધુ, દેવદાસી, મૂર્તિકાર વગેરેનો સમાવેશ છે અને એમાં એક રેખાચિત્ર લાલ પરીનું છે. ‘નાઇન લાઇવ્ઝ’ નામના ખૂબ વખણાયેલા પુસ્તકમાં સમાવિષ્ટ રેખાચિત્રોમાં મને લાલ પરીનું રેખાચિત્ર ખૂબ ગમ્યું છે. વિલિયમે પાકિસ્તાનમાં સેહવાન જઈને લાલ પરીની મુલાકાત લીધી હતી. અહીં એ પુસ્તકના આધારે લાલ પરીની દાસ્તાન પ્રસ્તુત છે …
મારો જન્મ પૂર્વ બિહારમાં બંગલા દેશની નજીક આવેલા સોનેપુર ગામમાં થયો હતો. જમીન એટલી ફળદ્રુપ હતી કે અમે ગરીબ હોવા છતાં ક્યારે ય ભૂખ્યા નહોતા સૂતા. અમે કેરી, જાંબુ, નારિયેળ જેવાં ફળ તોડતાં અને ખાતાં. એ જમાનામાં ફળ ખાવાં માટે હતાં, વેચવાં માટે નહીં. મારા પિતા પાસે થોડી જમીન હતી જેમાં તે ચોખા ઉગાડતા. આ ઉપરાંત ક્યારેક તેઓ જંગલમાં જઈને હરણનો શિકાર કરી લાવતા. મારા પિતા સારા નિશાનબાજ હતા. મારા બાળપણમાં મેં ક્યારે ય હિન્દુ અને મુસલમાન વચ્ચે વૈમનસ્ય જોયું નહોતું. મારી ખાસ બહેનપણી બ્રાહ્મણની દીકરી હતી અને મારા પિતાના ખાસ મિત્ર પણ હિન્દુ હતા. મને યાદ નથી કે અમારા ગામમાં કોમી અથડામણ થઈ હોય. હું હવે ક્યારે ય લાલ કલંદરનો ખોળો છોડીને ક્યાં ય જવા માગતી નથી, પરંતુ એ છતાં ય એક વાર મારા બાળપણના ગામ સોનેપુરને જોઈ આવવાની ઇચ્છા થતી રહે છે.
યાતનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે મારા પિતાનું ટીબીની બીમારીમાં અવસાન થયું. મારા પિતા ગુજરી ગયા પછી મારા કાકાએ અમારી જમીન પડાવી લીધી. આખરે મારી માએ પિયરમાં આશરો લેવો પડ્યો હતો. બીજા વરસે મારી માએ ફરી લગ્ન કર્યા, પણ મારા ઓરમાન બાપને હું ગમતી નહોતી. તે મને કદરૂપી તરીકે ઓળખાવતો હતો અને દારૂ પીધો હોય ત્યારે મારતો.
અમારા ગામમાં વડલાના ઝાડ અને કૂવાની વચ્ચે એક મઝાર હતી જ્યાં એક ફકીર રહેતો હતો. તે આખો વખત પલાંઠી વાળીને સાધના કરે અને મસ્ત મસ્ત મસ્ત એવો જાપ કરતો રહે. હું તેને મળવા જતી. મને તે માણસમાં ખૂબ રસ પડતો. તે ફકીરે મને અલ્લા હુ અલ્લા હુ અલ્લા હુનો મંત્ર આપ્યો હતો. બીજું પણ ઘણું શીખવાડ્યું હતું, પરંતુ એ નાની ઉંમરે એમાંનું બહુ ઓછું સમજાયું હતું. આમ છતાં વધુમાં વધુ સમય હું ફકીર સાથે વિતાવતી હતી.
