
રમેશ ઓઝા
એક જિંદગીની વાત હું મારી કૉલમમાં કહી ચૂક્યો છું, પણ બંગલાદેશનું નિમિત્ત છે અને એ જિંદગીને બંગલાદેશ સાથે સંબંધ છે એટલે ફરી એ વાત કહેવી અનુચિત નહીં ગણાય. આધુનિક ભારતના જાણીતા ઇતિહાસકાર વિલયમ ડેલરિમ્પલ(William Dalrymple)નું ‘Nine Lives: In Search of the Sacred in Modern India’ નામનું એક સુંદર પુસ્તક છે. આમ તો ભારતીય પ્રજા જ્યાં મોક્ષ મળે એવી પુણ્યભૂમિની અને પવિત્ર વ્યક્તિની ખોજ કરતી રહે છે, પણ એ સાથે એ વ્યક્તિનાં મૂળ અને કૂળ તરફ નજર કરવાનું ભૂલતો નથી. એ પુસ્તકમાં નવ વ્યક્તિઓ વિષે વાત કરવામાં આવી છે જેમની એક વ્યક્તિનું નામ છે; લાલ પરી.
લાલ પરી સિંધ પાકિસ્તાનમાં આવેલ લાલ શાહબાઝ કલંદરની દરગાહમાં રહેતી હતી. દમા દમ મસ્ત કલંદરવાળી કવ્વાલી તમે સાંભળી હશે. એમ કહેવાય છે કે જેના પર લાલ કલંદરની મહેર થાય એ ન્યાલ થઈ જાય. ખાસ કરીને માનસિક વ્યાધિ ધરાવનારા લોકો ત્યાં મન્નત માગવા આવે છે. સાંજ પડે એટલે લોકો ત્યાં થતી ધમાલમાં ભાગ લેવા જમા થવા લાગે. ધમાલનો શબ્દિક અર્થ લેવાનો નથી. ધમાલ એટલે મસ્તી. પોતાની જાતને ભૂલી જવી અને ઈશ્વર સાથે એકાકાર થઈ જવું. દસ્તૂર એવો કે સાંજે લાલ પરી આવીને ડ્રમ પર ઠેકો મારે અને ધમાલ શરૂ થાય. એ પોતે તો ગણતરીની મિનિટોમાં બીજી દુનિયામાં જતી રહે. બીજા લોકોને પણ એવો અનુભવ થવા લાગે. લોકોને લાલ પરિમાં સાક્ષાત લાલ કલંદરનાં દર્શન થવા લાગે. ઈશ્વરમાં એકાકાર થઈ ગયેલી એક તિતલી, એક પરી. એક પુણ્યભૂમિમાં એક પુણ્યાત્માની આંગળી પકડીને પુણ્ય ક્ષણનો અનુભવ અનેક લોકોએ કર્યો છે.
પણ એ બાઈને મૂળ અને કૂળ જોનારાઓએ ક્યારે ય સુખેથી જીવવા નહોતી દીધી.
લાલ પરીનો જન્મ ભારતમાં બિહારના, પણ બંગાળની સરહદે આવેલા એક ગામડામાં થયો હતો. જન્મે બિહારી, માતૃભાષા સ્થાનિક છાંટવાળી બિહારી અને ધર્મે મુસ્લિમ. બાપ પાસે થોડી જમીન હતી, ખેતી કરતો હતો અને બાળપણ બહુ સુખેથી વીતતું હતું, પણ એવામાં ભારતનું વિભાજન થયું. જે ગામમાં લાલ પરીનો પરિવાર રહેતો હતો એ ગામ ભારતમાં રહ્યું અને ગામની નદીના સામે કાંઠે પૂર્વ પાકિસ્તાન બન્યું. લાલ પરીના બાળમાનસમાં પ્રશ્ન થયો કે સામેનું ગામ અચાનક બીજો દેશ કેવી રીતે બની ગયો? એક સરખી ભૂમિ અને એક સરખા લોકો. એવું તે શું બન્યું કે એ બીજો દેશ બની ગયો! પણ એનો તેને બહુ જલદી જવાબ મળવાનો હતો. ગામના હિંદુઓએ લાગ જોઇને લાલ પરીનાં પરિવારને સતાવવાનું શરૂ કર્યું. બાપની હત્યા કરી, જમીન છીનવી લીધી અને પરિવારને પૂર્વ પાકિસ્તાનમાં ધકેલી દીધો. લાલ પરીને અને તેનાં પરિવારને નવેસરથી જિંદગી ગોઠવવાનું આવ્યું. આગળ જતાં લાલ પરીનાં લગ્ન થયાં, ફરીવાર જિંદગી ગોઠવાઈ ન ગોઠવાઈ અને પૂર્વ પાકિસ્તાનમાં આઝાદી માટેનું આંદોલન શરૂ થયું. ૧૯૭૧માં ભારતનાં વિભાજન વખતે હિંદુઓએ વેર વાળ્યું કારણ કે લાલ પરીનો પરિવાર મુસ્લિમ હતો અને ૧૯૭૧માં બંગાળી મુસલમાનોએ વેર વાળ્યું, કારણ કે લાલ પરીનો પરિવાર બિહારી હતો.