૧૯૬૦ની વાત છે. મારા જીવનમાં વાવાઝોડું ત્યારે આવ્યું જ્યારે મારી ઉંમર ૧૩ વરસની હતી. મારી ખાસ બ્રાહ્મણ બહેનપણીએ આત્મહત્યા કરી લીધી હતી. તે હિન્દુ છોકરાના પ્રેમમાં હતી અને પરિવાર લગ્નની વિરુદ્ધ હતો. ગામમાં આ વાતે તંગદિલી હતી ત્યાં રાજકારણીઓએ નવી તંગદિલી પેદા કરી. પૂર્વ પાકિસ્તાન(અત્યારનું બંગલા દેશ)માં હિન્દુઓને અન્યાય થઈ રહ્યો છે અને તેમને ખદેડી મૂકવામાં આવે છે એ વાતે હિન્દુઓ નારાજ હતા. અમારા ગામમાં મુસલમાનોની વસ્તી વધુ હતી એટલે બધા એમ માનતા હતા કે ડરવાની જરૂર નથી. પરંતુ એક વખત શુક્રવારના દિવસે ગામના બધા પુરુષો મસ્જિદમાં હતા ત્યારે તૈયારી સાથે આવેલા હિન્દુઓએ મસ્જિદ પર હુમલો કર્યો હતો. એ હુમલામાં મારા કાકા, મારા પિતરાઈ અને મારા ઓરમાન પિતાનું મૃત્યુ થયું હતું. એમ કહોને કે ગામમાં એક પુરુષ નહોતો બચ્યો. એ લોકો જ માત્ર બચ્યા હતા જે એ દિવસે મસ્જિદમાં નહોતા. અમે બાળકો આંબાવાડિયામાં રમતાં હતાં અને મારી મા અને મામા ખેતરે હતાં. પંદર દિવસ અમે જંગલમાં ખાડામાં સંતાઈ રહ્યા હતા અને જંગલમાંથી જે મળે એ ખાઈ લેતા હતા.
હવે અમારા ગામમાં રહેવામાં જોખમ હતું. મારા મામાએ સરહદ ઓળંગીને પૂર્વ પાકિસ્તાન જતા રહેવાનો નિર્ણય લીધો. ત્યાં મારી માનો પિતરાઈ રહેતો હતો. હું તો રાજી હતી કે ચાલો નવા ગામમાં જઈશું અને નવા પિતરાઈ મામાઓને મળીશું. હવે સોનેપુરમાં ડર લાગવા માંડ્યો હતો. ઘણી લાંબી યાત્રા પછી અમે સરહદે પહોંચ્યા. મારા મામાએ સિક્યૉરિટી ગાર્ડને પૈસા આપ્યા અને તેણે જ અમને પોતાના ઘરમાં આશરો આપ્યો. રાત થઈ ત્યારે તેણે અમને સીધી કેડીએ ચાલતા રહેવાની સલાહ આપી. જો ફાયરિંગ થાય તો અટકવાનું નહીં, કોઈ મરે તો પણ અટકવાનું નહીં એવી તેણે ખાસ ચેતવણી આપી હતી. ફાયરિંગ તો કોઈ જગ્યાએ થયું નહીં અને અમે પૂર્વ પાકિસ્તાનમાં મામાઓના ગામે પહોંચી ગયા. મામાઓ ગામમાં વગ ધરાવતા હતા એટલે તેમને અમને થાળે પાડવામાં કોઈ ખાસ મુશ્કેલી ન પડી. મામાઓએ મને સ્કૂલમાં ભણવા પણ બેસાડી હતી.
પણ મારી જિંદગીમાં થાળે પડવાનું લખ્યું જ નહોતું. મારી યાત્રા લાલ કલંદરની ગોદમાં જ પહોંચીને પૂરી થવાની હતી. ૧૯૭૧માં બંગલા દેશની પાકિસ્તાન સામે લડાઈ થઈ અને પૂર્વ પાકિસ્તાન સ્વતંત્ર બંગાળી મુસ્લિમ રાષ્ટ્ર બની ગયું. ઇસ્લામિક રાષ્ટ્ર હવે બંગાળી રાષ્ટ્ર બની ગયું. ભારતમાં અમે મુસલમાન હતા એટલે સલામતી શોધવા ઇસ્લામિક રાષ્ટ્રમાં આશરો લીધો. હવે બંગલારાષ્ટ્ર બંગલા દેશમાં અમે બિહારી હતા એટલે વિશ્વાસઘાતી ગદ્દાર બની ગયા. બિહારથી આવેલા મુસલમાનો સાથેના અત્યાચારોની એકથી એક થથરાવી મૂકનારી વાતો ગામમાં આવતી હતી. હિન્દુ મુસલમાનને મારે એ તો હજીયે મને સમજાતું હતું, પરંતુ મુસલમાન મુસલમાનને શા માટે મારે છે એ મને સમજાતું નહોતું.
બંગલા દેશની સ્થાપના પછી પાકિસ્તાન સરકારે જાહેરાત કરી કે જે લોકો બંગલા દેશ છોડીને પાકિસ્તાનમાં રહેવા માગતા હશે તેમને દક્ષિણ પંજાબમાં સ્થાયી કરવામાં આવશે. અમે ભાઈ-બહેને વિચાર્યું કે અહીં નદીઓના અને નફરતના પૂરની વચ્ચે રહેવા કરતાં પંજાબમાં જઈને નસીબ અજમાવીએ. મારી માનો અને મામાઓનો વિરોધ હતો. તેમને એમ લાગતું હતું કે ફરી એક વાર નવી જગ્યાએ જોખમ લેવા કરતાં પરિચિત જગ્યાએ જોખમનો સામનો કરવામાં વધારે ડહાપણ છે.
અમને ખુલના લઈ જવાયા. ખુલનાથી ટ્રકમાં કલકત્તા, કલકત્તાથી દિલ્હી, દિલ્હીથી અમ્રિતસર થઈને લાહોર અને લાહોરથી મુલતાન. આખી યાત્રા અમે ટ્રકમાં કરી હતી. મુલતાનમાં અમને જમીન તો આપવામાં આવી નહીં, પરંતુ એક ઓરડી અને જીનિંગ ફૅક્ટરીમાં કામ આપવામાં આવ્યું. અહીં સંઘર્ષનો પાર નહોતો, પરંતુ સુરક્ષા હતી. આમ પણ મારી નિયતિ મને ફકીરી તરફ લઈ જતી હતી. મુલતાનમાં હું સમય મળે ત્યારે ફકીરો પાસે જતી અને ફના થવાની વાતો સાંભળતી. એવામાં મારો ભાઈ એક અકસ્માતમાં ગુજરી ગયો. ભાભીને હું જોઈતી નહોતી એટલે એક દિવસ હું નીકળી પડી. પરિવારનાં બધાં બંધનોનો અંત આવ્યો.
ઘર છોડ્યું એના આગલા દિવસે શેખ બાબાઉદ્દ દ્દીન ઝકરિયાની દરગાહે જઈને માથું ટેકી આવી હતી અને ક્યાં જવું એનું માર્ગદર્શન માગ્યું હતું. રાતે એક દાઢીવાળો વૃદ્ધ ફકીર સપનામાં આવ્યો અને તેણે ડર્યા વિના, પૈસા કે કોઈ ચીજ સાથે લીધા વિના પહેલી ટ્રેનમાં બેસી જવાની સલાહ આપી. મેં એમ જ કર્યું. રસ્તામાં હૈદરાબાદ સ્ટેશને લોકોની ભીડ જોઈ જેઓ સેહવાન ઉર્સમાં જતા હતા. અચાનક એક ફકીર મારા ડબ્બા પાસે આવ્યો અને તાવીજ આપતો ગયો. એ તાવીજ પર એ જ ફકીરની તસવીર હતી જે સપનામાં આવ્યો. મેં પૂછ્યું કે આ કોણ છે? તો કહે, લાલ શાહબાઝ કલંદર. હું ત્યાં ઊતરી પડી અને સેહવાન પહોંચી ગઈ.
૨૦ વરસથી અહીં છું અને હવે ક્યાં ય જવાની ઈચ્છા નથી. પહેલાં હું ધમાલ પછી ધમાલની રૂમ સાફ કરતી, હવે હું ધમાલ કરાવું છું. એક એવી મસ્તીનો અનુભવ થાય છે જેને વર્ણવી ન શકાય. હવે કોઈ વાતનો ગમ નથી, પણ એક વાતનો ગમ છે. વહાબી સલ્ફી મુલ્લાઓ અને તબલીગીઓ પીરોને શર્કિ સમજે છે અને અમને જાહિલ. તેઓ દિલ વિનાના પુસ્તકીય લોકો છે જેમને ખુદા સાથેના પ્રેમની મસ્તી શું કહેવાય એની જાણ જ નથી. ૨૦૦૯માં તેમણે દરગાહને બૉમ્બ વડે ઉડાડવાનો પ્રયાસ કર્યો હતો.
અને છેવટે લાલ પરી વિલિયમ ડેલરીમ્પલને એક પ્રસંગ કહે છે. એક વાર લાલ શાહબાઝ કલંદર અને તેમના મિત્ર બાબાઉદ્દ દ્દીન ઝકરિયા રણમાં રખડતા હતા અને રાત પડી ગઈ. અંધારા સાથે ઠંડી પણ હતી. લાકડાં તો હતાં, પરંતુ લાકડાં પેટાવવા માટે અગ્નિ નહોતો. બાબા ઝકરિયાએ લાલ શાહબાઝ કલંદરને કહ્યું કે તે બાજ બનીને નરકમાંથી અગ્નિ લઈ આવે. કલંદર જાય છે અને થોડી વારે ખાલી હાથે પાછા આવીને કહે છે : નરકમાં અગ્નિ નથી, ત્યાં જનારા દરેક અહીંથી પોતાની પીડા અને અગ્નિ સાથે લઈને જ જાય છે.
સૌજન્ય : ‘નો નૉન્સેન્સ’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ ડે”, 19 ફેબ્રુઆરી 2017