મુસ્લિમ હોવું એ પણ પાપ અને બિહારી હોવું એ પણ પાપ. માટે વિલિયમ ડેલરિમ્પલે કહ્યું છે કે ભારતની મોક્ષાર્થી પ્રજા મૂળ અને કૂળ જોવાનું ચૂકતી નથી. ખેર, લાલ પરીને ફરી ઉચાળા ભરવાનો વખત આવ્યો. બંગાળી મુસલમાનોએ લાલ પરીના બિહારી મુસલમાન પતિને મારી નાખ્યો. વાંક એટલો જ કે તે બંગાળી નહોતો અને જે બંગાળી ન હોય તેની દેશ પ્રત્યેની વફાદારી શંકાસ્પદ હતી. તેનાં પરિવારનાં બીજાં કેટલાંક લોકોની પણ હત્યા કરવામાં આવી. લાલ પરીને કહેવામાં આવ્યું કે જીવ વહાલો હોય તો બંગલાદેશ છોડીને જતી રહે. પરાણે ઉખેડી નાખવામાં આવેલા બિહારી મુસલમાનો ભરતમાં પાછા આવી શકે એમ નહોતા, કારણ કે તે “વિદેશી” હતા. વિદેશીમાં પણ મુસલમાન અને એ પણ પાકિસ્તાની. લાલ પરી રાતનાં અંધારામાં ચાલીને છૂપાતા છૂપાતા ભારતની ભૂમિમાંથી થઈને પાકિસ્તાન પહોંચી. સંસારમાં રસ તો બાળપણથી જ નહોતો, હવે ઈશ્વરભીરુ સમાજની નિર્દયતા જોઇને જરા ય ન રહ્યો.
પાકિસ્તાનમાં કોઈ ઓળખીતું નહોતું. એ જમીન સાવ અજાણી હતી. હવા પાણી અને વનરાજી અજાણ્યાં હતાં. ભાષા, પહેરવેશ, રીતિરિવાજ બધું જ અજાણ્યું હતું; પણ હવે એ તેની ભૂમિ હતી કારણ કે તે પાકિસ્તાનની હતી. નાગરિકત્વનો સ્ટેમ્પ તેનાં મૂળ અને મૂળનાં પરિવેશ કરતાં પ્રબળ હતો. જો કે નાગરિકત્વનો સ્ટેમ્પ પ્રબળ તો હતો, પણ અંતિમ નહોતો. એમ તો એ થોડાં સમય પહેલાં સત્તાવાર રીતે પાકિસ્તાની મુસ્લિમ હતી, પણ એ ઓળખ ક્યાં કામમાં આવી હતી. શી ખબર આવતીકાલે મૂળ અને કૂળ શોધનારાઓ શોધી કાઢે કે આ બાઈ મૂળમાં ભારતીય મુસ્લિમ (મોહાજીર) છે, પાછી બંગલાદેશથી આવી છે એટલે ભરોસાપાત્ર નથી. જે અલ્લાહની જગ્યાએ ખુદા બોલે તેનું મુસ્લિમપણું જો શંકાસ્પદ ગણાતું હોય અને તેને અધૂરો મુસલમાન માનીને તિરસ્કાર કરવામાં આવતો હોય તો આ તો સાવ નોખી.
લાલ પરીની જિંદગી ઓળખના આધારે કરવામાં આવેલી સતામણીની દાસ્તાન છે. હવે ઉંમર થઈ ગઈ હતી અને પરિવારમાં પોતાનું કહી શકાય એવું કોઈ બચ્યું પણ નહોતું એટલે લાલ પરી લાલ કલંદરની દરગાહમાં શાહબાઝનાં ચરણોમાં બાકીની જિંદગી વિતાવવા જતી રહે છે. ગણવા બેસો તો જિંદગીએ દુશ્મનો તો ઘણાં આપ્યાં હતાં, પણ લાલ પરી હવે પ્રેમના પંથે નીકળી પડી હતી. ડ્રમ પર ઠેકો મારે અને ટ્રાન્સમાં જતી રહે. એ ગદગદ કરી મૂકે એવું દૃશ્ય જેણે જોયું છે એ લોકો પોતાને ધન્ય માને છે.
માટે બીજાનાં મૂળ અને કૂળ જોનારાઓને, બીજાના દેશપ્રેમને અને વફાદારીને ત્રાજવે તોળનારાઓને, બીજાનાં ઘરમાં ડોકિયાં કરનારાઓને મારી હાથ જોડીને વિનંતી છે કે આ ધંધો બંધ કરો. તમે આમ કરીને ઈશ્વરના ગુનેગાર બની રહ્યા છો.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 ઑગસ્ટ 2024